ત્રીસ વરસની ઉંમર કેટલા વરસો પહેલા પસાર થઈ ગઈ એ યાદ કરવાનો પણ જેને ત્રાસ વરતાય એવા કોઈ કુંવારા યુવાનને આપ કદી મળ્યા છો? એની તકલીફ સમજવાનો પ્રયત્ન કર્યો છે?
આ નવલકથામાં આપનો ભેટો એવા જ એક યુવાન સાથે થવાનો છે. અહીં વાર્તાના નાયક આશુતોષની લગ્ન કરવાની ઇચ્છા નથી એવું નથી, એ તો પરણવા તલપાપડ છે પણ, જેને જોતા જ લગ્ન કરવાની ઇચ્છા જાગી જાય એવી કોઈ લાયક કન્યા એને બિચારાને મળી નથી રહી...
સફળ કારકિર્દી ધરાવતા, લગ્ન-ઇચ્છુક અને મુંબઈ જેવા શહેરમાં એકલા રહેતા આશુતોષને રાત્રે દોઢ વાગ્યે એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવે છે. આશુતોષ પહેલાં તો એ મેસેજ અવગણે છે પણ પછીથી એની એ અજાણ્યા નંબર વાળી વ્યક્તિ સાથે મેસેજ રૂપે જ વાતો ચાલું થાય છે. એ મેસેજ મોકલનારનું નામ નિર્ઝર છે એના સિવાય આશુતોષ પાસે એને વિશે બીજી કોઈ માહિતી નથી. એ નિર્ઝર વિશે વધારે જાણવા પ્રયત્ન કરે છે ને મારી નવલકથા આગળ વધતી જાય છે.
આખરે કોણ છે આ નિર્ઝર અને એ આશુતોષ પાસેથી શું ઈચ્છે છે?
આ નવલકથામાં આશુતોષને જે ટાસ્ક્સ આપવામાં આવ્યા છે એને અનુસરવાથી બીજા લોકોનું જીવન પણ બદલાઈ શકે?
તમે વોટ્સેપ મેસેજ દ્વારા આગળ વધતી હોય એવી નવલકથા વાંચી છે?
ધારો કે એક સુંદર, સુશીલ અને દરેક વાતે હોશિયાર એવી છોકરી તમારા જીવનમાં આવે, તમે એનાં અને એ તમારા પ્રેમમાં પડી જાય, તમે એની સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાઓ અને પછી ખબર પડે કે એ છોકરી થોડીક ગરબડ છે તો?
આ બધા જ સવાલોના જવાબ જાણવા તમારે આ આખી નવલકથા વાંચવી રહી. અહીં સ્કૂલ ટાઇમ ક્રશ સાથે મેચ્યોર ઉંમરે થતા રોમાંસની વાત આલેખવા મેં પ્રયાસ કર્યો છે. આપને આ સ્ટોરી કેવી લાગી એ વિશે મને જરૂરુથી જણાવશો.
આ નવલકથા પુસ્તક રૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. આપ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી એ ખરીદી શકશો.
આ નવલકથા કોપી રાઇટથી સુરક્ષિત છે. એના કોઈ પણ ભાગનો ક્યાંય પણ, કોઈ પણ રીતે ઉપયોગ કરતા પહેલા મારી મંજૂરી લેવી જરૂરી છે.
ઓકે, તો આપ અપની ખુરસી કી પેટી બાંધ લીજીયે ઔર તૈયાર હો જાએ..., આશુતોષ અને નિર્ઝરની આસપાસ ફરતી, આપને વિચારતા કરી દે, હવે આશુતોષનું શું થશે એ જાણ્યા વગર ચેન ન પડે એવી એક દમદાર નવલકથા આપના માટે તૈયાર છે. બાકી બધું કામ થોડીવાર બાજુએ મૂકીને ‘11 ટાસ્ક્સ’ વાંચવા બેસી જાઓ...
- નિયતી કાપડિયા “નિર્ઝર”
પ્રકરણ 1
“હેય આશુતોષ...
કેમ છે તું?
જમી લીધું કે હજી બાકી છે?”
આશુતોષના વોટ્સએપ પર રાતના મોડેથી એક અજાણ્યા નંબર પરથી આ મેસેજ આવ્યો હતો ને એ વિચારમાં પડી ગયો હતો.
કોણ હશે આ? એક તો એ વ્યક્તિનો નંબર સેવ નહોતો અને એણે પોતાનું નામ જણાવ્યા વગર એવી રીતે વાત કરી હતી જાણે એ આશુતોષને વરસોથી ઓળખતી હોય.
“જમી લીધું કે હજી બાકી છે?"
આજ વરસો બાદ કોઈએ એને આ સવાલ પૂછ્યો હતો. પહેલા આશુતોષ એની મમ્મી સાથે વાત કરતો ત્યારે એ અચૂક પૂછતી, “જમી લીધું બેટા?” એ લાગણીમય સંબંધ વચ્ચેનો પુલ તૂટ્યાને ઘણો વખત થઈ ગયો હતો. હવે એને આવું કોઈ નહોતું પૂછતું. એવું પૂછનાર કોઈ હતું પણ નહીં, તો પછી આ મેસેજ!
કોણ હશે આ? જવાબ આપું?
એણે મોબાઈલમાં સમય જોયો. રાતનો દોઢ વાગ્યો હતો. એણે નેટ બંધ કરી ફોન બાજુમાં મૂક્યો. ટેબલ પર જ કોણીથી વાળીને મૂકેલા એક હાથ પર બીજો હાથ ગોઠવી એની પર માથું મૂકી એ ઊંઘી ગયો.