Vrushali books and stories free download online pdf in Gujarati

વૃશાલી(કર્ણ ની અર્ધાંગિની) ?પ્રકરણ – 7? મંગળ મિલન નો ભવ્ય સમારંભ ?લેખકા VISHAKHA BHATT

🌺 વૃશાલી 🌺

પ્રકરણ – 7

🌺 મંગળ મિલન નો ભવ્ય સમારંભ 🌺

લેખક
VISHAKHA BHATT

અંતે સપ્તમી નું પ્રભાત થયું.
બંને ગૃહમાં સવારથી જ ચહલપહલ હતી. વૃશાલી ના ગૃહે આજે અધીરથજી ને ત્યાં લઈ જવાની ભેટ સોગાદ તૈયાર થતી હતી સાથે આવનારા સગા ની રાહ જોવાતી હતી ..વૃશાલી ને બધી સખી ઓ ને બોલાવી ને પોતાનો આખો ખંડ વસ્ત્ર આભૂષણ થી ભરી મૂક્યો હતો વારવાર સખી ઓ ને કહેતી કે આજે મને ખાસ તૈયાર કરજો સખી ઓ હસતી કે વાહ તારો રાધેય તો છે નહીં આજે કેમ આટલા શણગાર સજવા છે ??અને સખી ઓ માં હસી મજાક ચાલુ થઈ જતી.   

આજે ખાસ અતિથિ ઓ આવવાના હોવાથી રાધામા વહેલી સવારથી તૈયારીઓમાં લાગી ગયાં હતાં.
આંગણું સાફ કરીને લીંપવામાં આવ્યું હતું, દ્વાર પર તોરણ બાંધાયું હતું અને સાથિયો પૂરવામાં આવ્યો હતો. મહેમાનો માટે સ્વચ્છ આસનો પાથરી દેવામાં આવ્યાં હતાં.
રસોઈ ઘર માં ચુલાઓ સળગી ઊઠ્યા હતા. દાળ, શાક, મિષ્ટાન્ન અને અનેક પકવાનો બનવા લાગ્યા હતા. ઘીમાં તળાતા પકવાનોની સુગંધ અને વાસણોના ખણખણાટથી આખું ગૃહ ઉત્સવમય બની ગયું હતું.
રાધામા વારંવાર રસોઈ ઘર માં જઈને પૂછતાં,
“બધું સમયસર તૈયાર થઈ જશે ને?”
કામ કરતી સ્ત્રીઓ હસીને કહેતી,
“હા રાધામા, તમે ચિંતા ન કરો.”
ગૃહમાં આનંદનું વાતાવરણ હતું, છતાં રાધામાના મનમાં ચિંતા હતી. અધીરથ તેમની સ્થિતિ સમજી રહ્યા હતા, પરંતુ સતત આવનજાવનને કારણે એકાંતમાં વાત કરવાનો મોકો મળતો નહોતો.
અંતે તેઓ રાધામા પાસે ગયા.
“રાધા, જરા કર્ણના ખંડમાં જઈને જોઈએ?એ શણગાર્યો છે કે નહીં??? આજે વૃશાલી અને એના માતાપિતા એ ખંડ પણ જોવા આવશે.”
રાધામાએ ધીમેથી માથું હલાવ્યું.
કર્ણનો ખંડ પણ સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો. દાસીઓ ત્યાં કામ કરી રહી હતી. અધીરથે તેમને કહ્યું,
“તમે થોડા સમય માટે બહાર જાઓ. આંગણાની ફૂલોની સજાવટ અને રંગોળી પૂરી કરો, પછી અહીંનું કામ કરજો.”
દાસીઓ બહાર નીકળી ગઈ.

 અધીરથે કમાડ બંધ કરીને રાધામાનો હાથ પકડી લીધો.
“રાધા, બેસ.”
 રાધા માં એ કહ્યું “બહાર કેટલી તૈયારી ચાલે છે, હું કેવી રીતે બેસું?” અધીરથે હળવે થી રાધા નો હાથ પકડી ને ગાંભીર્ય થી કહ્યું 
“રાધા… બેસ.”
તેમના દૃઢ સ્વરે માં એવું કંઈક હતું કે રાધામા શાંતિથી બેસી ગયાં.

અધીરથે કહ્યું,
“હું જાણું છું કે તું ચિંતિત છે, પરંતુ શાંત થઈ જા સૂર્યદેવ, તુલસીમાં, મા અંબા અને શિવશંભુ આપણી રક્ષા કરશે. મા ગંગાએ જ આપણને આ બાલક આપ્યો છે, તો એ પણ તેની રક્ષા કરશે.
કર્ણ અને વૃશાલી નો સંબંધ જોવિધાતાએ સ્થાપેલો હશે તો એ સંબંધ આપણે કેવી રીતે તોડી શકીએ?કે કોઈ પણ કેવી રીતે તોડી શકે ??? 

કર્ણના જન્મની કથા અધૂરી છે, પણ જાણીતી તો છે જ . બસ આપણે માત્ર તેને પૂર્ણ સત્ય સાથે કહેવાની છે.

 બાકી ઈશ્વરની ઈચ્છા બલિયસી.”
રાધામાની આંખોમાં આંસુ આવી ગયા.
“હા સ્વામી, ઈશ્વર ઈચ્છા બલિયસી હશે.
 પણ મને ભય છે કે કર્ણની ભાગ્યવિધાતા અને ઈશ્વરની ઈચ્છા એકબીજાની વિરુદ્ધ ન જાય.”

અધીરથે શાંતિથી કહ્યું,
“રાધા, કર્ણ જન્મ થી જ સામાન્ય બાળક નથી. તે અસાધારણ સામર્થ્ય અને કુશળતા ધરાવે છે. બાળપણથી જ તેની અંદર અદભુત ધૈર્ય, એકાગ્રતા અને શસ્ત્રવિદ્યાની પ્રખર પ્રતિભા આપણે જોઈ જ છે , શસ્ત્રવિદ્યામાં જ નહીં, પરંતુ ઘોડેસવારી, રથસંચાલન અને યુદ્ધની નીતિમાં પણ તેણે અસાધારણ પ્રાવિણ્ય મેળવ્યું છે. 
અર્જુન જેવા પ્રખ્યાત ધનુર્ધરને ખુલ્લો પડકાર આપવાની હિંમત પણ કર્ણે જ બતાવી હતી ને???. તે દિવસે સમગ્ર સભા તેની પ્રતિભા અને પરાક્રમથી ગુંજી ઊઠી હતી. રાજકુમાર દુર્યોધને તેનું સામર્થ્ય જોઈ ને તેને અંગ રાજ બનાવ્યો છે ..રાજગાદી તેને તેના સામર્થ્ય થી મળી છે........ ને
વૃશાલીના માતા-પિતાએ પણ એ જોયું જ હશે. સમગ્ર આર્ય વ્રત માં વૃશાલી માટે કર્ણથી યોગ્ય પુરુષ બીજો કોણ છે?
તું મા છે, તેથી ચિંતિત છે; પણ અંગરાજની માતા તરીકે ગૌરવ પણ રાખ. 

આપણે બધું સત્ય જ કહીશું પરંતુ કોઈ પણ ડર કે ભાવિ ના ભય કે સંકોચ વિના.”


રાધામાના મનમાં આટલી વાત થી જ આશા જાગી ગઈ 
. તેને થયું જ્યારે કર્ણ એ અર્જુન જેવા શ્રેષ્ઠ ધનુર્ધર ને પડકાર આપ્યો ત્યારે ગુરુ દ્રોણ એ મનાઈ કરી નહીં તો વિધાતા જાણે કર્ણ પણ જીતી ગયો હોત ???

 રાધા ને કર્ણનું સામર્થ્ય, અર્જુનને આપેલો પડકાર અને અંગરાજ બનવાની તેની સિદ્ધિ યાદ આવી. 

અધીરથ સાચું કહે છે . હવે તે કર્ણ વિશે ગૌરવથી જ વાત કરશે.
તેમની આંખોમાં ચમક આવી અને હોઠ પર હળવું સ્મિત ફરક્યું.


અધીરથે કહ્યું,
“બસ, આજ !!!!! મને મારી અસલ રાધા જોઈએ છે. તું તારું રાધેય ની માતા હોવા નું માતૃત્વ જાળવજે અને અંગરાજની માતા હોવાનું ગૌરવ પણ. આપણે બંને સાથે રાખીને વાત કરીશું.”


એટલામાં દ્વારપાળ દોડતો આવ્યો.
“રાધામા, દેવી વૃશાલી અને તેમના માતા-પિતા પધારી રહ્યા છે.”
બંને આનંદથી દ્વાર તરફ ગયા. થોડા જ સમયમાં રથ આવીને ઊભો રહ્યો. વૃશાલીના માતા-પિતા નીચે ઊતર્યા અને સેવકો મિષ્ટાન્ન, ફળો તથા ઉપહારોની ટોપલીઓ લઈને પાછળ આવ્યા.
રાધામાએ પૂછ્યું,
“વૃશાલી નથી આવી?” એમણે ચિંતિત નજરે અધીરથજી તરફ જોયું બધી વાત તો વૃશાલી સમક્ષ જ કરવા ની હતી ને????

વૃશાલીની માતા હસ્યાં.
“એ તો આવે જ છે. આજે તૈયાર થવામાં જ વ્યસ્ત છે. કેટલાંય વસ્ત્રો અને આભૂષણો બદલી ચૂકી છે. સખીઓને વારંવાર પૂછે છે કે શું પહેરવું.”
વૃશાલીના પિતા હસતાં હસતાં બોલ્યા,એ તો હોય જ ને દેવી??
“આજે પ્રથમ વાર પોતાના શ્વસુરગૃહે આવે છે, એટલે ઉત્સાહ તો હોય જ.”અને બધા હસી પડ્યા....અંદર વિશ્રામગૃહ માં જતા હતા ત્યાં જ.....
થોડી વાર પછી દ્વારપાળે ફરી સમાચાર આપ્યા,
“માતા, વૃશાલી દેવી પધાર્યા છે.”
વૃશાલી આજે જાણે પોતાના સૌંદર્યની સંપૂર્ણ છટા લઈને આવી હતી. આછા ગુલાબી રંગની કંચુકી પર ઝીણું સુવર્ણ કામ શોભતું હતું અને તેના ઉપર જાંબુડિયા રંગની પાતળી ઓઢણી માથા પરથી ઢળીને ખભા પર શોભી રહી હતી. 

તેના વિશાળ નયનોમાં આછી કાજળની રેખા હતી અને નયનો લજ્જાથી ઢળેલા હતા.
તેના કપાળ પર રત્નજડિત માંગ ટીકો શોભતો હતો, જેના મધ્યમાંનું નાનું ગુલાબી તેજસ્વી રત્ન તેના મુખની કાંતિને વધુ નિખારી રહ્યું હતું. 
કાનમાં ઝૂલતાં રત્નજડિત કુંડળો હળવેથી હલતાં હતાં. 
ગળામાં મોતી અને રત્નોથી ગૂંથાયેલો સુંદર હાર તેની ગરદન પર અદભુત શોભા પાથરી રહ્યો હતો. હાથમાં રત્નજડિત કંગણો, બાવડામાં સુંદર બાજુબંધ અને આંગળીઓમાં નાજુક રત્નજડિત વીંટીઓ શોભી રહી હતી.
 કમર પરનો રત્નજડિત કટિબંધ તેના વસ્ત્ર પર જાણે સુવર્ણરેખા સમો ઝળહળી રહ્યો હતો.

તેના લાંબા, કાળા નિતંબ ને સ્પર્શતા કેશ સુંદર રીતે ગૂંથેલા હતા અને તેમાં ગૂંથેલા સુગંધિત પુષ્પો તેની દરેક હિલચાલ સાથે હળવેથી ઝૂલી રહ્યા હતા. 

તેણે પોતાનું ઘેરદાર વસ્ત્ર બને હાથે હળવે થી પકડી રાખ્યું હતું તેના પગ માં પહેરેલા વેઢ વીંટી અને નાજુક પાયલ અને ઝાંઝરના મધુર રણકાર સાથે તેની લયબધ્ધ ચાલ, તેના મુખ પરની લજ્જાભરી લાલીમા અને હોઠ પરનું હળવું સ્મિત જોઈ ને એવું લાગતું હતું કોઈ અપ્સરા અવની પર ભૂલી પડી હોય........
આજે વૃશાલી માત્ર સુંદર દેખાતી નહોતી. ..
તેના સમગ્ર વ્યક્તિત્વમાં એક નિર્મળતા અને શીતળતા અને સંસ્કારની છાપ હતી, જે તેની સુંદરતાથી પણ વધુ મનમોહક હતી. 

રાધામાની નજર તેના પરથી હટતી જ નહોતી; તેમને ક્ષણભર માટે લાગ્યું કે જાણે કોઈ દિવ્ય કન્યા તેમના દ્વારે તેના કર્ણ નું સૌભાગ્ય બની ને આવી હોય.
પહેલી વાર વૃશાલી તેમને મહેમાન નહીં, પરંતુ પોતાના ગૃહમાં આવનારી વહુ તરીકે દેખાઈ. કર્ણ માટે આવી સુંદર અને સંસ્કારી યુવતી મળવાની કલ્પનાથી તેમના હૃદયમાં ગર્વ અને મમતા છવાઈ ગયાં.
તેમણે મનમાં પ્રાર્થના કરી,
“ઈશ્વર, જો આ સંબંધ તારી ઈચ્છાથી બંધાયો છે, તો આ દીકરીને મારા ગૃહમાં હંમેશાં સુખ આપજે.”
રાધામાએ પ્રેમથી વૃશાલીને હૃદયસર લગાવી.
“આવ દીકરી…”
વૃશાલીએ ચરણસ્પર્શ કર્યા. રાધામાએ તેના માથા પર એક માં ની મમતાથી હાથ મૂક્યો.


થોડી વાર સૌ વાતચીત કરતા રહ્યા. વૃશાલીના માતા-પિતાએ લાવેલા ઉપહારો રાધામા અને અધીરથ જી એ પ્રેમથી સ્વીકાર્યા. 
પછી ભોજનનો સમય થયો. આંગણામાં આસનો પથરાયા જળપત્રો મૂક્યા અને દાસીઓએ ભોજન પીરસ્યું.
વિવિધ શાક, દાળ, ભાત, મિષ્ટાન્ન અને ફળોથી ભરપૂર ભોજન પીરસાયું.
વૃશાલીની માતા બોલ્યાં,
“રાધા, તમે તો બહુ સરસ તૈયારી કરી છે.”

રાધા બોલ્યા “આજે તમે સૌ મારા ગૃહે આવ્યા છો. તમારા માટે એટલું તો કરવું જ પડે.”

અધીરથ હસીને બોલ્યા, અરે “રાધાએ સવારથી અમને પણ શાંતિથી બેસવા દીધા નથી. દરેક વાતમાં કહેતી હતી—આ ઓછું ન પડે, પેલું બરાબર હોવું જોઈએ.”એમણે બધા ને દોડાવ્યા છે આજે તો.....
ભોજન દરમિયાન વાતાવરણ હળવું રહ્યું. વડીલો જૂના પ્રસંગો યાદ કરતા હતા અને સ્ત્રીઓ ઘરગથ્થુ વાતો કરતી હતી. વૃશાલી શાંતિથી સાંભળતી અને ક્યારેક સ્મિતથી જવાબ આપતી. ક્યારેક શરમાતી...... રાધામાના મનની ગૂંચવણ હવે ઓછી થઈ ગઈ હતી. તેમને લાગ્યું કે આ માત્ર બે પરિવારોની મુલાકાત નહીં, પરંતુ નવા સંબંધની શરૂઆત છે.
ભોજન પછી સૌ આંગણામાં બેઠા. વાતચીત ધીમે ધીમે સંબંધ તરફ વળી.
રાધામા બોલ્યાં,
“વૃશાલી આવી એટલે ઘરમાં રોનક વધી ગઈ.”
વૃશાલીની માતા હસ્યાં.
“રોનક તો તમારી વહુ બન્યા પછી જ વધશે.”
વૃશાલીએ લજ્જાથી માથું નમાવ્યું. 
અધીરથ અને વૃશાલીના પિતા હસ્યા.
“આજે સવારથી જ વૃશાલી કેટલી ઉત્સાહિત છે એવું લાગે છે,” અધીરથે કહ્યું.

વૃશાલીના પિતા બોલ્યા, ઉત્સાહિત?? અરે તમે તેની સહેલી ઓ ને. પૂછો ???
“તૈયાર થવામાં તો આખું ગૃહ માથે લીધું હતું.”
માતાએ ઉમેર્યું,
“વસ્ત્રો અને આભૂષણો વારંવાર બદલ્યાં. સખીઓને પણ એક પછી એક વસ્તુ બતાવતી રહી.”
બધા ખડખડ હસી પડ્યા.
વૃશાલીએ શરમાઈને કહ્યું,
“મા, તમે પણ બધાની સામે મારી વાતો કરો છો!”
રાધામા હસ્યાં.
“એમાં શરમાવાની શું વાત છે દીકરી? તારો આનંદ જોઈને અમને પણ આનંદ થાય છે.”
થોડી ક્ષણ પછી અધીરથે વૃશાલીના પિતા તરફ ગંભીરતાથી જોયું.
“એક વાત આજે કરવી જ રહી. આપણે માત્ર ભોજન માટે ભેગા થયા નથી. આપણા બાળકોના જીવનનો પ્રશ્ન છે, તેથી જે વાત કરવી છે તે ખુલ્લા મનથી અને સત્ય સાથે કરવી જોઈએ.”
વૃશાલીના પિતાએ માથું હલાવ્યું.
“અવશ્ય. અમને પણ એ જ યોગ્ય લાગે છે.”
વૃશાલી ચૂપચાપ બંને તરફ જોઈ રહી હતી. રાધામાની આંખોમાં હવે ચિંતા નહોતી—માત્ર મમતા અને ગૌરવ હતું.
અધીરથે રાધામા તરફ જોયું. રાધામાએ ધીમેથી માથું હલાવ્યું.
હવે એ વાત કહેવાનો સમય આવી ગયો હતો, જેના માટે સવારથી આખું ગૃહ રાહ જોઈ રહ્યું હતું… અધીરથે કહ્યું પરંતુ આજે સવાર થી રાધેય ની માતા એ આખું ઘર શણગારવા માં બધા ને હેરાન કરી નાખ્યા છે તો એ જોઈ આવીએ ?????

વૃશાલી ના પિતા એ ઈશારો સમજી ગયા એમણે કહ્યું હા હા કેમ નહી?ચાલો પછી કહ્યું વૃશાલી પણ આવે કે ??? અધિરથ જી પણ એમની પૃચ્છા સમજી જતા બોલ્યા હા હા એજ તો અહીં ની ગૃહલક્ષ્મી બનવા ની છે ને એના વગર આ સજાવટ નો આનંદ કોણ લેશે??અને બધા હસતા હસતા આખું ગૃહ જોવા ગયા.......

                      ક્રમશઃ 

II અસ્તુ ll
VISHAKHA BHATT
HCG HOSPITAL 
CARDIAC CO ORDINATOR 
BHAVNAGAR

આ પ્રકરણ તમને કેવુ લાગ્યું તે જણાવશો
સુંદર. ❤️
સારી. 👍
ઠીક. 🙏🏻
રીએકશન આપી ને જરૂર જણાવશો જી....

Share

NEW REALESED