Satme Pagle books and stories free download online pdf in Gujarati

સાતમે પગલે

‘સાતમે પગલે’

આજે વાત કરવી છે એક અનોખા બંધનની જે બાંધવા જતાં છૂટી જાય છે અને છૂટ્ટુ મુકો તો સરળતાથી બંધાઇ જાય !આ બંધન એટલે લગ્નનું બંધન.લગ્ન વિશે દુનિયાભરના હાસ્યલેખકો એ ચિક્કાર લખ્યું છે.લગ્ન વિશે અઢળક સંશોધનો થયા છે તો પણ તેને પૂરેપૂરો જાણી નથી શકાયો એવો આ કોયડો છે.લગ્નને એક બેડી કહેનારા લોકો જ હોંશેહોંશે ઘોડે ચડી જતાં હોય છે. આ લાકડાંનો લાડૂ એવો તો આકર્ષક છે કે ભલભલા એનો સ્વાદ ચાખ્યા વગર નથી રહી શકતાં. ખાનારા પણ પસ્તાય અને ન ખાનારા પણ પસ્તાય એવી આ વાનગી ભલભલાનાં દાંત ખાટા કરી નાંખે છે.મજાક બાજુ પર મુકીને વિચારીએ તો ‘લગ્નસંબંધ’ એટલે એવો સંબંધ કે જેની શરુઆત તો ધામધૂમથી થાય પરંતુ સમયની આંધીમાં લાગણીઓ નામશેષ થતી હોય એવું લાગે.શું ખરેખર એવું હોય છે? ચાલો તપાસીએ..

ક્યારેક જાતે શોધેલા તો ક્યારેક પરિવારે શોધેલા પાત્ર સાથે પરણી જવાતું હોય છે. પણ…જીવનસાથી બનવાની શરુઆત તો સુહાગરાત પછીની સવારથી થતી હોય છે ! આ એક અજીબોગરીબ પ્રેમદાસ્તાન છે. એક અનોખુ પ્રકરણ છે !!આ સંબંધ ઉલ્ટા ક્રમે ચાલે છે. આમાં તનગમતા થી શરુ થઇ મનગમતા થવા સુધીની સફર ખેડવાની હોય છે . અહીંયા હરણફાળે એકબીજાનાં દિલમાં સ્થાન નથી બનાવી શકાતું કાચબાની જેમ ધીમે ધીમે ભાંખોડિયા ભરતા ભરતા એકબીજાને ગમતાં થવાનું હોય છે.

‘ઇડરિયો ગઢ જીત્યારે…’કહીને એક છોડને આખેઆખો મૂળસોતો લઇ આવવાની ઘટના એટલે લગ્ન !એ છે રોપાય ફરીથી કોઇ અજાણ પ્રદેશની અજાણ માટીમાં…અજાણ્યુ પાણી..ને અજાણ્યો માળી !! ક્યારેક મરુભૂમિનો થોર કાશ્મીરના બગીચામાં…તો ક્યારેક દરિયાકિનારાની નાળિયેરી આસામનાં જંગલોમાં રોપાય.ક્યારેક ગુજરાતનો કેસૂડો રામેશ્વરમાં રોપાય તો ક્યારેક કેરાલાની એલચી રાજસ્થાનમા વવાય .અને તે પછી છોડનાં પુનઃજન્મની શરુઆત થાય છે.જે મળી તે માટીમાં કોળાવું અને જે મળ્યુ તે પાણી ને અનુરુપ થઇને વિકસતા જવું એ જ લગ્નજીવન !

‘તું મીંઢળ જેવો કઠણ ને હું નમણી નાડાછડી,
તું શિલાલેખનો અક્ષર ને હું જળની બારાખડી’

કહીને નમણી નાજુક વેલ…અડીખમ ધીરગંભીર વૃક્ષની આસપાસ વિકસતી રહે.જળની ચંચળ બારાખડી શિલાલેખ જેવાં સાથી પર પોતાની આગવી નકશી કરતી જાય.અનેક વિરોધાભાસો વચ્ચે પાંગરવા લાગે એક નાનેરી કૂંપળ.!જે સાથે ઉઠતાં-બેસતાં. ખાતાં-પીતાં,સૂતાં-જાગતાં…એકબીજાની ખામીઓ-ખૂબીઓને અપનાવતા અપનાવતા પાંગરતી રહે! એકને આંકડા સાથે પ્રેમ તો બીજાને અક્ષરો સાથે ! એક પ્રકૃતિને ચાહે તો એક આલિશાન બંગલાઓને ! એકને લોંગડ્રાઇવ ગમે તો એકને ચાર દિવાલો વચ્ચે બેસી રહેવું હોય ! એકને પંજાબી ફૂડ ભાવે તો એકને સાઉથઇન્ડીયન ! એક ફીલીંગ વ્યક્ત કરે ત્યારે બીજું સીલીંગ ને તાક્યા કરે :P ! એકને ફોન સાથે ભાઇબંધી તો બીજાને ટી.વી. સાથે ! એક બકબકીયું તો એક અબોલ ! કેટકેટલી વિષમતાઓ…તો પણ મળતાં જાય મનનાં મેળ.

ભલે ને બર્થડે, મેરેજડે કે વેલેન્ટાઇન ડે યાદ ન રહે તો શું છે ? ભલેને ગીફ્ટમાં હાથમાં હાથ અને આંખમાં આંખ નાંખી ગાળેલી એક સાંજ જ હોય માત્ર :) ! ભલે ને વરસના વચલે દિવસે પણ ‘I LOVE YOU’ ન કહેવાતુ હોય..પણ તેમ છતાં S.M.S. /Whatapp નાં જોડાણને છેડાછેડીનું જોડાણ અતિક્રમી જાય !

‘સાયબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની !’ કહેતી કહેતી એક કન્યા સાવ અજાણ્યા માણસને પોતાનો બનાવી લે. એનાં રંગરૂપને અપનાવીને એના જેવી થતી રહે !એ જ લગ્નજીવનની સાર્થકતા ખરું ને ? બાકી ગુલાબ ભલે રંગ, સુગંધ અને દેખાવમાં મેદાન મારી જતું હોય તો પણ એનાં કાંટાઓ સહેવાની તૈયારી સાથે જ લવિંગની વેલી એને વીંટળાતી હશે ને ! બાકી વિરોધાભાસ તો ક્યાં નથી હોતા? જો કે સ્ત્રીને નાનપણથી જ બીજાને અનુકૂળ થવાની ટ્રેનીંગ અપાતી હોય છે તેથી જે જોડાણમાં સ્ત્રી સમજદાર હોય છે તે સંબંધ અનેક મુસીબતો વચ્ચે પણ ટકી જતો હોય છે.

આમતો બધી જ નદીઓ ધસમસતી સાગર તરફ જ વહેતી હોય પણ સાગર અનેક પ્રકારનાં હોય…કોઇ એવો તોફાની કે એક જ છાલકમાં તરબતર કરી દે ! તો કોઇ ધીરગંભીર ..શાંત..અચલ..અગાધ…હળવેથી સમાવી લે પોતાનામાં ! કોઇ વળી ચંચળ. મસ્તિખોર…તો કોઇ સાવ છીછરો…સહેજ પગ બોળો ત્યાં તળિયું દેખાય તેવો. પરંતુ નદી તો નદી જ હોય છે. આ નદીમાં વહેતી હોય છે એક સંબંધ નામની નાવ….અને આ નાવ વિશે તો એવું પણ કહેવાય કે..

‘તરંગો થી રમી લે છે. ભંવરનું માન રાખે છે,
નહી તો નાવ પોતે સેંકડો તોફાન રાખે છે !’

લગ્ન વખતે સપ્તપદીનાં સાત પગલાં પતિપત્ની સાથે ચાલે છે.( કોઇ જગ્યા એ સાત ફેરા હોય છે. )છ પગલાં ચાલ્યા પછી સાતમા પગલે સ્ત્રી કહે છે
त्वं सखा सप्तमे जातः सखी भूतास्मि तेप्यहम्,
आजीव नाथ ! बद्धास्मि भूत्वमनुवर्तिनी.
અર્થાત્ ‘આપણે સાત પગલાં સાથે ચાલવાથી મિત્ર થયા છીએ, હવે હું સમગ્ર જીવન માટે આપની સાથે બંધાઇ છું ‘ કેવી અદ્ભૂત વાત ! પતિ -પત્ની માંથી મિત્ર બનવામાં આમ જુઓ તો માત્ર સાત પગલાંની જ સફર ને? પણ રસ્તો કેવડો લાંબો ! યહાં પે આતે આતે સૂખ જાતી હૈ કઇ નદીયા….અને અલબત..દરિયાઓ પણ સૂકાઇને રણ બની જાય!પરંતુ સાચો પ્રેમ તો સરસ્વતી નદી જેવો ગુપ્ત હોય છે અંદર અંદર વહેતો રહે ચુપચાપ અને સતત..બહાર દેખાય કે ન પણ દેખાય !કંટા, કાંકરા, ઠેસ, ઠેબાં. ઠોકર ખાતાં ખાતાં સાતમે પગલે પહોંચવાનું હોય છે.સહજીવન કંઇ માખણમાં ચલતી છરી જેવું નથી હોતું. સમય અને સંજોગોની તાવણીમાં તપ્યા પછી જ સોનું કુંદન બને છે.કંઇ કેટલાયે વળાંકોને પાર કરતાં કરતાં સાચી ડગર પર ચાલવાનું હોય છે.એકબીજાના ગમા-અણગમાને સમજીને તેને અનુરુપ થતાં થતાં સાથ નિભાવી જાણે છે તે સાતમે પગલે પહોંચી શકે છે.

તેરા સાથ હૈ તો મુજે ક્યા કમી હૈ,

અંધેરો સે ભી મિલ રહી રોશની હૈ.

કહીને એકબીજાના સુખે સુખી થઇને એકબીજાના દુખે દુખી થવાનું હોય છે. બાહ્ય દેખાવ કે સુંદરતા કદાચ એકાદ વર્ષ સુધી આનંદ આપી શકે બાકી સારો સ્વાભાવ અને મનનો મેળ જ આખી જીંદગી સાથે રહેવાનું બળ આપતો હોય છે.

સતત પ્રથમ પ્રેમનાં ઓછાયા સાથે જીવતી ‘ન હન્યતે’ નવલકથાની રૂ (અમૃતા) વિશે વાંચ્યું છે તમે ? ‘હમ દિલ દે ચૂકે સનમ’ ફિલ્મની નંદુ ( નંદિની) તો યાદ જ હશે આપને ! અને પેલી સિલસિલા ફિલ્મની ચાંદની યાદ છે ને ? પ્રથમ પ્રેમ ભલે ને લાજવાબ હોય, સ્વપ્નપુરુષનો સાથ ગમે એટલો લોભામણો હોય પરંતુ વાસ્તવિકતાને સ્વીકારે એજ તો ખરો પ્રેમ.મનગમતો સાથ ગુમાવ્યા પછી પણ નવેસરથી જીવનની શરુઆત કરી શકાય છે. એકને ચાહ્યા પછી પણ જેની સાથે સાત પગલાં ચાલ્યા હોય એને ચાહી શકાય છે.માત્ર પામવું એટલે પ્રેમ નહી પણ આપવું એટલે પણ પ્રેમ કહેવાય છે.

અને આ પ્રેમ આપીને પ્રેમ પામવાનું રહસ્ય જેમને સમજાયું એનો બેડોપાર ! અને એટલે જ તો ‘અમૃતા’ હોય કે ‘નંદિની’, કે પછી ‘ચાંદની’ પહોંચે..હેમખેમ આ સાતમે પગલે..કે જ્યાં પતિ સખા બની જાય છે !!. એક સમયે તો પતિ તરફથી આઝાદી પણ મળે કે ચાલ….તારા મનગમતા દરિયા પાસે હું જ લઇ જાઉ ,તારો પ્રથમ પ્રેમ પાછો અપાવી દઉ !! અને ત્યારે ઉતરે નંદિનીઓનું ‘ભૂત’…!!! પછી તો લાલચટ્ટાક સાડી, બંગડી, બીંદી, ચૂડી , સેંથામાં સજ્જ થઇ ને પતિને કહે કે…’પ્યાર કરના ઉનસે સીખા થા..પ્યાર નિભાના આપ સે સીખી હું’..અને ત્યારે…સાબિત થાય એ સાતમું પલગુ સખ્યનું !!

અગ્નિની સાક્ષીએ ધર્મ. અર્થ, કામના ફેરામાં પતિને આગળ કરતી સ્ત્રી ચોથા મોક્ષનાં ફેરામાં પોતે આગળ થાય છે…અને સાથે ચાલેલા આ સાત પગલાનો સંગાથ…સ્મશાનનાં અગ્નિ સુધી સાથ નિભાવી જાય છે ! આ કંઇ ગુલાબી ઘેન નથી કે દિવસ ઉગતાની સાથે જ ઉતરી જાય !! આ તો લાલઘૂમ પ્રેમ છે જે દિવસે દિવસે ઘેરો થતો જાય… :)

—પારુલ ખખ્ખર