Edustock-A SKit books and stories free download online pdf in Gujarati

Edustock-A SKit

Skit

(ફેડ આઉટ)

(કોલાહલનો અવાજ)

(ફેડ ઇન)

(ચાર પાંચ લોકો સતત ફોન પર વાતો કરી રહ્યા છે. લગભગ હાર્ટએટેક આવે એ હદે સ્ટ્રેસયુક્ત ચહેરા છે.)

(શેરબજારના માર્કેટ જેવો માહોલ)

૧- અરે હા, સિવિલમાં અત્યારે ૧૦ લાખ, ૩ હજાર બોલે છે. હજી એક બે અઠવાડિયામાં જુઓ તમે, ભાવ ૨૦-૨૫ એ તો પહોંચી જશે સાહેબ. ના ના,હમણાં ઉતાવળ ન કરો, હજી તો ઓપન થયું છે, એમ તરત થોડી તમે તમારી ૧૦ વેચી નાંખો? આરામ કરો સાહેબ. હજી તો તેલ જુઓ, તેલની ધાર જુઓ...

૨- અરે હા મારા સાહેબ, ઉંચો ભાવ છે એ વાત બરાબર છે. પણ તમે સમજો, આજે તમે બુકિંગ કરાવશો તો આગળ જતા ટેન્શન નહીં રહે ને? મિકેનીકલ એટલે સ્યોરશોટ ફ્યુચર. એક કામ કરો. આજે સાંજે આપણે મળીને બધું પ્લાનઆઉટ કરી દઈએ. અરે આપણે તો EMI પણ અવેઈલેબલ છે. બીડ તો અમે ક્વોટ કરાવશું. તમારે ખાલી તમારા આયોજનને વળગી રહેવાનું. આખરે તમે આટલા રૂપિયા નાંખો છો.

૩- હું શું કહું છું સાહેબ, એક કામ કરીએ, પહેલા તમે ૫૦ હજાર ભરી દો એટલે સીટ કન્ફર્મ થઇ જાય. પછી બાકીના તમારી અનુકુળતાએ કે પછી હપ્તે ય ચાલશે. આજે આ તમે તમારી જૂની ઇલેક્ટ્રોનીક્સ વેચી છે તો જુઓ, કેટલા ટકા રીટર્ન આવ્યું. અમારે ય ટેક્સ ભરવો પડે ને સાહેબ? આ તો ઇન્વેસ્ટમેન્ટ છે. પછી મળી જશે તમને વધુ રીટર્ન. અને આપણે તો વર્ષો જુનો સંબંધ છે યાર. મૌજ કરો તમે.

(અચાનક ફેડ આઉટ)

(ફેડ ઇન)

(નાયકનો પ્રવેશ) (ત્યાં બેઠેલામાંથી એક ને પૂછે છે.)

  • એ સાહેબ, મારે એડમીશન લેવું છે. જરા જુઓને સાહેબ કઈ રીતે બધી પ્રોસીજર થાય છે?
  • ૧-એ હા એક મીનીટ શાહ સાહેબ હું તમને શાંતિથી વાત કરું.એક બકરો-સોરી ઉમેદવાર છે. (ફોન મુકીને), હા ભાઈ બોલો? તમારે કોનું એડમીશન લેવાનું છે?

    નાયક- મારે. મારે પોતાને લેવાનું છે.

    ૧- એમ નહીં. ફોર્મ ભર્યું છે? ડોક્યુમેન્ટ વગેરે?

    નાયક- હજી કંઈ કર્યું નથી. માહિતી લેવા આવ્યો છું. મારું હાળું આ બધું સમજાતું નથી.

    ૧- એમ કહો ને યાર..શું ખોટો ટાઈમ બગાડો છો વાતો કરીને..અહિયાં હમણાં મારે સ્ટોક ડાઉન જશે તો ઓલો ડોહો મને ચોંટશે. આ લો બ્રોશર. વાંચી લ્યો અને પછી ફોર્મ લઈને આવો.

    નાયક- ફોર્મ ક્યાંથી લેવાનું સાહેબ?

    ૧- (મનમાં) જબરી ચીપકુ નોટ છે.-શું કીધું ફોર્મ? એ અહિયાં ન મળે. ઓનલાઈન મળે. હવે બધું ઓનલાઈન થઇ ગયું છે. શું છે સરકાર બધું ઓનલાઈન કરવા માંડી છે એટલે તમારે ઘેર બેઠા બધું થશે. આ બે નંબરની બારીએ ફોર્મ કઈ રીતે ભરવું એની સુચનાનું પેમ્ફલેટ મળી જશે. એ રાઠોડ સાહેબ, આ ભાઈને પેલું પેમ્ફલેટ આપો.

    નાયક-(બે નંબરની બારીએ) હા સાહેબ લાવો પેમ્ફલેટ.

    ૨- એમ નહીં, પહેલા રજીસ્ટરમાં તમારી વિગત ભરો. પછી પેમ્ફલેટ મળે. શું છે કે ડેટા ભેગો થાય તો કોઈક થર્ડ પાર્ટીને વેચીને અમે બે પૈસા કમાઈ શકીએ ને?

    નાયક- એટલે?

    ૨- કંઈ નહીં કંઈ નહીં ભાઈ. અમારે સરકારને ડેટા આપવો પડે. એટલે આ લ્યો પેમ્ફલેટ અને પીન નંબર. સાચવીને રાખજો, બાકી અમારે દોડાદોડ થઇ જશે. આ સરકાર બધાને કમ્પ્યુટર આપી દેતી હોય તો. એટલીસ્ટ અમારે તો શાંતિ.

    (અંદરથી અવાજ) એલા બધાને કમ્પ્યુટર આવડી જશે તો તારી નોકરી ને તારો પગાર કોણ આપશે?તારો કાકો? બેસને છાનોમાનો. બહુ ન જોયા હોય પાછા કરાર આધારિત ટેલેન્ટેડ માણસો...

    નાયક- સાહેબ આ ફોર્મ ભરવાનું કઈ રીતે?

    ૨- (અકળાઈને)તમને પેલા સાહેબે શું કહ્યું? પેમ્ફલેટ વાંચીને ઘરે કમ્પ્યુટર પર ભરવાનું. ઓકે? હાલો લાંચ-સોરી લંચ ટાઈમ. હવે ૨ કલાક પછી બારી ખુલશે. (ધડ અવાજ સાથે બારી બંધ.)

    (નાયક જાય છે.)

    (ફેડ આઉટ) (મ્યુઝીક)

    (સ્થળ: શિક્ષણ મંત્રીશ્રીનું કાર્યાલય,સ્વર્ણિમ સંકુલ-૧, સચિવાલય)

    (બધા આમથી આમ ફાઈલો સાથે દોડાદોડી કરી રહ્યા છે. બધાના ચહેરા ચિંતાતુર છે. કંઇક ન બનવાનું બન્યાની વાતાવરણમાં અસર છે.)

    ૩-(ફોનમાં) અરે યાર તમે ડેટા ચેક કર્યો? બરાબર ચેક કરેલો? આ મંત્રીશ્રી બગડ્યા છે. શું કહું યાર? એક કામ કરો, તમે લેપટોપ અને ડોન્ગલ સાથે આવી જાવ. અરે ડોન્ગલ ન હોય તો ગમે એ કોઈકનું લઇ લો. પણ જલ્દી અહિયાં એસ.એસ.-૧ માં આવો. હા રાહ જોઉં છું. નીકળો હો તમે. (ફોન ખિસ્સામાં મુક્તા) કોણ જાણે કેમ બધાને પાંચ વાગતામાં સચિવાલયમાંથી ભાગી જવું હોય છે? પગાર લેવા વખતે જ ૬.૧૦ એ નીકળવાનું? એય પાછો ૯૦ ૯૦ હજાર.

    ૪- શાહ સાહેબ, તમને મંત્રીશ્રી યાદ કરે છે. તમે વિગત લઈને આવ્યા?

    ૩- હેં, (થોડા ઝંખવાયેલા ચહેરે) હા બસ પાંચ મીનીટમાં આવે જ છે. એમાં શું છે સાહેબ કે વિગતો લેપટોપમાં છે. બધું તો સાથે લઈને ન ફરતા હોઈએને? બસ પાંચ મિનીટ.

    ૪- એક કામ કરો, તમે મંત્રીશ્રીને મોઢું બતાવી આવો એટલે એમને ધરપત થઇ જાય.

    ૩- હા ચાલો આવું છું.

    (મંત્રીશ્રીની ચેમ્બર. મંત્રીશ્રી હાથની અદબ વાળીને બેઠા છે. બાજુમાં ફાઈલોનો ઢગ પડ્યો છે.)

    અરજદાર- સાહેબ મારે કોલેજમાં પુરતો સ્ટાફ નથી. હું કમિશ્નર સાહેબને ય મળ્યો. પણ એ કહે છે કે આપની કક્ષાએથી થાય છે. એટલે આપને મળવા આવ્યો છું. મંગળવારે આપ બધાને મળો છો એટલે ખાસ ૩૦૦ કિલોમીટર અંતર હતું તોય વિદ્યાર્થીઓ માટે આવ્યો છું. કંઇક કરો ને સાહેબ, તો બિચારા વિદ્યાર્થીઓને ભણાવી શકાય. અત્યારે ક્લાર્ક કહો તોય હું, પટાવાળો કહો તોય હું જ છું.

    મંત્રીશ્રી- અરરર, પણ તમે કોલેજમાં વ્યાખ્યાતા સહાયક નથી રાખ્યા?

    અરજદાર- શું કહું સાહેબ? એ બધા આટલે દુર કોલેજમાં આટલા ઓછા પગારે આવવા તૈયાર નથી અને આવે એ ય કોઈક ઓળખાણથી તો કોઈ જેકથી બદલી કરાવીને જતા રહે છે. (ધીમેથી દાઢમાં) એક કડિયો ય દિવસની ૬૦૦ રૂપિયાની પાળી કરે છે, જેનો મહિનાનો સેલેરી એક નેટ/પી.એચ.ડી. વાળા કરતાં વધુ થાય. ભોજીયોભાઈ આવવાનો ત્યાં કુટાવા?

    (મંત્રીશ્રી ચોંકીને એમના પી.એ. તરફ જુએ છે. પી.એ. આડું જોઈ જાય છે.)

    મંત્રીશ્રી-એક કામ કરો, તમે આ કમિશ્નરને મળી લો. એ કરશે. અને શાહ સાહેબ, તમે મહેકમમાં જોવડાવી લો.

    ૩- જી સાહેબ. એ મને પહેલા જ મળી ગયા છે પણ હવે ત્યાં કોઈ જવા તૈયાર નથી તો શું કરીએ સાહેબ?આપ સાહેબ કંઈ નિર્ણય લો તો...

    મંત્રીશ્રી- જુઓ, આવા પ્રશ્નો સ્થાનિક લેવલ પર જ સોલ્વ કરી લેવાના હોય. ઠીક છે. કરીશું કંઇક. હવે શાહ સાહેબ, આપણે મીટીંગ શરુ કરીએ? વિગતો આવી ગઈ? હા ભાઈ, તમારો નિવેડો લાવી દઈશું.

    અરજદાર - આભાર સાહેબ.ખુબ ખુબ આભાર. (જાય છે.)

    મંત્રીશ્રી- ભાઈ, આ શું થઇ રહ્યું છે? કેમ આપણી સીસ્ટમ આવી થઇ ગઈ છે? મારા વિસ્તારની કોલેજોના સ્ટોક ડાઉન? કઈ રીતે શાહ સાહેબ?

    ૩- સાહેબ એમાં એવું છે કે આ સીસ્ટમ આપણે કોન્ટ્રાક્ટ આપીને બનાવડાવી છે. ભલે એનું મોનીટરીંગ અમદાવાદથી જ થાય છે પણ હવે આ તો ટેકનીકલ વસ્તુ છે. એમાં આવી જાય ક્યારેક ફોલ્ટ. તપાસ બે દિવસથી ચાલુ છે પણ આવડી મોટી સીસ્ટમમાં ટ્રેસ કરતા વાર લાગે ને સાહેબ. આ જો અમારે સરવૈયાભાઈ આવી ગયા છે. સાહેબ, એ દિન-રાત મોનીટરીંગ કરી રહ્યા છે. અનેક બંધ થવા આવેલી કોલેજોના સ્ટોક રાતોરાત ઉચકાયા છે, મોટી મોટી કોલેજોના બહુ ભાવ વધે નહીં એ માટે કડક નિયંત્રણો મુક્યા છે.

    હું આપને સમય હોય તો પાંચ મિનીટમાં આખી સીસ્ટમ આ પીપીટીથી સમજાવું.

    (મ્યુઝીક)(ફેડ આઉટ)

    (ફેડ ઇન)

    (નાયક ફરીથી કચેરીએ જાય છે.)

  • સાહેબ આ ફોર્મ નો પીન નંબર સીસ્ટમ લેતી જ નથી.
  • ૧- શું કીધું? નથી લેતી? પીન નથી લેતી?

    નાયક- હા સર. મેં ચાર અલગ અલગ જગ્યાએથી ટ્રાય કરી જોઈ. જુઓ તમે, સીસ્ટમ આ પીન નંબર નથી લેતી. કદાચ ખોટો લાગે છે.

    ૧- એવું બને જ નહીં ને યાર !! આ બધું ઉપરથી ગોઠવાઈને આવતું હોય છે. ખોટું કેવી રીતે હોય?

    નાયક- પણ સાહેબ મને ય ખોટું બોલવાનો શોખ થોડો થતો હોય? જે છે એજ લઈને આવ્યો છું.

    ૧ (સ્વગત) – હવે પેલો કરારીયો આજે રજા પર છે ને મારે વહેલું લગ્નમાં જવું છે. જુઓ ભાઈ, જે ભાઈ એનું કરે છે એ આજે રજા પર છે એટલે એમ કરોને, કાલે ૧૨.૩૦ પછી આવો.

    નાયક- સાહેબ આજે રાતે ૧૨ વાગ્યા પહેલા ફોર્મ સબમિટ કરવાનું છે ને પીન નંબર વગર રજીસ્ટ્રેશન નહીં થાય. કૈંક કરોને સાહેબ, નહીંતર મને ભણવા નહીં મળે.

    ૧- હવે યાર તમે મોડા મોડા આવો તો હું ય શું કરી શકું? એ મને આવડતું નથી ને મારું કામ તો ખાલી ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવાનું છે. હું તમને કૈંક જુદો પીન નંબર આપી દઉં ને કાલ ઉઠીને કંઈ મુશ્કેલી ઉભી થઇ તો મારી તો નોકરી જાય યાર. તમે કહો હું શું કરું? એક કામ કરો, લંચ પછી આવો.

    પાછળ ઉભેલો એક વિદ્યાર્થી- શું છે ભાઈ?

    નાયક વસ્તુસ્થિતિ સમજાવે છે. બીજો વિદ્યાર્થી- એક કામ કરો, (એક ચોપાનીયા પર દિશા નિર્દેશ કરીને)-આના પર ફોન કરો. થઇ જશે.

    (નાયક ફોન પર વાત કરે છે.)

  • હેં? સાચું? શું વિદ્યાર્થી સંગઠન મારા માટે લડે? હોય નહીં, મને તો એમ કે એમને કારણ વગર..
  • વિદ્યાર્થીઓનું ટોળું હેલ્પ સેન્ટર પર હોબાળા સાથે હાજર. “ફોર્મ ની ડેટ એક્સ્ટેન્ડ કરો” ના નારા-સુત્રોચ્ચાર, શિક્ષણ મંત્રીનું પુતળા દહન..પોલીસની દખલ,પત્રકારો દ્વારા ઘટનાનું કવરેજ, ઝૂંટાઝૂંટ...નાયક સાઈડમાં ઉભેલો પીન નંબર તરફ જોયા કરે છે.

    (ફેડ આઉટ)

    (ફેડ ઇન)

    નાયક કોલેજે જઈને- સાહેબ, મને અહિયાં એડમીશન મળ્યું છે. ફી ટોટલ કેટલી ભરવાની સાહેબ?

    સંચાલક- જુઓ, તમારી માર્કશીટ મુજબ ફી થાય છે કુલ બધું મળીને (કેલ્ક્યુલેટર પર આંગળીઓ ફેરવીને) ૫૫,૫૦૦/- એમાં ૫,૫૦૦/- તો કોશન મની છે એટલે આમ તો ૫૦,૦૦૦/-જ થાય છે એક વર્ષની.

    નાયક- કેમ સાહેબ?મને જયારે સ્ટોક લાગ્યા ત્યારે તો ભાવ ૩૨,૫૦૦/- હતો. હવે કેમ વધ્યો?

    સંચાલક- જુઓ ભાઈ, તમને હું અત્યારનો ભાવ કહી રહ્યો છું. તમને વાંધો હોય તો હેલ્પ સેન્ટરે જાવ.

    (નાયક હેલ્પ સેન્ટર પર જાય છે.)

    નાયક-સાહેબ મારે એક વસ્તુ પૂછવી છે.

    ૫- હા બોલો.

    નાયક- મેં આ કોલેજમાં એડમીશન લીધું છે. મને એના સ્ટોક લાગ્યા ત્યારે ભાવ હતો એક વર્ષનો ૩૨,૫૦૦/-. હવે હું રીપોર્ટીંગ કરવા ગયો ત્યારે એ ભાઈ એમ કહે છે કે ભાવ ૫૫,૫૦૦/- છે. મને તો જે ટાઈમે લાગ્યા હોય એના આધારે જ હું પૈસા ચૂકવું ને?

    ૫- એ બરાબર. પણ તમે કોઈ બ્રોકર સાથે ટાઈ-અપ કરેલું કે જાતે જ બધું ભરેલું?

    નાયક- ના સાહેબ. મેં તો બધું મેળે ભરેલું.

    ૫- એ જ તો ભાઈ. એ જ તો.યાર તમે પૂરું વાંચતા નથી. તમે ફોર્મ ભરવા ગયા ત્યારે ઇન્ફોર્મેશન સેન્ટરથી તમને એક પુસ્તિકા મળી’તી?

    નાયક- હા મળી’તી ને !!

    ૫- એમાં પાછલા પાનાં પર એક સુચના હતી કે ‘ઓનલાઈન સ્ટોક લેવા માટે બ્રોકર સાથે જોડાણ આવશ્યક છે.’ શું યાર તમે વાંચતા નથી ને હાયલા આવો છો.

    નાયક- એટલે શું મારે વધારે રૂપિયા ભરવાના? સાહેબ હું પૈસાદાર માણસ નથી કે અચાનક આવડો મોટો ઘોબો સહન કરી શકું. મારા પપ્પા બહારગામ જોબ કરે છે ને મારી મમ્મીને આવી બધી ખબર પડતી નથી. લોન લીધી છે સાહેબ. તમે જુઓને જરા આ પ્રશ્ન હલ કરી આપો ને.

    ૫- બહુ કરી યાર. તમે મૂળ ક્યાંના?

    નાયક-જામનગર.

    ૫- ઓહોહો. તો તો યાર આપડે એક જ ગામના. બેહો બેહો. શું લેશો ચા-પાણી? જુઓ, એક કામ કરીએ. (ધીમેથી)આપડે સાઈડમાં આ બ્રોકિંગનું કરીએ જ છીએ. પણ શું છે, સરકારે કામગીરી આપી છે એટલે ઓફિશિયલી તો હું માસ્તર જ છું,પણ આપડા જેવા મિત્રો માટે વાંધો નહીં. બાકી નોકરીથી હાથ ધોવા પડે. અમારે તો ઈલેક્શન હોય કે વસ્તી ગણતરી, પ્રવેશોત્સવ હોય કે ખેલ-કુદોત્સવ, અમે કાયમ નવરા ગણાઈએ એટલે સરકાર અમારો જ વારો પાડે. નવી ભરતી કરે નહીં એટલે અમને વધારાના ચાર્જ દે-દે કરે.

    લાવો તમારી રીસીપ્ટ બતાવો. આપડે જોઈ લઈએ. આમ તો આપડે બીજાના ૫% છે, તમારા ૩%. ગામ માટેનું ડિસ્કાઉન્ટ. મૌજ કરો.

    નાયક- એટલે ફી ના ૩%?

    ૫- હા. ફી ના. જૂની ફી હો. નવી ફી નહીં. ચિંતા ન કરો વાલા..(હહાહા) (તાળી મારે છે.)

    (ધીમે ધીમે ફેડ આઉટ)

    (ફેડ ઇન-સ્પોટલાઈટ)

    (લેખક હાથમાં પેન પકડીને બેઠો છે.)

  • મિત્રો, ચિંતા ન કરો. આ રીયલ સિચ્યુએશન નથી. મારા મનની ઉપજ છે. પણ, હા; જો ધ્યાન ન આપ્યું તો આવા વારા આવવાની શક્યતા નકારી ન શકાય હોં. આ બધું થવા દેવા માટે છૂટો દોર આપવાવાળા આપણે જ છીએ. આજે ૩% માંગે છે, કાલે બ્રોકરેજ માંગશે. બાકાયદા. આપણે “કેમ? શું કામ? શા માટે” કેમ કોઈ દિવસ પૂછતાં જ નથી?આ કામ હોય કે પેલું કામ, આપણો રસ્તો મળે એટલે બીજાનું જે થવું હોય એ થાય આપણે શું; નહીં? આ ડોનેશન, ૩%-૫% શું કામ પેદા થાય છે? કેમકે આપણને એનો હડકવા થઇ ગયો છે. દરેકને બસ બે જ પૈસા કમાવી લેવા છે. ક્યાં સુધી? આખરે ક્યાં સુધી? માપ રાખો માપ રાખો, નહીંતર આ બધું આમ જ બની જશે.(આંખ મારે છે અને હસે છે.)
  • (ધીમે ધીમે ફેડ આઉટ)(મ્યુઝીક-ગોલમાલ હૈ ભઈ સબ ગોલમાલ હૈ..)