Shabdavkash - Ank - 6 - 4 books and stories free download online pdf in Gujarati

શબ્દાવકાશ અંક-6 લેખ-4

શબ્દાવકાશ અંક -૬

લેખ : ૪

માતૃભારતી દ્વારા મેગેઝીનને એક નવતર સ્વરૂપે આપની સમક્ષ રજુ કરવાનું વિચાર્યું છે. દરેક લેખને, દરેક લેખકને એક સરખું ફૂટેજ મળે એ હેતુથી આ નવા સ્વરૂપે ‘શબ્દાવકાશ અંક-૬’નો ચોથો લેખ એક કટાક્ષિકા રૂપે પ્રસ્તુત કરીએ છીએ. મિશન ઈમ્પોસીબલ નામના આ હાસ્ય લેખના લેખક છે મુકુલ જાની . માતૃભારતીના નવા પ્રયાસને બિરદાવતો આ લેખ વાંચી, વાંચક મિત્રો, આપનો અભિપ્રાય જરૂર જણાવશો.


તમારા ફીડબેક અને રચનાઓ અમને kathakadi.online@gmail.com પર મોકલી આપો . આ આપણું મેગેઝીન છે તમે પણ જોડાઈ જાઓ .










કટાક્ષિકા- મિશન ઈમ્પોસીબલ –મુકુલ જાની

ઈતિહાસનું આજે પુનરાવર્તન થતું હતું. પોતાની આલિશાન ઓફીસની એસી ચેમ્બરમાં બેઠા બેઠા શ્રી બુદ્ધ, ગૂગલ હેંગઆઉટ દ્વારા વિશ્વના ખૂણે ખૂણે પથરાયેલા પોતાના શિષ્યો સાથે ધર્મલાભ કરતા હતા ત્યાં પટાવાળાએ આવીને સમાચાર આપ્યા કે, “એક સ્ત્રી રડતાં રડતાં આવી છે અને આપને મળવા માગે છે.”

આ સાંભળી ફુલ એસીના ૧૮ ડીગ્રી ટેમ્પરેચરમાં પણ શ્રી બુદ્ધના કપાળે પ્રસ્વેદ બિંદુઓ બાઝી ગયાં! એ પ્રસંગ યાદ આવી ગયો. થોડા વર્ષો પહેલાં આજ રીતે અચાનક કોઇ સ્ત્રી આવેલી ચડેલી, અને ખબર નહીં, નેટ પરથી સર્ચ કરતાં શ્રી બુદ્ધનો પ્રોફાઇલ જોઇને એને કોણ જાણે શું ગેરસમજ થયેલી કે સાવ અજૂગતી માગણી લઈને આવેલી! બનેલું એવું કે એનો વીશ વરસનો એકનો દીકરો લઠ્ઠાકાંડનો ભોગ બનીને મૃત્યુ પામેલો અને આ સ્ત્રી શ્રી બુદ્ધ પાસે એને જીવતો કરવાની માગણી લઈને આવેલી! થોડીવાર તો શ્રી બુદ્ધ ચકરાવે ચડી ગયેલા કે આને સમજાવવી કેમ? પણ ભલું થજો પિયુન પ્રાગજીનું કે એણે કાનમાં પેલો જાણીતો રાઈ વાળો ઉપાય સુઝાડ્યો! ને એ સ્ત્રીને ટાસ્ક આપીને રવાના કરી દીધેલી કે જેના ઘરમાં કોઇ મૃત્યુ ના થયું હોય એવા ઘરેથી એક મુઠ્ઠી રાઈ લઈ આવ એટલે તારા દીકરાને જીવતો કરી દઉં!

શ્રી બુદ્ધને મનમાં પહેલી ચિંતા તો એ પેઠી કે ક્યાંક એ સ્ત્રીને એવું ઘર તો મળી નથી ગયું ને જ્યાં મૃત્યુ ના થયું હોય! જો એમ બન્યું તો શું કરવું એવા વિચારમાં શ્રી બુદ્ધ માથું ખજવાળતા હતા ત્યાં આગતુક સ્ત્રી ચેમ્બરમાં પ્રવેશી. એને જોઇને શ્રી બુદ્ધનો શ્વાસ હેઠો બેઠો કે “હાશ. આ એ નથી!”

આગંતુક સ્ત્રી ચહેરા પરથી એકદમ ચિંતાતુર દેખાતી હતી. શ્રી બુદ્ધે ઈશારાથી એને ખુરશીમાં બેસવાનું કહ્યું, અને પછી હળવેથી પૂછ્યું, “બોલો બહેન, આપની શું સમશ્યા છે? હું આપની શું મદદ કરી શકું?”

આગંતુક સ્ત્રીએ સૌ પ્રથમ તો જણાવી દીધું કે “તમારે કામ ન કરવું હોય ત્યારે તમે કેવી રીતે છટકી જાવ છો એ મને ખબર છે, પેલો રાઈ વાળો કિસ્સો મારા વાંચવામાં આવી ગયેલ છે એટલે મહેરબાની કરીને એ બહાનું ન કાઢતા!”

શ્રી બુદ્ધને હવે કપાળની સાથે સાથે હથેળીમાં પણ પરસેવો છૂટી ગયો! “બાપરે..આતો બહુ પહોંચેલી માયા લાગે છે! ઠીક છે પહેલાં એની સમશ્યા તો સાંભળી લઉં પછી પડશે એવા દેવાશે!”

આગંતુક સ્ત્રીએ ધીમા અવાજે ને ગળગળા સાદે પોતાની સમશ્યા રજુ કરી અને એ સાંભળીને શ્રી બુદ્ધને ચક્કર આવતાં આવતાં રહી ગયાં! “અરે બાપરે..આ તો અતિશય અઘરું ટાસ્ક! હવે આમાંથી કેમ છટકવું? રાઇ વાળામાં તો આણે પહેલેથીજ બાંધી લીધો હતો!”

શ્રી બુદ્ધ પહેલાંતો મુઝાયા, પછી મનમાં ગૂગલ દેવનું સ્મરણ કરીને માઉસ પર આંગળીઓને રમતી મૂકી. થોડીવાર આમતેમ ક્લીક કરી છેવટે ઊંડો શ્વાસ લઈ, આગંતુક સ્ત્રીની સામે નજર માંડતાં કહ્યું, ”જૂઓ બહેન, કામ થઈ જશે પણ હું તમને ઉપાય બતાવું એ કરવો પડશે. તમને અઘરું ના લાગે માટે હું તમને એક નહીં પણ ઘણા વિકલ્પ આપું છું એમાંથી કોઇ પણ એક ઉપાય કરી નાખો એટલે તમારું કામ થઈ જશે!”

“બોલો બોલો..તમે કહેશો એ હું કરવા તૈયાર છું..” આગંતુકે આશાભરી નજરે જોયું.

“જુઓ, ઉપાય પહેલો, એવો અર્ધ વપરાયેલો સાબુનો કટકો લઈ આવો જે નહાતી વખતે ક્યારેય કોઇના હાથમાંથી છટક્યોજ ના હોય!”

આગંતુક સ્ત્રીએ ચીડાઇને કહ્યું,”શક્ય નથી, બીજો વિકલ્પ આપો..”

“તો પછી એક કામ કરો..એવા ઘરેથી થોડા લીલા વટાણા લઈ આવો, જે ઘરમાં વટાણાની શીંગો ફોલતી વખતે એકપણ વટાણો છટકીને સોફા નીચે, કબાટ નીચે, ડાયનિંગ ટેબલ નીચે કે પલંગની ને ન ગયો હોય!”

“ત્રીજો વિકલ્પ…” આગંતુકે પગ પછાડતાં કહ્યું.

“તો પછી એવી સ્ત્રી શોધી લાવો, જેણે પોતાના ઘરે મળવા આવેલી બહેનપણીને જવાના સમયે ફાયનલ ગુડ બાય કરી દીધા પછી પણ કમ્પાઉન્ડના દરવાજે ઊભીને પંદર મિનિટ વાતો ન કરી હોય, અથવા એવો પુરુષ શોધી લાવો જે્ણે ટીવી જોતી વખતે પોતાના હાથમાં રિમોટ હોય અને એવરેજ બે મિનિટના એક ના હિસાબે ચેનલ ના બદલી હોય!”

પેલી સ્ત્રી ગુસ્સાથી આગબબૂલા થતી ઊભી થઈ, પગ પછાડીને મનમાંને મનમાં શ્રી બુદ્ધને મણ મણની ચોપડાવતી જતી રહી!

પછી દૂર ઊભીને આ તમાશો જોઇ રહેલો પિયૂન પ્રાગજી પાસે આવ્યો અને શ્રી બુદ્ધને ઉદ્દેશીને કહ્યું,”ક્યારેક તો કોઇક નું કામ કરો! જ્યારે હોય ત્યારે આવાં ને આવાં નાટક કર્યા કરો છો તે! પેલી નું તો સમજ્યા કે દીકરાને જીવતો કરવાનું અશક્ય કામ હતું એટલે તમે રાઇના બહાને કાઢી મૂકી, પણ આનું કામ તો કરવું હતું!”

“બોલ્યા મોટા ઉપાડે…આનું કામ તો કરવું હતું…”શ્રી બુદ્ધે ચિડાઈને પ્રાગજીના ચાળા પાડ્યા, અને આગળ કહ્યું, “ દોઢ ડાહ્યો થાય છે તે તને ખબર છે કે આને શું કામ હતું? આના કરતાં તો પહેલાં આવેલી એનું કામ સહેલું હતું. એનો મોબાઇલ નંબર હોય તો એને કોલ કરીને બોલાવ, રાઇ વાળું કેન્સલ કરીનેય એના દીકરાને જીવતો કરવાનું કાંક ગોઠવું…પણ આનું તો અસંભવ..!”

“કેમ એવું વળી શું કામ હતું કે મરેલાને જીવતો કરવા કરતાં પણ અઘરું હોય?” પ્રાગજી પ્રશ્ન ચિહ્ન બની ગયો.

“તો સાંભળ, મન મક્કમ અને હૈયું સાબુત રાખીને સાંભળ કે આને શું કામ હતું! આને એના મંદબુદ્ધિ પપ્પુને પ્રાઈમ મિનિસ્ટર બનાવવો હતો, બોલ, શક્ય છે?”

ને પ્રાગજી બેભાન!

--મુકુલ જાની