Shabdavkash - Ank - 6 - 3 books and stories free download online pdf in Gujarati

શબ્દાવકાશ અંક-6 ઃ લેખ-3

શબ્દાવકાશ અંક -૬

લેખ : ૩


હરતાં ફરતાં

માતૃભારતી દ્વારા મેગેઝીનને એક નવતર સ્વરૂપે આપની સમક્ષ રજુ કરવાનું વિચાર્યું છે. દરેક લેખને, દરેક લેખકને એક સરખું ફૂટેજ મળે એ હેતુથી આ નવા સ્વરૂપે ‘શબ્દાવકાશ અંક-૬’નો ત્રીજો લેખ ખ્રિસ્તી રીત રીવાજ ભાગ-૩ પ્રસ્તુત કરીએ છીએ. જે નીવારોઝીન રાજકુમારે લખ્યો છે . આગલા બે ભાગો શબ્દાવકાશ મેગેઝીનના આગલા અંકોમાં પ્રગટ થયા છે.


તમારા ફીડબેક અને રચનાઓ અમને kathakadi.online@gmail.com પર મોકલી આપો . આ આપણું મેગેઝીન છે તમે પણ જોડાઈ જાઓ .













આપણે આગલા બે ભાગોમાં બાપ્તિસ્મા અને પ્રભુભોજન બે સંસ્કારો વિશે જાણ્યું.

એ મુજબ નાનપણમાં બાપ્તિસ્મા થયા બાદ દ્વારા અને યુવાન વયે પ્રભુભોજન દ્વારા ચર્ચના પૂર્ણ સભાસદરુપે ચર્ચ દ્વારા સ્વીકાર થાય છે…અને આ બન્ને સંસ્કારોની ચર્ચના રજિસ્ટરમાં નોંધ થાય છે.

હવે મૂળ વાત, લગ્નની વાત, જે આપણે મુદ્દાસર સમજીએ.

૧.પ્રભુભોજની સભ્યોના લગ્ન જ ચર્ચમાં થઇ શકે છે. વરકન્યા બન્નેનાં ચર્ચ તરફથી એક અત્યંત જરુરી એવા એક ભલામણ પત્ર બન્ને પક્ષ એકબીજાના પાળક રવાના કરે છે કે,આ કુંવારી વ્યક્તિ અમારા ચર્ચની મેમ્બર છે અને અમારી જાણ મુજબ સારુ ચારિત્ર ધરાવે છે.

૨. લગ્ન અગાઉ બન્ને પક્ષનાં સગાઓ ઉપરાંત ચર્ચના વડિલો અને પાળક પણ એકબીજા સાથે મંત્રણા કરે છે. ખ્રિસ્તી સમાજમાં લેવડદેવડની કે માંગણીની પ્રણાલી લગભગ નહિવત છે.દહેજપ્રથાનું નામો નિશાન નથી, બાકી માબાપ પોતાની હેસિયત અને મરજીથી જે આપે તે ચાલે. મોટેભાગે શિક્ષિત અને નોકરી કરતી કન્યા જ હોય છે, (અને એ બાબતે આજ સુધી કોઇ ખટરાગ મારી નજરમાં નથી), એકબીજાને અનુરુપ, યોગ્ય પાત્ર જ અગત્યનું.

૩. મુખ્ય મુદ્દો એ છે કે લગ્ન નક્કી થયા પછી ઓછામાં ઓછા ૩ અઠવાડિયા પછી જ લગ્ન શક્ય બને છે, ચર્ચના નિયમ મુજબ ૩ રવિવારે આ લગ્નની જાહેરાત કરવામાં આવે છે,જેને બેન્સ કહેવાય છે. પાળક મંડળીને જણાવે છે કે આ લગ્નમાં કોઇને વાંધો હોય તો રજૂ કરી શકાય છે. આ જાહેરાત પછીનાં ચોથા રવિવાર પહેલા લગ્ન થતાં હોય છે.

૪.લગ્ન મોટેભાગે સવારે ૧૦ વાગે રાખવામાં આવે અને સગાઇ એજ દિવસે સવારે ૮ વાગે કન્યાના ઘરે, ૪ વાગે ક્ન્યા વિદાય પણ કન્યાના ઘરેથી. આ મોટેભાગે અનુસરાતો સમય છે. એક જ શહેરમાં રહેતા સગાઓ સાંજે ૫ વાગે લગ્ન અને ૭ વાગે રીસેપ્શન રાખતા હોય છે,( મુહુર્ત ..ચોઘડિયા ની વાત પણ ન કરાય,મોટેભાગે શુક્રવારે લગ્ન નથી થતા.ઇસુનો મરણ દિવસ હોવાથી, બાકી સોમવાર હોટ ફેવરીટ. આગલા દિવસનો, રજાનો લાભ બધા નોકરીયાત સગાઓને મળે).

૫.બન્ને પક્ષના પાળકોની હાજરીમાં ચર્ચમાં પહેલા વર હાજર થાય છે અને પછી કન્યાને આવકારવા, વર સહિત બધા જ લોકો ઉભા થાય છે, માતા પિતા ને સ્નેહીઓ કન્યાને દોરી લાવે છે.

લગ્ન વિધી શરુ કરાવતા પહેલા બાઇબલ વાંચન, અનુરુપ ગીતો ગાવામાં આવે છે.

ચર્ચમાં કોઇ વાતો કે અવાજ નથી કરતું, બધાએ ફક્ત લગ્નમાં જ ધ્યાન આપવાનું હોય છે, એ એક ખાસ લાક્ષણિકતા કહી શકાય.

૬. મુખ્ય વિધી પહેલા પાળક આખી મંડળીને છેલ્લી વાર, ત્રણ વાર પૂછે છે, કે આ લગ્નમાં કોઇને વાંધો હોય તો આ છેલ્લો મોકો છે જાહેર કરી દેવો.

આ બહુ જ કડક અને સંવેદનશીલ જાહેરાત હોય છે, ધડકારા થંભી જાય એવો સમય, થોડો સમય શાંત રહ્યા બાદ પાળક જાહેર કરે છે કે કોઇ વાંધો સામે ન આવતા, હવે આ લગ્ન થશે અને હવે પછી આ લગનનાં કોઇ વિરોધી હોય તો એ લોકો આજીવન મોં બંધ રાખશે કારણ કે, બાઇબલ કહે છે, “જેને દેવે જોડ્યુ એને માણસે તોડવુ નહિ” અને લગ્ન વિધી આગળ ચલાવે છે.

૭. વરકન્યા માઇક સામે બધા લોકો સામે એકમેકના હાથ પકડી વચનો આપે છે, વિધી દરમ્યાન ગુજરાતના રિવાજ મુજબ વર અને ક્ન્યા માત્ર વિંટીની આપલે કરે છે.(દક્ષિણમાં સોનાનાં મંગલસૂત્ર,આંધ્ર, મહારાષ્ટ્રમાં કાળા મોતીના મંગલસૂત્ર)

લગ્ન વિધી ફક્ત ૧૦ મીનીટમાં આટોપાઇ જાય છે, ને પાળક બન્ને ને પતિપત્ની જાહેર કરે છે અને શુભેચ્છાઓ આપે છે. ચર્ચમાં કીસ કરવા સુધીનું આધુનિકપણું ગુજરાતના ચર્ચોમાં જોવા નથી મળતું કેથોલિક સંપ્રદાય થોડો વધારે આધુનિક ગણાય.

૮. ચર્ચ દ્વારા ગવાતા ગીતો દરમ્યાન બન્ને પક્ષના સાક્ષીઓની તથા વરક્ન્યાની સહી લઇ, આ લગ્નને સરકારના નિયમ અનુસાર રજીસ્ટર કરવામાં આવે છે, જે બહુ જ અનોખી વાત છે અને જે વરસોથી અનુસરવામાં આવી રહી છે.

૯. પાળક દ્વારા પ્રસંગોચિત ભાષણ કરવામાં આવે છે ને એ બાદ સ્નેહીઓ દંપતીને મળી અભિનંદન આપી શકે છે.

૧૦. બાઇબલ છુટાછેડાનું સમર્થન નથી કરતું એટલે બીજી વારના લગ્ન ચર્ચમાં થતા નથી, ગુજરાતે એ બાબતે બહુ કડક વલણ અપનાવ્યું છે, છતાં આવા કિસ્સાઓમાં તથા વિધવા કે વિધુરના લગ્ન જેવા કિસ્સાઓના લગ્ન માટે આખા ગુજરાતમાં ફક્ત એક જ પાળકને પરવાનો આપેલો હોય છે, જે ચર્ચમાં નહિ પણ ઘર ,મંડપ કે હોલમાં લગ્ન કરાવી આપે છે.( આજકાલ ગુજરાત બહાર થોડી છુટછાટ જોવા મળે છે….જે સમય અનુસાર ઠીક પણ છે..)

૧૧. પ્રેમલગ્ન કે ભાગીને રજીસ્ટર કરાવેલા લગ્ન પછી પણ ચર્ચ સામે ઔપચારિક લગ્ન કરવા અત્યંત જરુરી છે,એ સિવાય એ કુંટુંબ ચર્ચનું સભ્ય ગણાતું નથી. મોટેભાગે આવા કિસ્સાઓમાં તરત જ ચર્ચ સમક્ષ લગ્ન થઇ જતા હોય છે પણ જો કન્યા ખ્રિસ્તી ન હોય તો એને ધર્મનું પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે, ને બાપ્તિસ્મા આપી અને પૂર્ણસભાસદ તરીકે સ્વીકાર કરવામાં આવે છે, અને જો ખ્રિસ્તી કન્યા બીનખ્રિસ્તી યુવક સાથે લગ્ન કરે તો એના ચર્ચ સાથેના સંબંધનો અંત આવે છે ને એ પ્રભુભોજન લેવાનો કે મરણ પછી કબ્રસ્થાનમાં જમીન મેળવવાનો હક્ક પણ ગુમાવી દે છે. કદાચ માબાપ સંબંધ રાખે પણ ચર્ચ નહિ. આ બાબતે પણ ગુજરાત સિવાયના રાજ્યોમાં થોડી ઉદારતા જોવા મળે છે.(જે બહુ વ્યાજબી નથી.)

૧૨. ઉપર જણાવેલા દરેક નિયમો પાસ કર્યા અન્ય રાજ્યનાં ખ્રિસ્તી યુવક યુવતીઓના લગ્ન ચર્ચમાં શક્ય છે,પ્રેમલગ્ન ન હોય તો પણ અમે ડો. રાજકુમાર અને મીસીસ નીવારોઝીન રાજકુમાર,એનું જીવંત ઉદાહરણ છીએ. અમે બન્ને પ્રોટેસ્ટંટ છીએ, વિંટીની આપલે કર્યા બાદ, દક્ષિણના રિવાજ મુજબ મને મંગલસૂત્ર પહેરાવવામાં આવ્યું હતું. respecting the region.

આજે વાત થોડી લંબાઇ ગઇ પણ ખ્રિસ્તી લગ્ન ઘણી રીતે અસામાન્ય અને કડક વલણવાળા હોય છે એ સ્પષ્ટ કરવું જરુરી હતું.

હવે મળીશુ ૪થા અને છેલ્લા મરણ વિશેના ભાગમાં.

— નીવારાજ