Vamad - 3 books and stories free download online pdf in Gujarati

વમળ પ્રકરણ -3

વમળ પ્રકરણ -3 લેખિકા:- જાહ્નવી અંતાણી

ફર્સ્ટક્લાસ કેબીનમાં ફલેટબેડ પર સુતેલી શ્વેતા સતત કાલે આવેલા શુબાનના ફોનને વાગોળતી સહેજ તન્દ્રામાં વિચારી રહી કે એવું તે શું હશે કે મમ્મીને એટેક આવી ગયો.. આજે સવારે ઘોડેસવારી પર ટુલુંમ જતા પહેલા મમ્મીનો આવેલો ફોનમાં એનો ચિંતાજનક અવાજ પરથી એ કૈક મૂંઝવણ માં હોય એવું લાગતું હતું. મમ્મી એ કહ્યું હતું કે,”બેટા, ક્યારે પાછી આવે છે? મને લાગે છે કે જાણે ઘણા સમય થી તને મળી નથી, મારે તારી સાથે ઘણી વાતો કરવી છે. કૈક કહેવું છે તું જલ્દી આવ.” ત્યારપછી શ્વેતા જાણે મનથી મુંબઈ મમ્મી પાસે પહોંચી ગઈ હતી, એને બહુજ ગમતી ઘોડેસવારી અને એમાં પણ ટુલુંમનો દરીયાકીનારો એ એનું મનગમતું સ્થળ હતું પણ ત્યાં પણ એ આજે શાંત ચિતે બેસી નહોતી શકી. એને સતત મમ્મી એને શું કહેવા માંગતી હશે એ પ્રશ્ન સતાવ્યા કરતો હતો..ભાઈ વિશે કે પપ્પાની કોઈ વાત હશે? એવા વિચારોના વમળમાં જ એ તરત બીચ હાઉસ પર પાછી ફરી હતી.


રાત્રે સીમા સાથે કેનકુન- મેક્સિકન દરિયા કિનારેઆવેલી રેસ્ટોરંટમાં જયારે આર્યન સાથે વાતચીત ચાલી રહી હતી ત્યારે જ ભાઈ નો ફોન આવ્યો કે મમ્મી ને એટેક આવ્યો છે ત્યારથી એને ફ્લાઈટમાં બેઠી ત્યાં સુધી હજુ પણ એને પપ્પા અને ભાઈ શુબાનની ચિંતા સતાવી રહી હતી. શ્વેતા એક ગર્ભશ્રીમંત પરિવારની પુત્રી, આધુનિક વાતાવરણમાં ઉછરી હોવા છતાં તેનામાં સ્વછંદતા કે આછક્લાઈ બિલકુલ નહોતા તેને ઘોડેસવારી, સ્વીમીંગ, દેશવિદેશમાં ફરવાનો શોખ હોવા છતાં એ સંવેદનશીલ યુવતી હતી. એને એક મોટા એમ્પાયર ધરાવતા વિનાયક ભારદ્વાજની પુત્રી હોવાનું જરા પણ અભિમાન ન હતું. એ અને બહેન જેવી સખી સીમા બંને આજે કેનકુંનથી વાયા frankfurt થઇ અને મુંબઈ આવવા રવાના થયા હતા. સીમા પણ સતત શ્વેતાને વાતો માં બીઝી રાખતી હોવા છતાં સીમાને તેની વહાલી સખીનો રૂપાળો ચહેરો અત્યારે ચિંતામાં ફિક્કો લાગી રહ્યો હતો. શ્વેતાની મુંબઈ સુધીની મુસાફરી વિચારોના વાદળો માં અટવાયેલી રહી. અને ત્યાજ સીમા એ કહ્યું,” શ્વેતા હવે મુંબઈ આવી રહ્યું છે. થોડી ફ્રેશ થા. મમ્મીને સારું જ હશે.” અને ફ્લાઈટનું મુંબઈ ઉતરાણ એનાઉન્સ થયું. હેન્ડ બેગેજ લઇને બંને ઉતરવાની તૈયારી કરવા લાગી. બંને ફ્લાઈટમાંથી બહાર આવી. ટ્રોલી લઇ સામાન પીક અપ કરી બહાર આવી. મેક્સિકોના શાંત રમણીય સુંદર અને સ્વચ્છ વાતાવરણ કરતા એકદમ જ વિરુદ્ધનું મુંબઈનું ધમાલિયું અને અને પ્રદુષણવાળું વાતાવરણ અનુભવી રહી. આમ તો જન્મથી જ મુંબઈ માં ઉછરેલી હોવાને લીધે શ્વેતા હમેશા એ વાતાવરણને માણતી પણ આજે એમાં એને કઈ ખુટતું હોવાનો ભાસ, કૈક અજુગતું થયા નો અહેસાસ કરાવી રહી હતી.



એરપોર્ટ ટર્મિનલ ૩ માંથી બહાર આવતા જ ઘરના વિશ્વાસુ ડ્રાયવર કેશવકાકા સામેજ કઈક ઝંખવાયેલા ચહેરે ઉભા હતા . હાથમાંથી સમાનની ટ્રોલી લઇ અને શ્વેતા અને સીમા ને પાર્કિંગ ઝોનમાં આવવા કહી ને આગળ ચાલ્યા. પાર્કિંગ માં પહોચેલા કાકા અદબથી BMWકારનો દરવાજો ખોલીને ઉભા હતા શ્વેતા અને સીમા અંદર ગોઠવાયા. તરત જ શ્વેતા એ પૂછ્યું, “કાકા, મમ્મીને કેમ છે?” કાકા એ કહ્યું, ” બેટા,આપણે ઘરે પહોંચીએ.” શ્વેતાએ ના કહી હોસ્પિટલ જવા કહ્યું. કાકા એ કહ્યું , છોટા શેઠે ઘરેજ લઇ આવવા કહ્યું છે.” શ્વેતા કાકાના ચહેરાની લીપી ઉકેલવા મથી રહી. ગાડી પુરપાટ બાંદ્રાના પાલીહિલ એરિયા તરફ આગળ વધી

વીસ કલાકની મુસાફરી આમ તો શ્વેતા દર વખતે કરતી હતી પણ આ વખતે એને આ મુસાફરીનો થાક લાગ્યો હોય એવું લાગતું હતું. સતત ચિંતા માં અટવાયેલી શ્વેતાને જોઈ સીમાએ કહેવા ખાતર કહ્યું ક હું ઘરે ઉતરી જાઉં? શ્વેતા એ ઈનકાર કર્યો અને શ્વેતાની ચિંતા વ્યાજબી લાગતા એ ચુપ રહી .એરપોર્ટથી નજીક પાલીહિલમાં જ આવેલું ઘર આજે દુર લાગતું હતું. ત્યાં જ ગાડી એ ઘર તરફ વળાંક લીધો…પોશ એરિયા માં જયારે વિનાયક ભારદ્વાજ શારજાહથી મબલખ કમાઈને આવ્યા ત્યારેજ એક ભવ્યાતિભવ્ય બંગલો લીધો હતો જ્યાં ઘણા ખરા ફિલ્મ જગત ના સિતારાઓ રહેતા હતા. અત્યારે તો આ એરિયામાં કોઈ જગ્યાજ બચી નહોતી. 10 બેડરૂમ ધરાવતો 34000 સ્ક્વેર ફૂટનો આલીશાન બંગલો સુંદર બગીચાથી સજાવેલો શોભી રહ્યો હતો.સીમા શ્વેતાના આવા ભવ્ય બંગલા વિષે વિચારતી હતી ત્યાજ ગાડીનું હોર્ન સાંભળી બંને ચોંકી. ઘર આવી ગયું હતું. દરવાને દરવાજો ખોલ્યો. સિક્યુરીટીમેને અદબ થી સાઈડ આપી. ગાડી સુંદર ફૂલો થી શોભતા બગીચાને પસાર કરી પોર્ચ પાસે આવી ને ઉભી રહી.



પોર્ચમાં ભાઈ શુબાન અને શ્વેતાના વફાદાર સાથી જેવા ‘ટાઈગર’, ‘ચંક્સ’ અને ‘ચાર્લી’ ઉભા હતા. જાણે આ ત્રણ ડોગી ને પણ ખબર હતી કે શ્વેતા આવી રહી છે અને એને અમારા સાથની જરૂર પડશે. ત્રણે ડોગ્સ શ્વેતાને જોઇને આમ તો હંમેશા પુંછડી પટપટાવતાં શ્વેતાને જોઇને આનંદ વ્યક્ત કરતાં। પણ આજે એમની આંખો ઉદાસ હતી. શ્વેતા પાસે આવીને એને સુંઘીને જાણે એના પડખે લપાઈ ગયા. મૂંગા જાનવરની આ દિલાસો આપવાની રીત હતી.

શ્વેતા પોર્ચ પાસે ઉભેલા શુબાનને જોઈ દોડી અને ભેટી પડી, પૂછ્યું ,”ભાઈ, મમ્મીને કેમ છે હવે ?” ભીની આંખો જાણે પુછી રહી કે બરોબર તો છે ને? શુબાન પોતાની પરી જેવી બહેનનો હાથ પકડી ને અંદર લઇ ગયો. વિશાળ ડ્રોઈંગ રૂમમાં પપ્પા, દાદા, સગાવહાલાઓ અને કેટલાક પપ્પાના મિત્રોને સફેદ વસ્ત્રોમાં બેઠેલા જોઈ શ્વેતાની બેબાકળી આંખો મમ્મીને શોધી રહી. મમ્મીનો દેહ દિવાનખાનામાં વચ્ચે વચ્ચ સફેદ કફન નીચે હતો. સામે મમ્મીનો મોટો ફોટો અને એની સામે દીવો જલતો હતો. શ્વેતાના મ્હોમાંથી આક્રંદજનક ચીસ નીકળી ગઈ અને “મમ્મી…..” બોલતી ત્યાં જ ધ્રુસકે ધ્રુસકે રોતા ફસડાઈ પડી. શુબાને નજીક આવીને શ્વેતાને સંભાળી. ભીની આંખે મમ્મીની પાસે શ્વેતા ને ઉભી કરી લઇ આવ્યો અને વિનાયક ભારદ્વાજ ઉભા થઇને બંને બાળકો પાસે આવ્યા. અને સ્નેહલતાના ત્રણેય સ્વજનો એકબીજાને સધિયારો હુંફ આપતા રહ્યા. વિશાળ રૂમ માં રહેલ દરેક વ્યક્તિની આંખ સજળ બની રહી. સીમા પણ ત્યાજ ઉભી રહી ને મા જેવી આંટી ને આમ મરણપથારી પર જોઈ ને રડતી રહી. એક પિતા પોતાની દીકરીને સમજાવી રહ્યા હતા કે બેટા તારી મા એ આ જગત માંથી વિદાય લીધી છે. વિનાયક જાણતો હતો કે લતા એ એના જીવનમાંથી વિદાય કેમ લીધી હતી પણ એ મુક હતો. દીકરીના અને સગાવહાલાઓના ધ્રુસકાઓ વચ્ચે બંગલાનું વાતાવરણ કરુણ અને બોઝિલ બની રહ્યું



શ્વેતાના આવી જવાથી જ્ઞાતિજનો એ અંતિમ યાત્રા માટે ની તૈયારી શરુ કરી. અમુક કુટુંબીજનોની મદદ થી એના માટે જરૂરી સામાન પણ મંગાવી લેવાયો હતો અને પંડિતો એ અંતિમ વિધિ માટે વિનાયક ને બોલાવી અને વિધિ માટેના મંત્રોચાર શરુ કર્યા .વાતાવરણ માં એક અજીબ સન્નાટા સાથે ભારેપણું છવાયેલું રહ્યું…ક્યાંક સામાન્ય માણસ ને એવું પણ લાગતું હતું કે આવા મોભી કુટુંબ માં મરણ પણ જાણે પ્રસંગ જેમ ઉજવાઈ રહ્યો છે!!!



સફેદ ઈસ્ત્રી ટાઈટ કપડામાં સજ્જ લોકો અંતિમવિધિ માં સામેલ થવા આવી રહ્યા હતા. વિનાયક ભારદ્વાજની બાજુમાં શુબાન અને બીજી બાજુ શ્વેતા ઉભા હતા. જાણે એકબીજાને સધિયારો આપી રહ્યા હતા. અંતિમ વિધિ પતાવીને આવ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી. કુટુંબીજનો અને ભારદ્વાજ એમ્પાયરનો સ્ટાફ ખડેપગે ઉભો હતો. હજુ લોકોની અવરજવર ચાલુ હતી. શ્વેતા મમ્મીના છેલ્લા સમયે હાજર ન હતી એટલે એની આંખમાં આંસુ સુકાતા નહોતા. છતાં પણ એને એ પ્રશ્ન મૂંઝવતો હતો કે મમ્મીને મને શું કહેવું હશે ? મોટોભાઈ સગાવ્હાલાઓની સાથે બીઝી હતો એથી એ પણ એકલો મળ્યો નહોતો કે એને કઈ પૂછી શકે કે મમ્મીએ તને કઈ કહ્યું હતું? એવું તે શું બન્યું કે મારી સાદી સીધી અને ભોળી મમ્મીને એટેક આવ્યો. પપ્પાના આટલા મોટા એમ્પાયર છતા મમ્મીએ એજ માલેગાવની સીધી સાદી સ્ત્રી તરીકે જ જીવન વિતાવતી હતી. આમ વિચારોના વમળમાં ઊંડે ઉતરતી જતી હતી શ્વેતા. આ ભવ્ય બંગલો એનું વહાલું ઘર એની મમ્મી વગર એને સ્મશાનવત ભાસતું હતું. ઘરમાં કુટુંબીજનો, પપ્પાના મિત્રો, અને ભારદ્વાજ એમ્પાયરના સ્ટાફની અવરજવર સતત ચાલુ હતી.



રાત પડવાની તૈયારીમાં હતી એ પપ્પા અને ભાઈ વચ્ચે બેઠી હતી અને મન માં વિચારતી હતી કે પપ્પાને કઈ રીતે પોતાની મૂંઝવણ કહે કે મમ્મી ને શું હતું? અને ત્યાજ પપ્પાના મોબાઈલની રીંગ વાગી. પપ્પા એ સ્ક્રીન જોઈને આંખમાં આછી ચમક સાથે ફોન ઉપાડ્યો. શ્વેતા પપ્પાના ચહેરા સામે જોઈ રહી. પપ્પા ઉભા થઇ વાત કરતા એમના બેડરૂમ તરફ ચાલ્યા. શ્વેતા એકલી પડી, સીમાતો સાંજે જ પછી પોતાના ઘરે ગઈ હતી .

શ્વેતા પણ પોતાના રૂમમાં આવી અને આડી પડી. મેક્સીકોંના દરિયા કિનારે વિતાવેલી સાંજ યાદ આવતા અને આર્યન સાથેની મુલાકાત યાદ આવતા ચહેરા પર હળવાશ ફરી વળી એક પુત્રી માટે માં.. હમેશા friend, philosopher અને guide હોય છે, એની ખોટ એને હમેશા સતાવશે .


બીજે
દિવસે ઉગેલી સવાર જાણે કે સવાર લાગી જ નહોતી.. ‘ગોળ વિના મોળો કંસાર અને માં વિના સુનો સંસાર’ એમ બંને ભાઈ બહેનને જિંદગી ફિક્કી લાગી રહી હતી, દાદા પણ ગમગીન હતા. કાંઇજ ગમતું નહોતું. પપ્પા તો આમ પણ ઘરમાં ઓછા હોય એટલે મા સાથેનો નાતો બાળકોનો અલગજ હોય.. પણ શું થાય.. ! પપ્પા પણ પોતા ના બીઝનેસ કોલ અને સ્ટાફને સુચના આપીને રૂટીનમાં જલ્દી પરોવાઈ ગયા હતા એવું લાગતું હતું. ત્યા જ સીમા આવી અને બંને સખી શ્વેતાના બેડરૂમમાં ગઈ. સીમા પણ સમજતી હતી કે અત્યારે આંટીની યાદ અપાવવા કરતા શ્વેતા નું મન બીજે વાળવા કઈક કરવું પડશે એમ વિચારતી હતી. બંને શ્વેતાના બેડ પર આડી પડી. સીમા શ્વેતા સામે જોઈ રહી. સીમાને મેક્સિકોના દરિયા કીનારે વિતાવેલી સાંજ યાદ આવી. અને એને મસ્તી સુઝી. શ્વેતાને કહે, “અરે , મને એ તો કહે કે તારો સ્કાર્ફ પેલા આર્યન પાસે કેવી રીતે પહોન્ચ્યો? કે જાણી જોઈનેજ ત્યાં ભૂલી આવી હતી? ૬ ફૂટના સ્માર્ટ, હેન્ડસમ યુવાન ને જોઈ મારી સ્માર્ટ અને રૂપાળી બહેનપણી…..સ્કાર્ફ એના માટે જ મૂકી આવી હતી કે શું?”.. આમ જ શ્વેતાના દર્દભર્યા ચેહરા પર થોડો મલકાટ આવ્યો. જાણે ઘેરાયેલા વાદળો વચ્ચે પ્રકાશ પથરાયો.



આર્યન પંડિત … ૬ અક્ષરનું નામ. શ્વેતાનું મન બદલવા થતી વાતો સાચેસાચ શ્વેતાના હૈયામાં ઉતારવા માંડ્યો હતો. આર્યન પંડિત એ જયદેવ અને શોભા પંડિતનો એક માત્ર પુત્ર… એમનું પણ બીઝનેસ જગત માં ખાસું નામ હતું. વિનાયક ભારદ્વાજ જેટલું નહિ પણ તો ય એમના એક હરીફ તરીકે ઉભા રહી શકે એવું નામ હતું. એમનો પણ આર્યન ગ્રુપ ઓફ કંપની.ના નામે ધંધો દેશવિદેશમાં ફેલાયેલો હતો. અને કૈક અંશે ભારદ્વાજ એમ્પાયર ના હરીફ તરીકે આગળ આવતી કંપની તરીકે તેની ગણના થતી હતી.



શ્વેતાનું મન બદલવા થતી સીમા સાથે વાતો થતી ત્યાર પછી શ્વેતાનું મન થોડું આર્યન તરફ ઢળતું હતું. જયારે ઘરમાં એક હુંફ આપતી વ્યક્તિ અચાનક જતી રહે ત્યારે એની ખોટ પૂરવા વ્યક્તિ વિજાતીય પાત્ર માં એ હુંફ શોધે છે. આમ શ્વેતાના મન માં કાં તો મા સ્નેહલતા અથવા તો આર્યન એ બે વારફરતી ટહુકો કરી જતા. શ્વેતાને મનમાં થતું કે આમ કેમ થાય છે મને મમ્મીને યાદ કરું ત્યારેજ આર્યન કેમ નજર સામે આવે છે હું શું મમ્મીને ભૂલી ગઈ!! આવું ન થવું જોઈએ..!! ગમે તેટલી દેશ વિદેશ માં ફરેલી શ્વેતા સંસ્કારો થી તો નખશીખ ભારતીય હતી. પહેરવેશ ગમે તે અપનાવીએ પણ સંસ્કાર તો જન્મભૂમીના જ રહેવા જોઈએ એવું જ્યારથી એ મોટી થઇ રહી હતી ત્યારથી માં સમજાવ્યા કરતી.



આ વખતે મેકસીકન ટ્રીપ કરી આવ્યા પછી શ્વેતાને અવારનવાર આર્યન મન માં ઉપસી આવતો. એપણ મુંબઈમાં જ છે ક્યાંક મળી જાય તો? સીમા પણ આવે ત્યારે આર્યનના નામનો ઉલ્લેખ કાર્ય વગર રહે નહીં. આમ ઊંડે ઊંડે ક્યાંક આર્યનના નામ થી શ્વેતા ને કૈક અલગ લાગણી ઉભરતી હતી. સીમાએ કહ્યું,” સ્કાર્ફ આપતી વખતે મને પણ તેની આંખોમાં તારા પ્રત્યે નું આકર્ષણ દેખાયું હતું.”



સીમા જયારે પણ શ્વેતાને મળતી ત્યારે આર્યનનું નામ એક વાર જરૂર લેતી. પણ એના મનમાં પણ આર્યન તરફ કોઈ ખેંચાણ થતું હોય એવું લાગતું હતું. શ્વેતા સાથે આર્યન વિષે મજાક કરતાં એના મનમાં પણ એક છૂપો આનંદ થતો હતો. એના હદયમાં પણ આર્યન માટે એક કૂણી લાગણી ઉત્પન્ન થતી હતી. આ બાજુ આર્યન પણ કેન્કુંગ માં શ્વેતા અને સીમાથી છુટો પડીને પૌલ-શિખાના રીસેપ્શનમાં ગયો હતો પણ શ્વેતા સાથે અધુરી રહેલી મુલાકાતની વાત ખટકતી રહી.એને હજુ શ્વેતા સાથે ખુબ વાતો કરવી હતી..એ નખશીખ સુંદર છોકરીને ઓળખવી હતી. આર્યન પણ બીજે દિવસે મુંબઈ આવવા રવાના થઇ ગયો. અંધેરી લોખંડવાલામાં એક બેઠા ઘાટ નો સુંદર બંગલો એનું ઘર હતું. ત્યાં પહોચીને જાણે એક જ કામ એને કરવાનું હતું કે શ્વેતા ને ક્યાં શોધવી? તે દિવસે ઉતાવળમાં એ એડ્રેસ પૂછવાનું ભૂલી ગયો હતો. એના મન માં સતત શ્વેતા છવાયેલી રહેતી. ત્યાં જ મુંબઈ સમાચારમાં એક પાને વાંચ્યું. “જાણીતા એમ્પયારના માલિક વિનાયક ભારદ્વાજ ના પત્ની સ્નેહલતા ભારદ્વાજ નું નિધન”. અને એની અંતિમયાત્રાના છપાયેલા ફોટા માં વિનાયક ભારદ્વાજની બાજુમાં જ શ્વેતા જેવી છોકરી ને જોઈ રહ્યો…. આ શ્વેતા છે? એની આંખો ચમકી ઉઠી.



આ બાજુ માની વિદાય ને અઠવાડિયું થવા આવ્યું હતું..પપ્પા પણ એમના રૂટીનમાં રહેવા લાગ્યા હતા. શ્વેતા એવી એક નિરાંતની પળની રાહ જોઈ રહી હતી જેમાં એ શુબાન સાથે વાત કરી શકે કે એકઝેટલી મોમને કોનો ફોન આવ્યો હતો અને શું વાત થઇ હતી!! આવીજ એક પળ શ્વેતાને જલ્દી મળી ગઈ. સવારે પપ્પા વહેલા નીકળી ગયા હતા અને બ્રેકફાસ્ટ ટેબલ પર બંને ભાઈ બહેન એકલા મળ્યા .

શ્વેતાએ કહ્યું,”ભાઈ , હું તને કૈક પૂછવા માંગું છું. સાચું કહેજે. મમ્મી ગઈ એ દિવસે સવારે મમ્મીને કોઈ ફોન આવ્યો હતો ? એ કોનો હતો અને શા માટે હતો એ વિષે તું જે જાણતો હોય એ મને કહે. કેમ કે એને એટેક આવ્યા પહેલા એને મારી સાથે વાત કરી હતી અને મને કૈક કહેવા માંગતી હતી. અને આ વાત મને આજ સુધી ખટકે છે કે એ મને શું કહેવા માંગતી હતી.”

શુબાન બહેન સામે જોઈ રહ્યો. મારી નાનકડી પરી જેવી બહેન આજે મેચ્યોર દેખાઈ રહી હતી. એને કહ્યું, ”બહેન, શાંત થા. હું જાણું છું અને હું પણ આ વાત કહેવા માટે આપણે ક્યારે એકલા મળીએ એની જ રાહ જોતો હતો. તે દિવસે સવારે હું જાગ્યો ત્યારે મમ્મી વ્યગ્રતાથી આંટા મારી રહી હતી કઈક ગુસ્સો અને કઈક ગભરામણ જેવા ભાવ એના ચહેરા પર દેખાતા હતા. આમ તો મમ્મીને કોઈ દિવસ આવા મૂડમાં જોઈ નહોતી એટલે હું પણ એને ચુપચાપ જોયા કરતો હતો. ત્યા જ ફોનની રીંગ વાગી અને ઝાપટ મારી ને ફોન ઉપાડ્યો. સાદી સીધી ઘરેલું મમ્મીનું આ એક નવુ જ રૂપ જોઈ રહ્યો હતો. ફોનમાં એ કહી રહી હતી. હું કાલથી તમને ફોન લગાડું છું અને તમારો ફોન સ્વીત્ચ ઓફ આવતો હતો . અને પછી રીંગ વાગી અને કોઈએ ફોન ઉપાડ્યો ત્યારે કોઈ અજાણી સ્ત્રીએ કહ્યું કે હું Mrs.ભારદ્વાજ બોલું છું…. તો કોણ છે એ ? એ Mrs. ભારદ્વાજ છે તો હું કોણ છું?” આમ મમ્મી ઉગ્રતાથી બોલી રહી હતી એટલે હું સમજી ગયો કે મમ્મીને પપ્પાનો જ ફોન હતો અને સામે છેડે પપ્પા કૈક ઉગ્રતાથી જ જવાબ આપી રહ્યા હતા”

આમ કહી શુબાન શ્વેતા સામે જોઈ રહ્યો. શ્વેતા જે પોતાના પપ્પાને હીરો માની રહી હતી. એ પપ્પાની આ કઈક અલગ જ બાજુ સ્તબ્ધતાથી જોઈ રહી.. મારા પપ્પા ??? આવા ? આવું કરી શકે? એવું વિચારતા આંખ માંથી આંસુનો અસબાબ અનાયાસે જ વહી નીકળ્યો.

પછી શુબાન બોલ્યો, “ત્યાર પછી થોડી વાર સુધી રડતી રહી અને રડતા રડતા બેભાન થઇ ગઈ .. એને ખુબ જ પરસવો વળી રહ્યો હતો અને જાણે વરસાદમાં પલળી ગઈ હોય એટલા કપડા ભીંજાઈ ગયા હતા મને સમજાયું કે આ એટેકની નિશાની છે. મેં તાત્કાલિક ડોક્ટર ને ફોન કર્યો અને એમ્બ્યુલન્સ બોલાવી મમ્મીને હોસ્પિટલમાં એડમીટ કરી.” અને શુબાન ની આંખો પણ ભરાઈ આવી હતી. કોઈ ત્રીજી વ્યક્તિ ને કારણે અમારે અમારી માં ને ગુમાવવી પડી. એવું દર્દ અનુભવતા બંને ભાઈ બહેનની નાસ્તાની પ્લેટ અને જ્યુસનો ગ્લાસ એમ જ પડી રહ્યા.

શ્વેતા મનમાં નિર્ધાર કરીને બેઠી હતી કે આજે તો એ પપ્પાને પ્રશ્ન પૂછીને જ રહેશે … કેમ કે હવે જો વાર કરશે તો પપ્પા મમ્મીની ઉત્તરક્રિયા પતાવીને ગમે ત્યારે ફોરેઈન ઉપડી જશે. એ પહેલા આ પશ્ન પૂછવો જ પડે. આવું વિચારતી બેઠી હતી ત્યાજ પિતા વિનાયક ભારદ્વાજ આવ્યા અને કહ્યું, “બેટા, કેમ આમ એકલી બેઠી છે?” શ્વેતાએ ઉતર માં કહ્યું, ” પપ્પા, હું એક વાત પૂછવા માંગું છું જે દિવસે મમ્મી ને એટેક આવ્યો ત્યારે મમ્મી એ તમારી સાથે ફોનમાં જે વાત થઇ એ વિશે હું જાણવા માંગું છું.” વિનાયક ભારદ્વાજ એક મોટા એમ્પાયરના માલિક દીકરીના આ પ્રશ્ન નો ઉતર આપવાને સક્ષમ નહોતા. કંઈક અચરજ અને કંઈક ભોઠપથી મોઢું નીચું કરી જવાબ આપ્યા વગર જ બેડરૂમ માં જતા રહ્યા અને બેડરૂમ નો દરવાજો એમ બંધ કર્યો જાણે એમના હૈયાની જેમ દરવાજાને પણ કદિ ખોલવો જ ન હોય.

ક્રમશ: — જાહ્નવી અંતાણી.