Vamad - 4 books and stories free download online pdf in Gujarati

વમળ પ્રકરણ -4

વમળ પ્રકરણ -4 લેખક - અશ્વિન મજીઠીયા

હળવે’કથી બંધ થતાં દરવાજાને શ્વેતા જોઈ રહી.

આ દરવાજાની પાછળ તેના પ્યારા પપ્પા હતા, જેણે સ્વેચ્છાએ પોતાને તેનાથી અળગા થવાનું પસંદ કર્યું હતું, કદાચ થોડા સમય માટે.

હા, હંમેશ અથવા વધુ સમય માટે તો કદાપી જ નહીં, એટલો તો શ્વેતાને વિશ્વાસ હતો.

હમણાં..થોડીક પળો પહેલાં જ પોતાના અતૂટ વિશ્વાસ પર થયેલ કુઠારાઘાત બાદ પણ સ્વેતાના મનમાં એ વિશ્વાસના મૂળ હજુ ય મોજુદ હતા, જીવંત હતા.

શ્વેતાએ ઈચ્છ્યું હોત તો, પોતે પણ પપ્પાની પાછળ પાછળ તેમના બેડરૂમમાં જઈને પોતાના સવાલનો ત્વરિત જવાબ માંગી શકી હોત; એમ તો પપ્પાને જો જવાબ દેવો જ હોત તો તેઓ પણ અહી લીવીંગ રૂમમાં જ જવાબ દઈ શક્યા હોત.

પણ તેમણે તેમ ન કર્યું. મૌનનું હથિયાર હાથ ધરી તેઓ રણ-મેદાન તજી ગયા હતા.

રણ-મેદાન? શું આ લડાઈ હતી તેનાં અને પપ્પા વચ્ચે ?

શું કોઈ ગહન રહસ્યએ તેઓ બંને વચ્ચે કોઈ યુદ્ધ છેડી દીધું હતું ?

કોઈક ગંભીર ભેદ તો જરૂર હયાતી ધરાવતો હતો, જે તેની મમ્મી માટે તો જીવલેણ સાબિત થઇ જ ચુક્યો હતો.

તો શું એ એટલો કાતિલ ભેદ હતો કે, આ હસતાંરમતાં ઘરની શાંતિ હરી લેવા પણ સક્ષમ હતો ?

હા, હોય શકે, કેમ નહીં..!

પપ્પાની આ ઘરમાંથી લાંબી અને નિયમિત ગેરહાજરી દરેક વખતે ધંધાકીય ન પણ હોય શકે..

જો આવું હોય તો ઉતાવળા પગલાં અને નિર્ણયો હિતાવહ નથી જ.

આ પરિસ્થિતિ શાંતિપૂર્ણ ચર્ચા-વિચારણા માંગી રહી હતી.

અત્યારે બેડરૂમનો દરવાજો બંધ કરીને પપ્પાએ આડકતરી રીતે પોતાને સ્વસ્થ થવા માટેની મુદત માંગી હોય એવું શ્વેતાને લાગ્યું; અને આટલી મોકળાશ પોતે તેમને આપવી જોઈએ, તેવું શ્વેતાને ય લાગ્યું.

આમેય હવે વિષય તો પોતે છેડી જ દીધો છે, એટલે પપ્પા એને નજરઅંદાજ તો નહિ જ કરે તેટલું તો તે જાણતી જ હતી; અને એટલે જ પપ્પાને જોઈતી શાંતિ અને એકાંત આપવાના હેતુથી શ્વેતા ડાઈનીંગ ટેબલ પરથી ઉઠીને પોતાનાં બેડરૂમમાં ચાલી ગઈ.

.

પપ્પા અને બહેન વચ્ચે થયેલ આ ટૂંકી વાતચીતથી શુબાન બિલકુલ બેખબર હતો. શ્વેતાને મમ્મીના હાર્ટ-એટેકનું આઘાતજનક કારણ આપી, તેને એવી જ અવસ્થ હાલતમાં છોડીને તે પોતાનાં બેડરૂમમાં આવી ગયો હતો, કારણ કે તેને લાગ્યું કે ખિસ્સામાંનો તેનો પર્સનલ ફોન વાઈબ્રેટ થઇ રહ્યો હતો.

હા, આ તેનો પ્રાઇવેટ ફોન હતો, જેનાંપર ફક્ત એકદમ અંગત ફોન-કોલ જ આવતા હતા. આ નંબર બધા પાસે ન હતો. ગણ્યાગાઠયા બે-ચાર લોકો જ આ નંબરપર કોલ કરતા હતા.

અને માટે જ, આવી કઠીન વેળાએ પણ શ્વેતાને ડાઈનીંગ ટેબલપર થોડી પળો માટે એકલી છોડી જવું તેને યોગ્ય લાગ્યું.

પોતાના બેડરૂમમાં આવીને તેણે ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને જોયું તો સ્ક્રીનપર અજાણ્યો નંબર બ્લીંક થઇ રહ્યો હતો. કન્ટ્રી-કોડ પરથી તે સમજી શક્યો કે કોલ ઇંગ્લેન્ડથી હતો.

“હલ્લો..?” -ઈંગ્લેન્ડમાં આ અંગત નંબર કોની પાસે હોય શકે તેવું વિચારતા વિચારતા તેણે કોલ રિસ્પોન્સ કર્યો.

“યાહહલ્લો શુબાન, સોનિયા હિયર..” -સામેથી તેનો ખુબ જ પરિચિત અવાજ સંભળાયો.

“સોનિયા,,? યુ ઇન ઇંગ્લેન્ડ ? ” -સુબાને રોમાંચિત થઇ અચરજ સાથે પૂછ્યું.

“યસ ડીયરેસ્ટ..અરજન્ટ આવવું પડ્યું..!” -સોનિયા બોલી- “યુ સી..? મને ન્યુઝ મળ્યા કે પ્રો. કરીમ ઇસ નોટ કિપીંગ વેલ ધીઝ ડેઝ..અને મારે પી.એચ.ડી.ની મારી થીસીસ ફાઈનલાઈઝ કરવાની છે. સો આઈ હેડ તો રશ હિઅર..!’

સોનિયા બોલતી રહી અને શુબાનની આંખોસામે પોતાની આ ખુબસુરત પ્રિયતમાનો બેહદ હસીન ચહેરો તરવરી ઉઠ્યો.

છેલ્લા એક અઠવાડીયાથી તેનો ફોન સ્વીચ-ઓફ આવતો હોવાને કારણે તેનો કોન્ટેક થઇ શક્યો ન હતો. આજે જ પોતે તેને ઈમેઈલ કરવાનું વિચારતો હતો, કે સોનિયાનો ફોન સામેથી આવી ગયો; એટલે તેની સાથે વાત કરવાની ઉત્સુકતામાં તે ભૂલી ગયો કે પોતે શ્વેતાને અસ્વસ્થ હાલતમાં બહાર એકલી છોડી આવ્યો છે.

“પૂરું વીક હું બીઝીલી ઓક્યુપાઇડ રહી એટલે તારો કોન્ટેક ન કરી શકી..સો સોરી શુબાન. એન્ડ યસ..આઇએમ શોક્ડ. મને ન્યુઝ મળ્યા તારી મોમના. ઈટ’સ સો સેડ ટુ લર્ન.. મે હર સોલ રેસ્ટ ઇન પીસ. આઈ પ્રે ઓલમાઈટી. બટ હાઉ સડનલી? શી વોઝ નોટ ઇવન ઈલ..આઈ નો..! ” -સોનિયાએ ખરખરો કર્યો.

“યસ, એકદમ સડનલી સોનિયા. ઈટ વોઝ અ હાર્ટ-એટેક, એન્ડ અ માસીવ વન. અમને કોઈ જ ચાન્સ ન મળ્યો તેની ટ્રીટમેન્ટ કરવાનો કે કોઈ મેડીકલ હેલ્પ લેવાનો. અને તને ઇન્ફોર્મ પણ ન કરી શક્યો..યુ સી ? તારો ફોન..”

“યસ.. આઈ અન્ડરસ્ટેન્ડ..! મારે અહિયાં અચાનક જ આવવું પડ્યું એટલે તને ઇન્ફોર્મ ન કરી શકી. એન્ડ નો સૂનર આઈ ગોટ ફ્રી, મેં તારો કોન્ટેક કર્યો. હવે ફોર નેક્સ્ટ ટુ વિકસ આ નંબરપર હું અવેલેબલ રહીશ…જસ્ટ ફોર યુ..ઓલ ૨૪/૭.”

“થેન્ક્સ ફોર કોલિંગ..સોનિયા.. આઈ નીડેડ યુ એટ ધીઝ આવર..એન્ડ આઈ ગોટ યુ..!”

“એની ટાઈમ સ્વીટ-હાર્ટ.. બટ યુ ટેક કેર..બી અ બ્રેવ બોય માય બેબી..એમ ઓલ્વેઝ વિથ યુ..” -સોનિયાએ ધરપત આપતા કહ્યું- “ટેક કેર ફોર નાઉ.. પછી નિરાંતે વાત કરીએ..”

“શ્યોર..થેન્ક્સ અગેઈન જાન..! લવ યુ..” -ફોન ડીસકનેક્ટ કરી શુબાન ફોન ભણી તાકી રહ્યો..જાણે પોતાની પ્રિયતમાનો ચહેરો તેમાં દેખાઈ રહ્યો હોય તેમ.

ક્યાં પોતે મુંબઈમાં અને ક્યાં આ સોનિયા ડર્બનમાં..! અને ક્યાં બંને સાથે લંડનની એક જ કોલેજમાં…જ્યાં તેમનો પ્રેમ પાંગર્યો અને પરિપક્વ થયો. બસ સોનિયાનું પીએચડી થાય તેની જ તે વાટ જોઈ રહ્યો હતો. એક વાર તે થઇ જાય કે પોતે ઘરમાં સોનિયા સાથે લગ્નની વાત કરવાનો હતો..અને ત્યાં જ વચ્ચે આ મમ્મીનો અણધાર્યો બનાવ…!

પણ સોનિયાને મમ્મીના અવસાનની વાત કોણે કરી ? આટલે દુર તેને ખબર કેવી રીતે પડી? ફરી પાછી વાત કરીએ ત્યારે પૂછી લઈશ -તેણે વિચાર્યું.

ત્યાં અચાનક તેને યાદ આવ્યું કે પોતે શ્વેતાને બહાર હોલમાં એકલી જ મૂકી ને આવ્યો હતો. તે બેડરૂમમાંથી બહાર આવ્યો. જોયું તો શ્વેતા ડાઈનીંગ ટેબલ પર નહોતી. હા, પપ્પાના બેડરૂમનું એ.સી. ચાલતું હતું. કદાચ તેઓ મોર્નિંગ-વોકપરથી આવીને રૂમમાં આરામ કરતા હતા.

.

પોતાના બેડરૂમમાં પોતાના નવા ફોન ‘આઈફોન૬-પ્લસ’ તરફ વિનાયક એકટશ નજર માંડીને બેઠો હતો. આ એ જ હેન્ડ-સેટ હતો જેણે તેના જીવનમાં એવો ઝંઝાવાત સર્જ્યો હતો કે અત્યારે પોતે પોતાની વ્હાલસોયી અર્ધાંગીનીને ખોઈ બેસવા ઉપરાંત, પોતાના સંતાનોની નજરોમાં જ એક ગુનેગાર બનીને ઉભો હતો. રૂપિયા એશી હજારની કિમતનો આ ફોન, તેની પત્નીની આવરદાના એશી યે એશી વર્ષ એક પળમાં પુરા કરી, અત્યારે કેવો શાંત અને ચુપચાપ એક જગ્યાએ પડ્યો હતો.

હજુ તો તે વધુ કંઇ વિચારે, એ પહેલા જ એ ફોન રણકી ઉઠ્યો.

સામે છેડે તેનો ખુબ જ અંગત મિત્ર નિર્મલ હતો. નિર્મલ, જેની સાથે પોતે નસીબ અજમાવવા માટે હિન્દુસ્તાનથી શારજાહ ગયો હતો. નિર્મલ, જેની સાથેની તેની મૈત્રી સાડા ત્રણ દાયકા પસાર કરી ચુકી હોવા છતાં ય, એવી ને એવી જ અકબંધ હતી..આજે ય..

“હા બોલ નિર્મલ..” –વિનાયકે સ્વસ્થ થવાનો પ્રયત્ન કરતાં કરતાં વાત શરુ કરી.

“કાલે આપણી વાત અધુરી રહી ગઈ’તી, તો મને થયું કે થોડી વાતો કરીએ તો તારું મન જરા હળવું થાય. ત્યાં હવે બધું કેમ છે? લતાભાભીના અકાળ અવસાન બાદ શુબાન અને શ્વેતા નોર્મલ થયા કે નહીં? આઘાત તો વસમો જ હશે, હું સમજુ છું પણ..”

“હા..થોડા નોર્મલ થયા હતાં એવું મને લાગ્યું, પણ ત્યારે મને એ ખબર નહોતી કે, તેમને કેન્યાવાળી વાતનો અણસાર છે..”

“એટલે ? તેમને ક્યાંથી ખબર ? લતાભાભીએ કદાચ વાત..”

“ના.. એવું નથી. પણ મારી અને લતાની તે દિવસની વાતચીત વખતે કદાચ શુબાન રૂમમાં હાજર હશે એવું લાગે છે. એટલે તેને વાત થોડી ઘણી સમજાઈ હશે અને પછી શ્વેતાને આ વાત કરી હશે. શ્વેતા હમણાં જ મને પુછતી’તી..પણ શું જવાબ આપું હું ? એમ કહું કે -હા, તું જે વિચારી રહી છો એ તદ્દન સાચું છે. તારી મમ્મીના મોતનો જવાબદાર હું જ છું ? યાર..ત્રીસ વરસ પહેલાં જ મેં તને વાર્યો હતો, કે રહેવા દે, આગ સાથે નથી રમવું મારે. પણ તારી હૈયા-ધારણને કારણે, તારી હિંમતના જોર પર મેં આંધળુકિયા કર્યા.. અને જુએ છે ને તું, આજે શું થવા બેઠું છે..!”

“હું તને બોલતા નહિ રોકું દોસ્ત..તારી મન:સ્થિતિ હું નહીં સમજુ તો કોણ સમજશે. તે મારી સલાહ પ્રમાણે જ તારી જિંદગીને વળાંકો આપ્યા, પણ ત્યારે પરિસ્થિતિઓ એવી હતી કે મારી જગ્યાએ બીજું કોઈ હોત, તો તેની પણ સલાહ કદાચ મારી જેવી જ હોત. જુવાનીનું જોશ હતું.. કારકિર્દી બનાવવાની ધગશ.. શારજાહથી કેન્યા.. અને ત્યાં વળી સામે આવેલ મોકાનો તકાજો પણ એવો જ હતો કે તને રોહિણી સાથે લગ્ન કરવાની જ સલાહ આપવી પડે. જો ત્યારે તે એની સાથે લગ્ન ન કર્યા હોત, તો રોહિણી ત્યારે જ પોતાનું જીવન ટૂંકાવી ચુકી હોત, કદાચ.. યાર કુંવારી માતા બનવાની હિંમત કોણ દાખવી શકે, અને એ પણ ત્રીસેક વરસ પહેલા? વળી કેન્યાનો અહીંનો સમાજ તો ત્યાં હિન્દુસ્તાન-ગુજરાતના સમાજ કરતા ય જુનવાણી.”

“હા..તારી વાત તો ત્યારે ય મને સાચી લાગી હતી, અને આજે પણ એટલી જ સચોટ લાગે છે..” –વિનાયકે પૂર્ણ સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી- “ત્યાં શારજાહમાં તો મજુરી શિવાય કંઇ બચ્યું જ ન હતું તો તારી જ સલાહથી તારી સાથે હું કેન્યા આવ્યો. ત્યાં આવતી વખતે કે ત્યાં આવ્યા બાદ પણ, અહીં ઇન્ડિયામાં ઘરવાળાઓને તો કીધું નહોતું કે મેં મહાપ્રયાણ કર્યું છે. ત્યાં ખુબ કમાઈને તેમને આનંદભર્યો આંચકો દેવાની પ્રમાણિક નેમ હતી મારી..”

“નસીબના ખેલ છે રાજા, નહીં તો હું યે તારી સાથે જ શારજાહમાં કેટલા વર્ષો હેરાન થયો? અને પછી પણ થતો જ રહ્યો હોત. પણ આ તો મારા કેન્યાવાળા દેવચંદમામાનો દીકરો દયાળ ધંધાર્થે ત્યાં શારજાહ આવ્યો અને આપણને કહ્યું કે યુગાન્ડામાં, ત્યાનાં સરમુખત્યાર ઈદી અમીનના પતન પછી, ફરી એક વાર ત્યાં યુગાન્ડામાં ધંધો વિકસાવવાની તક દેખાય છે અને એના માટે ઘરના માણસોની જરૂર છે. દેવચંદમામા અને દયાળ તો કેન્યામાં વેલ-સેટલ્ડ હતા, એટલે તેમના આગ્રહવશ થઇ, મેં ત્યાં કેન્યા જઈને તેમને યુગાન્ડામાં ધંધો વિકસાવવામાં મદદ કરવાનો નિર્ણય કર્યો; અને સાથે સાથે તને પણ મારી સાથે આવવા રાજી કર્યો. પણ ત્યારે ક્યાં ખબર હતી કે થોડા જ વખતમાં દયાળનું ત્યાંના મહારોગચાળામાં અચાનક અવસાન થશે, દેવચંદમામા ધંધામાં એકલા પડી જશે. અને આપણે ત્યાં કેન્યામાં જ ઠરીઠામ થવું પડશે.”

“હા, પણ આ એક જ આઘાત નહીં.. કેન્યાનો તે ભયાનક રોગચાળો.. દેવચંદશેઠને એક કરતાંય વધુ આઘાતો દઈ ગયો.” –વિનાયક ભૂતકાળમાં સરી જતા બોલ્યો.

“ખેર જવા દે એ બધી જુની વાતો.. આવનારા દિવસો પર ધ્યાન દે હવે..,” –નિર્મલે વિનાયકને ભૂતકાળમાં ગરક થતા પહેલા જ બહાર ખેંચ્યો- “બાકી રોહિણી આટલા વર્ષોમાં કોઈ દિવસ આવી ભૂલ કરતી નહીં, તો કેમ કરતા તે લતાભાભી આગળ બોલી પડી કે, -હું મીસીસ ભારદ્વાજ બોલું છું..?”

“યાર, હું ત્યાં કેન્યામાં હોઉં, ત્યારે મારા આ ઇન્ડિયાના ફોનને હાથ નહીં લગાડવાનું તે હંમેશ ધ્યાન રાખતી જ. પણ મારા ફોનના એક સરખા બે હેન્ડ-સેટથી બિચારી મૂંઝાઈ ગઈ. થયું એવું કે એણે મને આ ‘આઈફોન-૬પ્લસ’ જન્મદિવસની ગીફ્ટરૂપે આપ્યો. પણ મારી પાસે તો આ જ મોડેલનો બીજો એવો જ હેન્ડ-સેટ ઓલરેડી હતો જ. રોહિણીને સારું લાગે એટલે તેણે ગીફ્ટ આપેલ હેન્ડ-સેટમાં મેં મારું ત્યાનું લોકલ સીમ-કાર્ડ ટ્રાન્સફર કર્યું. જોકે ત્યારે મને થયું જ હતું કે કોઈ ગોટાળો ન થાય તો સારું. અને એવું જ થયું. મારા ઇન્ડિયાના ફોનને, પોતે આપેલ ફોન સમજી તેણે રીસીવ કર્યો. અને આદત પ્રમાણે જવાબ આપ્યો કે -મીસીસ ભારદ્વાજ બોલું છું. હા, એટલી જ તેની ભૂલ કે સ્ક્રીનપર જોયું નહીં કે કૉલ ઇન્ડિયાથી આવ્યો છે. ખેર,. જે થવાનું હતું તે થઇ ગયું. ભૂલ બેશક મારી જ હતી. તે બિચારીનો વાંક ય શું કાઢું.”

“હા, અજાણતા ભલે..પણ ખુબ ભારે નુકસાન થઇ ગયું.” –નિર્મલ એટલું જ બોલી શક્યો- “ચલ પછી વાત કરીએ તારે ઓફિસે જવાનું મોડું થતું હશે.”

“ઠીક છે..ચલ, રાતે વાત કરશું..” –વિનાયકે ફોન ડીસકનેક્ટ કરતાં કહ્યું.

.

ફોન મુકતાની સાથે જ વિનાયકને ત્રણ દાયકા પહેલાની એ રાત યાદ આવી ગઈ. દયાલના મૃત્યુને હજુ માંડ એકાદ અઠવાડિયું વીત્યું હશે, અને તે રાતે પોતાની ઓરડીમાં વિનાયક એકલો જ હતો કે નિર્મલ આવી ચડ્યો.

“શું થયું ? આમ અચાનક ?” –વિનાયકે નિર્મલના ગંભીર ચહેરા તરફ તાકતા એકદમ જ પૂછ્યું.

“યાર, દેવચંદમામાને લકવો થઇ ગયો..”

“શું વાત કરે છે ?”

“હા..જબરો આઘાત લાગ્યો છે તેમને.”

“હમમ.. તેમનો જુવાનજોધ દીકરો….”

“અરે..એ ઉપરાંત પણ..”

“એ ઉપરાંત પણ..? એ ઉપરાંત બીજું શું?”

“અરે, રોહિણીની વાત છે. એને મીલીટરીના એક ડોક્ટર યુવાન સાથે પ્રેમ હતો. આ રોગચાળામાં મીલીટરીમાં પેલા ડોક્ટરની ડ્યુટી હતી રોગીઓની સારવાર કરવાની. અને એમાં તેનો પણ આ રોગચાળામાં ભોગ લેવાઈ ગયો. હવે પ્રોબ્લમ એ થયો કે રોહિણી અને એ ડોક્ટર બંને ખુબ આગળ વધી ચુક્યા હતા. અને હાલ..રોહિણી પ્રેગ્નન્ટ છે.”

“ઓહ પ્રભુ…!”

“હા.. રોહિણીને કોઈ ઈલાજ ન દેખાણો. મા વગરની દીકરી.. કોને વાત કરે.. તેણે દેવચંદમામાને વાત કરી. પણ તેમનાથી એક જ અઠવાડિયામાં આ બીજો આઘાત સહન ન થયો, અને તેઓ પક્ષઘાતના હુમલાના શિકાર થઇ ગયા.”

“પણ એનાથી લકવો થાય..?”

“કોણ જાણે.. પણ હાલ તો એ જ કારણ લાગે છે. જે હોય તે હવે. પણ જો પોતાની દીકરીને તે સુખી જુએ તો સારવાર પણ સાથ દેશે તેવું લાગે છે. બીજી મોટી વાત એ થઇ કે, મને રોહિણીના ડ્રોઅરમાંથી એક ચિઠ્ઠી મળી –તેના પપ્પાની સંભાળ રાખવાની મને ભલામણ કરતી ચિઠ્ઠી. એના પરથી મને ચોક્કસ લાગે છે કે જો આ છોકરીને એકલી મુકીશું, તો આજ નહીં તો કાલ તે જરૂર આપઘાત કરવાની જ. બિલકુલ ભાંગી ચુકી છે તે છોકરી. તો મારે હવે તારી મદદની ખાસ જરૂર છે.”

“મદદ તો બેશક કરીશ..” –વિનાયક ભાવુક બની બોલ્યો- “દેવચંદશેઠની મારી ઉપર કેટલી યે મહેરબાની…કે મને પોતાના દીકરા જેવો ગણી મારી જિંદગીને ઠેકાણે લાવ્યા. પણ છતાં ય આ તમારો કૌટુંબિક મામલો.. હું કેટલું કરી શકવાનો..?”

“રોહિણી સાથે લગ્ન કરી લે તું..”

“શું..? તારી અક્કલ તો ઠેકાણે છે ને. ? હું ઓલરેડી પરણેલો છું અને તું જાણે છે એ. શેઠ અને રોહિણી સુદ્ધા જાણે છે આ વાત.”

“જો ..કંઈક તો રસ્તો કાઢવો જ પડશે. આ અજાણ્યા દેશમાં હું કોઈ બીજાને જાણતો નથી. કોને કહું કે મારી કુંવારી ગર્ભવતી બહેનનો હાથ ઝાલીને તેની ઈજ્જત બચાવી લે?”

“ગર્ભપાત..?”

“બહુમોડું થઇ ગયું છે હવે.. અને આમેય, આવા રોગચાળાવાળા વાતાવરણમાં અમસ્તું ય આ બધું ખુબ જોખમી ગણાય..”

“મારી પરિસ્થિતિ તો જાણે છે તું.. આઈ એમ સોરી, યાર”

“જો દોસ્ત, તું ચાહે તો ચોક્કસ મદદ કરી શકે છે. રોહિણી અહીં કેન્યામાં જ જન્મી છે. કોઈ દિવસ ઇન્ડિયા ગઈ નથી. કે નથી ભવિષ્યમાં જવાની. એવી જ રીતે તારું ફેમીલી નથી કેન્યા આવવાનું. તો તું ધારે છે, એટલું મુશ્કેલ નથી આ..”

“પણ મારી વાઈફ? હું તેને દગો દઉં એમ ?”

“દોસ્ત, ફક્ત નામ દેવાનું છે તારું. તારો પ્રેમ નહીં. રોહિણી આમે ય… કોઈ બીજાનું પડખું સેવવા જેટલી તૈયારી નથી એની. ખુબ પ્રેમ કરતી હતી તેના પ્રેમીને. મારી એની સાથે ઘણી વાત થઇ છે. ખુબ સમજાવી ત્યારે પોતાના પપ્પાની તબિયત અને પોતાના સંતાનને ખાતર..પોતાના પ્રેમીની નિશાનીને જીવતી રાખવા ખાતર.. તૈયાર થઇ છે એ, અથવા તો થશે કદાચ..મને કંઇ જ ખબર નથી, હું તો બસ મારાથી બનતું કરી છૂટવાની કોશિષ કરું છું. અને બહુ આશા છે તારી પાસેથી, દોસ્ત.”

.

.

અને પછી બહુ બધી સમજાવટ મથામણ અને ચર્ચાઓ બાદ એકાદ મહિનામાં તેના અને રોહિણીના લગ્ન લેવાયા.

બંને વચ્ચે પતિ પત્નીના દામ્પત્ય-સુખના કોઈ વહેવાર વગર દિવસો વિતતા ગયા.

દેવચંદશેઠ ખાટલેથી ક્યારે ય ઉભા ન થઇ શક્યા.

ધંધો વિનાયકે અને નિર્મલે સંભાળી લીધો.

રોહિણીને પેટે એક ખુબ જ સુંદર બાળકી જન્મી.

રોહિણી પ્રત્યેની પોતાની નૈતિક જવાબદારી પૂરી થઇ એમ સમજી વિનાયકે પોતાને દેશ પરત આવવાનું વિચાર્યું; ત્યાં જ જ દેવચંદશેઠનું અવસાન થયું; વાત ફરી ઠેલાઈ ગઈ.

યુગાન્ડામાં ફરી કારોબાર વધારવાની વાત હવે દક્ષીણ આફ્રિકા સુધી વિસ્તારવાની વાત બની ગઈ.

બંને મિત્રો કે સાળો-બનેવી, જે કહો તે, બંને જુવાનીયાઓની મહત્વાકાંક્ષા અને સામે આવતી તકોનો તાલમેલ વિનાયકના ભારત પાછા ફરવાના દિવસને પાછળ ને પાછળ હડસેલતો ગયો.

પરિવારને મળવાની ઈચ્છા તો હતી પણ સાથે સાથે દગો દીધાની ગુનાહિત લાગણી ય મોજુદ હતી, જે પાછા ફરવાના તેનાં ઉત્સાહમાં અચકાટ ભરી દેતી હતી.

ઘરે ટપાલ કે ફોનનો વ્યવહાર પણ બંધ હતો; સમાચાર આપવા તો શું આપવા..? ફોનપર વાત થાય તો શું જવાબ દેવો?

ત્યાં સુધી કે, ધંધાકીય પ્રગતિ માટે આંકડાશાસ્ત્રના નિષ્ણાતો અને જ્યોતિષોએ વૃષભ રાશી પરથી જ પોતાનું બીજું નામ રાખી લેવા કહ્યું, ત્યારે પોતાનું ‘વિનાયક’ નામ બદલીને, ‘નિર્મલ’ સાથે પ્રાસમાં બેસતું ‘વિમલ’ નામ રાખતી વેળાએ તેણે થોડી હળવાશ પણ અનુભવી હતી.

આમ મૂંઝવણભરી મન:સ્થિતિ સાથે સમય વીતતો ગયો.

કહેવાય છે ને કે.. નસીબે આપેલા ઘાવ સમય જ ભરી આપે છે.

વખત જતો ગયો.. રોહિણીના ઘાવ ભરાતા ગયા..તેના આઘાતની તીવ્રતા ઓછી થતી ગઈ.

વિનાયકે પોતાને નવી જીંદગી બક્ષી તે બદલનો તેના તરફનો અહોભાવ પ્રેમમાં પરિવર્તિત થતો ગયો.

કુટુંબથી દુર રહે વિનાયકને એક અરસો વીતી ગયો. ને એ જ અરસામાં અહીં કુટુંબ જેવી જ હુંફ અને પ્રેમ નજર સામે દેખાતા હતા..બસ ફક્ત હાથ ફેલાવીને બાથ ભીડવાની હતી.

તો વહેતા વખત સાથે રોહિણી અને તેની વચ્ચે પ્રેમ-અંકુર ફૂટવા લાગ્યા; જુવાની તેનો ભાગ ભજવતી ગઈ. અને ફક્ત નામ દેવાની વાત નામશેષ થઇ ગઈ.

શયનકક્ષના બંધ બારણાપર રોજ રાતે ટકોરા મારતા દાંપત્ય-સુખ માટે એક રાતે દરવાજા ખોલી દેવાયા. અને કહેવાના પતિ-પત્ની પછી સાચા અર્થમાં પતિ-પત્ની બની ગયા. બીજા સંતાનના આવવાના એંધાણ વર્તાતા ખુશી બમણી થઇ.

જો કે ઉપ-પત્નીને ન્યાય કર્યાનો સંતોષ થયો ત્યાં પત્નીને અન્યાય કર્યાની લાગણીએ ફરી ઉથલો માર્યો.

ઘરે પાછા ફરવામાં હવે ધંધાકીય હરકત કોઈ ન હતી કારણ માણસો જૂનાં થતાં ગયા એમાંથી એકાદ બે ખુબ વિશ્વાસુ મળી આવ્યા; મૂડી બમણી થી ચારગણી અને ચારગણીથી આઠગણી થઇ ગઈ તો ભારતમાં ય બીઝનેસ જમાવવાની ચળ ઉપડી.

ભારત અને કેન્યા વચ્ચે આવન-જાવન ચાલુ રાખવાની નેમ સાથે વિનાયકે નિર્મલને વાત કરી. તેને ય વાત વ્યાજબી લાગી અને વિનાયક ભારત પાછો ફર્યો ત્યારે તેના ગમન-પુનરાગમન વચ્ચે છએક વર્ષનો અરસો વીતી ગયો હતો.

પરિવારજનો પાસે શારજાહની જ વાત ચલાવે રાખી, કારણ કેન્યાનો ઉલ્લેખ સુધ્ધા કરવામાં હૃદય ધબકારો ચુકી જતું.

આમને આમ સમય સુખરૂપ વીતતો ગયો. પણ વર્ષો સુધી વ્યવસ્થીત ચાલેલી ભારત-કેન્યા આવન-જાવનની આ વ્યવસ્થા આજે ખોરંભે ચડી ગઈ.

.

એકાએક રણકેલી ફોનની રીંગથી વિનાયકના વિચારોનું વમળ થંભી ગયું. ફરી પાછો તેનો કેન્યાવાળો ફોન બ્લીંક થતો હતો.

પુત્રી શ્વેતાનાં અણિયાળા સવાલોથી બચવા તે પોતાના બેડરૂમમાં આવી ગયો, પણ અહીં ય તેને જોઈતી એકલતા નહોતી પ્રાપ્ત થતી. મને-કમને તેણે ફોન તરફ જોયું.

રોહિણી સાથેના તેનાં લગ્ન માટેનું એકમાત્ર કારણ અને પોતાની સગી દીકરીઓ કરતાં ય વ્હાલી એવી તેની સાવકી દીકરીનો સ્ક્રીનપર ચમકતા ચહેરો જોઈ, તેનો બધો અણગમો..બધો કંટાળો..દુર થઇ ગયો.

“હેય.. હલ્લો સોનિયા..” -વિનાયકે ઉષ્માભર્યા સ્વરે વાત શરુ કરી.

ક્રમશ: — અશ્વિન મજીઠીયા