Hu aej tu - 1 books and stories free download online pdf in Gujarati

હું એજ તું-૧

પ્રકરણ-૧

જૂન નું સળગતું રાજસ્થાન, સળગતો બાસ્કેટબોલ કોર્ટ અને એના થી પણ વધારે સળગતા લોકોના હૈયા..

તડકો અહિયાં નો એવો કે પળવારમાં શરીર પર નો પરસેવો પણ પોતાની સાથે ઉડાવી જાય..!!

કોલેજનો સ્પોર્ટ્સ વિક આમ તો શિયાળામાં હોય, પણ રાજસ્થાન હંમેશા માટે ઊંધું જ ચાલતું.. અહિયાં ના લોકો નો સંઘર્ષ ઋતુઓના મારથી ઘટવાને બદલે વધી જતો..

શેખાવટી ડીસ્ટીક, આ ભૂમિ એ ઘણા શુરવીરો આપ્યા છે. રાજપુતાના રાઈફલ્સના અડધો અડધ સૈનિકોનું મૂળ..

આ વિસ્તાર નું એક માત્ર સંસ્કાર તીર્થ અને પર્યટન સ્થળ એટલે એમ.જી યુનિવર્સિટી.. કેમકે આજુ બાજુ કોઈ મોટો ગાર્ડન કે સ્થાપત્ય નહોતું. વિશાળ કેમ્પસ અને એથીય સમૃદ્ધ એની જાહોજલાલી..!! અહી દેશના ખૂણે ખૂણામાંથી યુવા હૈયાઓં ઉછળતા કૂદતાં કંઇક ને કંઇક બનવા માટે આવતા..

સ્પોર્ટ્સ વિક અહિયાં મેળા ની જેમ ઉજવાતો. આસપાસના ગામડાના યુવાનો એવા તડકામાં પણ નશીલા જોશ સાથે તેને જોવા માટે આવતા..

ગણતરી ની પળોમાં જ રમત ચાલુ થવાની હતી. વરાળ બહાર ફૂંકતો બાસ્કેટબોલ કોર્ટ એ રીતે ભર્યો હતો કે તડકાનું એકપણ સીધું કિરણ બેઠક કાર્પેટ પર નહોતું પડતું. એ કોઈને કોઈના માથા વડે જીલાઈને વરાળ થઇ જતું હતું..

ગ્રાઉન્ડમાં રમવા માટે તૈયાર ખેલાડીઓ વાર્મ અપ કરી રહ્યા હતાં. એમનો જોશ આજે તડકાને તેની ઔકાત બતાવી રહ્યો હતો. કોર્ટમાં સળગી રહેલાં બધાની નજર ખેલાડીઓની તરકીબો પર હતી. એમની પ્રેક્ટીસ એ રીતે ચાલુ હતી કે માત્ર એ ટીમ ના ૫-૫ ખેલાડી સિવાય ત્યાં બીજું કોઈજ નહોતું, બાસ્કેટબોલ પણ ઘણી અજીબ રમત છે. બંને ટીમ ના ૫-૫ ખેલાડીએ મળીને સામ સામેની રીંગ માં ગોલ કરવાનો, એકદમ સામાન્ય જીવાતી જીંદગીની જેમ પોતાની પક્ષની રીંગ થી કોઈને સંતોષ નથી હોતો અને ગોલ બધા આપડે સામે વાળાની રીંગમાં જ કરવાના એ પણ એ પક્ષ સાથે લડીને.. જીંદગીમાં એટેક અને ડિફેન્સ બે જ વસ્તુ તો છે.. આખરે બીજું છે જ શું ?

હું હજુ બેઠો હતો. આ બધું જ જોઈ રહ્યો હતો. આજનો દિવસ, એ મારી જીંદગીના અગત્યના દિવસો માનો એક હતો.. આજનું બધું જ અગત્યનું હતું.. ટુર્નામેન્ટ, સળગતો કોર્ટ અને મારા પર ઉમીદ લગાવીને બેઠેલા સેકંડ યર એન્જિનિરીંગ ના બધા જ વિધાર્થીઓ..

મારું મૂળ તો ગુજરાત.. પણ ખાનાબદોશી અને તકદીર મને અહિયાં ખેચી લાવી હતી.. આખરે મારે પણ કંઈક બનવું હતું, કંઈક કરવું હતું અને કદાચ કોઈક ને દેખાડવું પણ હતું.. કમ્ફર્ટ ઝોન શું કહેવાય એ મને ખબર નથી, અને કદાચ કંઈક હશે તો પણ આપણાં તો બંને પગ બહાર જ.. જીંદગીમાં પહેલી વાર હું આ રીતે મારા ભગવાન ને ઘરે મુકીને લાંબા સમય માટે બહાર નીકળ્યો હતો. હા, એ મારા માતાપિતા જ..

પરન્તુ એક નશો હતો.. એક ઝનૂન હતું.. એક ગાંડપણ હતું.. ખુદ ને નીચોવવાનું અને નિચોવીને કંઇક હટકે આપવાનું.. થાકવાની તો ખબર જ નહોતી પડતી અને હારવાનું તો હજુ હું શીખ્યો જ નહોતો. મેં હમેશા મારી જિંદગીને બે જ રસ્તા બતાવ્યા હતાં.. જીતવાનું કા મરવાનું(હંમેશને માટે છોડી દેવાનું) આજે પણ એ જ કરવા આવ્યો હતો હું અહી. બંને ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા હતા.. બધાની બસ એક જ નજર.. ગોલ પોઈન્ટ..!!! કોઈને હાર મન માંય નહોતી.. પરન્તુ કોઈપણ પાંચ આજે એલીમીનેટ થવાના હતા.. એ મારા દુશ્મન નહોતા પણ મારે એની સામે આજે લડવું જ રહ્યું..

અચાનક જ કોચની સીટી વાગી અને મને આંચકો લાગ્યો.. આ એજ સીટી હતી જે ઊંઘ ઉડાડતી અને ઊંઘ માં પણ દોડાવતી.. હંમેશની જેમ જ આજે પણ મિશ્રા સરે સીટી વગાડી અને એમની શૈલીમાં બૂમ લગાવીને કહ્યું, "મિત, ભાગ કે આ.."

મને આ વાક્ય ખુબ જ ગમતું, બસ ભાગવા માટે જ તો આવ્યો છું હું અહીં.. અને ભાગતો જ રહીશ, જીવનના છેલ્લા શ્વાસ સુધી..

મેં દોટ મૂકી,

"જી સર "

"સબ ઠીક હૈ ના મિત? " મિશ્રા સરનો અવાજ પહાડી હતો..

"જી સર, આપ હો તો કોઈ શક કી બાત હી નહિ ઇસમેં.." તેમણે મને અર્જુનની જેમ પક્ષીની આંખ જોતા શીખવાડયું હતું..

"દેખ મુજે કુછ ભી નહિ સુનના, મુજે તેરે હાથ સે રીંગ મેં જાતી હુઈ બોલ કી આવાજ સુના.. વહી મેરા ગુરુર હૈ..!!!"

"જી સર દાયે હાથ કા ખેલ હૈ.."

મેં બોલ લીધો. પીળા પટ્ટા પર હાથ મુક્યો. આંખ બંધ કરી. શરીર જુકાવ્યું.. "સંભાળી લેજે નાથ જેટલો પરસેવો અહી પાડયો છે એટલું જ પાણી મારા પર વિશ્વાસ રાખનારા લોકોના પેટના અગ્નિ પર નાખજે.. અને જેટલી ઈજાઓ મેં અહિયાં ખાધી છે એટલા જ ઘાવ મારા પર વિશ્વાસ કરનારાઓના ભરજે."

હું આગળ ચાલ્યો. ટીમ મેટ્સ એ હાથ મિલાવ્યા. મેં આગળ બે ડગલા ભર્યા અને બોલ શૂટ..!!!! લોકો ની નજરની સાથે સાથે બોલ પણ સીધો જ રીંગ માં..

" સટ!! "

આ અવાજ માટે જ હું જીવતો હતો અને આ જ નશો મને ઘર થી દુર ના મારા બેફીકરી જીંદગીના દિવસો ને સાચવતો હતો.

મેં બધાં જ ટીમ મેટ્સ સાથે હાથ મિલાવ્યા, ચીયર્સ કર્યું અને ભાગીને મિશ્રા સર પાસે પહોંચી ગયો,

"દેખા સર, સહી ઘોડે પે દાવ લગાયા હે આપને.. 'ના હી ઉમ્મીદ ટૂટને દેગા, ના હી આપકા ગુરુર..'"

"હાહા.. તેરે ડાયલોગ ઓર તેરે શૂટ (ગોલ) કભી ભી માત દે સકતે હે " મિશ્રા સરની સાથે બધા ખડખડાટ હસી પડયા.

"અરે સર, સબ લોગ આ ગયે હે.. રેફરી ભી, અબ ગેમ ચાલુ કરને મેં ક્યાં દેર હે, મુજે જીતને કી જલ્દી હે.." કહેતાં કહેતાં હું હસી પડયો.

"કયું ઇતના બાવલા હો રહા હે..?? અભી તો તુમ શેહ્જાદો કે લિયે હસીનાએ આ રહી હે..!!!" મિશ્રા સરે પાછળનું વાક્ય બોલતાં બોલતાં પોતાનો અવાજ ધીરો કરી નાખ્યો.

"ક્યાં સર..??" મેં આદતથી મજબૂર પ્રશ્ન કર્યો.

"કુછ નહીં.. સુન મિત, વો સામને પડી હૈના વો ટ્રોફી મુજે ચાહિયે મેને સોચ ભી લિયા હૈ કી ઓફીસ મેં ઉસે કહા રખૂંગા મેં.."

"અરે સર, બસ ૧૫ મીનટ કે દો હાલ્ફ ઓર વોહ ટ્રોફી આપકે હાથ મેં, વો સબ તો ઠીક હૈ પર હસીનાઓ કો જલ્દી બુલાઓ અબ રૂકા નહિ જા રહા હૈ.. યે બોલ ઓર યે કોર્ટ કોઈ હસીના સે કમ હૈ ક્યાં?" મારા બોલાયેલાં શબ્દોની કોઈ કીંમત થાય એ પહેલાં જ સામે થી ગર્લ્સ હોસ્ટેલના વોર્ડન આવતા દેખાયા. એમની પાછળ પૂરો કાફલો હતો લાલ, લીલા, પીળા ફૂલો નો..!!

જાણે આખું ગાર્ડન જ આ સળગતા તડકાંને માત દેવા માટે ચાલ્યું આવતું હોય એમ મારી નજરમાં ઠન્ડક અને આનંદ બન્ને ફરી વળ્યાં. દરેક વર્ષમાં અભ્યાસ કરનારી છોકરીઓ આવી રહી હતી પણ એમાં કંઈક નવા ચહેરાઓ પણ હતા. મેં તરત જ મારા રૂમમેટ અને ટીમમેટ એવા મારા યારને પૂછ્યું,

"વેદ, આ બગીચો તો આખો જાણીતો છે.. પણ આ નવી નવી કળીઓ ક્યારે ખીલી ગઈ..?? એ પણ આપડા જેવા માળી ની જાણ બહાર..??"

"અરે..!! આ કળીઓતો આપણાં જેવા માળીઓની તપશ્યાનું જ ફળ છે.. નવા એડમીશન છે ભાઈ.. એ પણ મેડીકલ ના..!!!" વેદે કહ્યું.

"ઓહ્હહ..!!! ડોક્ટર બનશે કે નહિ એ તો ખબર નહિ વેદ.. પણ આખી કોલેજના છોકરાઓને મરીજ જરૂર બનાવી દેશે.." હું અને વેદ એકબીજાને તાળી આપતાં જોર જોરથી હસી પડયા.

બધાં જ ફૂલો આગલી ત્રણ લાઈનમાં ગોઠવાઈ ગયાં એવામાં જ રેફરીની સીટી વાગી અને અમે બંને ભાગ્યા અમારી ટીમ તરફ.. આખી ટીમ એક્ઠી થઇ ગઈ. અમે બધાએ ગોળ રાઉન્ડ બનાવ્યું અને અમારા કોચે કહ્યું,

"તુમ્હારે પેરોં કી દોડ ને કી આવાજ ઓર લોગો કી તાલિયો કી આવાજ એક સંગીત કી તરહ ચલની ચાહિયે વો રુકી તો...... " મિશ્રા સર ના શબ્દો માં ગઝબ ની સ્ફૂર્તિ હતી.

કેપ્ટન હોઈ મેં મિશ્રા સર ના શબ્દોમાં તાલ મિલાવ્યો,

"પેરોં કી આવાજ ભી આયેગી તાલીયા ભી બજેગી ઓર હસીનાએ નાચેગી ભી.. ચાલો દોસ્તો એક ઓર જંગ જીત કે નામ.."

સેકંડ યર અને ફાયનલ યર વચ્ચેની આખરી ગેમ હતી... જે જીતે એ ચેમ્પિયન.. અને હારે એને ૩ શરતો નું પાલન..

૧. હોસ્ટેલમાં સંડાસ બાથરૂમ વાપરવામાં ચેમ્પિયન પહેલા પછી હારેલી ટીમ (ચેમ્પિયન આવી જાય તો હારેલી ટીમને રાહ જોવાની )

૨. ભોજનાલય અને કેન્ટીન માં પહેલા ચેમ્પિયન ડીશ લેશે પછી હારેલી ટીમ (ચેમ્પિયન ડીશ લે, ત્યાં સુધી હારેલી ટીમ મેમ્બર્સે લાઈનમાં ઉભા રહી રાહ જોવાની)

૩. આખું વર્ષ હારેલી ટીમ પાણીની બોટ્ટેલ ભરશે અને ચેમ્પિયન રૂમમાં બેઠા બેઠા પીસે..

( સામાન્ય રીતે સીનીઅર પહેલા અને જુનીઅર પછી આ બધી વાતમાં એવો હોસ્ટેલનો અચળ નિયમ હતો એટલે કે અમે આ બધું ભોગવતા)

રેફરી ની સીટી વાગી બધાએ પોત પોતાની પોજીશન લીધી.. તડકો હવે એની ઔકાત સમજી ગયો હતો, તે એકદમ ખામોશ હતો, રેફરી બોલ લઈને આવ્યો અને એકદમ સેન્ટર પોઈન્ટ પર રહીને બંને ટીમની તૈયારી સાથે બોલ હવામાં ઉછળ્યો અને રમત ચાલુ.. દર્શકોનો ઉત્સાહ ખેલાડીઓના જોશને બેવડાવી દેતો હતો.

દર્શકો નો શોર.. દોડવાનો પગનો આવાજ અને મશીનની જેમ ચાલતી ધડકનનો તાલ.. ભારતીય ફિલ્મજગતના કોઈ પાર્ટી સોંગ જેવો અનુભવ કરાવી રહ્યો હતો. યુવા હૈયાઓ હિલોળે ચડ્યા હતા. ફૂલો.. કળીઓ.. આખે-આખો બાગ ઝૂમી રહ્યો હતો.. આ જગમાં નવી સવી આળસ મરડીને બેઠી થયેલી કળીઓએ પણ જાણે બાગ સાથે જૂની દોસ્તી હોઈ એમ ઝંપલાવ્યું હતું.. આ સાથે જ પહેલો ગોલ ફાઈનલ યર તરફથી..!!!!

મિશ્રા સરે બૂમ લગાવી,

"કમ ઓન માય બૉય્ઝ.."

અમે ટીમ મેટ્સને હાથ મિલાવ્યા.. 'લેટ્સ ડુ ઈટ..' અને એ સાથે જ વેદએ ડ્રીબલ શરુ કર્યું. ૩ પોઈન્ટર પાસ કર્યો બોલ મને કઈ બી વિચાર્યા વગર મારી રોજની ઘૂંટી નાખેલી વાત ની જેમ શૂટ અને બોલ પાસે કોઈ ઓપ્શન જ નહોતો બહાર જવાનો.. ઇટ્સ ઇન..!!!

૫ મિનીટ ના અંતે સ્કોર ૩-૨..!!

એક પછી એક ડિફેન્સ ચાલતા હતા, બંને ટીમ નો સંઘર્ષ આંખે વળગે તેવો હતો. હોઈ જ ને ગમે તેમ તો ટોઇલેટ, ડીશ અને પાણી ની બોટલ નો સવાલ હતો..

ટીમ માં ૫ ખેલાડી રમે અને બીજા બે અવેજી ખેલાડીઓ હોય..

મેઈન ૨ ખેલાડી સતત બંને હાલ્ફ રમે.. એ હું અને વેદ..

૧૦ મીન તાપ માં સતત લડયા બાદ મશીન થોડું થાક્યું હતું, હાફ્તું હતું, બસ ખાલી હારતું ના હતું..

સીનીઅર્સ આજે ખરેખર મોટા લાગતા હતા, આ રીતે રમતા એને રોજ બરોજ ની રમતમાં જોયા ના હતા..

ડિફેન્સ અને એટેક, જીંદગીનો અને ગેમનો એકસરખો ક્રમ ચાલી રહ્યો હતો

હાલ્ફ થવાને હવે ૨ મિનીટની વાર હતી સ્કોર ૬-૮..!!

મિશ્રા સર ગંભીર મુદ્રા માં બોલ્યાં,

"ઓહ શીટ અગેઇન ૩ પોઈનટર ફાઈનલ યર નું.."

રેફરીની સીટીએ હાલ્ફ સ્કોરે જ હાશકારો અપાવ્યો, ૬-૧૧..!!

બધા ખેલાડીઓ કોર્ટ પરજ ફસડાઈ ને બેસી ગયા, હું મારી પોજીશનથી જરીક પણ આગળ ના વધી શક્યો, ત્યાં જ બેસવું પડયું, ક્લાસમેટ્સ પાણી અને ગ્લુકોઝ લઈને આવ્યા, પણ અમારા સુધી પહોચ્યા નહોતા, અંદર જ્વાળામુખી ફાટ્યો હતો, મેં આવાજ લગાવ્યો પાણી માટે.. પણ મારો અવાજ ત્યાં સુધી પહોચી શક્યો નહીં, એટલા માં જ..

"મિત"

દર્શકોમાંથી કોઈએ મને બોલાવ્યો, એ પણ આટલા બધા કાગડાઓ અને કાબરો વચ્ચેની કોઈક કોયલ એ.. મેં પાછળ જોયું,

હજુ તેના તરફ મેં જોયું ના જોયું ત્યાં તો તેણે બોટલ ફેકી મારા તરફ.. ચાતક પહેલા વરસાદનું બુંદ ઝીલતું હોઈ એમ મેં તે બોટલ ઝીલી લીધી, બોટલ તો ત્યાંથી અહીં આવી ગઈ પણ મારી નજર ત્યાં જ રોકાઇ ગઈ. આહા..!! શુ સુન્દરતા હતી એ..!! મારુ સૂકુ મો, એમ નુ એમ જ ખુલ્લુ રહી ગયુ. તેની એક ખુબસૂરત ઝલકે મારા તમામ વિચારોનુ અપહરણ કરી નાખ્યુ. મારો થાક, મારી તરસ અને આટલી બળબળતી બપોરની વરાળ ફુંક્તી ગર્મી.. એ બધુ જ જાણે હવે મને ગલગલિયા કરવા લાગ્યુ.

”ઓ.. હેલ્લો..!!” તેણે એટલી દૂરથી હાથ હલાવ્યો ત્યારે મને ભાન થયુ કે હુ ભાન ભુલી ચુક્યો હતો. તેને જોતાં જ હુ હરબડાવા લાગ્યો. એ જોઈને તે ખડખડાટ હસી પડી પછી ધીરે રહીને તેણે મને નજીક આવવા ઈશારો કર્યો. હું બાઉન્ડ્રીની નજીક ગયો. તેણે સહેજ ઝુકી ને કહ્યુ,

”તરસ એ પાણી પીવાથી મટશે..-” તેણે અર્થપૂર્ણ રીતે વાક્ય અધૂરુ મૂકી દીધુ અને ફરીવાર ખડખડાટ હસી પડી.

મે રંગીન સ્માઈલ સાથે એ બોટલને મોઢે માંડી. પરંતુ મારી નજર હજુ પણ એ કુમળી કળીની ગુલામ હતી. તે મારા હ્રદયમા સુગન્ધ ભરીને મારા હરએક શ્વાસને ખુશ્બુદાર બનાવીને ચાલી ગઈ. હું એ ખીલેલી સુન્દરતાના લહેરાતા લામ્બા વાળ અને વારાઘડીએ રેશમી લટોમાથી ડોકાતી મસ્તીખોર આંખો પર આફરીન થઈ ગયો. હવે મારે કોઈ પાવર બૂસ્ટરની જરૂર નહોતી, એની નશીલી નજર જ કાફી હતી. મારી આંખો માટે ભલે જ એ સાવ નવી સવી હતી પરંતુ મારા હ્રદય સાથે તેને જન્મોની ઓળખાણ હોય, એવો મને એહસાસ થયો. વેદ એ મને બૂમ લગાવી એટલે હું તેનાં તરફ ચાલતો થયો ત્યારે મને ભાન થયુ કે હું તેનુ નામ પણ નહોતો પૂછી શક્યો.

“કૌન થી વોહ જલપરી..??” તેની પાસે પહોંચ્યો એવો જ એણે મને પ્રશ્ન કર્યો. મારી આંખો હજુપણ એના પર જ અટકેલી હતી. હું માર્મિક હસ્યો,

”પાવર બૂસ્ટર..”

”ક્યા..??” વેદના મોઁના હાવભાવ જોવા જેવા હતા. હું પાણીનો ઘૂંટ પી ને બોટલ વેદ તરફ ફેંકીને ચાલતો થયો. તેણે તે અજાણતા જ કેચ કરી લીધી.

"મિત.. મિત.. સર.." અચાનક જ રેનીશે દોડતાં આવીને મને કહ્યું.

"શું સર..?? શું થયું..??" એની હામ્ફેલી છાતી મને પણ હાંફતો કરી ગઈ.

★ અચાનક એવું તો શું થઈ ગયું કે રેનીશ આમ દોડતો માત્ર મિત ને જ બોલાવવા માટે આવ્યો..??

★ઘણાં જ દર્શકોની ધડકન મિત પર અટકતી હતી પણ મિત ની કોના પાર અટકી હતી..??

વાંચતા રહો..

મનસ્વી અને સુમિતની સાથે..