Aao kuchh kare ham books and stories free download online pdf in Gujarati

આઓ કૂછ કરે હમ

હાસ્યલેખ

આઓ કુછ કરે હમ

હરીશ મહુવાકર

હર વર્ષ 15 ઓગષ્ટ, 26 જાન્યુઆરી આવે – જાય. ભાષણબાજી થાય. થોડા ઘણા, નાના-મોટા, સાદા-ભભકાદાર, સરકારી – બિનસરકારી કાર્યક્રમો યોજાય. ને પછી બીજા દિવસથી બધું હોલે હોલે ભૂલવા માંડે. વિશાળ દેશ, વિશાળ વસ્તી ને વિકરાળ પ્રશ્નો વચ્ચે આપણે શું કરી શકીએ ? શું કરીએ છીએ ? વાંક આનો કે ગુનો તેનો. કારણો આ ને ક્રિયા – પ્રતિક્રિયા પેલી, તર્ક ને વિતર્ક. પડદા આગળ ઓછું ને પાછળ ઝાઝું જોવા મળે.

મૂકોને યાર પૂળો આ બધી વાતોનો. તમારે ખરેખર ખેવના કરવી છે તમારા દેશની ? તો અહીં ચિંધનાર ઘણાને કરનાર ઓછા. ચલો આગે આઓ : અચ્છા કરનારની ન્યાતને મોટી કરીએ. મારું ગજું (તમારી મને જરાય ખબર નથી) નાનું છે એટલે મારા ગજા મુજબની પાઠશાળા તમારી પાસે ખુલ્લી મૂકું છું. કાર્યશાળા આપણે સહુએ કરવી.

સૌરાષ્ટ્રએ પાણીની તંગી ભોગવી. વરસો અગાઉ બંકિમ ચંદ્રએ બંગાળના પાણીચોરોને સીધા કરેલા. અત્યારે કોણ પાણી ચોરી રહ્યું છે ? પાણી ચોરવા વાળા વેપારીઓ છે કે વસાહતીઓ ? બંને ?! હું એક વસાહતમાં રહેતો હતો ત્યાંની સ્ત્રીઓએ મને ‘સોનેરી’ ટીપ્સ આપેલી : પ્રોફેસર સા’બ સીધી મોટર મૂકી દ્યોને ભલા. એ વખતના ને હાલના પડોશીઓ એ મૂલ્યવાન સલાહને જીવનમાં ઉતારી છે. આ રીતે દરેક ગલી, મહોલ્લા, શેરી ને શહેરના લોકો તેને અનુસરીને ‘સુખ’ પામે છે ! ગ્રામ્યકક્ષાએ જગતના ‘તાત’ને તો ભલા કોણ પહોંચી શકે ? પાઈપ સીધી જ નદીએ કે તળાવે મૂકે ને પછી તો ‘પાણીદાર’ જ માનવી થાય ને ! તળાવ નજીક કૂવાઓ કરી પૂછે કૂવાને : દલાતરવાડી લઉં એક ટેન્કર પાણી ? ભઇ શીદને પૂછે ? કોણ જૂએ ? એટલે પછી દલાતરવાડી કહે : ભર્યને તણ-શાર. બોલો મેરા ભારત મહાન ! Incredible India ! ક્યા કૂછ સોચે હમ ? કૂછ કરે હમ ??

મારી તરુણ દિકરીઅને નાનકડો પાંચીકા વરસનો દીકરો જરૂરિયાત પૂરી થયે ટી.વી., પંખા, એ.સી., વોશિંગ મશીન, મોબાઇલ ચાર્જરની સ્વીચ અચૂક બંધ કરે. એમની ટેવ પાછળ ખંતુજી પ્રોફેસર બાપ જવાબદાર. છતાંય મારે (ને તમારેય) દરેક લાઈટબિલમાં આવતી એડજસ્ટમેન્ટની હેન્ડસમ રકમ ભરવી પડે છે. મારા વાંકે ? તમારા વાંકે ? વાંકે કે પાપે ? (કાનમાં કહું : માનવી મહાન છે. ભારત દેશનો જ હો !) મારી સમજણ વિસ્તરી નહિ. આદ્યશક્તિઓએ (મારા મહોલ્લાની જ વળી હો !) મીટરને ‘રૂક જાવ’ કેવી રીતે કહી શકાય તે સમજાવેલું. પણ મારું મગજ (ગળું નહી) સાંકડું તે એ વાત ગળે (મગજમાં તો ઉતરે જ ને યાર !) ઉતરતી નથી. મારો જીવ મૂળે તો રખડું તે અનેકાનેક વખત ગામડાઓમાં જવાનું બન્યું છે. સાચો ભારત દેશ તો ગામડામાં જ વસે છે ને હે ! દેશની મહાનતા ને એ પાછળ રહેલી અમૂર્ત જાદુઇ શક્તિના દર્શન તો ત્યાં જઇએ ત્યારે જ ‘પામી’ શકાય ને ? શરૂઆતમાં વીજળીના તાર પર લટકતા દોરડાઓએ કૂતુહલ જન્માવેલું. પૂછ્યે પંડિત થવાય. ધરતીપૂત્રોએ મર્મ સમજાવ્યો ત્યારે મારા મગજમાં દીવો પ્રગટ્યો. જ્યોતિગ્રામ થકી અસ્ખલિત પ્રવાહ ખેતરો ને ઘરોમાં વહ્યા કરે ને શોક આપણને લાગ્યા કરે. બીલની રકમ ભરતી વખતે ઝાટકા લાગે (વાગે). કહો આમાં તમને શું લાગે ? કંઇ ‘વાગે’ છે આપણને ?

ભઇ, વાતુના તો ગાડા ભરાય. સમય મળ્યે લાંબી મોટી આખી ટ્રેન રવાના કરશું. પણ અટાણે એક છેલ્લી વાત. શ્રાવણ મહિનો ઢુકડો છે તે મારા ‘નિર્મળ’ મનમાં (હારા પરતાપ સોમાસાના) ઉગી ગયું તે કંય દવ. તે છે ને મારી શેરીના દરેક મકાનોમાં રોટલી વધે (એલા ભલા માણહ તમી હમજો તો ખરા ! રોટલી એટલે રોટલોય તે. ને ભાત, દાળ, શાક, પૂરી ને રહોડામાં બને ને પેટમાં જાય ઇ બધું.) એ બધું કાં તો અમે ગાય (માતા) (પાછા એમ તો અમે જીવદયાપ્રેમી) ને પ્લાસ્ટિકના ટોબરા-(ઠોબરા)માં ધરીએ. ટોબરુ જડે તો ઠીક નહીતર રોડ હું કામનો હે ? હવે ગાયને તો કાંઇ ટાઇમ ટેબલ હોય નહિ, કૂતરુંય દીસે નહિ, પંખીઓ તો પાંખા થઇ ગયા એટલે પછી રોટલી કચડાય – ચગદાય – પલળે – પ્રસરે ને ઓગળે.

એક વખતે હું આફ્રિકન બાળકોના સ્વાસ્થ્ય, અન્ન, શિક્ષણને લગતો કાર્યક્રમ ડિસ્કવરી ચેનલ પર જોતો હતો. આપણે ચણીબોર તોડીએ ને ખાઇએ ને મજા લઇએ તેમ એ ચાલતા હાડપિંજર સમા નગ્ન બાળકો છોડના પાંદડાઓ પરથી ઇયળોને ચૂંટીને (ટેસથી ?!) મોઢામાં મૂકતા હતા જાણે કે ડેરી મિલ્ક ચોકલેટ ! ચાર ધામની બીજી મારી યાત્રાઓ દરમ્યાન મેં જોયું છે કે અનેક જગ્યાએ મંદિરોમાં પ્રસાદ પગમાં ચગદાય છે. લગ્ન સમારંભો કે અન્ય ભોજન સમારંભોમાં અન્નના બગાડનું દર્શન આપણને નથી થતું ? પછી બગડેલું ભોજન ઉકરડે ને ઉકરડો વસ્તી વધારાની જેમ વધતોક રસ્તા ઉપર આવે ને પછી ડુક્કરોનું, કૂતરાઓનું સામ્રાજ્ય એના પર રાજ કરે. ને સરવાળે અત્ર, તત્ર, સર્વત્ર એના અવશેષો ફેલાય. ગંધ રેલાય ને નાકના ટીંચકા ફૂલાય. ચલો ઇક બાર ફિરસે બોલા જાય : મેરા ભારત મહાન !

પહેલા ઘરને આંગણે તુલસી ક્યારો રહેતો. હવે પ્લાસ્ટીકના તપેલા રહે છે. ગાયમાતા માટે જ વળી! હું ઘર વિશેની ઓળખ આ તપેલા પરથી કરી દઉ. તપેલાની આસપાસ કચરો ફેંકાય તપેલામાં નહિ. શેનું શાક બન્યું, કેરી ખાધી કે નહિ, રોટલી બનાવી હતી કે ભાખરી, ભાત ખીચડીનું શું? કપ રકાબી તૂટ્યા, કયો સાબુ વપરાય છે અને એવું બધું બહાર પડેલા કચરા ઉપરથી કહી શકાય. ઘર જો ગાય પ્રેમી હોય તો રોટલી ને ભાત ને એવું ઘણું વધારે હોય. મારી જેવા માણસનું ઘર એ નાતે ગરીબ હોય. બિચ્ચારો મારો છોકરો ગરમાગરમ રોટલી આપવા ગાય માતાને કે એના ગમતા કુતરાને આપવા જાય! ને તપેલું બપેલું કઈ મળે નહિ. ઘરમાં ડસ્ટબિન મૂંગી મૂંગી પડી રહે. એક વખતે આવી એક તૂટીફૂટી ડસ્ટબિન ભૂલથી મારી કાર નીચે આવી ગઈ ને બોલો હું એમને મન પાપીયો થઇ ગયો! ગાય માતાનું વાસણ તોડી નાખ્યું એવું સંભળાવ્યું મને. સફાઈ તન અને મન બંનેની રાખીએ તોય રાષ્ટ્રીય પર્વની સુપેરે ઉજવણી કરી ગણાય.

આપને ક્યા સોચા ? નિર્મળ (અહીં ‘નિ’ શબ્દ ખાલી રૂપકડો છે એટલે લખ્યો છે બાકી તમારી ‘નિ’ વગરનું જ સમજવું) ગુજરાત ? નિર્મળ ભારત ? કે નિર્મળ અન્ન ? કે મન ? ભઇ હવે મૂકોને એક કોરાણે આવી વાતુને ? લોભિયા લાગો છો. ખાવું હોય એટલું જ થોડું લેવાય ? ઠીક રહેવા દ્યો. એમ તો અમે શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવાના જ છીએ ને ત્યાં અન્ન નય બચે ? (એટલે જ, અરે ભલા ફરુટ, દૂધ, આઈસક્રીમ ને બટેટાના ભાવ વધવાના ને !) ઉપવાસ એટલે અપવાસ કહેવાય ઇ તમે હમજ્યાં ? Isn’t this our Incredible India ! રાષ્ટ્રીય પર્વના પાવન દિવસે એકાદ વસ્તુય આપણે સોચકે – સમજકે કરીએ તો બને Credible India !

ભમરો (કે મમરો) : મારે ત્યાં ગામડેથી મહેમાનો આવે ત્યારે અમો આખોય પરિવાર સાથે જ જમવા બેસીએ. મારા બાળકોને પછી જમતા પહેલા હું ધમકાવી નાખું. ખબરદાર થાળીમાં કાંઇ વધાર્યું છે તો ! ખાવું હોય એટલું જ લેજો. આ મેં’માન આવ્યા છે શું સમજશે તમને ? મારા બાળકો તો સમજુ જ છે. ને પછી તો મહેમાનોય સમજી જાય છે. તો ભલા તમને તો...

..............................................................................................................