Najuk Namni Priytama - 7 books and stories free download online pdf in Gujarati

નાજુક નમણી પ્રિયતમા - 7

નાજુક નમણી પ્રિયતમા - ૭

તમારું નામ બહુ ગમે છે..

બહાર કાળઝાળ ગરમી વરસી રહી છે અને કોલેજની એક્ઝામ્સ નજીક આવી રહી છે. હાથમાં બુક્સ તો બરાબર જ પકડી છે - સીધી- દૂરથી જોનારને તો 'હું બહુ જ તન્મયતાથી વાંચી રહી છું' એવો જ આભાસ ઉતપન્ન થાય પણ મને, મારા દિલને ખબર છે કે હું તો માત્ર એ થોથાં જ ઉથલાવી રહી છું ! યુનિવર્સિટીની આ છેલ્લી છેલ્લી પરીક્ષાઓ ચાલી રહી છે. તું છેલ્લાં બે વર્ષથી ‘એટીકેટી’નો ભમરડો ફેરવતો ફેરવતો આખરે આજે મારી સાથે (હું તારાથી ત્રણ વર્ષ નાની એ વાત મને આજે બહુ યાદ આવી ગઈ, ખબર નહીં કેમ ! મારીશ નહીં હાં કે...આ તો મસ્તી જ ) આવીને ઉભો છું. જોકે પ્રેમમાં પડ્યાં પછી તને એક બહાનું મળી ગયેલું કે,' આ તો તારી સાથે બે વધુ વર્ષ ગાળવા મળે એની લાલચ બાકી હું ક્યારનો કોલેજ પતાવીને બાપાના ધંધે બેસીને સેટ પણ થઈ ગયો હોત.' તું મજાકમાં કહેવાનો પ્રયત્ન કરતો હતો પણ એની પાછળની જેટલી તારી તીવ્ર લાલચ એટલી જ મારી પણ તીવ્ર હતી. કદાચ તારા વિના કોલેજના બે વર્ષ હું આપણી રોજની મિલનની જગ્યા પર ભીની આંખોથી નિહાળતાં નિહાળતાં જ શૂન્યાવકાશમાં ગાળી કાઢત. મારી જોડે ગાળવા મળતા આ બે વર્ષની તારી લાલચ હું સમજી શકું છું, પણ આશુ એક વાત કહું ? આ તો કોલેજની પરીક્ષાઓ. ઠીક છે - આનું મહત્વ ભલે તેં બહુ ના આંક્યુ પણ હવે આના પછી આપણા જીવનની પરીક્ષાઓ ચાલુ થશે.તો હવેથી બધી પરીક્ષાઓમાં પાસ થવાની ટેવ પાડ્યે જ છૂટકો..એમાં 'એટીકેટી' જેવો કોઇ શબ્દ મારે નથી સાંભળવો કે વાંચવો - તારી હાર એ મારી - મારા સ્વમાનની હાર પણ ગણાશે - એ હવે તારે સમજવાનું રહેશે..સમજી જઈશ ને.?

જોકે તારી જોડે આ બે વર્ષનો ગાળો અદભુત રીતે પસાર થઇ ગયેલો. આંખ બંધ કરીને ખોલું એવા પલકારામાં જ્સ્તો.આહલાદક સાપેક્ષ સમયગાળો..!!

‘પ્રેમ સાપેક્ષતાને અમરત્વ બક્ષી શકે છે.’

મારા જીવનનો ‘સુવર્ણકાળ’. તારી આ 'ફેઈલ' થવાની ટેવ દિલના એક ખૂણાને બહુ ગમી ગઈ હતી.આવું કેમ…શું હું સ્વાર્થી થઈ ગઈ છું..? તારી હાર, કેરીયરના મહામૂલા સમયના વેડફાટમાં મને આનંદ આવે એ માની ના શકાય એવી વાત હ્તી..બધું બહુ ગૂંચવાયેલું ગૂંચવાયેલું લગતું હતું..કંઇ સમજાતું નહોતું.

ત્યાં તો બહારની રુમમાંથી મમ્મી ટહુક્યાં,

‘સુગંધી બેટા, તારી કોફી બની ગઈ છે, બહાર આવે છે કે ત્યાં જ આપી જઉ?’

અને મારી સ્વપ્નસ્રુષ્ટિ કડડડ..ડ ભૂસ ! હાથમાં રહેલી પેન પણ વિચારો સાથે એક ઝાટકા સાથે અટકી ગઈ. મારી નજર સામે રહેલાં ફૂલ્સ્કેપનાં પાના પર પડી અને હૈયું ધક્ક..આ મેં શું કરી કાઢ્યું હતું ? વિચારોના જંગલમાં ભૂલી પડેલી એવી મેં બેધ્યાનપણે સામેના કાગળમાં તારું નામ ચીત્તરી કાઢેલું..આખું પાનું ભૂરાં ભૂરાં ટ્રાફિકથી ચક્કાજામ…ત્યાં તો આશ્ચ્રચર્યનો ઝાટકો દિલ -દિમાગને હલબલાવી ગયો.આ તારું નામ ક્યાં હતું ? આ તો... આ તો... મેં મારું નામ લખેલું..જે તારા નામમાં સમાઇને સોંસરવું નીકળી ગયેલું, બેમાંથી એક થઈ ગયેલું. આંખો ફાડીને એ ચાડીયા કાગળને નિહાળી રહી હતી ત્યાં તો મમ્મી કોફી -બિસ્કીટની ટ્રે સાથે બારણામાં દ્રશ્યમાન થયાં અને બધો નશો સબાકા સાથે છૂ…ઉ..ઉ…ઉ!

‘શું થયું બેટાં..?’

અને મારા મુખનો રંગ ઉડી ગયો. આ નાજુક – બિનગુનાકીય ચોરી હમણાં પકડાઈ જ ગઈ સમજો .પણ મગજે ભયના તરંગોને સમયસૂચકતાથી ઝીલીને ત્વરાથી હાથને સંદેશો પાઠવી દીધેલો અને એ બેયના સાયુજયથી થયેલાં કાર્યના પરિણામરુપે ફુલસ્કેપ આપોઆપ બંધ થઈ ગયેલો.

‘હાશ..બચી ગઈ..!’ છાતીમાં ભરાઈને બહાર નીકળવામાં નિષ્ફળ રહેલો – ગુંગળાઇ ગયેલો શ્વાસ હેઠે બેઠો.

‘લે આ કોફી પી લે એટલે થોડી ફ્રેશ થઈ જઈશ.’

‘હું થોડી વાર રહીને પી લઈશ.મમ્મા તમે જાઓ..’

‘ના તું પી લે એટલે હું ટ્રે પાછી લઈને જ જાઉં. વળી એ એંઠો કપ અહીં જ પડ્યો રહેશે અને એમાં કીડીઓ એમનું ઘર બનાવી લેશે..’

આ મમ્મીઓ સમજતી કેમ નહી હોય કે એમની જુવાન દીકરીઓને થોડું એકાંત જોઇતું હોય છે. એમની લાડકવાયી હવે મોટી થઈ ગયેલી..મનના માનેલા જોડે પ્રણય-પંથ પર ડગ માંડી રહેલી. સામે કોફીના કપની સપાટી પર વરાળના બિંદુઓ બાઝતાં હતાં એવા જ બિંદુઓ મારા તન મનના એકે-એક ખૂણે પ્રણયની આંચથી બાઝતા હતા, લોહીમાં ભળી જઈને નશો રેલાવતા હતા- દબાયેલી લાગણીઓ મુખ પર પ્રસરવા માટે ઘમપછાડા કરી રહી હતી જેને મહાપરાણે હું દિલમાં સંગોપી રાખતી હતી. એ બધાંને છૂટથી વહેવા માટે મારે મારી જાત જોડે સાવ એકલા રહેવું હતું..’પ્રેમ માનવીને થોડો સ્વાર્થી બનાવી દે છે’ એ તો સનાતન સત્ય.સામે બેઠેલા મમ્મીના મુખમાંથી ઝરતા અસ્ફુટ શબ્દોને આંખથી જોઇ જ શકતી હતી..શું બોલાઇ રહેલું એ સમજની બહાર..બધી ઇન્દ્રિઓએ એકસાથે બળવો પોકારવા માંડેલો..મમ્મીના સતત હાલતા હોઠને જોતા જોતા ફટાફટ કોફી ગળા નીચે ઉતારીને એમને મહા પરાણે વિદાય કર્યા.

હાશકારાનો ધોધ વછૂટયો. થોડી ગુનાહિત લાગણીનો શિકાર થઈ જવાયું, પણ બે પળમાં બધું ય ભૂલીને પાછી આપણા પ્રણયનગરમાં વિહરવા તૈયાર.

તરત પેલું નામાંલેખનવાળું પેઇજ ખોલ્યું ને શબ્દો પર આંગળીના ટેરવાં ફરવા લાગ્યાં. ચારે બાજુ તારા નામ સાથે લખાયેલું મારું નામ. અત્યાર સુધી તો હું ફક્ત તારું નામ જ લખતી હતી

‘મારી કલમમાંથી વહી રહ્યો છે તું,

શબ્દ બનીને પાને ઉભરી રહ્યો છે તું…’

પણ આજે અચાનક આ શું થઇ ગયેલું મને..!

‘સુગંધી – આશુ..’ ના નામથી આખું પાનું ભરચક. એટલું ઓછું હોય એમ એકની એક જગ્યાએ એને ઢગલો વાર ઘૂંટયા કરેલું..નાનું બાળક કક્કો લખતાં શીખે ને જેમ એકનો એક અક્ષર ઘૂંટે એમ જ સ્તો..

‘એક તમારું નામ બહુ ગમે છે મને,

વારંવાર ઘૂંટવું બહુ ગમે છે મને..’

અમુક જ્ગ્યાએ તો આ ઘૂંટાઇથી પાનું ફાટી ગયેલું..એ પણ કેટલું ઘર્ષણ સહન કરી શકે..! ભૂરી ભૂરી સ્યાહી છેક ચોથા- પાંચમા પાના સુધી રેલાઈ ગયેલી..આટલી બધી પ્રબળતા..નવાઈના સાગરમાં ગોથ મારતા મારતાં વિચાર્યું,

‘આ ઇચ્છાબીજ મનની ધરતીમાં ક્યારે રોપાઈ ગયું ?

તું…ભગવાન તરફથી મળેલ અલભ્ય,. અદ્વિતીય ભેટ..પ્રભુનો આશીર્વાદ..મારો આશુ..

‘સુગંધી – આશીર્વાદ..સુગંધી- આશુ…મારો આશુ’..અહાહા..નામ બોલતાં – બોલતાં તો બે ય કાંઠે છલકાઈ જવાયું..

પ્રીતના પ્રચંડ વાંસપૂર.. નામ એમાં તણાતા તણાતા આપણા નામ એકમેકમાં સમાઈ ગયેલા.બધું ય ભેળસેળ તઈ ગયેલું…શબ્દોમાં વસંત બેઠી..અને તારી સાથે લખાયેલું મારું નામ માદક થઈને મહેંકી ગયું.

દરેક પ્રેમમાં પડતી છોકરીના મગજમાં આવો જ ચક્રવાત ઘૂમરાતો હશે ને.. અવઢવની આવી જ હેલીઓ આવતી હશે ને..દુનિયામાં આવા કેટલાં ‘મારા–તારા -સંયુકત’ નામના કસુંબા ઘૂંટાયા હશે..! એ બધો નશો ભેગો કરાય તો કદાચ આખી દુનિયા સદીઓ સુધી એના કેફમાં ઝૂમ્યાં કરે..

જે હોય એ..પણ ‘સુગંધી’ જોડે આ ‘આશુ’ નામ બહુ જ દેદીપ્યમાન લાગતું હતું. હળ્વા હાથે એને સ્પર્શતા હાથના ટેરવામાં વીજળીના કરંટ પસાર થતા લાગ્યાં..અદ્ભુત સંવેગો મગજ પર એનો કાબૂ જમાવતા ગયા..આંખો બંધ થતી ચાલી.વાંચવાનું બાજુમાં રહી ગયું..અને હું તો આ હાલી મારા સપનાના પ્રદેશમાં..મારો આશુ મને ત્યાં મળવા બોલાવતો હતો..આતુર નયને મારી વાટ નીહાળી રહેલો..દુનિયા અને પરીક્ષા બધું ય જાય તેલ પીવા..અમે તો અમારી મસ્તીમાં ગુલતાન..

‘આખી રાત તારી જોડે વાતો કરવી છે,

પ્રણયમાં ચકચૂર મુલાકાતો કરવી છે..’

’ગુડનાઈટ.’

બેડરુમમાં લાઈટ ઓરેંજ રંગ રેલાવતો નાઈટલેમ્પ એક પ્રણયઘેલીની મજા માણતો માણતો મંદ મંદ હાસ્ય સાથે એકલો એકલો મરકી રહ્યો હતો.

-સ્નેહા પટેલ