what is real prostitution books and stories free download online pdf in Gujarati

વ્હોટ ઇઝ રિયલ પ્રોસ્ટિટ્યુશન

વ્હોટ ઇઝ રિયલ પ્રોસ્ટિટ્યુશન?

ઇ.સ. પૂર્વે 500-600 વર્ષ પહેલાં જ્યારે બૌદ્ધ ધર્મ હજી વિસ્તરી રહ્યો હતો. ત્યારે મગધની નજીક નાનું છતાં સમૃદ્ધ ગણરાજ્ય હતું, વૈશાલી. લિચ્છવીઓના આ ગણરાજ્યની નગરવધૂ હતી, આમ્રપાલી. એ સમયની પરંપરા અનુસાર બુદ્ધિ, નૃત્ય, કળા, સંગીતમાં પારંગત રાજ્યની સૌથી પ્રતિભાવાન સ્ત્રીને નગરવધૂ બનાવી, જનપદ કલ્યાણી તરીકે સ્થાપિત કરવામાં આવતી. તેનું કામ જાહેર સમારંભોમાં ઉપરાંત શ્રેષ્ઠીઓ પાસેથી ઊંચા નાણાં વસૂલી નૃત્ય અને સંગીત દ્વારા તેમનું મનોરંજન કરાવવાનું હતું. રાજ્ય પર સંકટ આવ્યે આ જ જનપદ કલ્યાણી સમગ્ર પ્રજાને એક તાંતણે બાંધી રાખવાનું કામ કરતી.

******

એકાદ વર્ષ પહેલાં ભારતના તત્કાલીન વિદેશ રાજ્ય પ્રધાન અને વિવાદો સર્જવામાં માહેર એવા જનરલ વી.કે. સિંહે ટ્વિટર પર ‘પ્રેસિટ્યુટ્સ’વાળી કોમેન્ટ કરી અને બબાલ મચી ગઈ હતી. મુદ્દો પ્રેસ પર કમેન્ટનો નહોતો. મીડિયા પર તો આજ સુધી અનેક વખત આક્ષેપો થતા આવ્યા છે, થતા રહે છે, પરંતુ પત્રકારત્વને પ્રોસ્ટિટ્યુશન યાને વેશ્યાવૃત્તિ સાથે સરખાવવાને કારણે આ વિવાદ સર્જાયો. ‘પ્રેસ્ટિટ્યુશન’ના વિવાદને બાજુએ રાખીએ, તો આવી બધી બબાલોની વચ્ચે અનેક એવી રૂપજીવિનીના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવતા રહે છે, જેમણે પરિવારના કે બાળકોના ભરણપોષણ માટે ‘ધંધો’ અપનાવ્યો હોય છે, તો કોઈકે પિતાની દવાનો ખર્ચ ઉપાડવા માટે વેશ્યાવૃત્તિ અપનાવી હોય!

આપણે ત્યાં વેશ્યાવૃત્તિને અત્યંત હલકો વ્યવસાય, સોરી... ‘ધંધો’ ગણવામાં આવે છે. ગુજરાતી ભાષાની સૌથી સીધી, સાદી અને સરળ ગાળ જો કોઈ હોય તો એ છે, ‘રાંડ’. અલબત્ત, સામેની વ્યક્તિ પ્રમાણે તેના પ્રત્યયો બદલાતા રહે છે. ભગવદ્્ગોમંડળમાં ‘વેશ્યા’ શબ્દનો અર્થ ‘ગણિકા, પાતર, હલકી, પતિત સ્ત્રી, રામજની, વારાંગના, વ્યભિચારિણી, પોતાના રૂપસૌંદર્યનો વેપાર કરી આજીવિકા મેળવનારી સ્ત્રી’ એવો કરવામાં આવ્યો છે. આ એક એવો વ્યવસાય છે જેને જગતના સૌથી જૂના વ્યવસાયો પૈકી એક ગણી શકાય. પહેલાં તે ગણિકા કહેવાતી, આજે પ્રોસ્ટિટ્યુટ કહેવાય છે. અલબત્ત, આમ્રપાલી કે વસંતસેના માત્ર નગરવધૂઓ હતી, ગણિકાઓ નહીં. સમાજમાં તેમનું માન હતું, મોભો હતો. પ્રાચીન ભારતમાં પણ દેવદાસી પ્રથા તો હતી જ ને?

ભારતીય સમાજમાં રૂપજીવિનીને અત્યંત હલકી દૃષ્ટીએ જોવામાં આવે છે. આપણે ત્યાં દેહવ્યાપારને સંપૂર્ણ કાયદાકીય છૂટ નથી. કૂટણખાનું ચલાવવા પર પ્રતિબંધ છે. આમ છતાં વિશ્વમાં ચીન પછી સૌથી વધારે દેહવ્યાપાર જો કોઈ દેશમાં થતો હોય, તો એ ભારત છે. વૈશ્વિક બ્લેક માર્કેટની માહિતી દર્શાવતી વેબસાઇટ હેવોસ્કોપના આંકડાઓ અનુસાર વિશ્વમાં કુલ 13.82 કરોડ પ્રોસ્ટિટ્યુટ્સ છે, જે પૈકી સૌથી વધારે 50 લાખ ચીનમાં અને ત્યાર પછી બીજા નંબરે 30 લાખ વેશ્યાઓ ભારતમાં રહે છે. જોકે, વિશ્વના જે 49 દેશોમાં દેહવ્યાપારને કાયદેસર માનવામાં આવે છે, તેમાં ભારત નથી. આજે વિશ્વમાં દેહવ્યાપારનો કુલ કારોબાર 186 બિલિયન ડોલર (યસ્સ્સ... બિલિયન ડોલર્સ)નો છે. ત્યાં સુધી કે નેધરલેન્ડ જેવા દેશોમાં જ્યાં વેશ્યાવૃત્તિ લીગલ છે અને તેનું શહેર એમ્સ્ટરડેમ ડ્રગ્સ અને પ્રોસ્ટિટ્યુશન માટે હોટ સ્પોટ ગણાય છે, તેના કુલ જીડીપીમાં પ્રોસ્ટિટ્યુશનનો હિસ્સો 0.4 ટકા છે.

ભારતમાં ચાલતા દેહવ્યાપાર વિશે વર્ષ 1996માં રોબર્ટ ફ્રિડમેન નામનો એક વિદેશી અભ્યાસુ લખે છે કે, ‘માત્ર મુંબઇમાં જ એક લાખ રૂપજીવિનીઓ વસે છે, જેમનો કુલ વાર્ષિક વકરો 400 મિલિયન ડોલરનો છે.’ આ આંકડો 1996નો છે, 2009 સુધીમાં તેમાં 30 ટકાનો વધારો થયો છે. મતલબ, આ આંકડા કંઈ ભારતમાં પ્રોસ્ટિસ્ટ્યુશનની હિમાયત કરવા માટે નથી. આમ પણ, વિશ્વની સૌથી પ્રાચીન અને શ્રેષ્ઠ આર્ય સંસ્કૃતિ હોવાનો અહમ્ પોષતા આપણા દેશમાં ગાંધીના નામે દારૂબંધી ફરમાવવામાં આવે છે. (પછી ભલે ત્યાં જ સૌથી વધુ દારૂ વેચાતો હોય!) આવું જ વેશ્યાવૃત્તિનું પણ છે. સરકારે ભલે વેશ્યાવૃત્તિ પર ટેક્સ ન નાખ્યો હોય. કાયદાની રક્ષાના નામે તેમની પાસેથી ટેક્સ વસૂલી લેનારા અનેક રક્ષકો છે જ ને?!

જોકે, હવે આ વ્યવસાયમાં પણ આધુનિકતાના રંગો પુરાયા છે. ગઇકાલની વેશ્યા કે રૂપજીવિની આજે કોલ ગર્લ, એસ્કોર્ટ કે ઇન્ટરનેટ ફ્રેન્ડ બની છે. ઇન્ટરનેટ પર ડેટિંગ સાઇટ્સનું લાં...બુ લચ્ચક લિસ્ટ ઉપલબ્ધ છે. ઊલટા, હવે તો ‘ગિગોલો’ નામથી મેલ પ્રોસ્ટિટ્યુટ્સનો પણ ધિકતો કારોબાર ચાલે છે. પરંતુ મુદ્દો એ છે કે ભારતમાં સેક્સ ઇન્ડસ્ટ્રીનો વ્યાપ અને સેક્સ વર્કરોનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. હ્યુમન ટ્રાફિંકિંગનું નેટવર્ક વિસ્તરી ચૂક્યું છે, હજી વધારે ફેલાઇ રહ્યું છે. ક્યારેક પ્રેમના નામે, ક્યારેક લગ્નના નામે, ક્યારેક અપહરણ કરીને, ક્યારેક પરિવારની આર્થિક જરૂરિયાતને વશ કંઈ કેટલીય લાડલીઓ નાછૂટકે આ ધંધામાં ધકેલાતી રહે છે. મુંબઇના કમાટીપુરા, કલકત્તાના સોનાગાછી કે દિલ્હીના જી.બી. રોડ, કોઈ પણ રેડ લાઇટ એરિયામાં જઇએ, તો ક્યાંક ને ક્યાંક આવી એકાદ ચીમળાયેલી કળી, અધવચ્ચે તૂટી ગયેલાં સપનાં કે અધૂરી આશાઓ ચોક્કસ મળી આવશે.

રૂપજીવિનીઓને પ્રેમ કરવાનો, લગ્નના બંધનમાં બંધાવાનો કે પોતાની રીતે જીવન જીવવાનો હક્ક નથી. રોજ રાત પડ્યે એ જ પથારી, એ જ ઝગમગતી રંગીન લાઇટો, એ જ નખરા અને એ જ ઊંહકારા... બધું એનું એ જ, બદલાય છે માત્ર ગ્રાહક. સમાજ એમને હલકી દૃષ્ટિએ જુએ છે. એમનાં બાળકોને સામાન્ય બાળકો સાથે ઉછરવાનો કે અભ્યાસ કરવાનો હક્ક નથી હોતો. કારણ, મોટા ભાગનાં બાળકો પિતાનું નામ નથી જાણતાં. એમની નિયતી લગભગ નક્કી જ હોય છે. કાં તો એ જ ધંધો અપનાવી લેવાનો અથવા રોગનો ભોગ બનવાનું. અરે! હદ તો ત્યાં છે કે આ ધંધામાં વચેટીયાનું કામ કરનારી 76 ટકા મહિલાઓ જ છે.

રેની એરોન્સન જૂન, 2004માં લખે છે કે, ‘મુંબઇના કમાટીપુરામાં રહેતી 60 હજાર સેક્સ વર્કર્સમાંથી અડધોઅડધને એચઆઇવીનો ચેપ લાગી ચૂક્યો છે.’ આ આંકડો 12 વર્ષ પહેલાંનો છે. જોકે આજે અનેક એનજીઓ રેડલાઇટ એરિયામાં તેમનાં બાળકોને સારું શિક્ષણ, સારું સ્વાસ્થ્ય આપવાના પ્રયાસો કરે છે.

પ્રશ્ન એક જ છે કે, કોઈ રાજકારણી જ્યારે વેશ્યાવૃત્તિને ગાળ સમજીને હલકી દર્શાવે છે, ત્યારે ખરેખર હલકું કોણ છે? પોતે લીધેલાં નાણાં બદલ પ્રામાણિકતાપૂર્વક પોતાના ગ્રાહકને સંતોષ આપવાનો પ્રયાસ કરતી એ પ્રોસ્ટિટ્યુટ કે ક્ષણિક સત્તા મેળવવા રોજે રોજ પક્ષપલટા કરનારાઓ? વ્હોટ ઇઝ રિયલ પ્રોસ્ટિટ્યુશન? પોતાનું પેટ પાળવા માટે વેશ્યા બનતી સ્ત્રીઓ પ્રત્યે સમાજનો દૃષ્ટિકોણ ક્યારે બદલાશે? કે નહીં બદલાય?

આપણું સિનેમાં પણ આ બધા વિવાદોથી પર નથી રહ્યું. ફિલ્મ મેકર દિનકર રાવે થોડાં વર્ષ પહેલાં ઝોયા નામની પ્રોસ્ટિટ્યુટના જીવન પર આધારિત ફિલ્મ ‘બ્લેક વિડો’ બનાવી હતી. આખરે ગયા વર્ષે આ ફિલ્મને બે વર્ષના લાંબા સંઘર્ષ બાદ સેન્સર બોર્ડે રિલીઝ કરવાની મંજૂરી આપી, પરંતુ તેમાં 20 મિનિટની લંબાઇના કુલ 26 સીન્સ કટ કર્યા પછી! આપણે માત્ર એટલું જ આશ્વાસન મેળવવાનું કે, ‘હાશ... આખરે કોઈ એકને તો જીવતદાન મળ્યું..!’

પિંચિંગ થૉટ :

‘એક સારી પત્ની એ છે કે જે સવારે પોતાના પતિને માતાની જેમ સાચવે, દિવસભર તેને બહેન જેટલો જ પ્રેમ કરે અને રાત્રે પથારીમાં એક વેશ્યા જેટલો આનંદ આપે.

- ચાણક્ય.

આજીવન અપરિણીત રહેનાર ચાણક્યએ સ્ત્રીઓ અંગે અનેક નિયમો બનાવ્યા છે, પણ આ વિધાન વાંચીને એક પ્રતિપ્રશ્ન ચોક્કસ થાય:

‘21મી સદીમાં પુરુષોને પણ આવું જ લાગું પડવું જોઈએ કે નહીં?’

amit.radia99@gmail.com

******