Suryast books and stories free download online pdf in Gujarati

સૂર્યાસ્ત

સૂર્યાસ્ત

કપડાં પહેરતાં,માથાના વાળ,મોઢું સરખું કરતાં,બૂટની દોરી બાંધતાં કનુને હવે કલાક લાગે છે .આમ તો તૈયાર થવામાં કનુને માંડ પાંચદસ મિનિટ લાગે. નીરસ કનુના હોઠો પર હવે મલકાટની મધમાખી ગૂંજતી હોય.ઓફિસમાં દાખલ થતાં પહેલાં મોબાઈલની સ્ક્રીનમાં પોતાનો ચહેરો જોવાનું ના ભૂલે.કનુ ખુશ છે. ઓફિસનો સ્ટાફ બેહદ ખુશ છે. લધરવધર પહેરવેશ, ચહેરા પર તણખલાની જેમ વધેલી દાઢી, બોલે તો પીળાશ પડતાં દેખાતા દાંત અને ચક્કર આવી જાય તેવા તેનાં મેચીંગ કપડાં આ બધું ગાયબ થઈ ગયું છે જ્યારથી રેશ્મા મેડમનું ટેબલ તેની બાજુમાં અલોટ થયું છે. પણ ઓફિસનો સ્ટાફ કંઈક બીજું વિચારે છે.જરુર કનુના જીવનમાં કોઈ છોકરી આવી છે.રેશ્મા રુપરુપનો અંબાર નથી કે કનુભાઈ ફસાય.રેશ્મા ની કાયા મીણ બત્તી જેવી નાજુક, કોયલ જેવો પાકો રંગ, ઉંબરાને બીક લાગે એવી ઊંચાઈ અને પહેરવેશે લાજવાબ લાગે. એટલે એ બે વચ્ચે મેળ તો ન જામે, એવું ઓફિસનો સ્ટાફ એકબીજાનાં કાનમાં કહ્યાં કરે. વળી કનુભાઈ બોસના ખાસ માણસ. એટલે સૌ એને પોતાનાથી છેટો રાખે.

કનુ રેશ્માને ,પકડાઈ ન જવાય એ રીતે ત્રાસી નજરે જોયા કરે.રેશ્મા ટાઈપ કરતી જાય અને મનોમન હસતી જાય.રેશ્મા ઊભા થતાં કે બેસતાં કનુ તરફ નજર પણ ના કરે! આ બાજુ કનુ ભાઈ રાહ જોતા બેઠા હોય કે રેશ્મા ક્યારે હાય, હલ્લો કહે છે. કનુએ પ્રયાસ કર્યો હતો જ્યારે રેશ્માનો પ્રથમ દિવસ હતો.ગુડ મોર્નિંગ મેડમ.રેશ્માએ ધીમેથી કહ્યું ગુડ મોર્નિંગ.કનુભાઈ તો રાજીનારેડ થઈ ગયાં. રેશ્મા એ પછી ધીમેથી કહ્યું કે તેને અપ ટુ ડેટ લોકો ગમે છે.કાલથી સેવીંગ, હેરકટ અને મેચીંગ ડ્રેસ પહેરીને આવે.અને પોતાના કામમાં લાગી ગઈ.

બીજે દિવસે તો કનુભાઈ વટથી પ્રવેશ્યા ઓફિસમાં.શું વાત છે કનુભાઈ ?આજે તો તમારી સકલ કંઈ ક ઓર છે! કનુએ ફક્ત સ્માઈલ કર્યું અને બેસી ગયા કામ પર.એની નજર દરવાજા તરફ હતી.ક્યારે રેશ્મા મેડમ આવે અને ગુડ મોર્નિંગ કહી રેશ્માની કોમેન્ટ સાંભળે.રેશ્મા આવી.ટેબલ ખોલી પોતાનું પર્સ મૂકી ફ્રેશ થઈ પોતાના કામમાં પરોવાઈ ગઈ.કનુભાઈ મૂંઝાયા.નો રિસ્પોન્સ રેશ્માનો! ફાઈલમાં માઢું નાખી જોયા કરે કતરાતી નજરે રેશ્માને.રેશ્માનાં મોં પર રેલાતું હોય ઝરણાં શું મંદ મંદ હાસ્ય. જે કનુભાઈને દઝાડતું જાય હળવે હળવે.બે વાર બોસની કેબિનમાં તે ગઈ અને જોઈ રહ્યો એની રુમઝુમ ચાલને.

પ્યુન આવીને કહી ગયો કે બોસ બોલાવે છે.કનુને ધ્રાસકો પડ્યો કે બોસે કેમ બોલાવ્યો હશે? કેબિનમાં રેશ્મા બેઠી હતી. બંન્ને જણ વાતો કરતાં હતાં.કદાચ ફરિયાદ હશે.પોતે તેની તરફ જોઈ રહે છે તેની.પણ તેને ખબર તો ન જ પડે એવી રીતે છૂપી રીતે જોતો હતો.હા એકવાર તે જોઈ રહ્યો હતો અને રેશ્મા એ તેની તરફ જોયું. તે શોભીલો પડી ગયો. જાણે કશું બન્યું નથી તેમ ફાઈલનાં પાનાં ફેરવવા લાગ્યો.આ જોઈ રેશ્મા હસી પડી.ધીમેથી બોલી પણ ખરી કે ક્યા બાત હૈ! કદાચ આ વિશે ફરિયાદ તો નહીં હોય ને? તે ઊભો થયો.કપડાં ઠીક કરી બોસની કેબિનમાં ગયો. અને રેશ્મા કેબિનમાંથી બહાર નીકળી નીચી નજરે.બોસ કનુને જોઈ રહ્યો.કનુએ સ્માઈલ આપ્યું. બેસવાનો ઈશારો કરતાં બોસે કહ્યું કે આજકાલ તે સ્માર્ટ લાગે છે.વખાણ સાંભળી તે ખુશ થયો.ફાઈલમાંથી કાગળ કાઢીને કનુને બતાવ્યો.અને શિખામણ આપતાં કહ્યું કે કામમાં જરા ધ્યાન રાખે.સ્યોરી શબ્દ કનુના મુખમાંથી સરી પડ્યો. ઓકે ઓકે .. કહી જવાનો ઈશારો કર્યો.પોતાની જગ્યાએ બેસી રુમાલ વડે પોતાનો ચહેરો લૂછવા ગયો ને રુમાલ ઊઠીને રેશ્માનાં ખોળામાં પડ્યો.ઓહ.. શબ્દ સરી પડ્યો . રેશ્માએ રુમાલ આપ્યો.તે હસી પડી.થેંક્સ કહી રેશ્માને જોઈ રહ્યો.ક્યા દેખતો હો ગુણગુણાતી રેશ્મા કોમ્પ્યુટરની કી માં ખોવાઈ ગઈ.

રેશ્માને કાગળ આજે જ તૈયાર કરવાની સૂચના આપી બોસ નીકળી ગયા.સ્ટાફના સભ્યો સમય થતાં નીકળવા લાગ્યાં.કનુએ રેશ્માને પૂછયું કે કેટલી વાર લાગશે.ઓફિસ ખોલવાની, સાંજે બંધ કરવાની જવાબદારી કનુની હતી. શું બહાર જવું છે પ્રશ્નના જવાબમાં કનુએ રેશ્માને કહયું કે ના.

બંને જણ સાથે નીચે ઊતર્યાં.રસ્તો ક્રોસ કરતાં કરતાં કનુએ પૂછયું કે કોફી પી લઈએ.રેશ્માએ કહ્યું કે ઠીક છે.

કોફી પીવાતી ગઈ.કનુ રેશ્માનાં વખાણ કરતો ગયો.રેશ્મા થેંક્સ કહેતી ગઈ.કનુ અકળાઈ ગયો.કનુ રેશ્માનાં કોમ્પ્લીમેન્ટ સાંભળવાં આતુર હતો , કોઈને કોઈ બહાને સ્પર્શ કરવા આતુર હતો, પણ આવું કશું ન થયું.વેઈટર બીલ મૂકી ગયો.રેશ્માએ પર્સ ખોલ્યું.કનુએ રેશ્માનાં હાથ પર હાથ મૂકીને કહ્યું કે બીલ તે ચૂકવશે.રેશ્માના હાથ પરથી હાથ લઈ સ્યોરી કહ્યું.રેશ્માએ મારકણું સ્મિત કરીને પૂછયું કે જઈશું કે? બંન્ને જણ હસતાં હસતાં હોટલની બહાર નીકળતાં બાય બાય કરી છૂટાં પડ્યાં.કનુ રેશ્માને જતાં જોઈ રહ્યો.

આજે કનુ ભ્રમરની જેમ ગૂંજી રહ્યો હતો. આજે ઓફિસ આવતાં પહેલાં ગુલાબનું ગુલાબી ફૂલ ખરીદ્યું હતું.ગુલાબી કાર્ડમાં લખ્યું હતું રેશ્મા તમે ગુલાબ છો.હું ગુલાબને ચાહું છું. કનુ સતત રેશ્માની રાહ જોતો ઊંચોનીચો થઈ રહ્યો હતો. બોસનો પ્રવેશ થતાં સૌ પોતપોતાના કામમાં પરોવાયા. બોસે કનુને પોતાની કેબિનમાં બોલાવ્યો. રેશ્મા હજુ સુધી કેમ નથી આવી એ ફિકરમાં ગયો.બોસે કનુને રેશ્માના ખાનામાંથી લેટર લાવવાનું કહ્યું. કનુએ રેશ્માનું ટેબલ ખોલી લેટર લીધો અને બાજ નજરે જોઈ લીધું કે રેશ્માનું સરનામું મળી જાય! આજે કનુભાઈ સવારથી ગરબડ કરી રહ્યાં છે.બોસે સંયમ રાખીને પૂછ્યું કે તેનું ધ્યાન ક્યાં છે.લંચ ટાઈમ થઈ ગયો.સૌની જેમ તેણે ટિફિન ખોલ્યું પણ જમવામાં મન ના લાગ્યું.આટલા વરસની નોકરીમાં પ્રથમ વાર બોસ ગુસ્સે થયાં.પાણી પીવા પ્લાસ્ટિક બોટલનું ઢાંકણું ખોલી રહ્યો હતો અને બોટલ પડી નીચે, ઢાંકણું રહી ગયું હાથમાં,પાણીનાં છાંટાથી શર્ટ પેંટ ભીંજાયા. કારણ રેશ્માનો ઓફિસમાં પ્રવેશ! રેશ્મા હસી પડી જાણે કનુના માથે વીજળી પડી. કનુએ બૂમ પાડી પ્યુનને બોલાવી ઢોળાયેલું પાણી લૂછવાને જણાવ્યું. અને હવામાં વાત કરવા લાગ્યો. સ્યોરી રેશ્મા મેડમ. હસતાં હસતાં તેને કહ્યું કે તે કરીશ્મા છે.નાની છૂટ્ટી લીધી અને કનુ કરિશ્માનું શામ ભૂલી ગયો તે બદલ ઠપકો મળ્યો. કનુ આંખો ચોળવા લાગ્યો.વિચારોનાં ચકરાવામાં ચકરાયો ગોળ ગોળ પતંગની જેમ.રેશ્મા નામની મેડમ એને ચગાવી રહી છે ટીચકી મારતાં મારતાં એવો અહેસાસ થવા લાગ્યો.રેશ્મા નહિ પણ પોતાને ગાવું પડશે ફિલ્મી ગીત ,- ના કોઈ ઉમંગ હૈ ... મેરી જિંદગી કટી પતંગ શી હૈ..ક્યાં ક અથડાતો અથડાતો પતંગની જેમ લટકી ના પડે.. પોતાનું કોલર ટાઈટ કરી ગીત ગાવા લાગ્યો મૈં શાયર તો નહીં... કનુ ઊભો ઊભો બે હાથ ટેબલ પર મૂકીને કોને જોઈ રહ્યો છે તે ઓફિસ પ્યુન સમજી ના શક્યો.કનુને ઢંઢોળતા પ્યુને કનુને કહ્યું કે જગા લુછાઈ ગઈ છે.કનુ વાસ્તવિકતા પર આવ્યો. ના રેશ્મા હતી કે કરિશ્મા.

ફાઈલમાં કાગળ ફાઈલ કરતાં કરતાં કનુ હસી પડ્યો. રેશ્માએ હસવાનું કારણ પૂછ્યું.કનુએ ધીમેથી કહ્યું કે તે સાંજે કોફી હાઉસમાં વાત કરશે કહી એનાં કામમાં બીઝી હોવાનો દેખાવ કરવા લાગ્યો. રેશ્માએ પણ કોઈ રીસ્પોન્સ ના આપ્યો.તે તેનું કામ કરી રહી હતી રાબેતા મુજબ.કામ પત્યાપછી તે ઊભી થઈ જવાની તૈયારી કરવા લાગી.કનુએ રીક્વેસ્ટ કરી કે કોફી પીને જઈએ. રેશ્માએ કહ્યું કે તે ત્યાં રાહ જોશે .બોસ ના હોવાથી કનુને ઓફિસથી નીકળતાં વાર લાગી નહીં .

શનિવાર હોવાથી કોફી હાઉસમાં ખાલી ટેબલ ખુરશી દેખાતા હતાં.એમાં રેશ્મા ડાળીઓ વચ્ચે ગુલાબનું ફૂલ સમી લાગતી હતી.કનુ ધીમેથી હાય કરતો તેની સામે બેઠો.રેશ્માએ બે હાથમાં પકડેલ ન્યૂઝ પેપરમાંથી માથું બહાર કાઢી સ્મિત કરી ન્યૂઝ પેપરમાં ફરી પાછું ધાલ્યું. કનુ અકળાઈ ગયો. કનુએ ધીમેથી પૂછયું કે નાસ્તો ચાલશે? ફક્ત કોફી કહી ન્યૂઝ પેપર વાંચવા લાગી. આવા વર્તનથી કનુ એ પોતાનો ગુસ્સો ટેબલ પર ઠાલવ્યો. મુઠ્ઠી પછાડી ટેબલ પર.રેશ્મા હસી પડી.ન્યૂઝ પેપર બાજુમાં મૂક્યું.પાકીટ ખોલી પેલું કાર્ડ હસતાં હસતાં કનુનાં હાથમાં આપી પૂછયું કે આ કાર્ડ તેને મૂક્યું છે? કનુ તે કાર્ડને જોઈ રહ્યો.પછી રેશ્માને પૂછયું “ આ કાર્ડ ના ગમ્યું? આ કાર્ડ બનાવતાં આખી રાત ગઈ.” “ મને નવાઈ લાગે છે કનુ સાહેબ! બે અક્ષર લખતાં રાત રાત જાગવું પડે? અરે ગુગલ હલાવ્યું હોત તો બે સેંકડ લાગત. હલાવતાં આવડે છે કે?” “ રેશ્માજી હલાવ્યાં પછી ઢીલાંઢફ થઈ જવાય એ ખબર છે?” સહજતાથી કનુ એ કહ્યું. “ બીજું તૈયાર થાળી કરતાં જાતે બનાવેલી રસોઈનો સ્વાદ અનોખો હોય છે રેશ્મા મેડમ.કાલે તો ભર બપ્પોરે તમારી ગેરહાજરીમાં શમણાં જોવા લાગેલો. તમારા લીધે પહેલીવાર બોસનો ઠપકો મળ્યો.” “ ઠપકો? અને તમને!” રેશ્મા કનુને આશ્ચર્યથી જોઈ રહી કનુનું કાર્ડ જોતાં જોતાં. વેઈટર કોફી મૂકી ગયો.મનોમન કનુ બબડ્યો કે આ તો કડવી કોફી છે. “ શું તમે મને કશું કહ્યું?”

“ તમે કશું સાંભળ્યું?”

“ મને એવું લાગ્યું કે કોફી જોઈને તમે કોઈ મારા વિશે કોમેન્ટ પાસ કરી.”

“ તમને એવું લાગ્યું કેમ ખરું ને” રેશ્માએ હસતાં હસતાં ડોકું હલાવ્યું. “ પણ તમને વાગ્યું તો નથીને!.”

“ બે હાથે બે કાન કનુના પકડીને કહ્યું કે તેનાં કાન ની સાંભળવાની રેંજ મોબાઈલ કરતાં પણ .... હું કડવી કોફી છું...”

“ યુ આર સ્માર્ટ.પણ મારા કાન તો છોડો.કોઈ જોઈ જશે.”

“ ભલે જુવે.તમારો મારી સાથે પ્રેમ થયો છે, તું મને પ્રેમ કરે છે તો ડર શેનો?”

“ તમે મને પ્રેમ કરો છો કે નહીં?” કોફીનો ગ્લાસ નીચે મૂકતાં કનુએ પૂછયું.

“ પહેલાં એ કહે તો ખરો કે મારામાં એવું શું જોયું છે કે તું મને પ્રેમ કરવા બેઠો છે? હું શ્યામળી, લાંબી તાડ જેવી, આપણા બે વચ્ચે મેચીંગ જેવું કંઈ છે જ નહીં..” કહી કનુને જોઈ રહી.

“ પ્રેમની વ્યાખ્યા શબ્દોથી નથી અનુભવાતી.પ્રેમ માટે કોઈ ચોક્કસ બીબાં નથી હોતા.કોઈ અનજાન વ્યક્તિ તરફ અચાનક આ મન ખેંચાય ત્યારે સીધીસાદી સરળ જિંદગીમાં ન સમજાય તેવું તોફાન આવે છે એનું નામ પ્રેમ. તમને જોતાં મારું રાબેતા મુજબચાલતું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હાલતાં,ચાલતાં,બેસતાં ઊઠતાં ખાતાં પીતાં સૂતાં અરે ક્ષણે ક્ષણે હું રેશ્મામય અંધ થઇ ગયો છું સમજ્યાં કે?”

“ ઓહ! તો તમારું પ્રેમ પ્રકરણ અહીં સુધી પહોંચી ગયું છે! આઊ તો ગાંડપણ કહેવાય.પ્રેમમાં વન વે ના ચાલે.બંન્ને પાત્રોની સહમતિ જરૂરી હોય છે. આ તો નર્યું પાગલપન છે કનુમહારાજ.આઈ એમ સો સોરી..ફરી વાર આવા કાર્ડ ચિતરવાની ભૂલ ન કરતાં.” કહી રેશ્મા ઊભી થઈ.

“ એક મિનિટ પ્લીઝ.. જરા બેસો.”

“ લો બેઠી.હવે બોલો.”

“ કોફી પી લઈએ.”

“ ઠીક છે.” કોફીનો ઓર્ડર આપી કનુએ કહ્યું કે “ તમારી વાત સાચી છે.પ્રેમરથ બે પૈડે જ ચાલે.તમારા સૌંદર્ય સામે હું બબૂચક લાગું.પ્રેમી નહીં તો મિત્ર તો બનીને જીવી શકીએ.. દોસ્તીનો હાથ લંબાવશો?”

“ મને નફરત છે દોસ્તીના નામે.મારે પણ દોસ્ત હતો. દોસ્તી ના નામનો નજાયશ ફાયદો લઈ શારિરીક સંબંધ બાંધ્યો અને અંધકારનાં કુવામાં મને ઢકેલી દીધી.”

“ એટલે..”

“ એટલે મને એઈડ્સ છે.”

“ હા. નામ સાંભળીને ચમક્યોને! મને પ્રેમ કરનારા તું દસમો વ્યક્તિ છે.મારા રોગનું નામ સાંભળી ભલભલા હેતબાઈ જાય છે અને મારું નામ સરનામું ભૂલી જાય છે.”

વેઈટર કોફી મૂકી ગયો. કોફી પીવાતી ગઈ સ્તબ્ધતા સાથે.કનુએ ઊભા થતાં કહ્યું કે તે અલગ પ્રકારની માટીથી ઘડાયો છે.ટપલી મારીને માટલું પારખતા બધાને આવડતું નથી. ગુડ નાઈટ કહી બંન્ને છૂટા પડ્યા ત્યારે પૂનમનો ચંદ્રમાં નીકળ્યો હતો.

આધાત પ્રત્યાઘાત વચ્ચે બંન્ને જણ સ્વસ્થ હતાં.કશું અસાધારણ બન્યું નથી એમ ઓફિસમાં કામ કરતાં હતાં.અચાનક રેશ્માએ પૂછયું કે આજનો પોગ્રામ શું છે દોસ્તીના નામે. કનુ મંદ મંદ હરખાયો.જખમ પર નમક છાંટવાને બદલે કહ્યું કે પોગ્રામ તો નથી પણ બનતો હોય તો બનાવી શકાય.બે પાત્રોની...અને રેશ્માએ કનુના પગે ધીમેથી ચીંટીયો ભરી સંમતિ દર્શાવી.

ક્યાં જશું ? કનુએ પૂછયું.

ગેટવે..દરિયામાં આંટો મારી આવીએ.

દરિયામાં?

હાસ્તો.. મને બહુ ગમે .. મોડું તો નથી થતું ને?

તારો સાથ હોય તો મારે મન સદાય સૂર્યોદય છે. કહી કનુએ ટેક્ષી કરી.

ટેક્ષીમાં કનુ બોલતો રહ્યો.રેશ્મા સાંભળતી રહી. કનુ પણ રોમેન્ટીક હતો સૌ યુવાનોની જેમ. ના માબાપ, ના ભાઈ બહેન.આપબળે ભણ્યો અને કામે લાગી ગયો. દેખાવડો, મોજીલો ઓફિસમાં કામ કરતી કરિશ્મા નાં પ્રેમ માં પડ્યો. કરિશ્મા આમ તો ગરીબ પરિવાર માં ઉછરેલી પણ શહેરની રંગીલી રાતનાં નખરાની શોખીન. કનુ કરિશ્માની લાઈફ સ્ટાઈલ સહન ના કરી શક્યો અથવા એમ કહો કે કરિશ્માને કનુની ઉદાસી જિંદગી પસંદ ના આવી.અને કરિશ્માએ કનુને બાય બાય કરી પોતાની જિંદગી પોતાની રીતે જીવવા નો માર્ગ અપનાવી લીધો. આમ પહેલાં પહેલાં પ્યારની નિષ્ફળતા એ કનુને ઉદાસીનતાની ખીણમાં ધકેલી દીધો.

ઓહ .. આ નિષ્ફળતાનું વેર વાળવા તું મને પ્રેમ કરી રહ્યો છે કેમ ખરું ને?

એકદમ ખોટું.આજની તારીખે તને પ્રેમકરું છું.

મારી હાલત જાણવા છતાં?

હા.તારા પ્રત્યે ખેંચાયો છું.

કદાચ મારી બીમારી તને થકવી નાખે તો..

કદાચ તારો ઈલાજ સફળ થાય તો..

નોટ પોશીબલ..

ક્યારેક દવા નહીં દિલની દુવા કામ લાગી જાય છે.તું તારી તકલીફમાંથી બહાર આવીશ એ વિશ્વાસ છે.

એક ઝાટકા સાથે ટેક્ષી ઊભી રહી ગઈ.સાલા બચ ગયા.

દોડતા છોકરાને જોઈ ટેક્ષી ડ્રાયવરે બ્રેક મારી ગાળ સાથે. બંન્ને જણની વાતો અટકી. ટ્રાફિક હોવાથી બન્ને જણ ત્યાં જ ઊતરી ગયા.

ભીડમાંથી રસ્તો કાઢી બોટમાં બેઠાં.કિનારા પરની બેઠક શોધી બંન્ને જણા બેઠા.રેશ્માના ચહેરા પર અનોખો આનંદ હતો.નટુએ પોકપોનનું પડીકું લઈ રેશ્માને આપતાં કહ્યું કે લે આ ટાઈમ પાસ.થેન્કસ કહી રેશ્મા ઢળતા સૂરજને જોઉં જોઈ રહી.કનુ રેશ્માનો ગુલાબી ચહેરો જોઈ રહ્યો હતો કોઈ પણ જાતના ડર વગર.બોટ ધીરે ધીરે ચાલવા લાગી.દરિયાના ઉછળતાં મોજાં બોટ સાથે અથડાવા લાગ્યાં.મોજાંની ઉછળતી છાલક સાથે કનુ રમવા લાગ્યો અને એક છાલક રેશ્મા પર ઉછાળી. રેશ્મા કનુની સામે જોઈ હસી.એનાં હાસ્યમાં કેવળ નિર્દોષતા હતી.

ક્યારની શું જોઈ રહી છે

ઢળતો સૂરજ.મને ધણો જ ગમે છે.એનો રતુમડો ચહેરો મને કોઈ અજીબ સંતોષ આપે છે.

મને પણ તારો ગુલાબી ચહેરો જોવો બહુ ગમે છે.બસ જોયા જ કરું..સીધી રીતે નહીં તો ચોરી છૂપીથી કહી બ્લાઈન્ડ કીસ કરી. રેશ્મા કનુને જોઈ રહી. રેશ્મા મનોમન વિચારી રહી હતી કે જીવન પણ કેવું છલકાતું છે. ક્યારે પણ ખાલીખમ રહ્યું નથી.ખાલી જગ્યા જોઈ રેશ્મા પગ લંબાવીને કનુના ખોળામાં પડી.કનુ જરા ઝંખવાયો.પણ વિરોધ પણ ના કર્યો.લહેરાતી લહેરોમાં લહેરાતાં ઝૂલ્ફો, લહેરાતો પાલવ અને સૂરજનાં કોમળ કિરણોની જાળીથી રેશ્માની ઝીણી થઈ ગયેલી આંખો અને પરાવર્તીથી કિરણોથી ચકમકતાં હોઠો જાણે ફૂલ પંખડી પર ઝાકળ જેવાં લાગતાં હતાં.આવું મોહક સૌંદર્ય નંદવાઈ ના જાય તે માટે મૌન નું આવરણ છવાઈ ગયું હતું.કનુની કોમળ હથેળી નો સ્પર્શ રેશ્માના નાજુક ગાલો કરી રહ્યાં હતાં.અચાનક રેશ્માએ કનુને કહ્યું કે હવે જોયા કરજે સૂરજ સામે.પણ કનુને સૂરજ નહીં રેશ્માનો ચહેરો જોવામાં તલસ્પર્શી હતી. ગોળ ગોળ ભમરડાની જેમ ગોળ ગોળ ફરતો સૂરજ એક ક્ષણે ખરી પડ્યો દરિયામાં ઉછળતાં મોજાંઓ વચ્ચે.અને છવાઈ ગયો સન્નાટો.રેશ્મા બેઠી થઈ જોતી રહી કનુને. વિચારવા લાગી પળ બે પળના સહવાસમાં કનુ ની આ સ્થિતિ છે તો મહિના બે મહિના પછી કનુ શું કરશે તેનાં વગર.

પેટપૂજા કરી રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતાં રેશ્માએ કનુને પોતાના ઘરે વીતાવવા કહ્યું.

તારા ઘરે

હા. કેમ કોઈ વાંધો છે?

પણ.. કેવું લાગે

જેવું લાગે તેવું.તું આવે છે કે નહીં?

કનુ જાણતો હતો કે તે એકલી ઘરમાં રહે છે. અને

એય.. શું વિચારમાં પડ્યો.

ના.. કશું નહીં.ચાલ આવું છું.

ટેક્ષી કરી બંન્ને જણ બેઠાં.કનુને ઊંડા વિચારમાં ખોવાયેલો જોઈ રેશ્માએ પૂછ્યું , શા વિચારોમાં ખોવાયો? તારે ના આવવું હોય તો ના આવ.પણ આમ ખામોશ ના થા.

કનુ હસ્યો.રેશ્માનું માથું પોતાના ખભે અઢેલી રેશ્માને જોઈ રહ્યો.રેશ્મા હસી પડી.શરારત કરતા કનુએ પૂછયું કે કેમ તે હસી.રેશ્માએ સામે પૂછયું કે તેનાથી હસાય પણ નહીં?

પણ કારણ તો હસે ને

કારણ હં પહેલીવાર તને જોયો ત્યારે તું કેવો લઘરવઘર લાગતો હતો અને હવે રાજાના કુંવર જેવો ધમાકેદાર.. ખાસ્સો બદલાવ તારામાં જોઈ હસવું આવી ગયું.

ઓહ! એમ વાત છે કે..આનું કારણ રેશ્મા તું છે .

જે દિવસે હું નહીં હોઉં ત્યારે..

એ વિચાર મને હજુ સુધી આવ્યો જ નથી..

પણ ધારો કે ..

પણ એવી ધારણાઓ રાખવાની જરૂર શું..

ઠીક છે . ના કહેવું હોય તો.. કહી તેનાથી દૂર ખસી બારી બહાર જોવા લાગી રીસાઈને...

કનુને રેશ્માની આ અદા જોઈને હસવું આવી ગયું. રેશ્માનું તે તરફ ધ્યાન દોરાયું.ધીમેથી પૂછયું, “ કેમ હસવું આવ્યું.”

“ રેશ્મા, તું પહાડી મોસમ જેવી છે. તને ખબર તો હશે કે ઊંચા બરફીલા પહાડોનું વાતાવરણ અનિશ્ચિત હોય છે.ગમે ત્યારે ગમે તે ક્ષણે બદલાઈ જાય જેનું આપણે અનુમાન ના લગાવી શકીએ.”

“ એટલે હું પહાડ જેવી છું કેમ ખરું ને?”

“ ના મેમ સાહેબ.પણ ક્યારેક ક્યારેક આવો અનુભવ મને થયો છે.”

“ મારા તરફથી”

“ હાસ્તો.તારા સિવાય કોઈ બીજું આવ્યું નથી.” હસતાં હસતાં કનુએ કહ્યું.

“ ઠીક છે.ચાલો ઊભા થાવ. જરા રુકના ડ્રાયવર સાહેબ..”

રાત્રિના બાર વાગ્યા હતાં.આજુબાજુ બેઠી ચાલીના મકાનો દિવસભરનો થાક ઊતારી રહ્યા હતા.સડક પરની લાઈટના પ્રકાશને અંડોળી રેશ્મા કનુ સાથે ગ્રીનહાઉસ સોસાયટીમાં પ્રવેશ્યા . રેશ્માનો મધ્યમવર્ગીય ફ્લેટ લાઈટોના ઝગમગાટમાં ઝળહળી રહ્યો હતો. રાત્રિના અંધકારની શાંતિમાં રાતરાણીનીમાદક સુવાસ બંન્ને જણનો ભરડો લઈ રહી હતી. રેશ્માના બેડરૂમમાં કનુ લાંબા પગ કરી પડ્યો .

“ થાકી ગ્યો લાગે છે?”

“ હા.જરાક.”

“ હું ફ્રેશ થઈ આવું.ટીવી ચાલુ કર”

“ ના; શોખ નથી.”

“ ત્યાં સુધી શમણાં જો”

“ શમણાંમાં તારા સિવાય..”

“ ઓહો” કહેતાં તે પાણીનાં રેલાની જેમ સરકી ગઈ બાથરૂમમાં.

આદત મુજબ રેશ્મા નિશસ્ત્ર બહાર આવી.કનુને જોતાં એક ઝીણી ચીસ નીકળી ગઈ. “ એઈ અંદર જા.”

“ શું ફરક પડે છે” કહી રેશ્માને જોઈ રહ્યો.

“ બેશરમીની પણ હદ હોય છે..” કહી લટકતા ટુવાલ તરફ દોડી. કનુ રેશ્માનું સૌંદર્ય માણી રહ્યો રસપૂર્વક.ચંદન શા બદન ચંચલ ચિતવન.. મુઝે દોષ ના દેના .... હો જાઉં અગર મૈં દિવાના..ગીત ગાતાં ઊભો થઈ રેશ્મા તરફ ગયો. રેશ્મા આદત મુજબ દર્પણમાં પોતાનું સૌંદર્ય જોવા ફરી.રેશ્માની પીઠ જોતાં જ કનુ ચોંક્યો . પીઠ પર ફોલ્લાઓ જોઈ કનુ ત્યાં જ ચીટકી ગયો. હોઠ પર ભમરની જેમ ગૂંજતું ગીત ખરી પડ્યું.રેશ્માની બિહામણી પીઠ જોઈ ધ્રૂજી ઊઠ્યો! પણ રેશ્મા સાવ સ્વસ્થ હતી. એનાં હોઠો ગીત ગૂંજનથી મરકી રહ્યાં હતાં. એ પોતાનું સૌંદર્ય માણી રહી હતી. ટુવાલ વીંટાળીને કનુ તરફ ફરી મલકાતી મલકાતી. કનુને ખોવાયેલો જોઈ રેશ્માએ નજીક જઈ પૂછયું, “ આ પીઠ પર શું થયું છે ?”

“ ઓહ.. ગભરાઈ ગયો..”

“ ખરેખર તારી સહનશીલતા ને વંદન છે.”

“ એ તો માથે પડે એટલે બધું કોઠે પડી જાય.એક કામ કર.આ સ્પ્રે ની બોટલ લે ને છાંટ મારી પીઠ પર.” કહી કનુને હેન્ડગ્લોઝ આપ્યાં.કનુએ સ્પ્રે છાંટ્યું કે તીણી ચીસ રેશ્માનાં મુખમાંથી નીકળી ગઈ.કનુએ પૂછયું કે શું થયું.રેશ્માએ કોઈ જવાબ ના આપ્યો. “બસ” કહી રેશ્મા થોડી ક્ષણ સોફા પર પડી. કનુ ચિંચિત નજરે જોઈ રહ્યો.તે ધીમેથી બેઠી થઈ.કનુને જોઈ રહી.ધીમેથી કહ્યું , “ આ ક્રીમ લઈ પગની પાની થી લઈ સાથળ સુધી લગાવ. લગાવી શકીશ કે?”

“ કેમ? તને મારામાં વિશ્વાસ નથી?”

“ મને તો છે.પણ તને તારામા વિશ્વાસ છે?”

“ વિશ્વાસ નહીં આત્મ વિશ્વાસ છે. તું એક દર્દી છે અને હું ડોક્ટર યા કંપાઉન્ડર... તું શું કહેવા માંગે છે તે હું સમજું છું.તારી નગ્નતા મને વિચલિત કરી શકે એમ નથી.”

કહી રેશ્માનાં હાથમાંથી ક્રીમની બોટલ લઈને ધીરે ધીરે ક્રીમ લગાવવા લાગ્યો. રેશ્મા સાફા પર પડી તેને જોતી રહી.....

“ હાશ. હવે ઠીક લાગે છે.” કહી બેઠી થઈ. “ કનુ મહારાજ જોઈ લીધા મારી કાયાના કામણ? હજી તને મારામાં પ્રેમ છે.”

“ પ્રેમ ફક્ત તારી કાયા સાથે નહીં પણ ...”

“ તું કહી માટીનો બનેલો છે તે જ સમજાતું નથી..” કહેતાં ઊભી થઈ નાઈટ ગાઉન પહેરવા લાગી.

“ તું પણ ફ્રેશ થા. કબાટમાં લૂંગી અને શોર્ટ છે જે ફાવે તે..”

“ ઓકે..” કહી તે બાથરૂમ ગયો.

“ એઈ.. તું સુઈ ગઈ કે ?” કહેતાં કનુ રેશ્માની પાસે બેઠો બેડ પર.રેશ્માનું માથું ખોળામાં લઈને એનાં ઝૂલ્ફો માં આંગળી ક્યાંય સુધી ફેરવતો રહ્યો.રેશ્મા આંખો મીંચીને પડી રહી હતી.કનુનું શું થશે? મોત નક્કી છે. પોતે ધીમે ધીમે પોતની જીવીક્ષા ખોઈ રહી છે.જેમ જેમ પોતે પાનાં ખોલતી ગઈ તેમ તેમ કનુના પ્રેમની શુધ્ધતા પરખાતી ગઈ એ હદ સુધી કે રેશ્મા એ શુધ્ધતાનો ચળકાટ જોઈ અંજાઈ ગઈ. કનુના સ્પર્શથી રેશ્માને અલૌકિક આનંદ, પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો. રેશ્માએ પડખું ફેરવીને કનુને પોતાની છાતી પર લઈને કનુ ની પીઠ પંપાળવા લાગી.કનુએ એક કીસ રેશ્માના કપાળ પર કરી. અને રેશ્માએ આવેશમાં આવી પોતાના અધર કનુનાં અધર પર હળવેથી મૂક્યાં ગરમાગરમ શ્વાસોચ્છવાસ વચ્ચે સંયમથી. ફુગ્ગામાંથી હવા નીકળી જાય એમ બંન્ને જણ ઢીલાં ઢફ થઈ નિંદ્રાને આધીન થઈ ગયાં..

આંખ ખૂલી.કનુ ના દેખાયો. ટીપોય પર કાગળ હતો. વાંચ્યો. ઓફિસે મળશું સ્વીટ હાર્ટ. એક વાર, બે વાર..કાગળ વાંચતી જ રહી , વાંચતી જ રહી.. બેડ પર લંબાવ્યું.શરીર ગરમ હતું. પગ તૂટતાં હતાં.ક્યાંય સુધી પડી રહી.વીતેલી ક્ષણો વાગોળતાં વાગોળતાં આંખો ધેરાઈ ગઈ.

કનુ આજે ઓફિસમાં સમય કરતાં વહેલો આવી ગયો .કપાળમાં ચાંદલો જોઈ ઓફિસ પ્યુને પૂછયું , “ શું વાત છે કનુભાઈ? કોઈ શુભ સમાચાર? કપાળે ચાંદલો, હાથમાં પ્રસાદ ને ચહેરે અનોખો મલકાટ.. શું કોઈ છોકરી પતાવી છે કે?”

“ મને એ જ સમજાતું નથી આપણી વાત રહી રહીને છોકરા છોકરી ની આસપાસ કેમ ફર્યા કરે છે રામુ કાકા?”

“ આ સંસારમાં જે કાંઈ છે તે એ જ છે.દરેક વાત, દરેક યુધ્ધ, દરેક કળા ની કથા માં છોરા છોરી જ આવે કનુભાઈ?”

“ઠીક છે” કહી કનુ પોતાના કામમાં ખોવાયો. પણ મન ચોંટે તો ને! રાતની વાત યાદ ન આવે તે માટે બાકી રહેલા કામ કરવા લાગ્યો.લંચ ટાઈમ થયો. પણ રેશ્મા આવી ન હતી.બોસ પણ આવ્યાં ન હતા. મોબાઈલ બંધ હતો. ઓફિસમાં રમેશ ભાઈ સિનીયર હતા. તેમને જરુરી કામ છે કહી ઓફિસથી નીકળી રેશ્માના ઘર તરફ ગયો. ધર બંધ હતું. નીચે સિક્યુરિટીને પૂછ્યું . “ સાબ, મૈં આજ હી કામ પર આયા હું.” ક્યાંય સુધી ત્યાં બેસી રહ્યો.શું વિચારવું એ એની સમજની બહાર હતુ. રાત્રિના બાર વાગ્યા હતાં.હવે સવારે આવ્યાં વગર છૂટકો નથી એમ મન મનાવી પોતાના ઘર તરફ લથડીયા ખાતાં ખાતાં ફર્યો.

ત્રણ દિવસ ત્યાં આંટા માર્યા પણ રેશ્માના ખબર ન મળ્યા. ઘડિયાળમાં જોયું ત્રણ થયાં હતાં. ભૂખ પણ લાગેલી. હોટલ તરફ પગ ઉપાડ્યા. એક કાર તેની લગોલગ ઊભી રહી.ડ્રાઈવરે પૂછયું “ તમે મી. કનુભાઈ”

“ હાજી.”

“ આ કવર તમારા માટે” કવર આપી ડ્રાયવર કાર સડસડાટ મારી મૂકી.

કવર ખોલ્યું.વાંચ્યું.દોડી ને ટેક્ષી પકડી આપેલા એડ્રેસ પર પહોંચ્યો.દરવાજો ખૂલતાં જ ચોંક્યો. આ તો બોસનો ફ્લેટ છે! હાથપગમાંથી વીજળીની ઝડપે ધ્રૂજારી પસાર થઈ .જડવત થઈને જોતો રહ્યો.

“ અંદર આવ.દરવાજો બંધ કરીને.”

ત્યાંથી નાસી જવાનું મન થયું.પણ બોસના સત્તાવાહી અવાજને તાબે થયો.દરવાજો બંધ કરી ઘરમાં પ્રવેશ્યો.બોસના ઈશારે સોફા પર બેઠો. બોસ ના પ્રશ્નોનાં શું જવાબ આપવા એની ગડમથલમાં નીચી ડોક અને બે પગ વચ્ચે બે હાથ નાંખી બેઠો હતો.બોસે હુકમ કર્યો એનાં ઘરમાં કામ કરતાં રામુચાચાને, “ કનુ માટે ચા સેન્ડવીચ લાવો”.ના કહેવાની હિંમત કનુ પાસે ન હતી.ચૂપચાપ ચા નાસ્તો કરી લીધો.

ત્રણ દિવસરી ઓફિસ નથી જતો કેમ ખરું ને? કનુ મૌન રહ્યો. “ ઊભો થા ને મારી સાથે ચાલ ઉપર.” તે ઊભો થઈ બોસની સાથે ઉપર ગયો. દરવાજો ખોલી કનુને કહ્યું સામેની દિવાલ જો. કનુએ ત્યાં નજર નાખી અને ધ્રૂજી ઊઠ્યો.એક ચીસ નીકળી ગઈ. દિવાલ પર રેશ્માની તસ્વીર હતી. સામેની બારીમાંથી સૂર્યાસ્તનાં કિરણોમાં રેશ્માનું સૌંદર્ય ખીલી રહ્યું હતું.

“ કનુ રેશ્મા મારી પુત્રી હતી અને હું એનો બદનશીબ બાપ...

સમાપ્ત

પ્રફુલ્લ આર શાહ.