Tame pavan malhotrane odakho chho books and stories free download online pdf in Gujarati

તમે પવન મલ્હોત્રાને ઓળખો છો

તમે પવન મલ્હોત્રાને ઓળખો છો ?

-હરીષ થાનકી

તમે પવન મલ્હોત્રાને ઓળખો છો..? નથી ઓળખતા...? બહુ કહેવાય..! આટલી ટેલેન્ટેડ અને જાણીતી હસ્તીને જો તમે ન ઓળખતા હોવ, તો બેમાંથી એક શક્યતા છે, કાં તો તમે બેંગ્લોરના ન હોવ અથવા તો તમારું જનરલ નોલેજ બહુ પૂઅર હોય. ભલે બેંગ્લોર આઈ.ટી.નું મોટું હબ ગણાતું હોવાથી અહી આ ક્ષેત્રે નામના મેળવનાર લોકોનો તોટો નથી. પણ તોયે..! પવન મલ્હોત્રા એટલે પવન મલ્હોત્રા. માત્ર આડત્રીસ વરસની વયે તેણે ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં જે નવા નવા આવિષ્કારો કર્યા છે તે લાજવાબ છે. એ ઉપરાંત પવન મલ્હોત્રા ગંજાવર સ્થાવર મિલ્કતોના માલિક છે. જો કે જાણકારોનું કહેવું છે કે તેમાંની મોટાભાગની મિલ્કતો એની પૈતૃક સંપતિ છે. તો પણ તેમાં તેણે પોતાની બુદ્ધિ વડે ધરખમ વધારો કર્યો છે એ વાત નક્કી. આવી વ્યક્તિને બેંગ્લોરમાં કોઈ ન ઓળખે તેવું ના બને. પરંતુ પવન મલ્હોત્રાને લોકો ફક્ત આ કારણે જ ઓળખે છે એવું તમે જો માનતા હોવ તો તમે હજુ ભૂલ કરો છો..તેની આટલી ખ્યાતિ પાછળનું ખરું કારણ છે એમનું જબરદસ્ત દાનવીર હોવું. સાંભળ્યું છે કે તે જેટલું રોજ કમાય છે તેની અડધી રકમ તો રોજ દાન કરી દે છે. અહીંના મોટાભાગના ચેરીટેબલ ટ્રસ્ટો તેની મદદથી જ ચાલે છે.

ફાઈનલી, આજે મારે એમને મળવા જવાનું છે. તમને થશે કે હું પણ કોઈ સંસ્થા માટે એમની પાસે દાન ઉઘરાવવા જતી હોઈશ. ના...એમ નથી. વાત થોડી જુદી છે.

કેટલાક લોકો એવા હોય છે કે જે કામ તેઓ જાતે કરી શકતા હોય તે કામ પણ તે આપણને જ સોંપે. ક્યારેક તો આપણને એમ થાય કે ના જ કહી દઈએ..આ શું વળી પળોજણ..! આપણે જ્યાં આપણા કામમાંથી જ ફ્રી ન થતા હોઈએ ત્યાં વળી બીજા કોઈની જફા શું કામ..! પણ મારે આજે જે કામ કરવા જવાનું છે તે કામ એવું નથી. દેવયાની બિચારી ધારે તો પણ એ કામ જાતે કરી શકે તેમ નહોતી. કરે જ શી રીતે..! જો એનામાં એટલી હિંમત હોત તો..તો આ બધું થાત જ નહિ ને !

તમે કદાચ દેવયાનીને પણ નહિ ઓળખતા હોવ..ક્યાંથી ઓળખો.? જો તમે પવન મલ્હોત્રા જેવા માણસને ન ઓળખતા હો તો બિચારી દેવયાનીને તો ક્યાંથી ઓળખો ? દેવયાની કાંઈ પવન મલ્હોત્રા જેવડી મોટી હસ્તી થોડી છે ?

તમને થશે કે હું તમને આમ ગોળ ગોળ વાતો કરી શા માટે પજવી રહી છું? જે કહેવું છે તે સીધેસીધું શા માટે નથી કહી દેતી.?

વાત જ એવી છે મારા સાહેબ, કે આખી વાત સમજવા તમારે થોડી ધીરજ રાખવી પડશે.

હવે આ દેવયાની એટલે પવન મલ્હોત્રાની પત્ની..યાને કે મીસીસ પવન મલ્હોત્રા..! તમે ફરી વિચારતા હશો કે હું વળી એ દેવયાનીને કઈ રીતે ઓળખું..? ઓળખું જ ને વળી.! હું અને દેવયાની સુરતમાં એક જ શાળામાં દસ વરસ સુધી સાથે ભણેલાં. અને યોગાનુયોગ કહો કે પછી જે કહો તે, મારા લગ્ન પણ બેંગ્લોર થયા. બેંગ્લોર અમારા બન્ને માટે અજાણ્યું..આવડા મોટા શહેરમાં ફક્ત અમે બન્ને જ એકબીજાને પહેલેથી ઓળખતા હતા એટલે અમારી દોસ્તી મજબૂત બની અને થોડા વખતમાં તો અમે બન્ને એકબીજાની અંતરંગ સખી બની ગઈ.

જો કે અંતરંગ સખી બની ગઈ એમાં જ આ પળોજણ ઊભી થઇ ..! નહિતર મારે આજે શા માટે પવન મલ્હોત્રાને મળવા જવું પડે..?

એ દિવસે દેવયાનીનો મને ફોન આવ્યો હતો. ખૂબ જ રડી રહી હતી એ ફોન પર. મેં રડવાનું કારણ પૂછ્યું તો કહે કે રૂબરૂ આવી જા. બીજે દિવસે સવારે મારા પતિ કામ પર ગયા એટલે હું તેને મળવા ગઈ. એને જોતાંવેત મારા આખા શરીરમાંથી એક લખલખું પસાર થઇ ગયું. છેલ્લે લગભગ પંદર-વીસ દિવસ પહેલા હું એને મળેલી. આટલા દિવસોમાં તો જાણે તેના દિદાર જ ફરી ગયા હતા !

‘મને કેન્સર થયું છે..બ્લડ કેન્સર’ કહેતા કહેતા એ રડી પડી. હું સ્તબ્ધ થઇ ગઈ ! મારું મન એ વાત જ માનવા તૈયાર ન થયું. પરંતુ બીજી જ પળે અવશપણે મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં ઝડપથી મારી જાત પર કાબુ મેળવી લીધો અને કહ્યું, ‘કેન્સર એટલે કેન્સલ નહિ, સમજી.! કેન્સરની હજુ શરૂઆત હોય તો એ મટી શકે છે. હવે તો દવા...’

‘પણ આ તો છેલ્લા સ્ટેજમાં છે.’ મને અધવચ્ચે અટકાવી એ બોલી અને એ સાંભળી મારા હૈયેથી પણ હામ જતી રહી. એ પછી અમે બન્ને ક્યાંય સુધી એકબીજીને વળગીને રડતી રહી.

ત્યાર બાદ થોડા થોડા દિવસના અંતરે હું તેને નિયમિતપણે મળવા જતી. ફોન તો લગભગ રોજ થતો. અમે ખૂબ વાતો કરતા. સુરતની, ત્યાં વીતાવેલાં બચપણની, મસ્તીની..વાતોમાં હું એને હંમેશા ભૂતકાળમાં જ રાખતી.. ભવિષ્ય તો ક્યાં હતું જ એને..!

એક દિવસ એ બોલી, ‘શૈલી, મને મારા મૃત્યુનું દુ:ખ નથી. પરંતુ એક જ વાતની ચિંતા કોરી ખાય છે. મારા ગયા પછી મારો મોન્ટુ એકલો થઇ જશે..! પવન તો ઠીક જાણે, કદાચ થોડો વખત મને યાદ કરી, રડી અને છેવટે બીજા લગ્ન કરી લેશે પણ મારા મોન્ટુનું શું થશે.? મા વગર એ કેવો હીજરાશે?’

‘તું મોન્ટુની ચિંતા ન કર..જો પવન બીજા લગ્ન કરશે તો હું મોન્ટુને મારી સાથે લઇ જઈશ. હું તેની મા બની તેને સાચવી લઈશ. તને મારા પર તો ભરોસો છે ને..?’

મારી વાત સાંભળીને તેને થોડી શાંતિ થઇ હોય તેવું લાગ્યું. એ પછી તેણે ક્યાંય સુધી મારો હાથ તેની હથેળી વચ્ચે દાબી રાખ્યો.

હજુ પંદર દિવસ પહેલાં એ મૃત્યુ પામી તેના ચાર દિવસ પહેલા તેણે મને મળવા બોલાવી. મારા હાથમાં એક કવર આપ્યું અને કહ્યું કે મારા મરણ પછી આ પત્ર તું પવનને આપી દેજે.

‘શું છે આમાં..?’ મેં પૂછ્યું.

‘ખાસ કશું નહિ, છતાં પણ ઘણું બધું. શૈલી, તારે ભૂલ્યા વગર મારું આ એક કામ કરવાનું છે.’

‘પણ આ પત્રમાં એવું તે શું છે ?’

જવાબમાં તેણે કવર ખોલી એક પત્ર કાઢી મને હાથમાં આપ્યો, ‘વાંચી લે ..હવે તારાથી શું સંતાડવું..!’

મેં એ પત્ર એકીશ્વાસે વાંચ્યો. એ પત્ર નહોતો. ટાઈમબોમ્બ હતો ! એ પત્ર વાંચી પવન મલ્હોત્રાની સ્થિતિ કેવી થશે એ વિચારતા જ મને કમકમા આવી ગયા. મેં દેવયાની સામે જોયું અને ગુસ્સાથી પૂછ્યું, ‘આવું બધું કરવાની શી જરૂર હતી તારે ? અને ખાસ તો, તું જયારે હવે આ દુનિયા છોડીને કાયમ માટે જઈ રહી છો ત્યારે..આઈ મીન..ત્યારપછી આ બધું પવનને જણાવવાની શી જરૂર છે? દેવયાની, તને ખ્યાલ છે કે આનું શું પરિણામ આવશે? પવન તો ઠીક પણ મોન્ટુ પણ.!.ના..ના.. હું તને આવું પગલું ભરવા નહિ દઉં..તું શાંતિથી વિદાય લે. હું આ પત્ર પવનને આપવાની નથી’ કહી મેં મારા હાથમાં રાખેલા પત્રને ફાડવાની તૈયારી કરી.

‘તને મારા સોગંદ છે. પ્લીઝ..પત્ર ન ફાડીશ..મને વચન આપ કે તું આ પત્ર પવનને પહોંચાડીશ ’

આવી પરિસ્થિતિમાં પણ મને સહેજ હસવું આવી ગયું . મૃત્યુના આરે ઊભેલી વ્યક્તિના સોગંદનું મૂલ્ય કેટલું ! થયું કે મારે આ પત્ર તો દેવયાનીના મૃત્યુ પછી પવનને આપવાનો છે ને..! અત્યારે ના પાડવાથી તેના આત્માને દુ:ખ થશે. દેવયાનીના ગયા પછી હું એ પત્ર પવનને નહી આપું તો એને ક્યાં ખબર પડવાની હતી..?

‘ના..ના..મારો દ્રોહ કરવાનું ન વિચારતી શૈલી..તારે એ પત્ર પવન સુધી પહોચાડવાનો જ છે’ જાણે કે તેણે મારા વિચાર જાણી લીધા હોય તેમ બોલી. મરણ બિછાને પડેલી વ્યક્તિ પાસે સામેની વ્યક્તિના વિચાર જાણી લેવા જેવી અતિન્દ્રિય શક્તિ જાગી જતી હશે..!!!

‘ મૂર્ખ છે તું દેવી..’ હું દેવીયાનીને ક્યારેક દેવી કહીને બોલાવતી.. ‘તને ખ્યાલ છે કે તારી આ કબૂલાતથી મોન્ટુની જિંદગી તબાહ થઇ જશે..! તને ખબર નથી કે તું તારા મન પરથી પાપનો બોજ હટાવવા જતા તારા જ સંતાનને રસ્તે રઝળતું કરી દેવા તૈયાર થઇ ગઈ છો ! મોન્ટુ એ પવન મલ્હોત્રાનું સંતાન નથી પરંતુ તેને પિતા બનવાનું સુખ અપાવવા તે પરપુરુષનું પડખું સેવી મોન્ટુને પેદા કર્યો છે, એ વાત તે જયારે આટલો વખત સંતાડી રાખી તો હવે જ્યારે તું મારવાની અણી પર છો ત્યારે આ એકરાર શા માટે ? અને આ વાતની જયારે પવનને ખબર પડશે ત્યારે શું તું એમ માને છે કે એ મોન્ટુને પોતાનું સંતાન ગણી ઘરમાં રાખશે..? અરે, એ તો મોન્ટુને એ જ દિવસે અનાથાશ્રમમાં મૂકી આવશે ! તું પુરુષની જાતને ઓળખતી નથી દેવયાની.! અને હા, એનો તારા પ્રત્યેનો બધો જ પ્રેમ પણ એક જ ઝાટકે વરાળ થઈને ઊડી જશે..સમજાય છે તને મારી વાત..?’

મારો આક્રોશ એ ચૂપચાપ સાંભળતી રહી અને પછી બોલી, ‘ ભલે મને એ ધિક્કારે. મને એ વાતની ચિંતા નથી. પરંતુ આ વાત મારા મનમાં રાખીને હું શાંતિથી મરી નહિ શકું શૈલી, તને ખ્યાલ નથી કે માણસ ગમે તેવા પાપનો બોજ જીવનભર ઊપાડી જીવી જઇ શકે છે પણ મૃત્યુને ભેટતાં પહેલાં તો તેને ક્યાંક ઊતારી જ દેવો પડે છે. બાકી રહી વાત મોન્ટુની, તો તું તો છે જ. તે મને વચન આપ્યું છે કે તું તેનું ધ્યાન રાખીશ. જો આ અસલિયત જાણ્યા પછી પવન મોન્ટુને અનાથાશ્રમમાં મૂકવાની વાત કરે તો તું મોન્ટુને તેની પાસેથી માંગી લેજે.’

મેં હકારમાં ડોકું ધૂણાવ્યું. ‘પણ તારે બાળક માટે આવું કરવાની શી જરૂર હતી...! દવા, સારવાર, હવે તો બધું જ શક્ય છે. તો પછી તે કેમ આવું કર્યું.? અને કદાચ સંતાન ન હોય તો શું થયું.? અનેક દંપતીઓ સંતાન વગર જીવે જ છે ને? અરે, છેવટે કોઈ બાળકને દત્તક પણ લઇ શકાય..કોઈ પણ સ્ત્રી માટે અંતિમવાદી કહી શકાય તેવું પગલું તે શા માટે ભર્યું..?’

‘દવા-દારૂ, દોરા-ધાગા, મંત્ર-તંત્ર એ બધું જ કરાવી લીધું હતું. પરંતુ બધું જ નિષ્ફળ, ડોક્ટરના કહેવા મુજબ હું મા બનવા માટે સક્ષમ હતી પણ...ઇશ્વર જ સાથ નહોતો આપતો. અને હા, તારે એ જાણવું છે ને કે મેં આવું છેવટનું પગલું શા માટે ભર્યું ? તો સંભાળ, પવન પાસે જે કઈ સ્થાવર જંગમ મિલકત છે તે બધી તેના પપ્પાની છે . મેં પવન સાથે લવ મેરેજ કર્યા એ બાબતને લઇને પપ્પા અમારા બન્નેથી ખૂબ જ નારાજ હતા એટલે મરણ પામતા પહેલા પપ્પાએ એક વિલ કર્યું જેમાં એમણે પોતાની તમામ મિલ્કત પવનના નામે કરવાને બદલે અમારા ભાવિ સંતાનના નામે કરી. પોતાની મિલકત પવનને નહિ તો પણ મલ્હોત્રા ખાનદાનના વારસને જ મળે તે માટે એમણે આવું વિલ બનાવ્યું હતું. અમારે તો ફક્ત અમારું સંતાન અઢાર વરસનું ન થાય ત્યાં સુધી મિલ્કતની જાળવણી જ કરવાની હતી’

‘ધાર કે તમને સંતાન ન જ થાય તો..?’ મેં પૂછ્યું.

‘લગ્નના દસ વરસ સુધી જો અમારે ત્યાં પારણું ન બંધાય તો બધી જ મિલ્કત એક અનાથાશ્રમને દાનમાં જતી રહે. વિલ મુજબ જો અમે સંતાન દત્તક લઈએ તો પણ તે બાળક વારસદાર ન ગણાય. ’

હવે મને ધીરે ધીરે દેવયાનીના કૃત્ય પાછળનું કારણ સમજાયું. કરોડોની જાયદાદથી પતિએ હાથ ધોઈ ન નાખવા પડે તે માટે...! મારું મગજ ચકરાવે ચઢ્યું હતું. હજુ પણ કશુંક ખૂટતું હતું આખી વાતમાં..!શું ખૂટતું હતું તે નહોતું સમજાતું..!

ખેર, દેવયાનીના મૃત્યુના પંદરમાં દિવસે આજે હું પવન મલ્હોત્રાને દેવયાનીનો પત્ર આપવા પહોંચી છું એની ઓફિસે.

‘આવ શૈલી..’પવને મને આવકારી, ‘છેલ્લે દેવયાનીના ફ્યુનરલ વખતે તને જોઈ હતી મેં. એ પછી તો તું ક્યારેય દેખાઈ જ નહિ..કમ સે કમ મોન્ટુને રમાડવા માટે તો આવવું હતું..’

જવાબમાં કશું જ બોલ્યા વગર મેં ચૂપચાપ મારા પર્સમાંથી કવર કાઢી પવનના હાથમાં મૂક્યું, ‘દેવયાનીનો પત્ર છે..મૃત્યુ પહેલા એ તમારા માટે લખતી ગઈ હતી.’

પવને બહુ જ શાંતિથી પત્ર કાઢી વાંચ્યો. હું એકીટશે તેના ચહેરા પર જોઈ રહી. આખો પત્ર વાંચી લીધા બાદ તેણે ફરીથી પત્રની ગડી વાળી તેના પર પેપરવેઈટ મૂક્યું અને એક ઊંડો શ્વાસ ખેંચી, આંખો બંધ કરી દીધી. ખંડમાં એક ભારેખમ ચૂપકીદી છવાઈ ગઈ.

‘આ વાત જાણીને તમને દુ:ખ તો જરૂર પહોચ્યું હશે પવનકુમાર પરંતુ આ સત્ય છે. હવે તમે જ્યારે બધી જ વિગત જાણી લીધી છે ત્યારે મોન્ટુ અંગે તમે જે નિર્ણય લો તે મને જણાવજો. હું મોન્ટુને મારી સાથે રાખી શકીશ.’

પવન મલ્હોત્રાએ આંખો ખોલી મારી સામે સ્થિર નજરે જોયું અને પછી બોલ્યા, ‘મોન્ટુ મારું સંતાન નથી એ વાતનો મને પહેલેથી જ ખ્યાલ છે શૈલી. લગ્નના પાંચ વરસ સુધી જયારે દેવીને ગર્ભ ન રહ્યો ત્યારે તેની શારીરિક તપાસની સાથે સાથે મેં પણ મારી તપાસ કરાવી લીધી હતી. એ રીપોર્ટ મુજબ હું કદી પણ બાપ બની શકું તેમ નહોતો. દેવીને આ વાતની ખબર નહોતી. એ વખતે દેવયાનીની સંતાન માટેની તડપ એટલી બધી હતી કે તે બાળક માટે પત્થર એટલા દેવ કરી રહી હતી. તેનો આટલો ધલવલાટ જોઈ આ વાત કરવાની હું હિંમત જ ન કરી શક્યો. મેં દત્તક બાળક અંગે પણ વિચાર્યું હતું, પરંતુ દેવીને તે પસંદ નહોતું. એને તો પોતાની કૂખે જન્મેલું જ સંતાન જોઈતું હતું...’

‘એક મિનિટ..પવનકુમાર,’ મેં એમને અધવચ્ચે જ બોલતા અટકાવ્યા, ‘તમે બાળક દત્તક તો લઇ જ નહોતા શકતા ને? તમારા પપ્પાના વિલ મુજબ બાળક તમારું જ હોવું જોઈએ ને? નહિંતર તો તમારી બધી જ પૈતૃક સંપતિ કોઈ અનાથાશ્રમને જ મળે..બરાબરને?’

‘એ બધી જ વાત એક જુઠ્ઠાણું હતું શૈલી, મારા પપ્પાએ એવું કોઈ વિલ જ નહોતું કર્યું. મેં દેવયાની પાસે આખી વાત જ ઉપજાવી કાઢી હતી. મારી પાસે કોઈ ઉપાય જ નહોતો શૈલી, તેની માતૃત્વની તડપ તીવ્ર હતી, દત્તક બાળક તે લેવા નહોતી માંગતી. હું તેને સંતાન આપી શકું તેમ નહોતો .આથી ન છૂટકે મારે તેની પાસે પપ્પાના વિલની વાત ઘડવી પડી. કારણ કે તો અને તો જ... દેવયાની મારા વિશ્વાસને છેહ આપીને પણ મા બનવા તૈયાર થાય. મારા માટે મારા સુખ કરતા દેવીયાનીનું સુખ વધારે મહત્વનું હતું શૈલી. કારણકે હું દેવીને અનહદ ચાહતો હતો. મારી જાત કરતાં પણ વધારે..મને ખાતરી હતી કે પપ્પાની મિલ્કત મારા હાથમાંથી ન જતી રહે તે માટે તે કોઈપણ હદ સુધી જશે. કારણ કે દેવી મને ખૂબ ચાહતી હતી..ખૂબ જ..પોતાની જાત કરતાં પણ વધારે..’ બોલતા બોલતા પવનના ગળામાં ડૂમો ભરાયો.

હું સ્તબ્ધ થઇ ગઈ..! પહેલાં સામેની ભીત પર દેવયાનીના હાર ટાંગેલા ફોટા સામે અને પછી સામેની રિવોલ્વીંગ ચેર પર ભીની આંખે બેઠેલા પવન મલ્હોત્રા સામે વારાફરતી જોઈ રહી.

આ પવન મલ્હોત્રાને તો કદાચ હું પણ નહોતી ઓળખતી..!