Premni Koi Bhasha Nathi.. books and stories free download online pdf in Gujarati

પ્રેમની કોઈ ભાષા નથી...

પ્રેમની કોઈ ભાષા નથી...

એક સાંજે એના પપ્પાએ વાત કાઢી, ‘બેટા, હવે તારી કોલેજ પૂરી થઇ છે. તું હવે પરણવાલાયક બની ગઇ છે. મારું માનવું છે કે હવે મુરતિયાઓ જોવાનું શરૂ કરવું જોઇએ.’ માધવી કંઇ બોલી નહીં. શરમાઇને નીચું જોઇ ગઇ. પપ્પાએ વાત આગળ ચલાવી, ‘સમજી ગયો. તારા મનમાં કોઇ છોકરો છે નહીં. તો પછી હું એવું માની લઉં ને કે અમારી પસંદગીમાં વિશ્વાસ છે?’ ‘હા, પપ્પા! પણ મારી કેટલીક શરતો છે. ‘ભાવિ પતિએ હેન્ડસમ હોવો જોઇએ, મારાથી વધારે ભણેલો હોવો જોઇએ, સુસભ્ય, સંસ્કારી અને સ્માર્ટ હોવો જોઇએ. એનામાં માત્ર પૈસા કમાઇ શકવાની જ આવડત ન હોય, પણ એનામાં જિંદગી જીવવાની કળા પણ હોવી જોઇએ અને એનામાં હસવાની અને હસાવવાની આવડત હોવી જોઇએ.’

“તું તૈયાર થઇ ગઈ હવે ?”

“ક્યારની બધા રાહ જોવે છે..”

“બસ આવી ૨ મિનીટમાં” માધવીએ અંદરના રૂમમાંથી હોકારો દીધો..

માધવી અને તેનું ફેમેલી શહેરની પ્રખ્યાત હોટેલમાં સાંજે જમવા જવાના હતા.

હજુ હોટેલના પગથીયા ચડતા હતા ત્યાં માધવી સાથે એક યુવાન ભટકાયો.. ફોર્મલ પેન્ટ અને સ્કાય બ્લૂ શર્ટ અને ઉપર બ્લેઝર માધવીને ઝાંખી પાડી દે તેવો સુંદર દેખાતો હતો.

“ઓહ સોરી..”

કહીને યુવાન માધવીને જોઈ ના જોઈ ફટાફટ હોટેલના પગથીયા ચડી ગયો..

માધવીએ પણ યુવાનને ક્યાંક જોયો હોય તેવું લાગ્યું..

“ચાલ હવે અહિયાં જ ઉભી રહીશ કે અંદર નથી આવું ?” પપ્પા એ સાદ પડ્યો.

જમતા જમતા પણ માધવીના મગજમાં ગડમથલ ચાલતી હતી..

----------------------------------------

માધવી કોલેજમાં ભણતી હતી અને સાથે ગરીબ બાળકોને વિનામૂલ્યે ભણાવતી પણ હતી. માધવીના પિતાજી એક મોટા સરકારી અધિકારી હતા. જેથી આર્થીક સ્થિતિ સારી હતી.. માધવી સમજુ થઇ ત્યા જ માતાનું અવસાન થયું..

માધવી બાળકોને ભણાવી સ્કુલેથી છૂટીને બહાર નીકળી ત્યારે જ વરસાદના છાંટા પડવાના શરૂ થયા. માધવી મનમાં બબડી, ‘આ વરસાદ મારો વેરી લાગે છે, રોજ સાંજે સ્કુલેથી છૂટવાના સમયે તૂટી પડે છે. ચાલ, ઘર ભેગી થઇ જાઉં! વરસાદ વધે એ પહેલાં જ…..’

માધવી હજુ વિચાર કરતી હતી ત્યાં તો વરસાદ તૂટી પડ્યો. વાદળાથી ઘેરાયેલું આકાશ સમી સાંજને રાતમાં પલટાવી રહ્યું. માધવીએ એકટીવાને સ્ટાર્ટ કર્યું. અને નીકળી ઘરે જવા..

આભમાંથી ફેંકાતી મોટી મોટી જલધારાઓ એના દેહ પર તીરની જેમ ભોંકાઇ રહી હતી. સામેથી ફુંકાતો જોરદાર પવન એની એકટીવાની ઝડપને અવરોધતો હતો. દેહમાં ફરી વળેલી ભીનાશ રહી-રહીને એને ધ્રુજાવી જતી હતી. શાળા શહેરથી બહાર પાંચ કિ.મી. દૂર આવેલી હતી. સડકની બંને બાજુએ ખાડાઓ હતા જે વરસાદના પાણીથી ભરાઇ ગયા હતા. અચાનક વીજળીનો કડાકો સંભળાયો. વાદળોના ગડગડાટથી અને વરસાદના મારથી એના હાથ ડગી ગયા. પવનના જોરના કારણે એણે એકટીવા પરનો કાબૂ ગુમાવી દીધો અને એકટીવાની સાથે જ માધવી ડાબી બાજુના ખાડામાં જઇ પડી.

‘બચાવો! બચાવો!’ માધવીની ચીસો ગુંજી ઊઠી; પણ વરસાદના શોર વચ્ચે એને સાંભળવા માટે કોણ નવરું હતું?! માધવીને તરતાં આવડતું ન હતું. ખાડો મોટો હતો લગભગ બે માણસો સમાઈ જાય તેવો ઊંડો હતો. અને વરસાદના પાણી એ ખાડાને નાનું સરખું તળાવ બનાવી ચૂક્યું હતું. માધવીએ એક ગળચિયું ખાધું. નાક, મોં, આંખ અને કાન ગંદા પાણીથી ભરાઇ ગયાં. જેમ તેમ કરીને, હાથ-પગ મારીને એ સપાટી પર આવી. કદાચ છેલ્લી વાર એણે ચીસ મારી, ‘હેલ્પ! પ્લીઝ, કોઇ…..મને બચાવો….! બહાર કાઢો…..!’ અને જાણે ઇશ્વરે જ મોકલી આપ્યો હોય એવો એક યુવક દોડી આવ્યો. યુવાન પગપાળા ચાલીને જતો હતો. ગામડાનો હોય એવો દેખાતો એ જુવાન છલાંગ મારીને ખાડામાં કૂદી પડ્યો. પળવારમાં જ માધવીની કમર ફરતે પોતાના મજબૂત હાથની પકડ બનાવીને એણે ઊંચકી લીધી. પછી બે જ વાર પગ વીંઝીને, ખાબોચિયાનું અંતર કાપીને એ કિનારા પાસે આવી ગયો. કોઇ મજૂર જાણે ઘઉંની ગૂણ ફેંકતો હોય તેમ એણે રૂપસુંદરી જેવી માધવીને ખાડાના કિનારા પર ઉતારી દીધી !

માધવીના જીવમાં જીવ આવ્યો. માત્ર બે જ મિનિટ જેટલી વાર લાગી હોત તો પોતાનું શું થયું હોત?! પછી જ એને ભાન થયું કે એનું એકટીવા તો હજુ ખાડાની અંદર જ હતું. એ વિચારી રહી: આ અજાણ્યા યુવાનને વિનંતી કરવી કે નહીં? એણે મને તો બહાર કાઢી, પણ હવે એને એકટીવા કાઢવા માટે પણ……? ત્યાં જ પેલા યુવાનનો મોબાઇલ ફોન રણકી ઊઠ્યો. એણે જીન્સના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની કોથળીમાં ઢાંકીને રાખેલો સેલફોન બહાર કાઢ્યો. વરસાદનું પાણી અડે નહીં એ માટે એણે એ જ સ્થિતિમાં કોલ રિસીવ કર્યો. સામે છેડે કદાચ એનો મિત્ર હશે.

યુવાન સાવ ગામઠી બોલીમાં મિત્રની સાથે વાત કરવા માંડ્યો, ‘કુણ સે? જેન્તિ? હું રામલો બોલું. હોવ્વે, વરહાદ તૂટી પડ્યો સે. હું બસ ટેશણે જ આવતો’તો, પણ કોઇ અજાણી છોરી પોણી ભરેલા ખાડામાં પડી જઇ’તી. એને બા’ર કાઢવા રોકાઇ જ્યો. મારી હાળી છોરીઓયે ખરી સે! લાલી-લિપસ્ટિક કરતાં જ શીખી સે. એના કરતાં તરવાનું શીખતી હોત તો આમ મરવાનો વારો……! અલ્યા, હું પહોંચું જ છું. આ પગે હાલીને આવવામાં જરીક ‘ટેમ’ લાગસે. આવામાં રિક્ષા ક્યાં મળવાની હતી? લ્યા, ફોન મૂક તો હું આવું ને? મૂક કહું સું!’ માધવી જોઇ જ રહી અને સાંભળી રહી. ગામડિયા બોલીમાં વાત કરતો હતો આ યુવાન! પણ જેવો હતો તેવો એનો તો મદદગાર હતો. જીવનદાતા જ ગણાય. એનો આભાર માન્યા વિના કેમ ચાલે?

‘હેલ્લો! તમે મારી જિંદગી બચાવી એ બદલ…..’ માધવી બોલવા લાગી, પણ એની વાત અધૂરી જ રહી ગઇ. પેલા યુવાને કહી દીધું, ‘ઠીક સે! મારે મોડું થાય સે. જેન્તિ બસ ટેશણે મારી વાટ જોતો ઊભો સે., આ બસ પણ આવા ટાણે જ સમયસર ઊપડી જતી હોય સે! લ્યો, હું નીકળું…’ માધવી કંઇ બોલે, આભારના બે શબ્દો કહે કે અથવા યુવાનને એકટીવા બહાર કાઢી આપવાની વિનંતી કરે એ પહેલાં તો ‘રામલો ચાલી નીકળ્યો!

માધવીએ હિંમત કરીને જેમ તેમ કરીને ઘરે પહોંચી. પપ્પાને અને ભાઇને વાત કરી. ભાઈએ મિકેનિકને મોકલીને એકટીવા મેળવી લીધું.

માધવી ઝડપથી આખીયે ઘટનાને ભૂલી પણ ગઇ. ત્રણ મહિના પસાર થઇ ગયા.

----------------------------

જમીને હોટેલની બહાર નીકળ્યા ને રેસેપ્સ્નના કાઉંટર પાસે પહોચ્યા ત્યાં ફરી પેલો હેન્ડસમ યુવાન ઉભો હતો ને માધવીની નજર તેની સામે પડી.. પેલા યુવાન તેની પાસે આવ્યો અને કહ્યું..

“સોરી વન્સ અગેન’ ‘હાય આઇ એમ રસ્મીન !’ આટલું કહ્યા પછી રસ્મીને માધવીનાં પપ્પાને ઝૂકીને વંદન કર્યાં. હું આ હોટેલનો ઓનર છું.. જમવાનું.. બરાબર હતું ને ?

રસ્મીન જરા પણ ક્ષોભ કે સંકોચ રાખ્યા વગર બધાની સાથે વાતો કરતો રહ્યો.

માધવીના મગજમાં હજુ પેલો વિચાર ઝબકી રહ્યો હતો,!?

માધવીએ પૂછવા ખાતર સવાલ પૂછી લીધો ‘તમે કેટલું ભણ્યા છો?’ ‘હું એમ.બી.એ. થયેલો છું. પછી મેં પપ્પાનો બીઝનેસને સંભાળવા માટે હોટેલ મેનેજમેન્ટ કર્યું…’ યાદી અધૂરી રહી ગઇ; રસ્મીનનો મોબાઇલ રણકતો હતો.

માધવીને રસ્મીન સાથે વાતો કરતા જોઇને અનુભવી પપ્પા સમજી ગયા. “અમે બહાર ઉભા છીએ” તેમ કહી વિદાય લીધી..

માધવી એમ જ સાંભળતી હતી. રસ્મીન કોઇની સાથે વાત કરતો હતો. ‘કુણ? લ્યા, ભીખા? ડફોળ, તને અત્તારે જ હળી કરવાનું હુજે સે? ફોન મેલી દે! હું હોટેલે સું.’ માધવીના વિચારોમાં ત્રણ મહિના પહેલાંનું ચોમાસું ફરી પાછું તૂટી પડ્યું. આ બોલી, આ લહેકો એ જ શૈલીમાં હતો જે ત્રણ મહિના પહેલાં માધવીએ ખાડામાં પાણીથી તરબોળ હાલતમાં સાંભળેલો હતો.

‘તમે….? તમારું નામ રસ્મીન છે કે રામલો? અને તમે આટલું બધું ભણેલા હોવા છતાં તમારી ભાષા……?’ ‘ઓહ, સોરી! હું ભૂલી જ ગયો હતો કે તમે મારી સામે હાજર છો. ઇન ફેક્ટ, મારી આ ખાસિયત છે; સામે જેવો માણસ હોય, એની સાથે હું એની સાથે જ ભાષામાં વાત કરું છું. મારા કાઠિયાવાડી મિત્રો સાથે બાપુ-શૈલીમાં વાતો કરું છું. સુરતી મિત્રોની સાથે હું ગાળો દઇને વાત કરું છું. ચરોતરના મિત્રોની સાથે એમને સમજાય એવી બોલીમાં….! પણ તમે ચિંતા ન કરશો, મને એ વાતની પણ પૂરેપૂરી જાણ છે કે એક રૂપસુંદરી સાથે વાત કેવા અંદાઝમાં કરી શકાય? પણ આજ સુધી એવી તક જ નથી મળી…..’

‘મળી હતી, પણ તમે ઝડપી ન શક્યા એમાં હું શું કરું!? તમારી બસ એ દિવસે ઊપડી રહી હતી ! પણ આજે એ જ છોકરી તમને બીજી વાર એવી તક આપી રહી છે. સ્વીકારશો ને? ના નહીં પાડો ને?’ માધવીનો રસભીનો અંદાઝ નિહાળીને જ રામલો ‘પાણી- પાણી’ થઇ ગયો....