Aatma books and stories free download online pdf in Gujarati

આત્મા

આત્મા

Krupa Bakori

કોઈ કહેશે આપનું નામ શું છે?

હું કહીશ કે મારું નામ વિનિતા છે.

આપણે મનુષ્યવશ સ્વાભાવિક આપણું નામ જ બોલીશું. વાસ્તવમાં તો આ નામ આપણું છે જ નહી. તો સવાલ એ થાય કે આપણું નામ શું છે?? આપણે કોણ છીએ?? કયાંથી આવ્યા છીએ? ક્યાં જવાનું છે? સૌથી મોટું રહસ્ય તો એ છે કે માણસ પોતે જ જાણતો નથી કે તે આખરે છે કોણ ? શરીરના કારણે જ હિન્દુ, મુસલમાન, ભારતીય , અમેરિકન વગેરે ભેદ પડે છે. જે ઘરમાં, જે દેસોમાં, જે પરિવારમાં વ્યક્તિ જન્મે છે તે પરથી જ તેની ઓળખ બને છે. શરીર ન હોય ત્યારે શરીર સિવાયના અદ્રષ્ય જે જીવ હોય છે તેને આપણે શું નામ આપીશું? સ્ત્રી કહીશું? પુરુષ કહીશું? હિન્દુ કહીશું? કે મુસલમાન?

સામાન્ય જગતમાં વ્યક્તિને જે ઓળખ ઉભી થાય છે. તે તો કામચલાઉ અને બીજા દ્વારા આપવામાં આવેલી છે જે નામ આપણને મળ્યું છે મીરા, રામ, રાજા, અસીમ, કે બીજું કંઈ પણ તે બહારથી સમાજ દ્વારા મળેલું છે. જન્મ પહેલા કે જન્મ સમયે આપણને કંઈ નામ નહોતું, ઓળખાણ પૂરતું એ નામ આપવામાં આવેલું છે. આથી નામ એ આપણી સાચી ઓળખ નથી.

કોઇને પૂછીએ કે તમે કોણ છો? તો એ કહેશે કે “હું ડોકટર , વકીલ , એન્જિનિયર છું.” પરંતુ આ બધા લોકો એ કયારેય એમ વિચાર્યુ નહી હોય કે શરીરમાં આત્મા આવ્યા પછીના આ વ્યવસાય અનુસાર નામો પડયા છે. આ શરીર દ્વારા આ બધા ધંધા કરીએ છીએ. જયારે નાના હતા અને વૃધ્ધાવસ્થા આવશે ત્યારે તો આ ધંધા નહિ હોય તો પણ આપણે તો હોઈશું. ઉતર સ્પષ્ટ નથી કે શરીરૂપી સાધનનો આકાર લઈ આ ધંધો વ્યવસાય કરનાર “ હું કોણ છું? ”

ડોક્ટર, વકીલ, પ્લમ્બર કે દરજી આ બધી આપણને સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી તરફથી સ્વીકારેલા કે કામ દ્વારા મળેલી ઓળખાણ છે. હિન્દુસ્તાની કે પાકિસ્તાની યા જાપાનીઝ કે ચીની એ પણ ઉભી કરેલી ભૌગોલિક રેખા છે. દેશના કારણે મળતી ઓળખ પણ અધૂરી અને નકામી છે. વ્યક્તિની અંદર કશુંક એવું છે જે આ બધાથી જુદુ અને અસ્તિત્વ ધરાવતું તંત્ર છે. જો આપણે શરીર નથી, સ્ત્રી કે પુરુષ નથી, હિન્દુ કે મુસલમાન નથી કે શુદ્ર નથી. ચીની કે રશિયન નથી ડોક્ટર કે વકીલ નથી તો આપણે છીએ કોણ ?

આપણું નામ નથી. આ નામ તો આપણા શરીરનું છે. આપણે શરીર થોડા છે? આપણે તો આત્મા છીએ.

આત્મા શું છે? આત્મા ક્યાં રહે છે? આત્માનું રૂપ કેવું છે અને તે ક્યાંથી આવ્યો છે? શું આત્મા પુનર્જન્મ લે છે? આવા અનેક સવાલોના જવાબ આજે જાણીશું.....

આમ તો આપણે વાતચીતમાં કહીએ છીએ કે , હું આ કામ કરું છું, આ જગ્યાએ રહું છું, વગેરે. પરંતુ આ હું, હું કહેનાર કોણ છીએ એ જાણતા જ નથી.

‘હું’ અને ‘મારું’ બે અલગ-અલગ વસ્તુઓ છે. હું તો આત્મા અને મારું શરીર તો એ આત્માનું રહેવાનું સ્થાન છે. શરીર તો આપણું ઘર છે. “ આત્માનાત્ તુ રથિતુમ્ વિઘી શરીર રથમેવ ચ.” આ આત્મા જ કાન દ્વારા સાંભળે છે, મુખ દ્વારા બોલે છે અને આંખો દ્વારા જુએ છે. તો આપણે આત્મા છીએ, શરીર નહિ. શરીર કર્મ કરવાના સાધનો છે. આત્માને આપણે હીરો કહીશું અને શરીર આ હીરાને રાખવાનો દાબડો છે.

આ શરીર પાંચ તત્વોનું બનેલું પૂતળું છે. શરીર એક યંત્ર જેવું છે. જેના વડે હું ‘આત્મા’ બોલું છું, સાંભળું છું, જોઉં છું, હરુંફરું છું. આત્માને આંખ, કાન અને મુખ નથી, પરંતુ આ બધા અવયવોનો સ્વામી છે. શરીર તો એક વિનાશી ચીજ છે. શરીર તો આપણને કર્મ કરવા અને કર્મફળ ભોગવવા માટે મળેલું છે, આત્મા તો અજર અમર છે.

આત્મા જ્યારે શરીર છોડે છે ત્યારે તેને ‘મડદુ’ કહીએ છીએ. મૃત્યુ બાદ તે શરીરને બાળવા અગર દાટવાનું કરે છે, કારણ કે તેમા જે આત્મા હતી તે નીકળી ગઈ. ત્યાર બાદ આ શરીરનું શું કામ ?

આત્મા એક ચેતન વસ્તુ છે. તે સુખ, દુ:ખ, શાંતિ અને આંનદનો અનુભવ કરી શકે છે. જે ‘આત્મા’ માં ઈચ્છા, વિચાર, પ્રય્તન, અને અનુભવ સાત્વિક છે તેને ‘મહાત્મા’ ‘પુણ્યાત્મા’ અને ‘પાવન આત્મા’ કહે છે. જે ખરાબ કાર્યો કરે છે તેને ‘પાપાત્મા’ અને ‘પતિત આત્મા’ કહેવાય. આત્મા પોતાનો શત્રુ છે અથવા તો પોતાનો પરમ મિત્ર છે.

લોકો આત્માને મનથી અલગ સમજે છે અને કહે છે, ‘મન ચંચળ છે.’ તે કાબૂમાં રહેતું નથી; મન બહુ નીચ છે, તે પાપી છે.... મન આત્માથી અલગ નથી. વાસ્તવમાં આપણો આત્મા જ પતિત થયેલો છે જેને પવિત્ર બનાવવાનો છે. ‘ ભલું અથવા તો બૂરું વિચારનાર તો આપણો આત્મા છે.’ આત્મા પણ મસ્તક દ્વારા આખા શરીર પર પોતાનું નિયંત્રણ કરે છે.

આત્મા શરીરમાં ભૃકુટિમાં રહે છે એટલે ભૃકુટિ પર બિંદી લગાવવાની પ્રથા છે. વાસ્તવમાં આપણે આત્માના સ્વરૂપમાં જ લીન રહેવું જોઈએ. ભગત લોકો ‘તિલક’ ‘બિંદી’ લગાવે છે. માતાઓમાં પણ બિંદી લગાવવાની પ્રથા પણ આ રહસ્યોનો પરિચય આપે છે કે બિંદી રૂપ આત્મા ભૃકુટિમાં રહે છે. ભૃકુટિની વચ્ચે એક અજબ તારો ચમકતો હોય છે. જયારે મનુષ્ય કંઈ વિચાર નથી કરી શકતો કે ભાગ્ય-પ્રારબ્ધ અથવા નસીબને સારું યા તો ખરાબ માને છે ત્યારે હાથ કપાળ પર રાખતો હોય છે. કારણ કે કર્તા અને ભોકતા તો આત્મા પોતે જ છે.

ખરા અર્થમાં આત્માનું રૂપ એક જ્યોતિસ્વરૂપ હોય છે. તે અત્યંત સૂક્ષ્મ એક અણુ જેવો છે. જેમ આકાશમાં એક તારો પૃથ્વી ઉપર રહેનારા આપણને એક પ્રકાશમાન બિંદુ જેવો દેખાય છે. તેવી જ રીતે આત્મા એક જ્યોતિબિંદુ અથવા ચેતન જ્યોતિકરણ જ છે તે શરીરમાં ભૃકુટિની વચ્ચે રહે છે અને જ્યારે આત્મા છોડી જાય છે ત્યારે શરીર હલનચલન વગેરે સર્વ કાર્યો થંભી જાય છે.

આત્મા છે એ જવાનો ક્યાં છે? એ સવાલ આપણને થાય....

આ મનુષ્યસૃષ્ટિ આકાશનો એક માત્ર અંશ છે. આને મનુષ્યલોક, સાકારલોક, કર્મલોક કહે છે. આ લોકમાં આવીને આત્મા સ્થૂળ હાડમાંસનાં શરીરમાં પ્રવેશે છે અને કર્મ કરતાં સુખ-દુ:ખ ભોગવે છે. આત્મા જેવું કર્મ કરે તેવું ફળ ભોગવે છે. આ લોકમાં સદાય સુખ-દુ:ખ, કર્મવિકર્મ અને સંકલ્પ વગેરે હોય છે.

પરંતુ આ લોક સિવાય પણ તારાગણથી પણ પાર અને આકાશતત્વની પણ પાર એક બીજી દુનિયા છે જ્યાં બ્રહા, વિષ્ણુ અને શંકર પોતપોતાની પુરિઓમાં વાસ કરતા હોય છે. સમલોક અ‍થવા દેવતાઓની દુનિયા પણ કહે છે, ત્યાં દેવતાઓ વાસ કરે છે. મનુષ્યોને હોય તેવું સ્થૂળ હાડમાંસનું શરીર હોતું નથી, તેમની પ્રકાશમય કાયા હોય છે જે આંખોથી જોઈ શકાતી નથી. આ લોકને દિવ્યચક્ષુ દ્વારા જ જોઈ શકાય છે. આ લોકમાં લોકની માફક જન્મમરણ, દુ:ખ હોતું નથી.

એનાથી પણ દૂર એક સૃષ્ટિ છે. આ સૃષ્ટિને પરમધામ, પરલોક કહે છે. અહીં સંકલ્પ, વાણી, કે કર્મ નથી હોતા. એટલા માટે અહીં સુખ-દુ:ખ કે જન્મ અગર મરણ હોતા નથી. પરંતુ અહીં શાંતિ જ શાંતિ છે. એટલે આ સૃષ્ટિને શાંતિધામ, મુક્તિધામ અથવા નિર્વાણધામ પણ કહે છે. અહીં જ આત્માઓના વાસ છે અને દેહરૂપી વેશભૂષા ધારણ કરતા હોય છે.

આત્મા પુનર્જન્મ લે છે એ વાત હકીકત છે. કોઈનો જન્મ ધનવાન કુંટુંબમાં થાય છે તો કોઈનો ગરીબ ઘરમાં થાય છે. આ ફેરફારનું કારણ એક જ છે આત્માના પુનર્જન્મમાં કોઈ એવાં કર્મ થયેલાં છે જેનાં ફળ તે જન્મમાં ન ભોગવી શક્યો અને શરીર છોડ્યા પછી પોતાના સંસ્કારો અને કર્મો અનુસાર હવે બીજું શરીર અર્થાત પુનર્જન્મ લે છે. આ જન્મમાં જે સુખદુ:ખ થતાં હોય છે, તે અગાઉના જન્મોના કર્મો અને કંઈક વર્તમાન જન્મનાં કર્મોનાં પણ ફળ હોય છે.

આપણે સમાચારપત્રોમાં વાંચીએ છીએ કે કેટલાક બાળકો મોટા થાય છે ત્યારે તેઓ પોતાના પુનર્જન્મના સમાચાર આપતા હોય છે. તેઓ તેના મૃત્યુનું કારણ પણ બતાવતા હોય છે. આ વાત સાબિત કરે છે હા, પુનર્જન્મ થાય છે. જો પુનર્જન્મ ન થતો હોય તો સંસારમાં જનસંખ્યાનો વધારો કેમ થાય છે? જનસંખ્યા દિનપ્રતિદિન વધતી જ જાય છે એ સાબીત કરે છે કે, પહેલા આવેલા આત્માઓ પુનર્જન્મ લેતા હોય છે અને ત્યાર પછીના પરમધામથી ઉતરતા હોય છે.

એક જ મા-બાપ ના બે સંતાનમાં પણ અલગ-અલગ ગુણ જોવા મળે છે. તેઓના ખાનપાન, સંસ્કાર, સરખા હોવા છતાં તેઓ ભિન્ન હોય છે. વાસ્તવમાં આપણો જન્મ આપણા આગલા જન્મોના કર્મો પર નિર્ધારીત હોય છે.

આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, અને અંહકાર છોડીને એક પવિત્ર આત્મા બની રહેવું જોઈએ. બુરા સંસ્કાર છોડીને સારા કર્મો કરી આત્માને ગુણવાન બનાવો.