Prathmik shikshan ma gunvatta vadharva su kari shkay books and stories free download online pdf in Gujarati

પ્રાથમિક શિક્ષણમાં ગુણવતા વધારવા શું કરી શકાય

પ્રાથમિક શિક્ષણમાં ગુણવતા વધારવા શું કરી શકાય ?

જેમ મજબુત, ટકાઉ અને સુંદર મકાન બનાવવા ગુણવતાવાળા ઈંટ, ચુનો, સિમેન્ટ, રેતી, સળિયા, પથ્થર, લાકડું અને લોખંડ જોઈએ, ઉપરાંત કોન્ટ્રાક્ટર, બિલ્ડર, કડિયા, દાડિયા, વ. ગુણવાન હોય તો જ મકાનની સુંદરતા, મજબુતાઈ, ટકાઉપણું અને લાંબુ આયુષ્ય જળવાય છે. આ બધું જાળવવા મકાનનો પાયો મજબુત હોવો જોઈએ.

આંબા ઉપર કેરીઓ પાકેલી અને મીઠી ત્યારે જ આવે છે જયારે આંબાવાડિયાના ખેડૂતે આંબાઓને યોગ્ય માત્રામાં તડકો, છાંયો, પાણી, ખાતર વ.આપીને માવજત કરી હોય છે.

અહીં પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા વધારવા સરકાર, માતા-પિતા, વિદ્યાર્થી, શિક્ષક, આચાર્ય દ્વારા વિવિધ પ્રકારની માવજત જરૂરી છે.

(૧) સૌ પ્રથમ માતા-પિતા શું કરી શકે ?

પોતે ગુણવાન, સંસ્કારી ન હોય તો ગુણવાન અને સંસ્કારી બનવા પ્રયત્ન કરે, સાથોસાથ પોતાના સંતાનોને ગુણવાન, સંસ્કારી અને શિક્ષિત બનાવે.

ઓછામાં ઓછો એક કલાક આપે. સંતાનની માત્ર નોટબુકસ જુએ, માથે હાથ ફેરવે. વાંસા ઉપર શાબાશી આપે. અભિનંદન આપે.

ભલે લગ્ન, સગાઈ, મરણ, બેસણાં-ઉઠમણાંમાં, રીસેપ્શન, પાર્ટી કે ફંકશનમાં જોઈએ પણ સંતાનની શાળાએ વાલી મિટિંગમાં જોઈએ. વર્ગ શિક્ષકને અને આચાર્યને મળીએ.

સંતાનોનાં વર્તણૂક,રીત-ભાત, હાવભાવ, શોખ, રૂચિને તપાસવી જોઈએ.

સંતાનોની ભણવામાં એકાગ્રતા વધારવા માટે તેને ચિત્ર, કસરત, રમતગમત, સંગીત અને કળામાં રસ લેવડાવીએ.

સંતાનોનાં ઉજ્જવળ ભવિષ્ય માટે બચત કરીએ.

આપણા મોજશોખ અને વ્યસનનોને, આપણી ઈચ્છાઓને પોષીએ છીએ બાળકના પુસ્તકો વિનામૂલ્યે મેળવવા, ફીની સહાય લેવા દોડીએ છીએ તેના કરતાં આપણા મોજ-શોખ, બિનજરૂરી ખર્ચા ધટાડીએ.

સંતાન મજૂરીએ ન શોભે પણ શાળાએ શોભે તેમ માતા-પિતાએ ધ્યાન રાખવું જોઈએ.

પિતાઓ જ્યાં-ત્યાં, પાનના ગલ્લે કે મિત્રો સાથે વધુ સમય પસાર કરે તેના કરતા સમયસર ઘરે પહોંચી સંતાનો સાથે ગાળે તો સંતાનો કેટલા રાજી થાય. પિતાની ભૂમિકા પણ માતા જેટલી જ મહત્વની છે.

સંતાનોની કાલી ઘેલી વાતો, તેમનાં વિચારો સાંભળવાથી માતા-પિતાને સંતાનોનાં માનસનો ખ્યાલ આવશે.

માતા-પિતાએ પોતાનાં સંતાનો પ્રેમ, હુંફ આપવા જોઈએ અને પ્રેરક, હકારાત્મક વાતો કરવી જોઈએ. તેની સાથે નાચવું, ગાવું જોઈએ, રમવું જોઈએ, પ્રાર્થના ગવડાવવી જોઈએ.

ખાસ તો માતા-પિતાએ, ‘મને ટાઇમ નથી’ એવો દંભ ન કરવો જોઈએ. પાછલું આયુષ્ય સુધારવું હોય તો માતા-પિતાએ પોતાના સંતાનો માટે રોજ એક કલાક તો ફાળવવો જ જોઈએ.

ચિત્રપોથી, રંગપેટી, રસપ્રદ પુસ્તકો, વાર્તાઓના પુસ્તકો જન્મદિને, પરિણામ સમયે આપવા જોઈએ. પિત્ઝા, ચોકલેટ, નિશાળ પાસે મળતાં વાસી ખોરાક કરતાં ઘરેથી જ ભલે સાદો પણ પોષ્ટિક નાસ્તો આપવો જોઈએ.

ગુણ, સંસ્કાર, રાષ્ટ્રપ્રેમ, ભ્રાત્રુભાવ, સેવા-ભાવના, સુટેવો ઘરેથી જ માતા-પિતા આપી શકે કારણ વધુમાં વધુ સમય સંતાનો ઘરમાં માતા-પિતા સાથે રહેતા હોય છે. શાળામાં જવાનું ગમે પણ શાળા છોડવાનું ન ગમે તે માટે પ્રોત્સાહન આપવું જોઈએ.

(૨) શિક્ષકો ગુણવત્તા સુધારવા શું કરી શકે ?

ખુબ સારો પગાર મળે છે તેનો સંતોષ માની પોતાને મળેલું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક, પ્રમાણિકતાથી નિભાવવું જોઈએ, એટલે કે શિક્ષકધર્મ યોગ્ય રીતે બજાવવો જોઈએ.

નવું નવું સંશોધન, વર્ગમાં પોઝિટીવ ચર્ચા કરવી જોઈએ.

તેજસ્વી વિદ્યાર્થીઓને બિરદાવવાની સાથે નબળા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું જોઈએ.

વર્ગમાં વિદ્યાર્થી સામે ગુઠકા, માવો, ફાકી કે પાન ન ખાવા જોઈએ, અને મોબાઈલનો ઉપયોગ પણ ન કરવો જોઈએ.

ફરજના ભાગરૂપે પોતાનો ધર્મ છે એમ માની ખંતથી, ધગશથી, કંટાળ્યા વિના વિદ્યાર્થીઓને ન્યાય મળી રહે તે રીતે પ્રશ્નપત્રો સમયસર ચકાસીને પરિણામ પણ સમયસર આપવું જોઈએ.

પ્રેમથી ભણાવીએ જેથી વર્ગમાં શિસ્તના પ્રશ્નો જ ન ઉદભવે.

વર્ગમાં બે-ત્રણ મિનિટ પ્રાર્થના ગવડાવો જેથી વિદ્યાર્થીનું મન,શાંત એકાગ્ર બનશે.

વર્ગમાં લાકડી લઇને જવાની જ જરૂર ન પડે તેવી છાપ ઊભી કરો. ગુસ્સામાં શું પરિણામ આવશે તેનો ખ્યાલ રહેતો નથી. ક્રોધ, ગુસ્સો શિક્ષક જ કરે પછી વિદ્યાર્થીનું શું કહેવું ?

વિદ્યાર્થીઓને ડોબો, મૂર્ખા, બામ, નાલાયક જેવા શબ્દોથી નવાજવાને બદલે સારી ભાષામાં મીઠાશથી બોલાવો.

વર્ગમાં સમયસર પહોંચવું જોઈએ અને પિરિયડ પુરેપુરો લેવો જોઈએ. વર્ગમાંથી વહેલા ન નીકળવું જોઈએ.

વર્ગમાં વિષયને અનુરૂપ જ વાત કરવી જોઈએ. હા, આચરણ, મૂલ્ય, સંસ્કાર, ગુણની પ્રોત્સાહક ચર્ચા કરવી. આડી અવળી, બિનજરૂરી વાતો ન કરવી જોઈએ.

પ્રાથમિક ધોરણના બાળકો નાના, કુમળા છોડ છે. શિસ્ત, સંસ્કાર અને ભણતરના પાઠ ભણાવવા જોઈએ.

ગામડાના વિદ્યાર્થીઓને ભણવામાંથી રસ ઉઠતો જાય છે તેનું કારણ શોધવું જોઈએ.

શિક્ષક માથામાં તેલ નાખી વાળ વ્યવસ્થિત હોળવા જોઈએ. વસ્ત્રો તેના વ્યક્તિત્વને અનુરૂપ પહેરવા જોઈએ. આળસ ન મરડવી જોઈએ.

શિક્ષકે વિદ્યાર્થીની એકાગ્રતા વધારવા ચિત્ર, સંગીત, કસરત, ઈતર વિષય પણ સરસ રીતે શીખવવા જરૂરી છે.

શિક્ષકોનો અવાજ કર્ણપ્રિય હોવો જોઈએ. તેનું વર્તન મિતભાષી હોવું અનિવાર્ય છે.

શિક્ષકોએ બોલવામાં ભાષાની ભૂલો ન કરવી જોઈએ.

વર્ગમાં વિદ્યાર્થી સામે ઊભા રહીને, તેમની વચ્ચે જઈને પણ ભણાવી શકાય.

વર્ગમાં શિક્ષકે પોતાનું પુસ્તક, ડસ્ટર, ચાક સાથે લઈ જવા જોઈએ.

(૩) આચાર્ય શ્રી ગુણવત્તા માટે શું કરી શકે ?

શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓની દર મહિને મિટિંગ કરી એક મેકના વિચારો જણવા જોઈએ.

શિક્ષકોની વધુ સજ્જતા માટે શાળામાં તાલીમ રાખવી જોઈએ. જુદા જુદા વિષયના વક્તાઓને બોલાવવા જોઈએ.

જેમ શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ અપાય છે તેમ દરેક શાળાએ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને એવોર્ડ આપવા જોઈએ.

શાળાના ઉત્સવોમાં, સમારોહમાં આવનારા મહેમાનો ભૂલે ચૂકે પણ કુમળા બાળકોની સામે આંતકવાદ, ભ્રષ્ટાચાર, બળાત્કાર, વ્યભિચાર જેવા નકારાત્મક વિષયોની વાત ન કરે પરંતુ સકારાત્મક વિષયોની વાત ન કરે પરંતુ સકારાત્મક વાત કરે તેવી સૂચના આચાર્ય વક્તાને, મહેમાનને આપી દેવી જોઈએ.

શાળામાં વૃક્ષારોપણ, રમતગમત, ચિત્ર, સંગીત, સાહિત્ય, વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, ક્રાફ્ટસ વ. ની પ્રવૃતિઓ કરવાથી છાત્રોનું ઘડતર વધુ સારું થશે.

પુસ્તક પ્રદર્શન, વાર્તા કથન, કાવ્યગાન પણ કરવા જોઈએ. બ્લેક બોર્ડ રોજ નવા નવા વિચારો છાત્રો પાસે લખાવવા જોઈએ.

ઉત્તમ, ઉમદા, ખુબજ લોકપ્રિય, કર્ણપ્રિય હ્રદય સ્પર્શી પ્રાથનાઓ ગવડાવવા થી વિદ્યાથીની અભ્યાસમાં રૂચી વધશે.

લાયબ્રેરી, પાણીની ઓરડી, શાળાનું મેદાન, વર્ગખંડો, ઓફિસ, પ્રોયોગશાળા સ્વચ્છ રાખવા જોઈએ.

આચાર્યે સારું વાંચન, સારા વિચારો અભિયાન શાળામાં ચલાવી વિદ્યાર્થીઓને અસરકારક ઉપયોગી વાજબી કિંમતે નાની પુસ્તિકાઓ આપતા રહેવી જોઈએ.

કવિ સુંદરમની પંક્તિઓ પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા વધારવા માર્ગદર્શક છે.

કોઈકે તો કરવું પડશેને ભાઈ,

કાંઈક તો કરવું પડશેને ભાઈ,

આ કેવી છે તામસ હરીફાઈ ?

બાલક, પાલક, ચાલક અને સંચાલક સૌ આજે જ, અત્યારેજ, આક્ષણે ગુણવત્તા વધારવા માટે ચિંતન કરીએ અને અમલ પણ કરીએ પછી જોઈએ ઉજ્જવળ આવતી કાલને !

‘શ્રી પવનતય’. ૩, વિમલનગર, યુનિ. રોડ, રાજકોટ-૫

મો. ૯૯૭૪૦૦૯૦૪૨