Dubata Suraje lavyu Prabhat - 4 books and stories free download online pdf in Gujarati

ડૂબતા સૂરજે લાવ્યું પ્રભાત ! - 4

સ્વર્ણિમ ગઈ કાલની જેમ આજે પણ મંદીર આવી પહોંચ્યો પણ આજે એ કોઈ કારણસર આવ્યો હતો એનામાં એક ઉત્સાહ અને તેજ આજે આંખે ઊડીને વળગે તેવું હતું મંદિરમાં આવનારા તમામ ભક્તો એ આજે આની હાજરીની નોંધ લીધી. સૌના મોઢા પર એક જ વાત કોણ છે આ યુવક? તદુપરાંત તેનો પહેરવેશ પણ ગામ નાં અન્ય યુવકો કરતાં અલગ હતો. દીવો લઈ શોધવા જઈએ તો પણ માંડ બે-ત્રણ યુવક ગામમાં બૂટ પહેરનાર યુવક મળે! ત્યાં તો આનો નખશિખ પહેરવેશ જ અલગ હતો એટલે એની હાજરી નજરમાં ના આવે તે લગભગ અસંભવ... નિત્ય ક્રમ મુજબ આરતી પતી અને પ્રસાદ વહેંચણી થતી હતી ત્યાં સ્વર્ણિમે પ્રસાદ લેવાની ના પાડી. "શું કારણ છે યુવક પ્રસાદનો અસ્વીકાર કરવાનો? એ મા શુભાંગીની અને દેવી શકામ્બરીનું અપમાન બરાબર છે" શૈલજા બોલી. શુભાંગીની દેવી હજુ પણ શાંત હતા પણ સ્વર્ણિમે જે જવાબ આપ્યો એ સાંભળી શુભાંગીની ની શાંતિનો ભંગ થયો " આ માં શુભાંગીની મા ખરેખર શકામ્બરીનો વાસ છે તેની સાબિતી શું? શું આજ સુધી એમણે કોઈ ચમત્કાર કર્યો છે? દેવી ની માફક આશીર્વાદ સો ટકા સત્ય થયા છે?આ સ્ત્રી પાખંડી છે. વરસોથી તમારા વિશ્વાસ સાથે રમે છે ” એકદમ આત્મવિશ્વાસ સાથે અને એક જ શ્વાસે સ્વર્ણિમ બોલી ગયો અને શુભાંગીની ની સત્તા સામે પડકાર ફેંક્યો. શુભાંગીની દેવી ને ખરેખર હવે પરસેવો છૂટ્યો અને કપાળ પર ચિંતાની લકીર ખેંચાઈ. આજ સુધી ભક્તો પાસેથી મહારજત સિવાય કાંઈ મળ્યું નહોતું અને આજે આવો વેધક સવાલ! મન તો થયુ કે એનું પણ કાસળ કાઢી નાખું પણ કાલે ઉઠીને કોઈ બીજો આ સવાલ કરશે તો? મારે શું કરવું? શું ઉત્તર આપું?....“તને માં શુભાંગીની ના ચમત્કાર વિશે શું ખબર?! એ અમારા માટે ભગવાન સમાન છે. એમને આજ સુધી ગામનું કેટલું ભલું કર્યું છે! તારું આવું બોલવાની હિંમત કેવી રીતે થઈ? ”. શૈલજાએ સ્વર્ણિમને તમાચો માર્યો . આખા મંદિરમાં સન્નાટો વ્યાપી ગયો શૈલજાનું આવું રૂપ ગામવાળાઓ સૌપ્રથમ વખત જોઈ રહ્યા હતા. “માફ કરજો માં શુભાંગીની મારાથી હાથ ઉપાડી ગયો પણ કોઈ તમારી વિરૂદ્ધ બોલે હું સહન ન કરી શકી." શૈલજાએ કહ્યું. ભક્તોમાં એકમત આવી ગયો કે આને ગામનિકાલ કરી દેવો જોઈએ નહીં તો માં શુભાંગીની દેવી આ ગામ છોડી દેશે તો આપણે તો અનાથ થઈ જશું ! બધાનો ગુસ્સાનો પારો સાતમાં આસમાનને પણ પાર કરી ગયો! સૌ આ નવયુવકને ધક્કો મારી કાઢવા જ જતાં હતાં પણ ત્યાં જ મા શુભાંગીનીદેવી ના મનમાં વિચાર ઝબક્યો અને સૌને શાંત પાડયા. માં શુભાંગીનીનો પ્રભાવ જ એટલો હતો કે માત્ર શાંત એટલું બોલે ત્યાં જ ગામવાળા શાંત થઈ જાય.બોલ તારે શું જાણવુ છે તારે?”. “શૈલજા તરફ ઈશારો કરતા સ્વર્ણિમે કહ્યું, તમે એટલા જ સમર્થ હો તો કહો, આ સ્ત્રીનું ભવિષ્ય શું છે? તે કેટલા વરસ જીવશે? શું એના પર કોઈ આફત આવાની છે? " સ્વર્ણિમનો અવાજ અને આંખો બંને મક્કમ હતા. "બેટા તું આ ગામમાં નવો છે. એટલે તું જાણતો નથી કે આજ સુધી મારું કોઈ પણ વચન અફળ નથી ગયું અને તારે આ સ્ત્રીનું ભવિષ્ય જાણવું છે તો સાંભળ શૈલજા વર્ષોવર્ષ સુધી આ જ ગામમાં રહેશે અને તેને શકામ્બરી દેવી ના આશીર્વાદથી ઉની આંચ પણ નહીં આવે." માં શુભાંગીની અમર રહો, માં શકામ્બરીની જય હો..”બધાં ગામવાળા જયકાર કરવા લાગ્યા. સ્વર્ણિમ હવે પ્રસાદ લેવા રાજી થયો. શુભાંગીનીને રત્તિભર પણ આશા નહોતી આ યુવક આટલી જલ્દી મારી વાત માની જશે... કોઈની નજર સુદ્ધા ના પડે એ રીતે પરસેવો લૂછી નાખ્યો અને ધબકારા પણ ધીમે ધીમે સામાન્ય થવા માંડયા. ગામવાળાનો વિશ્વાસ તૂટવાની જગ્યા પર વધુ દ્રઢ બન્યો અને સ્વર્ણિમ માટે સૌ સજા મનોમન નક્કી કરવા માંડ્યા,પરંતુ સ્વર્ણિમે માં ની માફી માંગી અને શુભાંગીની દેવી બોલ્યા “સ્વર્ણિમ ગામમાં નવો હોવાથી અને નાદાનીમાં કરેલી ભૂલ સમજી માફી આપુ છુ. છોરૂ કછોરૂ થાય પણ હું નગર ની માતા છું મારાથી આને સજા ના અપાય આ તેની આખરી ભૂલ સમજી એણે માફ કરું છું .”આ માફી એણે કેટલી ભારે પડશે એ સ્વયં નહોતી જાણતી. સૌ ફરી માં ની જયકાર બોલાવી વિદાય થયા. સ્વર્ણિમે એક હાસ્ય વેર્યું પણ શુભાંગીની દેવી એણે કળીના શક્યા. શૈલજા અને સ્વર્ણિમ બપોરે ભેગા થયા અને પોતાની પ્રથમ યોજના ની સફળતાથી ખુશ હતા. કારણ કે આ ભવિષ્યવાણી જ શૈલજા ની ઢાલ હતી. આગળનો પથ બહું અઘરો હતો પણ બંનેને મા શકામ્બરી પર વિશ્વાસ હતો. * * *

"શું થયું નિત્યા કેમ આવી મૂડલેસ દેખાય છે ચહેરા ઉપરથી ગુસ્સો, નૂર અને હાસ્ય ત્રણેય માંથી એક પણ ભાવ નથી ત્રણેય એકસાથે ગાયબ છે". "કાંઈ નહી બસ એમ જ "કાંઈક તો વાત છે જ" "અરે એક વાર કીધું તો ખરૂં વિશ્વાસ નથી મારા પર?"નિષ્ઠા તો નિત્યા નો આવો વ્યવહાર જોઈ ડઘાઈ જ ગઈ અને સમજી ગઈ દાળમાં કાંઈક તો કાળું નક્કી છે પણ અત્યારે મૅડમ કે'વાના મૂડ માં નથી... એટલે એ શાંત રહેવામાં જ મજા સમજે છે.
સામે સ્વર્ણિમ પણ વિચારોમાં ખોવાઈ ગયો કે નિત્યા કેટલી સ્વાભિમાની યુવતી છે નાનકડા ગામની હોવા છતાં આટલું ભણી! પગભર પણ થઈ, સંસ્કારી પણ કેટલી છે, થોડી પાગલ છે પણ કેવી સોરી કહેવા આવી હતી.! એજ એની મહાનતા દર્શાવે છે.....
શું સાચે મને સ્વર્ણિમ ગમવા માંડ્યો છે કે માત્ર આકર્ષણ જ છે એનો પહેરવેશ, શાંત સ્વભાવ, ખડતલ શરીર આ ગામમાં ભાગ્યે કોઈના મા આટલી ખૂબી હશે એની હાજર જવાબી! શું સ્વર્ણિમને પણ હું ગમતી હઈશ? કે આ માત્ર મારુ આકર્ષણ છે લાવ સ્વર્ણિમને કહી દઉં પણ એની આટલી જલ્દી કહેવાની હિંમત જ ના થઈ આટલા વિચારોથી માથું દુખી ગયું ... એ મૂડ ફ્રેશ કરવા નિષ્ઠાની ઘરે જવાનું વિચારે છે પાછા ફરતી વેળા નિત્યા નિષ્ઠાની ઘરે થી નીકળી પોતાના ઘરે જતી હતી પણ તેનું મન હજી સ્વર્ણિમમાં જ ખોવાયેલ હતું. એટલામાં એની નજર સ્વર્ણિમ પર પડે છે એ નાના છોકરાઓ સાથે સાકળીયું રમતો હોય છે. નિત્યા ને આખો પર વિશ્વાસ જ ના બેઠો એ બે વાર આંખો પલકાવી ને ચેક કરે છે પણ ત્યાં સાચે સ્વર્ણિમ જ હતો. તેને તો સ્વર્ણિમને આ રીતે જોઈને આશ્ચર્ય થયું અને તેણે જોઈ જ રહી એ બધા સાથે મળીને રમતો અને એમને હસાવતો પણ ખરો 'સ્વર્ણિમ કેટલો ખુશ છે કાશ હું પણ નાની બાળકી હોત!!’ ત્યાં બાળકો નિત્યાને પણ રમવા ખેંચી ગયા. નિત્યાની ઈચ્છા નહોતી પણ સ્વર્ણિમ રમતો હોવાથી એ પણ જોડાઈ ગઈ.અને એ થોડી વારમાં તો ખીલખીલાટ હસી પડી ફિક્કો ચહેરો પુનમના ચાંદની જેમ ખીલી ઊઠ્યો.સ્વર્ણિમ પણ તેને હસતી જોઈ જ રહ્યો. “એક ડેવલપમેંટ ઑફિસર જે નાના બાળકો સાથે સાકળીયું રમે છે " નિત્યાએ હસીને કહ્યું. સ્વર્ણિમે સામે કહ્યું “ એક શિક્ષિકા જે ભણાવવાને બદલે રમવા બેસી જાય”.બન્ને એકબીજાની ટિપ્પણી સાંભળી હસી પડ્યા. .................

બીજા દિવસે આરતી બાદ શૈલજાને માં શુભાંગીનીએ એ ઊભી રાખી. શૈલજાને નવાઈ લાગી પણ શુભાંગીની નો આદેશ હોવાથી ઊભા રહેજ છૂટકો હતો." બોલો માં શું કામ હતું! " શૈલજાએ પૂછ્યું. મારે તને કઈ આપવું છે. તારી ભક્તિ અને સેવાથી ખુશ થઈને." શુભાંગીનીએ કહ્યું. "એતો મારા અહોંભાગ્ય!" શૈલજાએ નાટયાત્મક રીતે કહ્યું. શુભાંગીનીએ શૈલજાને એક ખોખું આપ્યું. શૈલજાએ ખોખું ખોલ્યું અને એ આભી બની ગઈ! શુભાંગીની અને શૈલજા એકબીજાને તાકી રહ્યા. આખરે એવું તો શું હતું એ ખોખામાં!!ખોખું જોઈ શૈલજા આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે અંદર પેલા જ કડા હતા જે પૈકી એક તે પર્વત પર પડી ગયું હતું. પણ આ બીજું કડું ક્યાંથી એની પાસે આવી ગયું!શૈલજા હતપ્રત થઈ ગઈ. આખી સાડી પરસેવાના કારણે ભીંજાઇ ગઈ. આટલું તો શ્રાવણ ગાંડો થાય ત્યારે ય ભાગ્યે આટલો કર્ણપુરીમાં વરસ્યો હશે!!હવે સચ્ચાઈ સામે આવી છે તો છુપાવવાનો શું અર્થ?શૈલજાએ મક્કમ પણે કહ્યું. "હા હું જ હતી એ જે અમાસની રાત્રે પહાડ પર, મને તારી બધી અસલિયત ખબર છે શુભાંગીની! " શૈલજા સ્વસ્થ થઈને બોલી ગઈ. "તો? તને શું લાગે છે તું જીવતી રહીશ.? તારો કાળ તને બોલાવે છે.....તુ પણ મહેશભાઈની સાથે... " એટલુ બોલતામાં જ શુભાંગીનીએ શૈલજાનું ગળું દબાવી દીધું ત્યાં શૈલજાએ શુભાંગીની ને જોરથી હડસેલી દીધી અને બોલી " પણ મારી પાસે એક એવું બ્રહ્માસ્ત્ર છે તે જ રચેલું. તારા આજે સવારના શબ્દો યાદ કર. તારા આ આશીર્વાદ જ મારા વિજયનો પ્રારંભ છે અને તારા પાખંડના અંતની શરૂઆત " શૈલજા શુભાંગીની ને અટકાવતા બોલી. "જોઈએ છે શૈલજા એ તો ગામવાળા જ નિર્ણય કરશે કોનો વિજય થશે અને કોણ મોતને ભેટશે?! ". શુભાંગીનીએ શૈલજા સામે આંખો કાઢી કહ્યું. શુભાંગીનીનુ અટ્ટહાસ્ય આખા મંદીરને ગજવી રહ્યું હતું. શુભાંગીની અત્યંત ગુસ્સા સાથે પગ પછાડતી મંદિરના પગથિયા ઉતરવા માંડી અને શૈલજા શકામ્બરી દેવીના તેજને જોતી જ રહી અને આશીર્વાદ લીધા. આ સાથે જ બંને વચ્ચે મહા યુદ્ધનો પ્રારંભ થઈ ગયો.

- હર્ષિલ શાહ અને અભિષેક ત્રિવેદી