Pincode -101 Chepter 58 books and stories free download online pdf in Gujarati

પિન કોડ - 101 - 58

પિન કોડ - 101

પ્રકરણ-58

આશુ પટેલ

પોતાની કારની બાજુમાં કાર ચલાવી રહેલી યુવતી અચાનક પોતાની કાર ટેક ઓફ કરીને ઉડાવવા માંડી અને એ કારમાંથી ભયંકર ટ્રાફિકમા ફસાયેલા વાહનો પર બૉમ્બ ઝીંકાયા એ વાસ્તવિકતા પચાવતા બિઝનેસ ટાઈકૂન રાજ મલ્હોત્રાને થોડી વાર લાગી. તેમનો પર્સનલ આસિસ્ટન્ટ કુલકર્ણી અને ડ્રાઈવર પણ અવાક બની ગયા હતા.
આઘાતમાથી સહેજ બહાર આવેલા રાજ મલ્હોત્રાને અચાનક ઓટોમોબાઈલ એન્જિનિયર સાહિલ સગપરિયા સાથેની વાતચીત યાદ આવી અને તેમના શરીરમાથી ધ્રુજારી પસાર થઈ ગઈ.
તેમણે તેમના પર્સનલ આસિસ્ટન્ટને પૂછ્યું: ‘કુલકર્ણી, પેલો છોકરો, સાહિલ સગપરિયા તારી સાથે સંપર્કમાં છે ને?’
‘ના સર. એ કદાચ શીતલ મેડમ સાથે સંપર્કમાં હશે.’ કુલકર્ણીએ કહ્યું.
‘હમણા જ એ છોકરાને કોલ લગાવ અને એનો નંબર બંધ આવતો હોય તો વરસોવાના આપણા બિલ્ડિંગની ઓફિસમાં કોલ લગાવ અને ક્યા તો ઉપલેકર સાથે વાત કર.’ રાજ મલ્હોત્રાએ તેમની સેક્રેટરી શીતલને કોલ લગાવતા કહ્યું.
સાહિલ સગપરિયાએ આ ફ્લાઈંગ કાર બનાવી આપી હોય અને એ તે પોતાની કંપનીના બિલ્ડિંગમાં રહેતો હોય એ વાત બહાર આવે તો કેટલી મોટી મુશ્કેલીમા ફસાઈ શકે એ કલ્પનાથી તેમના પેટમાં ફાળ પડી હતી.
‘શીતલ, પેલો છોકરો તારી સાથે સંપર્કમાં છે?’ શીતલે કોલ રિસિવ કર્યો એટલે રાજ મલ્હોત્રાએ ઉતાવળે પૂછ્યું.
‘સર. એ છોકરાનો નંબર બંધ આવે છે.’ કુલકર્ણીએ કહ્યું.
‘અરે તો ઉપલેકરને લગાવ. મે તને કહ્યું ને, ઈડિયટ!’ રાજ મલ્હોત્રાએ અકળાઈને કહ્યું.
એ દરમિયાન શીતલનો જવાબ સાંભળીને રાજ મલ્હોત્રા ઓર ભડકી ગયા: ‘વ્હોટ! એ છોકરો ત્યાં ગયો જ નથી? અને તેં મને જાણ પણ ના કરી?’
* * *
મુંબઈના પોલીસ કમિશનર ઈલિયાસ શેખ આતંકવાદી હુમલા વિશે ટીવી ચેનલ પર પ્રસારિત થઈ રહેલા બ્રેકિંગ ન્યૂઝ જોઈ રહ્યા હતા. એ વખતે અચાનક એક વાક્ય અધૂરું મૂકીને એ પત્રકાર યુવતીએ તરડાઈ ગયેલા અવાજે કહ્યું: ‘વધુ એક ખોફનાક બ્રેકિંગ ન્યૂઝ મળ્યા છે...’
પેલી જાણીતી ટીવી પત્રકાર ચહેરા પર ખોફના અને તનાવના ભાવ સાથે આગળ માહિતી આપી રહી હતી: ‘ફ્લાઈંગ કારનો ઉપયોગ કરીને મુંબઈ પર બીજો એક ખતરનાક આતંકવાદી હુમલો થયો છે.’
એ સાંભળીને કમિશનર શેખ પોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા. તેમણે કોલ કાપીને પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યુ. તેમને આઘાત એ પણ લાગ્યો હતો કે તેમને પોલીસ અધિકારીઓ તરફથી માહિતી મળે એ પહેલા ટીવી ચેનલ પરથી આ સમાચાર મળી રહ્યા હતા! તેમની આટલા વર્ષની કારકિર્દીમાં આવો આ પહેલો કિસ્સો હતો.
પેલી ટીવી પત્રકાર હાંફતી હોય એ રીતે બોલી રહી હતી: બીજી એક કાર નેશનલ હાઈવે નંબર આઠ પર ઘોડબંદર જંકશન પાસેની ખાડીના બ્રિજ પર ગુજરાત તરફથી આવી રહેલા ટ્રાફિકમાંથી ઊડી. એ કારમાંથી પહેલો બૉમ્બ ઘોડબંદર જંકશન પાસેના વરસોવા બ્રિજ પર ફેંકાયો, બીજો બૉમ્બ દહીસરના ટોલનાકા પાસે જામ થયેલા ટ્રાફિક પર ઝીંકાયો, ત્રીજો બોમ્બ નેશનલ પાર્ક નજીકના ફ્લાયઓવર પર ઓમકારેશ્ર્વર મન્દિર પાસે ફેંકાયો, ચોથો કાંદિવલીના સબવેની ઉપર, પાંચમો અંધેરી ફ્લાયઓવર પર મેટ્રો રેલવેના બ્રિજ પર ફેંકાયો, છઠ્ઠો વિલેપાર્લેમાં એરપોર્ટ નજીકની ‘ફાઈવ સ્ટાર હોટેલ સહારા સ્ટાર’ પર અને સાતમો છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ પર ઝીંકાયો....’
એ સાંભળીને ઈલિયાસ શેખ જેવા મજબૂત મનોબળના અધિકારીએ પોતાના ટેબલનો સહારો લેવો પડ્યો. મુંબઈ પર એક આતંકવાદી હુમલાના આઘાતમાંથી તેઓ બહાર નહોતા આવ્યા ત્યા બીજો હુમલો થઈ ગયો હતો. અને એ સાથે તેમને બીજો એક જોરદાર ઝટકો વ્યક્તિગત કારણથી લાગ્યો હતો. તેમનું કુટુંબ સહારા સ્ટાર’ હોટેલમાં તેમના એક ઉદ્યોગપતિ મિત્રની દીકરીના લગ્નના રીસેપ્શનમાં હાજરી આપવા ગયું હતું! હજી બે -ત્રણ મિનિટ પહેલા જ તેમના પર તેમની પત્નીનો કોલ આવ્યો હતો. તેને મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા વિશે ખબર પડી એટલે તેણે કોલ કરીને જાણ કરી હતી કે હુ બન્ને દીકરીઓ સાથે સહારા સ્ટાર’ હોટેલમાં પહોંચી ગઈ છું. એ વખતે શેખને એટલી ધરપત થઈ હતી કે પોતાનું કુટુંબ સહીસલામત છે. પણ એ સહીસલામત’ જગ્યા પર પણ બૉમ્બ ઝીંકાયો હતો!
‘ઓહ ગોડ!’ જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) અજય ત્યાગી આઘાત સાથે બોલી પડ્યા. તેમને પણ કમિશનર શેખની જેમ બેવડો આઘાત લાગ્યો હતો. તેમનું કુટુંબ પણ શેખના કુટુંબની જેમ પેલા ઉદ્યોગપતિની દીકરીના લગ્નના રીસેપ્શનમાં ગયું હતું. શેખ અને જોઈન્ટ કમિશનર ત્યાગી પણ એ રીસેપ્શનમાં હાજરી આપવાના હતા, પણ મુંબઈમાં આરડીએક્સ ઉતારવામાં આવ્યું હોવાના, સેન્ટ્રલ આઈ.બી. તરફથી મળેલા, ઈનપુટને કારણે તેમણે એ રીસેપ્શનમા હાજરી આપવાનું માંડી વાળવું પડ્યું હતું. તેઓ પેલા ઉદ્યોગપતિને પોતાની ગેરહાજરીનું કારણ પણ કહી શકે એમ નહોતા. નહીં તો ખુદ મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન તથા ગ્રુહ પ્રધાન પણ સહારા સ્ટાર’ હોટેલના એ રીસેપ્શનમાં હાજરી આપવા ગયા હતા. એ સમારંભમાં ફિલ્મ સ્ટાર્સ અને બીજા અનેક ક્ષેત્રોના ધૂરંધરો પણ હાજરી આપવાના હતા. જો કે મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન ત્યાં દસ મિનિટ હાજરી આપીને વિલેપાર્લેમાં તેમના પક્ષના સ્થાનિક વિધાનસભ્યએ યોજેલા એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચી ગયા હતા. અને ગ્રુહ પ્રધાને પણ દિલ્હી જવા માટે અડધો કલાક પહેલા જ ફ્લાઈટ પકડી લીધી હતી.
કમિશનર શેખે સ્વસ્થતા મેળવવાની કોશિશ કરતા વિચાર્યું કે અત્યારે પોતે આખા શહેરના વાલી તરીકે વિચારવાનું છે. શેખ અને જોઈન્ટ કમિશનર ત્યાગીના હાથ ધ્રૂજી રહ્યાં હતાં પણ તેમણે મહામહેનતે જાતને સંભાળવાની કોશિશ કરતા કરતા ટીવી પર પ્રસારિત થઈ રહેલા ન્યૂઝ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
‘છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ પર બૉમ્બ ફેંકાયા પછી ફ્લાઈંગ કારમાથી એરપોર્ટના રનવે પર ટેક ઓફ માટે સિગ્નલની રાહ જોઈ રહેલા એક પ્લેન પર બૉમ્બ ઝીંકાયો અને એ પ્લેન પ્રચંડ વિસ્ફોટ સાથે કાટમાળમાં ફેરવાઈ ગયું. એ પછી એ કાર ઉતરાણ કરી રહેલા એક પ્લેન સાથે ટકરાઈ અને પ્લેનની સાથે એ કારના પણ ફૂરચા ઉડી ગયા. એ બન્ને પ્લેનના એક પણ ઉતારુના બચવાની કોઈ જ શક્યતા નથી...’
‘પેલા બાસ્ટર્ડને કારણે આ હુમલાઓ શક્ય બન્યા.’ એડિશનલ કમિશનર (ક્રાઈમ) રાકેશ મિશ્રાએ આક્રોશ ઠાલવ્યો. તેઓ ઈકબાલ પઠાણના પીઠ્ઠુ સમા ગ્રુહ પ્રધાન માટે કહી રહ્યા હતા.
‘એ હલકટ પોતે બચીને અત્યારે દિલ્હી જતો રહ્યો!’ એડિશનલ કમિશનર (ટ્રાફિક) રોજર પરેરા પણ બોલ્યા વિના ના રહી શક્યા.
બધા અધિકારીઓને એ વાતનો આક્રોશ હતો કે ગ્રુહ પ્રધાને તેમના હાથ બાંધી રાખ્યા હતા. અને કટોકટીભરી ક્ષણોમાં જેની જરૂર હતી એવા ડેપ્યુટી કમિશનર (ક્રાઈમ) મિલિન્દ સાવંતની બદલી કરાવી નાખી હતી અને ક્રાઈમ ઇન્ટેલિજન્સ યુનિટના સિનિયર ઈન્સ્પેક્ટર દત્તાત્રેય વાઘમારેને સેવામાંથી નિલમ્બિત કરાવીને ઘરે બેસાડી દીધા હતા.
‘આ ઘણા %* દેશદ્રોહી મીડિયાવાળાઓએ પણ ઈકબાલ કાણિયા એમનો જમાઈ કે બનેવી હોય એ રીતે તેને મદદ કરી.’ જોઈંટ કમિશનર (એડમિનિસ્ટ્રેશન) પી. સુબ્રમણ્યમે ખૂન્નસ સાથે કહ્યું.
‘આપણા કેટલાક માણસો પણ કાણિયા એમનો જમાઈ કે બનેવી હોય એ રીતે વર્તે છે!’ એડિશનલ કમિશનર મિશ્રાએ બે સિનિયર આઈપીએસ અધિકારી તરફ જોતા રોષ ઠાલવ્યો.
એ બન્ને અધિકારીની ગ્રુહ પ્રધાન સાથે નિકટતા હતી. અને તેમને ડોન કાણિયા તરફથી તગડી રકમનો પગાર બાંધી અપાયો છે એવો આક્ષેપ એક અખબારે કર્યા પછી બહુ હોબાળો થયો એટલે ગ્રુહ પ્રધાને જખ મારીને તેમને ઓછા મહત્ત્વના હોદ્દા પર મૂકી દેવા પડ્યા હતા.
‘વ્હોટ ડુ યુ મીન?’ એ અધિકારીઓમાંથી એક ઉશ્કેરાઈ ગયો.
‘સ્ટોપ, પ્લીઝ.’ કમિશનર શેખે અકળાઈને કહ્યું: અત્યારે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે...’
શેખ પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલા જે બન્યું એના કારણે તેમના સહિત બધા અધિકારીઓએ નજર સામે મોત જોયું હોય એમ તેમની આંખોમા અને ચહેરા પર રીતસર ખોફની લાગણી ઊભરી આવી!

(ક્રમશ:)