Tamara vina - 17 books and stories free download online pdf in Gujarati

તમારા વિના - 17

પ્રકરણ - ૧૭

‘હાથ ભાંગી ગયા છે તારા...’ વિધિના ગાલ પર તમાચો મારતાં શ્વેતા જોર-જોરથી બરાડી રહી હતી. કેડે ભરાવેલા ચાવીના ઝૂડામાંની લેચની ચાવી ફેરવીને કાન્તાબેને દરવાજા ખોલ્યો ત્યારે તેમના કાને અવાજ પડ્યો. તમાચાને કારણે વિધિનો ગાલ લાલ-લાલ થઈ ગયો હતો. કાન્તાબેનને આવેલાં જાઈ વિધિએ વધુ મોટો ભેંકડો તાણ્યો.

‘શું થયું? કેમ મારે છે બિચારીને?’ કાન્તાબેને પૂછ્યું.

‘ઊભી થા... સંભળાતું નથી, કહું છું ઊભી થા...’ શ્વેતાએ જારથી વિધિનો હાથ ખેંચ્યો. હાથ ખેંચાવાને કારણે થયેલી પીડાથી વિધિના મોંમાંથી ચીસ નીકળી ગઈ.

કાન્તાબેને વચ્ચે પડી શ્વેતાના હાથમાંથી વિધિનો હાથ છોડાવ્યો.

‘છોડ શ્વેતા... હાથ ઊતરી જશે બિચારીનો...’

‘બા, તું વચ્ચે નહીં પડ.’ શ્વેતાનો ગુસ્સો સાતમા આસમાને ગયો હતો.

‘પણ આટલું બધું શું થયું છે?’ વિધિ પોતાની મમ્મીથી બચવા કાન્તાબેનની પાછળ છુપાઈ ગઈ હતી અને હીબકાં ભરી રહી હતી.

જાકે કાન્તાબેનને સમજાઈ ગયું હતું કે વિધિના હાથે દાળનો વાટકો છટકી ગયો હતો અને જમીન પર દાળ ઢોળાઈ ગઈ હતી. વિધિનાં કપડાં પર પણ દાળના રેલા હતા.

‘શું થયું બેટા? કેવી રીતે ઢોળાઈ ગઈ...’ કાન્તાબેને વિધિને પોતાની પાસે લેતાં પૂછ્યું.

‘બા, મેં તને કહ્યુંને કે તું એને ખોટાં લાડ નહીં કર.’ શ્વેતા વિધિને પોતાની તરફ ખેંચવા નજીક ગઈ.

બીકના માર્યા વિધિ વધુ જોર-જોરથી રડવા માંડી.

‘ચૂપ. એકદમ ચૂપ.’ શ્વેતાએ બરાડો પાડ્યો.

કાન્તાબેન વિધિને બચાવે એ પહેલાં શ્વેતાએ જોરથી એક ધબ્બો મારી દીધો હતો.

‘થાય આવું તો. છોકરું છે. હાથમાંથી દાળનો વાટકો પડી ગયો એમાં આટલું બધું...’ પણ શ્વેતા જાણે સાંભળવા જ નહોતી માગતી. તે તો ઝનૂનપૂર્વક વિધિને ખેંચતી હતી. કાન્તાબેને નીતિનકુમાર તરફ જાયું. તે તો જાણે કશુંય બનતું જ ન હોય એેમ ટીવીસિરિયલ જોઈ રહ્યા હતા. કમર્શિયલ બ્રેકમાં આવતી જાહેરખબરની જિંગલને કારણે ટીવીનો અવાજ અચાનક વધી ગયો હતો. શ્વેતાની રાડારાડ, વિધિના રડવાનો અવાજ અને એમાં ટેલિવિઝનનો ઘોંઘાટ બધું અસહ્ય થઈ રહ્યું હતું.

‘આ બધું સાફ કોણ કરશે? છેને આ મફતની કામવાળી...’ શ્વેતા બબડી રહી હતી.

હવે કાન્તાબેનને સમજાવા માંડ્યું હતું કે વિધિને નિમિત્ત બનાવી તેમને સંભળાવવામાં આવી રહ્યું હતું. વાતને વધુ વણસવા ન દેવાના હેતુથી કાન્તાબેને શ્વેતાના શબ્દોને અવગણી નાખ્યા.

‘લાવ, હું સાફ કરી દઉં.’ કાન્તાબેન લાદી લૂછવાનું કપડું લઈ આવ્યાં.

‘રહેવા દે, હું લૂછું છું.’ શ્વેતાએ કપડું ઝૂંટવી લીધું. ‘છુંને હું બધું વૈતરું કરવાવાળી. બધાને બહાર જલસા કરવા જવું છે. હું જ છું એક કરમફૂટી...’ શ્વેતાનું બોલવાનું ચાલુ જ હતું.

શ્વેતાનો ઇશારો તેમના તરફ જ હતો. પોતે બહાર જલસા કરવા ચાલ્યા જતાં હતાં અને શ્વેતાને ઘર સંભાળવું પડતું હતું.

કાન્તાબેનને શ્વેતાના ગુસ્સાનું કારણ સમજાતું નહોતું. શ્વેતા જે કંઈ કરી રહી હતી તે તેના પોતાના પતિ અને બાળકો માટે. કાન્તાબેનને થયું કે તેમની એકલાની જરૂરિયાત પણ શું હતી? બે ટંક જમવાનું અને બે જોડ કપડાં. તેઓ એકલાં હોય તો હૉલ, બેડરૂમ અને કિચન સિવાયના રૂમ બંધ કરી દે. પોતાનું કામ પોતે કરી શકે એટલી તો તેમની જાત ચાલતી જ હતી. અને કદાચ શ્વેતાએ વધારાનું કામ કરવું પડતું હોય તો તે પોતાની સગી મા માટે જને! એમાં આટલો કકળાટ કરવાની શું જરૂર હતી? શ્વેતા પોતાની મરજીથી અહીં રહેતી હતી. તેમણે તો શ્વેતાને અહીં રહેવાની ફરજ પાડી નહોતી.

હકીકતમાં તો કાન્તાબેન થોડો વખત માટે એકાંત ઝંખતાં હતાં. છોકરીઓની ધાંધલ-ધમાલ, ચોવીસમાંથી આઠ કલાક નીતિનકુમાર ટીવીનું રિમોટ લઈને સોફા પર બેઠા રહેતા અને એને કારણે ઘરમાં પળભરની શાંતિ નહોતી રહેતી. કાન્તાબેન આ બધાથી કંટાળી ગયાં હતાં.

તેમને પોતાના માટે થોડીક શાંતિ અને ખાનગી પળોની જરૂર હતી. તેમને અચાનક એક જબરદસ્ત આઘાત લાગ્યો હતો. ચંદ્રના આવા અચાનક અને ભયાનક મૃત્યુથી તેમની અંદર બધું છિન્નભિન્ન થઈ ગયું હતું. હજી તેમણે પોતાની જાતને સમેટવાની બાકી હતી. તેમને હજી આ ભયંકર ઘટનાની કળ વળી નહોતી. ચંદ્રના હત્યારા અને તેમને મારી નાખવા પાછળનો હેતુ શું હોઈ શકે એ પ્રશ્ન સતત તેમને પગના તળિયામાં પેસી ગયેલી અને બહાર નીકળવાનું નામ ન લેતી ફાંસની જેમ ખૂંચી રહ્યો હતો.

શ્વેતા અને ખાસ તો તેની દીકરીઓ પ્રત્યે કાન્તાબેનને કોઈ અણગમો નહોતો. ઊલટું, વિધિ-નિધિ તેમને ખૂબ વહાલી હતી. તેઓ જાણતાં હતાં કે શ્વેતાનો એક આશય પોતે એકલાં ન પડી જાય એવો હતો. તેની હૂંફ કાન્તાબેનને ગમતી હતી, પરંતુ તેઓ આત્મનિર્ભર થવા માગતાં હતાં. તેઓ જાણતાં હતાં કે કોઈ ગમે એટલો પ્રયાસ કરે તો પણ ચંદ્રનું સ્થાન ક્યારેય લઈ શકે એમ નહોતું. એ અર્થમાં હવે તેઓ આજીવન એકલાં હતાં. આ એકલતાની તેમણે ટેવ પાડવાની હતી. આ એકલતાથી દૂર ભાગવાને બદલે તેઓ એનો સામનો કરવા માગતાં હતાં. કોઈનો સહારો લેવા સામે તેમને વાંધો નહોતો, પણ એ સહારાને તેઓ દાદરા પરની રેલિંગ કે વધુમાં વધુ લાકડી બનાવવા માગતાં હતાં, વ્હીલચેર નહીં.

ક્યારેક માણસને મોકળાશની જરૂર હોય, તેને પોતાને એક અવકાશ જોઈતો હોય, તેને પોતાનું એકાંત જાઈતું હોત એ વાત શ્વેતા સુધી કેમ પહોંચાડવી એે કાન્તાબેનને સમજાતું નહોતું. પોતાના પર આવી પડેલા દુઃખને તેઓ પોતાની રીતે સહેવા માગતાં હતાં. ફક્ત શ્વેતા અને તેની દીકરીઓ હોત તો થોડા વખત માટે તેમનો સહેવાસ ગમ્યો હોત, પણ નીતિનકુમારને સહન કરવા તેમના માટે અઘરું હતું. તેમની ડંફાસો અને આખો વખત ટીવી સામે બેસી રહેવાના તેમના અભિગમને લીધે કાન્તાબેન અકળાતાં હતાં.

તેમને સમજાતું નહોતું કે એક જુવાન અને તંદુરસ્ત પુરુષ આ રીતે ટીવી સામે બેસીને કલાકો કઈ રીતે વ્યતીત કરી શકે. નીતિનકુમારની ઘરમાં સતત હાજરી તેમને ગૂંગળાવતી હતી. પોતાના જ ઘરમાં પોતે એક અજીબ સંકડામણ અનુભવતાં હોય એેમ તેમને લાગતું હતું. તેઓ ઇચ્છતાં હતાં કે શ્વેતા પોતાના પરિવાર સાથે તેના ઘરે જાય, પણ એવું કહેવાથી ગેરસમજ વધવાની હતી. કેટલાય દિવસથી કાન્તાબેન આવું કહેવાનું ટાળી રહ્યાં હતાં. વિધિ અને નિધિનું વેકેશન પૂરું થશે એટલે શ્વેતા ચાલી જશે. થોડા દિવસોની જ તો વાત હતી. કાન્તાબેન શ્વેતાને દૂભવવા માગતાં નહોતાં.

કાન્તાબેન સોફા પર બેઠાં. બપોરથી ઘરેથી નીકળ્યાં હોવાને કારણે તે ઓ થાકી ગયાં હતાં. બપોરે ચા પીને નીકળ્યા પછી તેમણે કશુંય ખાધું-પીધું પણ નહોતું. તેમને સખત ભૂખ લાગી હતી.

ટિપોય પર જ તપેલાં પડ્યાં હતાં અને થાળી પણ હતી. કાન્તાબેને થાળી પીરસવા માંડી. શ્વેતા વિધિ અને નિધિને લઈને અંદરના રૂમમાં ગઈ હતી. સોફાના બીજા ખૂણે નીતિનકુમાર બેઠા હતા. નીતિનકુમારે રિમોટ વડે ચૅનલ સર્ફિંગ કરવા માંડ્યું હતું. કાન્તાબેન પહેલો કોળિયો મોંમાં મૂકે એ પહેલાં જ નીતિનકુમાર એક મ્યુઝિક ચૅનલ પાસે અટક્યા. કોઈ રીમિક્સ ગીત પર ૧૫-૧૬ વર્ષની છોકરી કઢંગો ડાન્સ કરી રહી હતી. ધમાલિયા સંગીતને કારણે વધુ મોટો અવાજ આવવા માંડ્યો.

‘થોડીક વાર માટે ટીવી બંધ કરી દો...’ કાન્તાબેનને શાંતિથી જમવું હતું.

‘એટલે હવે અમારે આ ઘરમાં ટીવી પણ નહીં જાવાનું એમને?’ એ જ વખતે હૉલમાં પ્રવેશી રહેલી શ્વેતાએ કહ્નાં.

‘શ્વેતા, તું દરેક વાતનો ઊંધો અર્થ કેમ કરે છે?’ કાન્તાબેને શક્ય એટલા શાંત રહેવાનો પ્રયાસ કર્યો.

‘તને એમ નથી થતું કે જમાઈ માણસને પૂછીએ કે તમે જમ્યા કે નહીં?’ ઊધડો લેતી હોય એમ શ્વેતાએ કહ્યું.

‘મને એમ કે તમે જમી લીધું હશે...’ કાન્તાબેનને સમજાતું નહોતું કે તેમણે એવો તે કયો ગુનો કરી નાખ્યો હતો.

‘અમે એમ સમજીને બધું જ જતું કરીએ છીએ કે તારી માનસિક હાલત નાજુક છે, પણ બહારના લોકો સાથે વાત કરતાં, હરવા-ફરવા જવામાં તને કોઈ દુઃખ આડું નથી આવતું...’

શ્વેતાના શબ્દોથી કાન્તાબેનને ખૂબ માઠું લાગ્યું, પણ તેને સામો જવાબ આપીને ઝઘડો વહોરી લેવાનો કોઈ અર્થ નહોતો. કાન્તાબેન સમસમીને બેસી રહ્યાં. તે ઓ જાણતાં હતાં કે આ ભાષા શ્વેતાની નહોતી. તે કોઈકનું પઢાવેલું બોલી રહી હતી. તેમણે મનોમન નક્કી કરી લીધું કે હવે આ વાતનો નિવેડો લાવવો જ પડશે.