Tamara vina - 18 books and stories free download online pdf in Gujarati

તમારા વિના - 18

પ્રકરણ - ૧૮

કાન્તાબેન જાણતાં હતાં કે શ્વેતાને સમજાતું નહોતું કે તેને માધ્યમ બનાવવામાં આવી રહી હતી. તેમને ખબર હતી કે શ્વેતાના મનમાં જાણીબૂજીને ભૂસું ભરાવવામાં આવી રહ્યું હતું. તેઓ પોતાની દીકરીને સારી રીતે ઓળખતાં હતાં. શ્વેતા પહેલેથી જ ભોળી હતી. કદાચ ચંદ્ર જેવી જ સરળ પ્રકૃતિની. જલદીથી કોઈની વાતમાં આવી જવાનો સ્વભાવ ચંદ્રનો પણ ખરો.

નવીનચંદ્રના પિતાનું ગામમાં એક મકાન હતું. એ મકાન તેમના પિતાએ તેમની બહેન એટલે કે નવીનચંદ્રની કાશીફોઈને રહેવા માટે આપ્યું હતું. એે મકાન પર નવીનચંદ્રનો હક તે સ્વેચ્છાએ જતો કરે છે એવા મતલબના દસ્તાવેજ સહી કરાવવા માટે તેમના ફોઈનો દીકરો મહેન્દ્ર આવ્યો હતો. નવીનચંદ્ર સહી કરી આપવા તરત જ તૈયાર થઈ ગયા હતા.

‘વર્ષોથી એ મકાનમાં એ લોકો જ રહે છે. આપણે કોઈ દિવસ તેમને ખાલી કરાવવા ગયા નથી તો પછી હવે કાગળિયાં કરાવવા શા માટે આવ્યો છે?’ કાન્તાબેને નવીનચંદ્રને પૂછ્યું હતું.

‘આપણે એનાથી શું લેવાદેવા? આપણે ક્યાં કોઈ દિવસ ગામ રહેવા જવું છે.’ નવીનચંદ્રે કહી દીધું હતું.

‘મારે એ મકાન જાઈતું નથી, પણ આપણે જાણવું તો જાઈએને!’ કાન્તાબેનને આખી વાતમાં કંઈક કાળું લાગતું હતું.

‘આમ પણ મારા બાપુજીની ઇચ્છા હતી કે એ ઘર કાશીફોઈને મળે. બિચારાં નાની ઉંમરે વિધવા થયા પછી બાપુજી પાસે જ રહ્યાં. મહેન તેમનો એક જ દીકરો. હું ને મહેન સાથે જ રમ્યા અને મોટા થયા. કેટલાંય વર્ષો સુધી તો હું એમ જ માનતો કે મહેન મારો સગો ભાઈ છે.’ નવીનચંદ્ર ભૂતકાળ વાગોળવા માંડ્યા હતા અને પોતાનું બચપણ યાદ કરતાં એકદમ લાગણીશીલ થઈ ગયા હતા.

‘બાપુજીની ઇચ્છા મુજબ ઘર કાશીફોઈને જ આપો પણ...’

‘તું સમજતી જ નથીને! એ બિચારો એટલા માટે સહી કરાવવા આવ્યો છે કે આવતી કાલે અચાનક કાશીફોઈની હયાતી ન હોય કે મને કંઈ થઈ ગયું તો નકામી તેને પળોજણ ન થાયને!’ નવીનચંદ્ર લાગણીના આવેશમાં કાન્તાબેનની એક વાત સાંભળવા તૈયાર નહોતા. ‘આપણે તો ઘર દઈ જ દેવું છે પછી આજે લખી આપીએ કે પાંચ વર્ષ પછી શું ફરક પડે છે?’

કાન્તાબેનના મનમાં ઘણા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા હતા. મહેનભાઈ અચાનક આટલાં વર્ષે કેમ ટપકી પડ્યા હતા? તેમના વર્તનમાં આટલો બધો ઉમળકો કઈ રીતે હતો? જો ખરેખર તેમને ચંદ્ર માટે આટલી બધી લાગણી હતી તો આટલાં વર્ષો ખતખબર કે એક ચબરખી અથવા ફોન સુધ્ધાં કેમ નહોતો કર્યો?

દીપકની મુંડનવિધિ માટે તે લોકો બે દિવસ ગામ ગયાં હતાં ત્યારે કાશીફોઈનો ચંદ્ર પ્રત્યેનો પ્રેમ, લાગણી અને ઉમળકો સ્પષ્ટપણે દેખાતો હતો. તેમણે તો આગ્રહ કર્યો હતો કે તે લોકો તેમના જ ઘરે (જે ખરેખર તો નવીનચંદ્રના પિતાની માલિકીનું ઘર હતું) રહે, પણ મહેનભાઈએ વિવેક ખાતર પણ ત્યાં રહેવા માટે કહ્યું નહોતું. જોકે એ જુદી વાત હતી કે તેમનો ઉતારો તો અગાઉથી જ નક્કી થયા મુજબ કાન્તાબેનનાં માસીના ઘરે હતો. કાન્તાબેનનાં માસી નવીનચંદ્રના ગામમાં જ પરણ્યાં હતાં અને તેમના થકી જ નવીનચંદ્ર અને કાન્તાબેનનું સગપણ થયું હતું.

કાન્તાબેનના મનમાં ખતરાની ઘંટીઓ વાગતી હતી. મકાનના દસ્તાવેજા પર સહી કરાવવાની એવી તો શું જરૂર આવી પડી હતી?

‘અરે, બિચારો તકલીફમાં છે. તેને ધંધામાં ખોટ ગઈ છે.’ કાન્તાબેને બહુ જ દબાણ કર્યું એટલે નવીનચંદ્રે મહેનને પૂછ્યું હતું અને તેના તરફથી નવીનચંદ્ર કાન્તાબેન પાસે મહેનનો કેસ રજૂ કરી રહ્યા હતા.

‘ધંધામાં નુકસાન ગયું એેમાં ઘરના દસ્તાવેજા નામ પર કરાવવાની જરૂર ક્યાંથી ઊભી થઈ?’ કાન્તાબેન આ વાત સાંભળી વધુ ચમકી ગયાં હતાં.

‘થોડા વખત માટે ઘર ગીરવી મૂકી પૈસા ઊભા કરી લેશે અને પછી વ્યવસ્થા થતાં જ ચૂકવીને છોડાવી લેશે.’ નવીનચંદ્રે સહજતાથી કહ્નાં હતું.

‘પણ...’

‘તું લપ મૂકને! આપણે તો ઘર રાખવું નથીને, પછી ભલેને તેને જેમ મનમાં આવે એમ કરતો.’ નવીનચંદ્રની વાત સીધી લીટી જેવી હતી, પણ કાન્તાબેન કળી શકતાં હતાં કે મહેનભાઈ તે નહોતા જે મહેનને ચંદ્ર ઓળખતા હતા. ચંદ્ર નાનપણમાં જે મહેન સાથે રમ્યા હતા તે અને આજના મહેનભાઈમાં જમીન-આસમાનનો તફાવત હતો. અલબત્ત, નવીનચંદ્રની મહેન માટેની લાગણી કે અભિગમમાં સહેજ પણ તફાવત નહોતો આવ્યો. કાન્તાબેન જે સૂંઘી શકતાં હતાં એ નવીનચંદ્રને તો દેખાતું જ નહોતું. નવીનચંદ્રે તો કાગળિયાં જોયા-વાંચ્યા વિના સહી કરી આપી હતી.

કાન્તાબેનનું અનુમાન સાચું ઠર્યું હતું. મહેનભાઈના પાછા ગયા બાદ દોઢ વર્ષમાં જ ગામના એક મોભીનો ફોન આવ્યો હતો. નવીનચંદ્રને તાત્કાલિક ગામ જવું પડ્યું હતું, કારણ કે મહેને નવીનચંદ્ર પાસે જે દસ્તાવેજમાં સહી કરાવી હતી એેમાં તેણે ઘર પોતાના નામે લખાવી દીધું હતું. ગામ ગયા પછી નવીનચંદ્રને ખબર પડી હતી કે મહેનને ધંધામાં ખોટ ગઈ નહોતી, પણ તે જુગારની લતે ચડી ગયો હતો. તેના પર ખાસ્સું એવું દેવું થઈ ગયું હતું. તેણે ઘર ગીરવે મૂકીને લોન લીધી હતી એે ચૂકવી ન શકવાને કારણે લેણદારો ઘરનો કબજા લેવા આવ્યા હતા. મહેનની પત્ની કંટાળીને છોકરાઓને લઈને પિયર ચાલી ગઈ હતી અને કાશીફોઈની દેખભાળ કરવાવાળું કોઈ નહોતું.

ગામના જે વડીલે તેમને ફોન કરીને તાત્કાલિક બોલાવ્યા હતા તેમણે નવીનચંદ્રને ઠપકો પણ આપ્યો હતો કે ‘કાગળિયાં પર સહી કરતાં પહેલાં ગામમાં તપાસ તો કરાવવી જાઈએને! કંઈ નહીં તો અમને પૂછવું જાઈતું હતું. ઘર આપવું જ હતું તો કાશીબેનના નામે કરી આપવું જાઈએને? આ ઉંમરે હવે આ ડોશી ક્યાં જશે?’

નવીનચંદ્ર કાશીફોઈને લઈને મુંબઈ આવ્યા હતા. જાકે મહેન્દ્રે કાશીફોઈ સાથે જે વ્યવહાર કર્યો હતો અને આટલી મોટી ઉંમરે વતન છોડવું પડ્યું એને કારણે કાશીફોઈને આઘાત લાગ્યો હતો. કાશીફોઈ મુંબઈ આવ્યા પછી માંડ સાતેક મહિના જીવ્યાં. નવીનચંદ્રના ઘરે જ તેમનું મૃત્યુ થયું.

‘કાન્તા, તું સાચી હતી. મેં સહી ન કરી આપી હોત તો કદાચ કાશીફોઈનું મોત બગડ્યું ન હોત.’ કાશીફોઈના મૃત્યુ બાદ નવીનચંદ્રે પસ્તાવો કરતાં સ્વીકાર્યું હતું. ‘પણ મને તો સપનામાંય ખ્યાલ નહીં કે મહેન સાવ આવું કરશે.’

‘આવા ખ્યાલ સપનાંમાં ન આવે ચંદ્ર. એના માટે આંખ-કાન ઉઘાડાં રાખવાનાં હોય.’

‘સગા ભાઈ જેવા માણસ પર એવી શંકા કેમ આવે?’ ચંદ્રને હજી માન્યામાં નહોતું આવતું કે જે મહેન સાથે તે ઓ સાતતાળી રમ્યા હતા તે જ તેમને છેતરી ગયો હતો.

‘તમે બહુ ભોળા છો. કોઈ જે કંઈ કહે એ સાચું જ છે એવું તમે માની લો છો. તમે જેટલા સીધા છો એટલી દુનિયા સીધી નથી. મહેનભાઈ આટલાં વર્ષે અચાનક આવી ચડ્યા એ બાબત જ શંકા કરવા માટે પૂરતી હતી. જો તમે સહી કરતાં પહેલાં કાગળિયાં વાંચ્યાં પણ હોત તો તમને સમજાઈ જાત, કારણ કે એમાં તેમણે ઘર કાશીફોઈના નામે નહીં પોતાના નામે કરાવી લીધું હતું. જો ઘર બાપુજીના નામે હતું એમ જ રહ્યું હોત તો ક્યારેય તે ગીરવી મૂકી શકાયું ન હોત કે વેચી પણ ન શકાયું હોત અને તો કાશીફોઈને કોઈ એ ઘરમાંથી ક્યારેય કાઢી ન મૂકી શકત. તમે સહી કરીને ઘર મહેનભાઈને થાળીમાં ખાવાનું પીરસીએ એમ પીરસી દીધું.’

નવીનચંદ્રને થયું કે કાન્તાની વાત સો ટકા સાચી હતી, પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું.

‘જે થઈ ગયું એનો વસવસો કરવાનો અર્થ નથી. આ બહાને કાશીફોઈ આટલો વખત આપણી સાથે રહ્યાં અને આપણને તેમની સેવા કરવાનો લહાવો મળ્યો.’ કાન્તાબેને પથારીવશ થઈ ગયેલાં કાશીફોઈની મન દઈને સેવાચાકરી કરી હતી.

શ્વેતામાં નવીનચંદ્રનું આ ભોળપણ ઊતરી આવ્યું હતું. શ્વેતા નાની હતી ત્યારેય કાન્તાબેનને તેની ચિંતા થતી હતી. શ્વેતા પગભર થાય, દુનિયાદારી શીખે, જાણે એવી કાન્તાબેનની ઇચ્છા મનમાં જ રહી ગઈ. તેમની ઇચ્છા હતી કે શ્વેતાને બહાર ક્યાંક નોકરી કરવા મોકલવી, પરંતુ શ્વેતાએ તો ગ્રૅજ્યુએશન પણ પૂરું ન કર્યું. તે કૉલેજમાં હતી ત્યારે જ નીતિનના પ્રેમમાં પડી અને પરણી ગઈ. શ્વેતા જેવી છોકરી માટે કોઈ ઠરેલ અને સમજદાર છોકરો હોવો જાઈએ જે તેને સાચવી લે, પણ એવું પાત્ર શોધવાની તેમની મનની મનમાં જ રહી ગઈ હતી.

શ્વેતાએ આજે તેમની સાથે જે વર્તન કર્યું હતું એનાથી કાન્તાબેનને માઠું લાગ્યું હતું, પણ તેમને શ્વેતા પર ગુસ્સો નહોતો આવતો. આ રમત કોના ઇશારે રમાઈ રહી હતી એ પણ કાન્તાબેન સમજતાં હતાં.

પથારીમાં પડ્યા-પડ્યા તંદ્રાવસ્થામાં ચિત્ર-વિચિત્ર સપનાંઓ, ચહેરા ઓ અને વિચારો તેમના મગજમાં દોડતાં રહ્યાં. રિપોર્ટર મોના ભટ્ટ કોલાબા પોલીસસ્ટેશનના હવાલદાર કદમ સાથે નરીમાન પૉઇન્ટ પર આંટા મારી રહી હતી. હસમુખભાઈ અખબારની ઑફિસમાં એડિટર સાથે વાત કરી રહ્યા હતા. એડિટરની ખુરશી પર નગરસેવક ગુલાબરાવ પાટીલ બેઠો હતો. અચાનક બાજુમાં મહેનભાઈ આવીને ઊભા રહ્યા. મહેનભાઈ સાથે દીપક પણ હતો. મહેનભાઈ કોઈ કારણ વિના જોર-જોરથી હસવા માંડ્યા હતા. એટલામાં અર્જુન દોડતો-દોડતો આવ્યો અને તેમની સાડી ખેîચી કહી રહ્યો હતો, ‘બા ચાલોને, દાદાને કંઈ થઈ ગયું છે. તે તમને બોલાવે છે.’ કાન્તાબેન હાંફળાંફાંફળાં નવીનચંદ્ર પાસે પહોંચ્યા તો નવીનચંદ્ર જોર-જોરથી શ્વાસ લઈ રહ્યા હતા. કાન્તાબેનને સમજાતું નહોતું કે તે શું કરે. પાણી... પાણી... કોઈ ચંદ્ર માટે પાણી લાવો. કાન્તાબેન ચીસો પાડી રહ્યાં હતાં, પણ કોઈ સાંભળતું નહોતું. કાન્તાબેન ચીસો પાડતાં હતાં ત્યારે નીતિનકુમાર બેઠાં-બેઠાં નિરાંતે જમી રહ્યા હતા.

કાન્તાબેન ઝબકીને જાગી ગયાં. તેમણે આજુબાજુ નજર કરી. કોઈ નહોતું. તેઓ તેમની પથારીમાંથી ઊભાં થયાં. બાથરૂમમાં જઈ તેમણે મોં ધોયું. બાથરૂમની નાનકડી બંધ બારીમાંથી ઉજાસ અંદર આવી રહ્યો હતો. બહાર આવી તેમણે માટલામાંથી પાણી પીધું. ઘડિયાળ તરફ નજર કરી. સાત વાગીને દસ મિનિટ થઈ હતી.

રસોડામાં આવી તેમણે પોતાના માટે ચા બનાવી. ઘરમાં સૂનકાર હતો. શ્વેતા, નીતિનકુમાર અને છોકરી ઓ બધાં જ ઊંઘી રહ્યાં હતાં. ચા પીને કપરકાબી ધોઈ, માટલું વીછળી અને તાજું પાણી ભરવા મૂકી તે હૉલમાં આવ્યાં.

‘હલ્લો, કાશ્મીરા... ઊંઘમાંથી તો નથી ઉઠાડીને? દીપક ઊંઘતો હશે... આટલો જલદી ઑફિસ જવા નીકળી ગયો?... ના, ખાસ કંઈ કામ નહોતું... આ તો મને એમ કે તમને ફાવે એવું હોય તો થોડાક દિવસ તમારા ઘરે રહેવા આવું. મન સહેજ મોકળું થાય... ના-ના, એવી ઉતાવળ પણ નથી... તને ફાવે એમ હોય તો જ... સારું, તો તું કેટલા વાગ્યે આવીશ?... ભલે, હું સાત વાગ્યે તૈયાર રહીશ...’ કાન્તાબેને રિસીવર ક્રેડલ પર મૂકી દીધું.