Tamara vina - 21 books and stories free download online pdf in Gujarati

તમારા વિના - 21

પ્રકરણ - ૨૧

‘આ સંસાર મિથ્યા છે. તમે તમારાં કર્મોને લીધે વારંવાર અહીં અટવાઓ છો. શાસ્ત્રોમાં કહ્યું છે કે તેત્રીસ કરોડ જનમ લીધા પછી આ મનુષ્યઅવતાર તમને પ્રાપ્ત થયો છે. ઈશ્વરપ્રાપ્તિ દ્વારા જ આ મનુષ્યજન્મની સાર્થકતા છે. ઈશ્વરને ગુરુ વિના પામી શકાતો નથી...’ ટેલિવિઝનની ધાર્મિક ચૅનલ પર દાઢીવાળો બાવો સ્ત્રૈણ અવાજમાં તત્ત્વજ્ઞાનના પાઠ ભણાવી રહ્યો હતો. કાન્તાબેનને થયું કે તે સંત કરતાંય વધારે ધર્મ કે ઈશ્વરને વેચતો સેલ્સમૅન લાગતો હતો. થોડીક ક્ષણો માટે કૅમેરા શ્રોતાજનો પર ફર્યો. શ્રોતાઓની મેદની દાઢીવાળા બાવાને સાંભળી રહી હતી, જેમાં સ્ત્રીવર્ગની સંખ્યા બહુ મોટી હતી. ફરી કૅમેરા બાવા પર આવ્યો. કાન્તાબેનને કોણ જાણે કેમ પણ એવું લાગ્યું કે સંસારના મિથ્યા હોવાની વાત કરતા બાવાની આંખમાં લોલુપતા હતી.

તેમણે તરત જ ચૅનલ બદલી નાખી. કુલ ૮૨ ચૅનલો હતી જે તેઓ ત્રણ વખત બદલી ચૂક્યાં હતાં. કંટાળીને તેમણે ટીવીની સ્વિચ ઑફફ્ કરી. થોડીક વાર તો તે ઓ એમ જ બેસી રહ્યાં. ટેરેસમાંથી તડકો હૉલમાં પ્રવેશી ચૂક્યો હતો. તેમણે ઘડિયાળ પર નજર કરી. દોઢ વાગવા આવ્યો હતો. નાહવા-ધોવાનું, જમવાનું બધું જ પતી ગયું હતું. કશુંય કરવાનું નહોતું. સાડાદસ વાગ્યે કાશ્મીરા ઑફિસે ગઈ પછી ઘરમાં સાવ એકલાં પડ્યાં હતાં. હસમુખભાઈને અને બીજા બે-ત્રણ ફોન કરવાના હતા એે પણ કરી લીધા હતા. સવાબાર વાગ્યે તો તેમણે જમી પણ લીધું હતું.

કાશ્મીરાએ તો રજા લેવાની તૈયારી બતાવી હતી, પણ તેમણે જ કહ્યું હતું કે ‘તું તારું કામ શું કામ બગાડે છે. હું તો ઘરે એકલી રહીશ. તું ચિંતા ન કરતી. તારું કામ પતાવીને જ આવજે.’

તેમણે સોફા પર લંબાવ્યું. થોડી વાર આંખ મીંચીને પડ્યા રહ્યાં પણ ઊંઘ ન આવી. ઊલટું જાતભાતના વિચારો સતાવતા રહ્યાં. કંટાળીને તેમણે સૂતાં-સૂતાં જ હાથ લંબાવ્યો અને ટિપોય પર પડેલું અખબાર ઉપાડ્યું. અહીં તો ફક્ત અંગ્રેજી અખબાર જ આવતું હતું. તેમને અંગ્રેજી બહુ આવડતું નહોતું, તો ય તેમણે હેડિંગ વાંચવાનો પ્રયાસ કર્યો. પાનાં ફેરવ્યાં. અચાનક તેમને કંઈક યાદ આવ્યું હોય એેમ તેઓ ઊભાં થયાં. ખૂણામાં મૂકેલી પોતાની હૅન્ડબૅગ ફંફોસી તેમણે અખબારના કાતરણો મૂકેલી ફાઇલ કાઢી. પ્લાસ્ટિકની એ ફાઇલમાં એક ખાના જેવું હતું. એમાં ભરાવેલું વિઝિટિંગ કાર્ડ ખેંચી કાઢ્યું. જરાક વાર માટે એ કાર્ડ હાથમાં રાખી ફેરવ્યા કર્યું અને પછી બાજુમાં જ પડેલો કોર્ડલેસ ફોન ઊંચકી નંબર ડાયલ કર્યો.

‘હલ્લો... યસ...’

‘હું કાન્તાબેન... કાન્તામાસી બોલું છું... ઓળખી મને?’

‘હુ...’

‘કાન્તામાસી... કોલાબા પોલીસસ્ટેશનમાં મળ્યાં હતાં. તેં મને ચર્ચગેટ સ્ટેશન પાસે...’

‘ ઓહ... હા... હા... બોલો... વોટ અ સૉલિડ સરપ્રરાઇઝ...’

‘મને તો લાગ્યું’તું કે મને ઓળખશે જ નહીં...’

‘ફ્રૅંકલી સ્પીકિંગ પહેલાં તો નહોતાં જ ઓળખ્યાં. માસી ખરાબ નહીં લગાડતાં, પણ અમારે રોજ લૉટ ઑફ પીપલને મળવાનું થાય. બધાને યાદ રાખીએ તો ગાંડા થઈ જઈએ. પણ તમે મને બરાબર યાદ છો, કોલાબા પોલીસસ્ટેશનમાં ઓલા રાનડેની લેફ્ટ-રાઇટ લઈ નાખી હતી. રાઇટ?’ મોના ફોન પર પણ એકધારું બોલતી હતી.

મોનાને આજે ઑફ્ હતો. તે ઘરે જ હતી. ઘણા દિવસથી તેને રજા મળી જ નહોતી. આજે તો તેણે એડિટરને કહી દીધું હતું કે નોકરીમાંથી કાઢી મૂકવી હોય તો કાઢી મૂકો, પણ હું કામ પર નથી આવવાની. આ અને આવી ઘણી બધી વાતો દસ મિનિટના વાર્તાલાપમાં તેણે કાન્તાબેનને કરી નાખી.

‘સૉરી... મેં તારી રજાના દિવસે તને હેરાન કરી. આ તો અમસ્તું જ... જરા એક કામ હતું એટલે કે તને જરા પૂછવું હતું...’

‘નો પ્રૉબ્લેમ. શું હતું, કહોને...’

‘ના, એટલે ફોનને બદલે સામે વાત થાય તો...’

‘ ઓહ, યુ મીન ટુ સે તમારે મળવું હતું? પણ આજે છેક અંધેરીથી ચર્ચગેટ સુધી ટ્રાવેલ કરવાનો મારો જરાય મૂડ નથી. ટુમોરો? કાલે ચાલશે?’

‘તું અંધેરી રહે છે?’

‘હા અને આજે લોકલ ટ્રેનમાં બેસીને...’

‘ના, પણ અત્યારે હું ય અંધેરીમાં છું. મારા દીકરાના ઘરે આવી છું...’

‘વાઉ. ધેટ્સ ગ્રેટ. અંધેરીમાં ક્યાં છો તમે?’

‘વરસોવા.’

‘હું ઈસ્ટમાં છું. પંપ હાઉસ પાસે.’ મોનાએ એડ્રેસ લખાવી દીધું અને કઈ રીતે આવવાનું એે પણ સમજાવી દીધું.

ફોન મૂકીને કાન્તાબેન ઊભાં થયાં. સાડલો તો સારો જ હતો. બાથરૂમમાં જઈને મોં ધોઈ, માથું ઓળીને તેઓ તૈયાર થઈ ગયાં. યાદ કરીને ખીંટી પર ટીંગાડેલી ઘરની ચાવી કેડે ભરાવી. ચંપલ પહેરતાં તેઓ જરા અટકી ગયાં. કોઈ અજાણી છોકરીના ઘરે આમ જવાય? તેમના મનમાં પ્રશ્ન આવ્યો.

મેં જ સામેથી ફોન કર્યો અને હવે ન જઉં તો કેવું લાગે? જે કંઈ થાય તે. કંઈ નુકસાન તો નથી જ થવાનુંને? તેમણે પોતાના મનને તૈયાર કર્યું અને ચંપલ પહેરી ઘરની બહાર નીકળી દરવાજા ખેંચી લીધો.

‘આઇ હૅવ સમ ગેસ્ટ... આઇ વિલ કૉલ યુ લેટર... (મારા ઘરે મહેમાન આવ્યા છે. હું તને પછી ફોન કરું છું.)’ મોનાએ સેફ્ટી ડૉરમાંથી કાન્તાબેનને જોયા પછી બારણું ખોલ્યું ત્યારે તે કોઈ સાથે મોબાઇલ પર વાત કરી રહી હતી. તેની આંખોમાં આવકાર હતો.

‘ઘર મળી ગયુંને?’ મોનાએ પૂછ્યું.

‘હા, તેં બહુ સરસ રીતે સમજાવ્યું હતું એટલે જરાય શોધવું ન પડ્યું.’ ઘરમાં પ્રવેશતાં કાન્તાબેને આજુબાજુ નજર કરી, પણ ક્યાં બેસવું તેમને સમજાયું નહીં. બે સોફાચૅર હતી. એમાં એક પર મૅગેઝિન, છાપાં અને કપડાંનો ઢગલો હતો. બીજી પર કાગળિયાં, પેન, ટેલિફોન ડાયરી ને એવું બધું પડ્યું હતું. જમીન પર પણ ઘણાં છાપાં, મૅગેઝિન હતાં.

‘સૉરી... સૉરી માસી...’ ગુલાબી રંગની ઢીલી અડધી ચડ્ડી (બર્મુડા) અને સફેદ રંગનું ફૂલની ભાતવાળું ટી-શર્ટ પહેરેલી મોનાએ એક ખુરશી પરથી કાગળિયાં અને કપડાંનો ઢગલો એક ખૂણામાં મૂક્યો. વાળ તેણે ક્લિપ વડે ઉપર માથા પર બાંધ્યા હતા. એેમાંથી લટો નીકળીને મોં પર આવતી હતી.

‘આઇ એમ લાઇક ધીઝ ઓન્લી. મારી અવ્યવસ્થામાં પણ વ્યવસ્થા હોય છે... એટલે જ આઇ ડોન્ટ શૅર અપાર્ટમેન્ટ વિથ એનીબડી (એટલે જ હું કોઈ સાથે રહેવાનું પસંદ નથી કરતી). કોઈની સાથે રહીએ એટલે આ આમ કેમ રાખ્યું ને તેમ કેમ રાખ્યું... એવો હેડેક (માથાનો દુખાવો) કોણ લે? તમે ઊભાં કેમ છો? અહીં બેસોને.’ મોનાએ ખાલી કરેલી ખુરશી તરફ ઇશારો કર્યો.

પોતે અહીં બેસે તો મોના ક્યાં બેસશે એવી દ્વિધામાં કાન્તાબેન ઊભાં રહ્યાં. એટલામાં તો મોના બીજી ખુરશીને અઢેલીને પલાંઠી વાળીને જમીન પર બેસી ગઈ. ખુરશી પર પડેલો નાનો ચોરસ તકિયો તેણે પોતાના ખોળામાં લઈ લીધો. ત્યાં જ તેનો મોબાઇલ રણક્યો. ફોન કાન પર મૂકી તે કોઈ સાથે અંગ્રેજીમાં વાત કરવા માંડી અને બાજુમાં પડેલાં કાગળ-પેન લઈ સાથે-સાથે નોંધ ટપકાવતી હતી.

કાન્તાબેનની નજર આખી રૂમમાં ફરી વળી. સામેની દીવાલ પર જાડા પૂઠાના મોટા બૉક્સ પર પ્લાયવુડનું એક પાટિયું અને એના પર નાનકડું અઢાર ઇંચનું ટીવી પડ્યું હતું. ટીવી ચાલુ હતું, પણ એનો અવાજ સાવ ધીમો હતો. ન્યુઝચૅનલ પર ન્યુઝરીડર ન્યુઝ વાંચી રહી હતી. ટેલિવિઝનની બાજુમાં નાનકડી મ્યુઝિક સિસ્ટમ હતી. એની પાસે સીડીનો ખડકલો હતો. દીવાલો પર જ્યાં ત્યાં પેન્સિલથી નામ અને ફોન નંબર લખેલાં હતાં.

ખુરશી પાસે પડેલો પાણીનો અડધો ભરેલો બાટલો ઊંચો કરી મોનાએ ફોનમાં વાત કરતાં-કરતાં ઇશારાથી જ કાન્તાબેનને પાણી માટે પૂછ્યું અને પછી બાટલો જ સામે ધરી દીધો. સીધો બાટલો જ મોઢે માંડવો કે શું કરવું એ કાન્તાબેનને સમજાયું નહીં. કાન્તાબેનની મૂંઝવણ મોના કળી ગઈ હોય એમ ફોન પર વાત કરતાં-કરતાં તે ઊભી થઈ. અંદર રસોડામાં જઈ તે એક હાથમાં કાચનો ગ્લાસ અને પાણીથી આખી ભરેલી બાટલી લઈને આવી. મોબાઇલ તેણે ખભા અને કાન વચ્ચે દબાવી રાખ્યો હતો. ફોન પર તેની વાત ચાલુ જ હતી.

પોતે કોઈ નવા જ દેશમાં આવી ચડ્યાં હોય એવી લાગણી કાન્તાબેનને થતી હતી.

મોના અહીં એકલી જ રહેતી હતી એ તો તેણે કહ્યું ન હોત તો પણ સમજાઈ જાય એવી જ વાત હતી. તો મોનાનાં મા-બાપ કે સગાંસંબંધી નહીં હોય? તે અહીં જ રહેતી હશે કે બીજા કોઈ ગામથી આવી હશે? જુવાન છોકરીને આમ એકલી મુંબઈ શહેરમાં મૂકતાં તેનાં મા-બાપનો જીવ ચાલ્યો હશે? કે પછી તે બિચારીનું કોઈ નહીં હોય એટલે અહીં એકલી રહેતી હશે? ના-ના એવું તો લાગતું નહોતું. તે બિચારી કે ઓશિયાળી તો લાગતી નહોતી. કાન્તાબેનને અચાનક શ્વેતા યાદ આવી ગઈ. શ્વેતાને તેમણે આમ એકલી રહેવા ક્યાંય મોકલી હોત ખરી? શ્વેતા યાદ આવતાં જ કાન્તાબેનથી નિશ્વાસ નખાઈ ગયો. શ્વેતાએ પોતાની આગવી ઓળખ અને વ્યક્તિત્વ ઊભું કરવા માટે કંઈક કર્યું હોત તો તેમણે ચોક્કસ તેને બધો જ સહકાર આપ્યો હોત. તેના માટે જરૂર પડ્યે બધા સાથે, ખુદ ચંદ્ર સાથે પણ લડ્યાં હોત પણ...

‘સૉરી... સૉરી... પણ આ ફોન તો લેવો જ પડે એમ હતો. એક સૉલિડ સ્ટોરી મળી છે. ડીસીપીનો ફોન હતો. પણ એ બધું જવા દો... બોલો, તમારે શું કામ હતું?’