Tamara vina - 24 books and stories free download online pdf in Gujarati

તમારા વિના - 24

પ્રકરણ-૨૪

દીપક અને કાશ્મીરા વિશે નવીનચંદ્ર સાથે કાન્તાબેનની અનેક વાર વાત થઈ હતી. ચંદ્રે ઘણી વાર કાન્તાબેનને કહ્યું હતું, ‘કાન્તા, તું કાશ્મીરાને પૂછ તો ખરી કે પ્રૉબ્લેમ શું છે? તેમનાં લગ્નને ઘણાં વર્ષ થઈ ગયાં. હજી સુધી બાળક નથી...’

‘પૂછવાનું મન તો મનેય ઘણી વાર થાય છે, પણ આજકાલના છોકરાઓને ગમે કે ન પણ ગમે.’ કાન્તાબેને જવાબ આપ્યો હતો.

‘પણ તોય આપણે એક વાર પૂછવું તો જાઈએને! એક તો કાશ્મીરાની પોતાની બા નથી. તે બિચારી કોની પાસે વાત કરે.’ ચંદ્રના અવાજમાં કાળજી વર્તાતી હતી.

‘મેં ઘણી વાર વિચાર કરી જાયો, પણ પછી એમ થાય કે તે લોકો ભણેલાગણેલા છે, આપણાથી વધુ સમજદાર છે. ડૉક્ટર પાસે તો ગયાં જ હશે. અને આપણે વળી પૂછીને શું કરી લેવાનાં હતાં?’

‘તારી વાત ખોટી નથી, પણ તોય...’ ચંદ્ર ચિંતાથી કહેતા. ‘મેં તો માનતા માની છે. દીપકને ઘરે પારણું બંધાય તો...’

‘તમેય શું ચંદ્ર, એમ માનતાઓ માનવાથી બાળકો થતાં હશે? કોણ જાણે એ લોકોએ જાણીબૂજીને નિર્ણય લીધો હોય કે હમણાં અમને બાળકો નથી જાઈતાં તો એમાં તમારા ભગવાન શું કરી લેવાના હતા?’

‘અરે, એવું તે કંઈ હોતું હશે?’ ચંદ્ર ચિડાઈ ગયા હતા.

‘તમને ખબર નથી ચંદ્ર. ઘણાં યુવાન દંપતીઓ આવા નિર્ણય લે છે. તેમના કામમાં તેમને બાળકો ઉછેરવાનો સમય નથી હોતો. મેં હમણાં જ છાપામાં એક લેખ વાંચ્યો હતો જેમાં આવા વર-વહુના ઇન્ટરવ્યુ હતા.’ કાન્તાબેને કહ્યું હતું.

‘છાપાવાળાઓ તો નવરા છે. એ લોકો તો આવું બધું લખ્યા કરે. દીપક અને કાશ્મીરા એવું શું કામ વિચારે? ના-ના, એવું ન હોય,’ નવીનચંદ્ર પોતાને જ કહેતા હોય એેમ બોલ્યા. ‘કંઈક તો કારણ હશે જ. મને તો લાગે છે કે તારે એક વાર કાશ્મીરા સાથે નહીં તો સીધા દીપક સાથે વાત કરવી જાઈએ.’

જોકે દીપક-કાશ્મીરાના કિસ્સામાં એવું નહીં હોય એમ કાન્તાબેનને પોતાને પણ લાગતું હતું, કારણ કે કાશ્મીરા જ્યારે વિપુલના દીકરા અર્જુનને મળતી કે તેની સાથે રમતી ત્યારે તેના ચહેરા પર ઉદાસીની રેખા અથવા તો ખાલીપાની લાગણી કાન્તાબેને નોંધી હતી.

કાન્તાબેને એકાદ વાર આડકતરી રીતે દીપક સાથે વાત કરવાનો પ્રયાસ કરી જાયો હતો, પણ દીપકે જાણે આખી વાત અવગણી નાખી હતી. કાશ્મીરા સાથે વાત કરવાનો વિચાર કાન્તાબેનને આવ્યો હતો, પણ તેમની અંગત જિંદગીમાં પોતે માથું મારે એે કાશ્મીરાને કદાચ ન ગમે એવું માનીને તેમણે કાશ્મીરાને આ વિષય પર કંઈ પણ પૂછવાનું ટાળ્યું હતું.

પરંતુ આજે જ્યારે કાશ્મીરા સાથે વાત નીકળી જ હતી તો તેમણે પૂછી જ લીધું.

‘કાશ્મીરા, ખરાબ નહીં લગાડતી; પણ મારે તને પૂછવું હતું કે...’

‘અમને બાળક કેમ નથી, એમ જને?’ કાન્તાબેન પૂછે એ પહેલાં કાશ્મીરાએ જ તેમના મનની વાત કહી દીધી.

કાન્તાબેન તેની સામે જાઈ રહ્યાં.

‘શરૂઆતનાં વર્ષોમાં અમે સેટલ થઈએ એેની રાહ જાતાં હતાં અને હવે દીપક પાસે કદાચ સમય જ નથી...’ કાશ્મીરાના એ વાક્યમાં તેના હૃદયનું બધું જ દર્દ ઠલવાઈ ગયું હોય એમ લાગતું હતું.

કાશ્મીરાની વાતનો શું પ્રતિભાવ આપવો એે કાન્તાબેનને સમજાયું નહીં. દીપકની મા હોવા માટે જાણે તેમના મનમાં અપરાધભાવ ઊમટી આવ્યો.

‘ડૉક્ટર પાસે...’ કાન્તાબેન બોલતાં-બોલતાં અટકી ગયા. તેમને પોતાના જ શબ્દોની નિરર્થકતા સમજાઈ ગઈ.

તેમની વચ્ચેની વાતચીતનો દોર ત્યાં જ અટકી ગયો, પરંતુ કાન્તાબેનના મનમાં વિચારો ઘોળાતા રહ્યાં. તેમના મનમાં કાશ્મીરા માટે સહાનુભૂતિ હતી. એક સ્ત્રી તરીકે તેઓ સમજી શકતાં હતાં કે કાશ્મીરા શું અનુભવતી હશે.

બન્ને જો થોડા દિવસ બહારગામ ફરી આવે તો કદાચ એ મોકળાશભર્યા વાતાવરણથી ફેર પડે. કાન્તાબેનને સૂચન કરવાનું મન થઈ આવ્યું, પણ પછી તેમણે જ પોતાના મનને વાળી લીધું. કાશ્મીરાએ પોતે પણ આ વિચાર કર્યો જ હશેને! કદાચ દીપક આવવા તૈયાર નહીં થયો હોય અથવા તેની પાસે વેકેશન માણવા જવાનો સમય નથી એવું કહી દીધું હશે.

આ વિશે દીપક સાથે વાત ન કરી શકાય? ખરેખર તો આ સંદર્ભે જો કોઈ કંઈ કરી શકે એમ હોય તો તે દીપક જ હતો, પરંતુ સગા દીકરા સાથે પોતાનું જાણે કોઈ સંધાન જ રહ્યું નહોતું.

દીપક સાથે બીજું કોઈ વાત કરી શકે કે તેના મનની વાત જાણી શકે એવું કોઈ તેમને દેખાતું નહોતું. વિપુલ અને દીપક બન્ને સગા ભાઈઓ હોવા છતાં તેમની વચ્ચે નાનપણથી જ ક્યારેય મૈત્રીભાવ નહોતો એેની કાન્તાબેનને જાણ હતી. બન્નેનાં સ્વભાવ અને વ્યક્તિત્વ એકબીજાથી તદૃન વિરોધાભાસી હતાં. દીપકનો સ્વભાવ પહેલેથી જ ગંભીર પ્રકારનો અને ચીવટવાળો હતો. તેનાં કપડાં, પુસ્તકો, નોટબુક, સ્કૂલબૅગ બધું જ ગોઠવેલું રહેતું. પરીક્ષાઓ પૂરી થાય ત્યાં સુધી તેની નોટબુકો પર ચડાવેલાં પૂઠાં એવાં ને એવાં જ હોય. તેનાં પાઠ્યપુસ્તકો પણ જાણે નવાં હોય એવાં જ લાગે. વિપુલ હંમેશાં દીપકનાં જ પાઠ્યપુસ્તકો વાપરતો, પણ સ્કૂલ શરૂ થયાના બે મહિનામાં તો એ પુસ્તકોના બેહાલ થઈ જતા.

વિપુલ સ્વભાવે થોડોક આળસુ પણ ખરો, પણ દીપક સમયની બાબતમાં પણ ખૂબ જ ચોક્કસ હતો. લગભગ બધી જ બાબતોમાં બન્ને ભાઈ ઓ પૂર્વ-પશ્ચિમ હતા. એને કારણે બન્ને વચ્ચે ઝઘડા પણ બહુ થતા. દીપકને કાયમ એમ જ લાગતું કે કાન્તાબેન હંમેશાં વિપુલનો જ પક્ષ લે છે. ધીમે-ધીમે દીપક ઘરથી દૂર થતો ગયો હતો. બહારની દુનિયામાં તેણે પોતાનું સ્થાન બનાવવા માંડ્યું હતું.

દીપકના વ્યક્તિત્વમાં પોતાના સ્વભાવનાં ઘણાં પાસાં ઊતર્યાઁ છે એવું કાન્તાબેનને અનેક વાર લાગતું. દીપક જિદ્દી અને એક વાર મનમાં ધાર્યું એટલે પૂરું કરે એવો હતો. બારમા ધોરણમાં મેડિકલમાં એડ્મિશન ન મળ્યું તો હોમિયોપથી કે આયુર્વેદમાં એડ્મિશન લેવાનો વિકલ્પ તેણે ન જ સ્વીકાર્યો. એને બદલે કૉમર્સમાં એડ્મિશન લઈ બી.કૉમ પૂરું કરીને બજાજ ઈન્સ્ટિટ્યૂટમાંથી એમબીએ કર્યું. એફવાયબીકૉમમાં એડ્મિશન લેતાંની સાથે તેણે પાર્ટટાઇમ નોકરી પણ શરૂ કરી નાખી હતી.

વિપુલને ઘરમાં બધા માવડિયો કહેતા, પણ કાન્તાબેન જાણતાં હતાં કે હકીકતમાં દીપક મનથી પોતાની સાથે વધુ જાડાયેલો હતો.

જાકે તે ઓછાબોલો અને મક્કમ મનોબળનો હોવાને કારણે તેની કાન્તાબેન પરત્વેની લાગણી બહુ દેખીતી રીતે પ્રદર્શિત થતી નહોતી.

વિપુલને કાયમ માનસિક સહારાની જરૂર પડતી. કોઈક પણ મુશ્કેલી આવે તો તે જલદી ઢીલો પડી જતો. તેનામાં મહત્ત્વાકાંક્ષાનું પ્રમાણ પણ ઓછું હતું એવું કાન્તાબેનને કાયમ લાગતું હતું.

ત્રણેય ભાઈબહેનોમાં દીપકને શ્વેતા માટે વધુ સ્નેહ હતો. દીપક શ્વેતાનું ધ્યાન રાખતો, તેને રમાડતો. બેઉ ભાઈ-બહેનને બહુ બનતું હતું. દીપકને પોતાને નવરાત્રિમાં ગરબા-રાસ રમવા જવાનો બિલકુલ શોખ નહોતો, પણ શ્વેતા માટે તે નવરાત્રિની નવે-નવ રાત તેની સાથે જતો. તેને ખબર હતી કે જા તે સાથે નહીં હોય તો કાન્તાબેન શ્વેતાને જવાની પરવાનગી ક્યારેય નહીં આપે.

દીપકનો લાગણીનો તાંતણો શ્વેતા સાથે હજીયે જાડાયેલો હતો. શ્વેતા કદાચ દીપક સાથે વાત કરી શકે, પણ શ્વેતામાં એટલી ધીર-ગંભીરતા નહોતી. કાન્તાબેનને થયું કે જો શ્વેતામાં એટલી સમજણ અને પરિપક્વતા હોત તો આ મુદ્દે તે ચોક્કસ મદદરૂપ થઈ શકી હોત.

અત્યારે તો દીપક સુધી પહોંચવાના બધા જ રસ્તા બંધ થઈ ગયા હોય એવું કાન્તાબેનને લાગતું હતું.

ચંદ્ર હોત તો કદાચ તેમણે દીપક સાથે સીધી જ વાત કરી હોત. ચંદ્ર કાયમ કહેતા કે આપણા પોતાના સ્વજનો સાથે શાનો છોછ? જે કંઈ કહેવું-પૂછવું હોય એે સીધેસીધું જ રાખવું.

કાન્તાબેને દીપક સાથે મોકળા મને વાત કરવાનો મનોમન નિર્ણય કર્યો. આમ પણ તેની સાથે પોલીસતપાસ અંગે પણ સ્પષ્ટતા કરવી જરૂરી હતી. દીપકના ઘરે રહેવા આવ્યા પછી કાન્તાબેનને અહેસાસ થવા માંડ્યો હતો કે દીપકના મનમાં તેમના વિશે ઘણી ગાંઠો બંધાઈ ચૂકી હતી જેના વિશે કદાચ તે ઓ સાવ અજાણ જ હતાં.

દીપકને જોઈને તેમનો જીવ બળતો હતો.

‘તું કહેતી હોય તો હું દીપક સાથે વાત કરું...’ કાન્તાબેને કાશ્મીરા સાથે અનુસંધાન મેળવવાના પ્રયાસથી કહ્યું.

‘બા, મને લાગે છે કે એેનો કંઈ અર્થ નથી.’

‘પણ બેટા, આમ ને આમ તો તમારા જીવનના સોનેરી દિવસો વીતી જાય છે...’ કાન્તાબેનના અવાજમાં કાળજી હતી.

‘તમારી લાગણી હું સમજી શકું છું બા, પણ...’

‘પણ શું?’

‘જવા દોને, તમે પહેલી વાર મારા ઘરે રોકાવા આવ્યાં છો અને... જવા દો, પછી ક્યારેક વાત કરીશું.’ કાશ્મીરા કૉફીના કપની ટ્રે લઈ ઊભી થવા માંડી.

‘ના કાશ્મીરા, શું વાત છે? તું કંઈક કહેવા માગતી હતી. કેમ અટકી ગઈ?’

ઘડીભર તે કાન્તાબેન સામે જાઈ રહી. ટ્રે ટિપોઈ પર મૂકી તે ફરી ખુરશીમાં બેઠી. થોડીક વાર તે કશું જ બોલી નહીં. કાન્તાબેનને લાગ્યું કે કદાચ તે વાત કરવી જાઈએ કે નહીં એે વિશે અસમંજસમાં હતી અથવા કદાચ શબ્દો ગોઠવી રહી હતી.

‘બા, એક્ચ્યુઅલી અમે નક્કી કરી લીધું હતું અને તમને જણાવવાનાં પણ હતાં... પણ અચાનક ભઈનું આવું થઈ ગયું એટલે...’ કાશ્મીરા આટલું બોલીને અટકી ગઈ, પણ પછી ગળામાંથી જહેમતપૂર્વક શબ્દો ખેંચી કાઢતી હોય એેમ બોલી, ‘બા, અમે ડિવૉર્સ લેવાનું નક્કી કરી લીધું છે...’