ડીસ્ટ્રીક્ટ જેલના મુખ્ય દરવાજા સામેના ખુલ્લા મેદાનની ચોતરફ ઘટાદાર લીમડાઓની ડાળીઓ લીંબોળીઓના ભારથી લચી રહી છે. વહેલી સવારના મંદમંદ પવનમાં એ ડાળીઓ મહાપરાણે થોડીકવાર હાલ્યા પછી સ્થિર થઈ જાય છે, જાણે કે હજુ પણ તેઓ થોડીક ઊંઘ ખેંચી લેવા માગતી ન હોય ! શાંત વાતાવરણમાં પાકી ગએલી લીંબોળીઓના પડવાના ટપટપ અવાજો સ્પષ્ટ રીતે સંભળાઈ રહ્યા છે. લીમડા નીચે કેદીઓને મળવા આવનારાં મુલાકાતીઓ માટેના સિમેન્ટના બાંકડાઓ ઉપર પડેલી લીંબોળીઓ જાણે કે તેમના ઉપર બિછાવેલી પીળી ચાદરો ન હોય તેવો આભાસ કરાવે છે. હજુ ભળભાંખળું થવાને થોડીકવાર છે, પરંતુ કાગડાઓ વડીલપદ શોભાવતા વહેલા જાગી જઈને અન્ય પક્ષીઓને જગાડવા મથી રહ્યા છે. આવા સમયે વહેલી સવારના, રણછોડદા, ઘોડાગાડીમાં બેસીને તમે અહીં આવી પહોંચો છો. જેલના દરવાજાની બહાર ખોળામાં બંદુકોને આડી મૂકીને સ્ટૂલ ઉપર બેઠાબેઠા બે સંત્રીઓ ઝોકાં ખાઈ રહ્યા છે. તમે છેડાના એક બાંકડાની લીંબોળીઓને સાફ કરીને ચૂપચાપ બેસી જાઓ છો. થોડીકવાર પછી દૂધડેરીનું સ્ટેશનવેગન આવતાં તેના અવાજથી પેલા સંત્રીઓ ઝબકીને … !