Varta tamari shabdo amara books and stories free download online pdf in Gujarati

વાર્તા તમારી શબ્દો અમારા

પ્રકરણ 5

સુરેશે પરીશા અને મહેશ બંને ની એકબીજા સાથે ઓળખાણ કરાવી.

પરીશા અને મહેશ બંને એ એકમેકને જોયા અને બંને એકબીજાને જોઈને ચોંકી ઉઠ્યા. પણ થોડી જ ક્ષણોમાં બંને એકદમ સામાન્ય દેખાવ એકબીજા સાથે કરવા લાગ્યા જાણે એ આ બંનેની પહેલી મુલાકાત હોય! થોડી જ વાર માં પરીશા એ મહેશ કાકા ને પૂછ્યું, "કેમ છો અંકલ?"

"બસ, મજામાં બેટા, તું કેમ છે?" મહેશે પરીશા ના સવાલનો પ્રત્યુત્તર આપી સામો એ જ સવાલ મહેશ ને કર્યો.

"હું પણ મજામાં બેટા." મહેશે પણ એવો જ પ્રત્યુત્તર આપ્યો.

"ચાલ સુરેશ, હું નીકળું હવે. મારે થોડા બીજા કામો પણ પતાવવાના છે. તમે બંને મિત્રો બેસો અને નિરાંતે વાતો કરો." એટલું કહી મહેશ ઘરની બહાર નીકળી ગયો. પરીશા અને મહેશ વચ્ચે માત્ર આટલી ઔપચારિક વાતો જ થઈ. પણ બંને એકબીજાની મુલાકાત થતા ચોંકી તો ઉઠ્યા જ હતા એ વાત સુરેશના ધ્યાન બહાર ન રહી. સુરેશ એટલું તો સમજી જ ગયો કે, જરૂર મહેશ કાકા અને પરીશા એકબીજા ને ઓળખે છે અને ખૂબ સારી રીતે ઓળખે છે. એટલું તો નક્કી જ છે.

સુરેશ મનોમન વિચારી રહ્યો હતો. આ બંને એકબીજાને ઓળખે છે એની ગંધ મને કે કાકી ને કેમ ન આવવા દીધી? સુરેશે પોતાની જાતને આ પ્રશ્ન પૂછ્યો. એને થયું, "પરીશા ને પૂછું?" પણ એનું બીજું મન એને રોકી રહ્યું હતું અને જાણે કહી રહ્યું હતું કે, "હજુ હમણાં શાંત થઈ જા. અને જે ઘટનાઓ બન્યા કરે છે એને જોયા કર. કોઈ ઉતાવળું પગલું ભરીશ નહીં. હાલ તું માત્ર પ્રેક્ષક બની ને જે કાંઈ પણ બની રહ્યું છે એને જોયા કર."

પણ પાછું એનું બીજું મન કહી રહ્યું હતું કે, "તું સત્ય જાણ અને પરીશા ને આ વાત પૂછ."

સુરેશ પોતાના બંને મન આંતરિક અને બાહ્ય મન વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો ત્યાં જ બાજુમાં બેઠેલી પરીશા એ એને જગાડ્યો અને બોલી, "અરે, સુરેશ! ક્યાં ખોવાઈ ગયો છે તું? શું વિચારે ચડી ગયો છે ક્યારનો?"

"કાંઈ નહીં. આ તો બસ અમસ્તું જ. વિચારી રહ્યો હતો તારા વિશે." સુરેશે જવાબ આપ્યો. હજુ એનું મન તો દ્વિધામાં જ અટવાયેલું જ હતું પણ એણે એનો અણસાર પરીશા ને ન આવવા દીધો અને બોલ્યો, "ચાલ પરીશા, આપણે ક્યાંક બહાર ફરવા જઈએ અને પછી હું તને તારા ઘરે મૂકી જઈશ." સુરેશે પ્રસ્તાવ મુક્યો.

"સારું ચાલ." પરીશા એ હકારાત્મક ઉત્તર આપ્યો.

સુરેશ અને પરીશા બંને મીના કાકી ને કહીને બહાર જવા નીકળ્યા.

સુરેશ પરીશા ને એક શાંત જગ્યાએ લઇ આવ્યો. એક સુંદર બગીચો હતો

બાગ ખૂબ જ રમણીય હતો અને મનને શાંતિ આપે એવો હતો.

"સુરેશ, તું મને અહીં કેમ લાવ્યો છે?" ન સમજ પડતા પરીશા એ પૂછ્યું.

હવે સુરેશ એ બોલવાનું શરૂ કર્યું. "પરીશા, આ જગ્યા એ લાવવાનું કારણ એ છે કે, આ એવી જગ્યા છે જે મનને શાંતિ આપે છે. અને મનને સ્થિર પણ રાખે છે. બીજું કારણ એ પણ છે કે, આ એક નિર્જન જગ્યા છે જેથી અહીં જે કાંઈ પણ વાત થાય એ હંમેશા ગુપ્ત જ રહે."

"પણ તું એવું બધું મને શા માટે કહે છે? મને કાંઈ સમજાતું નથી. " પરીશા ને હજુ કાંઈ સમજણ પડી રહી ન હતી સુરેશની વાત માં.

"હું બધું સમજાવું છું પરીશા. પણ એ પહેલાં તું મને વચન આપ કે, હું જે કાંઈ પણ પ્રશ્ન પૂછું એનો સાચો જ ઉત્તર આપીશ. અને મનમાં કોઈ ડર કે ભય રાખીશ નહીં. અને મારામાં વિશ્વાસ રાખીશ."

"હા, સુરેશ. હું વચનબદ્ધ છું. હું સત્ય બોલીશ પરંતુ જો અયોગ્ય પ્રશ્ન હશે તો હું મૌન રહીશ એવું વચન આપું છું. બોલ તારે શું પૂછવું છે. હું ઉત્તર આપવા તૈયાર છું." પરીશા હવે સમજી ગઈ હતી કે, સુરેશ એને શું પૂછવા માંગે છે.

"તું અને મહેશકાકા એકબીજાને જોઈને સ્તબ્ધ કેમ થઈ ગયા? શું તમે બંને પહેલેથી એકબીજાને ઓળખતા હતા? મેં નોંધ્યું કે, તમે બંને એ એકમેકને જોયા અને એક ક્ષણ માટે ચમક્યા અને પછી જાણે તમારા બંને ની આ પહેલી જ મુલાકાત હોય એવો દેખાવ કરવા લાગ્યાં. શા માટે? એનું શું રહસ્ય છે? શું કારણ છે કે, તમે બંને એ મારી અને મીના કાકીની હાજરીમાં આવું વર્તન કર્યું.? સુરેશે પૂછ્યું.

પરીશા ને જે સવાલનો ડર હતો એ જ સવાલ સુરેશે એને પૂછ્યો.

"હા, સુરેશ! હું અને તારા મહેશકાકા અમે બંને એકબીજાને ખૂબ સારી રીતે ઓળખીએ છીએ."

"તો પછી તમે એકબીજાને ઓળખતા નથી એવો દેખાવ કેમ કર્યો? શા માટે? સુરેશે પ્રશ્ન કર્યો.

"સુરેશ, હું અને તારા મહેશકાકા એકબીજાને સારી રીતે ઓળખીએ છીએ એટલું જ હું તને જણાવી શકું એમ છું. એથી વધુ હું હાલના તબક્કે કાંઈ જ વધુ જણાવી શકું એમ નથી. અત્યારે તું આટલાથી જ સંતોષ માન. હું તને સત્ય જરૂર જણાવીશ. પરંતુ હજુ હમણાં નહીં. જ્યારે એનો યોગ્ય સમય પાકશે ત્યારે હું જરૂર તને અને તારા કાકી બંને ને સત્ય જણાવીશ." પરીશા એ બાકીની વાત ટાળવાનો પ્રયત્ન કર્યો.

"સારું, જેવી તારી મરજી. સુરેશે હવે વધું કાંઈ પૂછવાનું મુનાસીબ ન માન્યું.

"ચાલ હું તને હવે ઘરે મૂકી જાવ. ઘણું મોડું થઈ ગયું છે."સુરેશે કહ્યું.

"હા, ચાલ" પરીશા પણ સુરેશ સાથે ગઈ.

સુરેશ પરીશા ને એના ઘરે મૂકી આવ્યો. અને ફરી પોતાના ઘર તરફ પાછો ફર્યો.

રસ્તામાં એ વિચારી રહ્યો "આખરે મહેશકાકા અને પરીશા વચ્ચે શું સંબંધ છે? શું રહસ્ય છે આ બંને વચ્ચેના સંબંધો માં? નક્કી આમાં કંઈક ભેદ જરૂર છે. અને શા માટે પરીશા મને કંઈ ફોડ પાડીને વાત કરતી નથી? એનો સીધો અર્થ તો એવો જ નીકળે છે કે, આ બંનેના સંબંધમાં જરૂર કોઈ રહસ્ય તો છે જ. શું કરું? કાકા ને આ બાબત માં કાંઈ પૂછું કે ન પૂછું?"

આવી બધી દ્વિધાઓમાં અટવાયેલા સુરેશે અંતે નક્કી કર્યું કે, પરીશા તો કાંઈ સત્ય જણાવવા નથી માંગતી. પણ કદાચ કાકા સત્ય જણાવે. માટે એક વખત તો મારે કાકાને સત્ય પૂછવું. જોઈએ પછી કાકા શું ઉત્તર આપે છે.

સુરેશ હવે ઘરે આવી પહોંચ્યો. થોડીવારમાં એના કાકા પણ આવ્યા.

સુરેશે હિંમત કરીને કાકા ને પૂછ્યું, "કાકા, તમને ખરાબ ન લાગે તો એક વાત પૂછું?"

"હા, પૂછ ને બેટા." મહેશે જવાબ આપ્યો.

"કાકા, તમે પરીશા ને ઓળખો છો? મેં અનુભવ્યું કે, જ્યારે તમારી અને પરીશા ની પહેલી મુલાકાત થઈ ત્યારે તમે બંને એકબીજાને જોઈને ચોંકી કેમ ઉઠ્યા? અને થોડી વાર પછી તમે બંને જાણે એકબીજાને ઓળખતા જ નથી એવું વર્તન કેમ કરવા લાગ્યા?" સુરેશે પ્રશ્ન કર્યો.

મહેશે ઉત્તર આપતા કહ્યું, "ના, તારી કાંઈ ગેરસમજ થતી લાગે છે. હું એ છોકરી ને પહેલાં ક્યારેય મળ્યો નથી.

હવે કાકાનો જવાબ સાંભળી સુરેશ મૂંઝાયો. કારણ કે, કાકા અને પરીશા બંને અલગ અલગ વાત કહી રહ્યા હતા.

"સારું કાકા, આ તો મને એવું લાગ્યું એટલે મેં પૂછ્યું." સુરેશે કહ્યું. એમ કહી સુરેશ પોતાના રૂમ માં જતો રહ્યો.

હવે સુરેશ બરાબરનો ગૂંચવાયો હતો. એ વિચારે ચડ્યો. આ પરીશા અને કાકા બંને કાંઈક જુદી જ વાત કરી રહ્યા છે એટલે નક્કી આમ કોઈ મોટો ભેદ તો જણાય જ છે. અને હું હવે કોઈ પણ સંજોગોમાં રહસ્ય નો તાળો મેળવીને જ જંપીશ.