Kaalratri books and stories free download online pdf in Gujarati

કાળરાત્રી-2

પ્રકરણ – 2

(આપણે પેહલા ભાગમાં જોયું કે, બીજા વિશ્વયુદ્ધ સમયે યહૂદી લેખક પોતાના પરીવાર સાથે તે સમયના હંગેરીના સીગેટ નામના ગામમાં રહેતા હતા. સતા પરિવર્તનને કારણે જર્મની તરફી ફાસિસ્ટ પક્ષે દેશની સતા સંભાળી અને જર્મનોએ સીગેટ ગામનો કબજો લીધો. હવે આગળ વાંચો...)

જર્મનોએ અમારા નાનકડા ગામનો કબજો લીધો તે પછી આઠ દિવસ યહૂદીઓનો તહેવાર અને ઉપવાસ હતા. જર્મનોએ યહુદીઓના ધર્મસ્થાનો બંધ કરાવ્યા હતા. દરેક યહૂદી ધર્મગુરુના ઘરે રાત્રે મિટિંગો થવા લાગી હતી. અમે તહેવારોની ઉજવણી કોઈ પણ ઉત્સાહ વગર કરી. સાતમા દિવસે જર્મનોએ યહૂદીઓના સૌથી મોટા ધર્મગુરૂની ધરપકડ કરી.

એ બનાવ પછી ઘટનાઓ અચાનક બનવા લાગી અને અજ્ઞાત ભાવિ તરફની દોડ જાણે ઝડપી બની. સૌથી પેહલો હુકમ એવો આવ્યો કે ત્રણ દિવસ સુધી યહૂદીઓએ ઘરની બહાર પગ મુકવો નહીં. જો કોઈ બહાર નીકળશે તો તેમને મોતની સજા મળશે.

મોઈઝ અમારા ઘરો સામે બોલતો બોલતો નીકળ્યો કે," મેં તમને બધાને ચેતવ્યા હતા પણ તમે બધા મારુ ન માન્યા." આવું બોલીને તે ભાગી ગયો.

તે જ દિવસે હંગેરીયન પોલીસે દરેક યહૂદીઓના ઘરની જડતી લીધી અને તેમની પાસે ઘરેણાં, સોનુ અને બીજી જે કોઈ કિંમતી વસ્તુઓ હતી તેમનો કબજો લીધો. મારા પિતાજીએ અમારી કિંમતી વસ્તુઓને અમારા ઘરની પાછળ દાટી દીધી.

મારી માતા પોતાના રોજિંદા કામોમાં વ્યસ્ત રહેતી. ક્યારેક તે અમારી સામે નિરાશ નજરે જોઈ રહેતી.

ત્રણ દિવસ પછી બીજો આદેશ આવ્યો કે દરેક યહૂદીએ ફરજીયાત પીળા કલરનો ડેવિડના સ્ટારનો પટ્ટો બાવડા પર પહેરવો.

યહૂદી સમાજના કેટલાક આગેવાનો મારા પિતાજીને મળવા આવ્યા. મારા પિતાની હંગેરીયન પોલીસમાં થોડી ઓળખાણ હતી. મારા પિતા હજુ આશાવાદી હતા. તેમના મતે માત્ર સ્ટાર હાથ પર પહેરવાથી કશો ફેર પડવાનો ન હતો. તેમના મતે આ એક બિનહાનિકારક આદેશ હતો.

નવા આદેશો આવતા રહ્યા. રેસ્ટોરન્ટમાં જવા પર પ્રતિબંધ, સાંજે છ વાગ્યા પછી બહાર નીકળવા પર પ્રતિબંધ, યહૂદી ધર્મસ્થળો પર ભેગા થવા પર પ્રતિબંધ - અલગ અલગ પ્રતિબંધો આવતા ગયા અને અમે ચુપચાપ સહન કરતા ગયા.

અને પછી આવી યહૂદીઓ માટેની અલગ ઝુપડપટ્ટી(Ghetto).

સીગેટમાં બે પ્રકારની યહૂદીઓ માટેની ઝુંપડપટ્ટીઓ બનાવવામાં આવી. એક મોટી જે ચાર શેરીઓ જેટલી જગ્યા રોકતી હતી, તે ગામની વચ્ચે બનાવવામાં આવી. જયારે બીજી નાની જે ગામની બહાર બે શેરીઓ જેટલી જગ્યા રોકતી હતી. અમારું ઘર મોટી ઝુપડપટ્ટીની અંદર આવતું હતું એટલે અમારે સ્થળાન્તર ન કરવું પડ્યું પણ ઘરનો એક ભાગ સામાન્ય લોકોના વસવાટ તરફ પડતો હોવાથી બંધ કરી દેવામાં આવ્યો. તે બાજુ પડતા બારી-બારણાં સીલ કરી દેવામાં આવ્યા. ગામમાં રહેતા કેટલાક યહૂદીઓને પણ તેમના ઘર જપ્ત કરીને અહીં લાવવામાં આવ્યા. અમે અમારા બેઘર થયેલા સગાઓ માટે કેટલાક ઓરડાઓ ખાલી કરી આપ્યા.

ધીરે ધીરે અમારું જીવન આ બધા ફેરફારો છતાં સામાન્ય થતું ગયું. અમારી ઝુંપડપટ્ટીઓની આસપાસ બનાવવામાં આવેલી કાંટાળી વાડ અમને ભય પમાડતી નોહતી પણ જાણે યહૂદીઓનું અલગ રાજ્ય બનાવવામાં આવ્યું હોય તેવું લાગતું હતું. અમને ગામના બીજા લોકોથી તદ્દન અલગ પાડી દેવામાં આવ્યા હતા. અલગ યહૂદી પંચાયત, યહૂદી પોલીસ, સામાજિક કલ્યાણ સમિતિ, કામદાર સમિતિ અને આરોગ્ય સમિતિની રચના કરવામાં આવી હતી. એક અલગ "યહૂદી પ્રજાસતાક" અમારા માટે બનાવવામાં આવ્યું.

ઘણા યહૂદીઓને આ વાત સારી લાગતી. તેમને લાગતું કે હવે તેમને લોકોની ધિક્કારભરી નજરો અને ઘાતકી ચહેરાઓનો સામનો નહીં કરવો પડે. તેઓ પોતે આ અલગ વિભાગમાં કોઈ પણ જાતની પજવણી વગર રહી શકવાના હતા.

તેમ છતાં રોજ દુઃખદ ઘટનાઓ બનતી રહેતી. દરરોજ જર્મનો લશ્કરી રેલગાડીઓમાં કોલસા ભરવા માટે મજૂરોને શોધવા આવતા હતા. આ કામ માટે સ્વેચ્છાએ જનારા તેમને બહુ ઓછા યહૂદીઓ મળતા. જે જવા નોહતા માંગતા તેમને બળજબરી ઉઠાવી જવામાં આવતા. આવી ઘટનાઓ સિવાય વાતાવરણ મોટેભાગે શાંત રહેતું.

ઘણા લોકો માનતા કે યહૂદીઓને આ ઝુંપડપટ્ટીઓમાં યુદ્ધના અંત સુધી અથવા જ્યાં સુધી રશીયન સૈન્ય તેમને છોડાવે નહીં ત્યાં સુધી રેહવું પડશે. ત્યારબાદ બધું જ ફરીથી પેહલા જેવું થઇ જશે. આ એક મોટી ભ્રમણા હતી.

યહૂદીઓના મુખ્ય તહેવારના બે અઠવાડિયા પેહલા બધું એકદમ રાબેતા મુજબ ચાલતું હતું. વસંતનો એ ખુશનુમા દિવસ હતો. ઝૂંપડપટ્ટીમાં લોકો શાંતિથી ફરી રહ્યા હતા. હું મારા કેટલાક મિત્રો સાથે એક શિક્ષકના ઘરે અભ્યાસ કરી રહ્યો હતો.

રાત્રિનો સમય થયો. આશરે વીસેક વ્યક્તિઓ અમારા ઘરે ત્યારની પરિસ્થિતિની મારા પિતા સાથે ચર્ચા કરવા ભેગા થયા હતા. મારા પિતા બધાને સાંત્વના આપી રહ્યા હતા.

અચાનક દરવાજો ખુલ્યો અને જર્મનો દ્વારા બનાવાયેલી યહૂદી પોલીસનો એક અધિકારી, જે પહેલા એક દુકાનદાર હતો અને મારા પિતાનો મિત્ર હતો, અંદર આવ્યો. તે મારા પિતાને એક તરફ લઇ ગયો અને વાત કરવા લાગ્યો. અમે એ અંધકારમાં પણ મારા પિતાના મોં પર ગભરાટના ભાવ આવતા જોયા.

"શું થયું?" અમે પૂછ્યું.

"મને ખબર નથી. મને અચાનક પંચાયતની બેઠકમાં બોલાવવામાં આવ્યો છે. જરૂર કઈંક બન્યું છે. હું અત્યારે જ નિકળુ છું. હું જલદી પાછો આવીશ. તમે બધા મારી રાહ જુઓ. હું પાછો આવીને તમને જણાવું." એમ કહીને મારા પિતા બહાર નીકળી ગયા.

અમે બધા રાહ જોવા તૈયાર હતા. અમારા ઘરનું ફળિયું ઓપરેશન રૂમની બહારના વેઇટિંગ એરિયામાં ફેરવાઈ ગયું. પડોસીઓ, જેમણે અફવાઓ સાંભળી હતી, તેઓ પણ જોડાયા. સમય જાણે થંભી ગયો હોય તેમ લાગતું હતું. કોઈ પણ વ્યક્તિ પુરા સમાચાર સાંભળ્યા સિવાય ત્યાંથી હટવા માંગતું નોહતું.

"મને કોઈ અમંગળના એંધાણ આવે છે. આજે સવારે મેં શેરીમાં બે અજાણ્યા જર્મન અધિકારીઓને જોયા હતા. મને તેઓ જર્મન ખુફિયા પોલીસ ગેસ્ટાપોના અધિકારીઓ જેવા લાગ્યા. જર્મન અધિકારીઓ સામાન્ય રીતે અહીં આવતા નથી." મારી માતાએ ચિંતા વ્યક્ત કરી.

મધરાત થવા આવી તો પણ મારા પિતા પાછા ન આવ્યા. લોકો હજુ પણ મારા ઘર પર જ હતા. થોડા પોતાના ઘરે જઈને સ્વજનોની ભાળ લઇ આવ્યા હતા. તો કેટલાક મારા પિતા પાછા આવે તો બોલાવવાનું કહીને ગયા.

મધરાત પછી મારા પિતા પાછા ફર્યા. તેમનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. લોકો તેમને ઘેરી વળ્યા.

" શું થવા જઈ રહ્યું છે? મહેરબાની કરીને કહો કે એ લોકો શું કરવા જઈ રહ્યા છે?" બધા એક જ પ્રશ્ન પૂછી રહ્યા હતા.

ત્યારે અમે એક સારા સમાચાર સાંભળવા માંગતા હતા. અમે ઇચ્છતા હતા કે મારા પિતા અમને કહે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બધું બરાબર છે. પણ મારા પિતાનો ચેહરો જોઈને કોઈ પણ કહી શકતું હતું કે સમાચાર સારા ન હતા.

"બહુ ખરાબ સમાચાર છે." મારા પિતા અંતે બોલ્યા અને તેમણે ઉમેર્યું," તેઓ આપણને અહીંથી દૂર લઇ જઈ રહ્યા છે. આપણે સૌ એ અહીંથી જવું પડશે. ઝુંપડપટ્ટીઓ ખાલી કરવી પડશે. કાલથી દરેક શેરીઓને વારાફરતી ખાલી કરવામાં આવશે."

અમને બધાને આઘાત લાગ્યો. જાણે કોઈએ સાચે જ મૂળથી ઉખેડીને અમને ફેંકી દીધા હોય તેવું લાગ્યું. ઘણા પુરી માહિતી મેળવવા માંગતા હતા.

"તેઓ આપણને ક્યાં લઇ જવાના છે?"

આ પ્રશ્નનો જવાબ કોઈની પાસે નોહતો. કોઈ જાણતું નોહતું. માત્ર યહૂદી પંચાયતનો વડો જ એ વાત જાણતો હતો કે અમને ક્યાં લઇ જવાના છે પણ તે અમને જણાવી શકે તેમ નોહતો કેમ,કે ગેસ્ટાપોના અધિકારીઓએ તે કોઈને માહિતી આપે તો મારી નાખવાની ધમકી આપી હતી.

"કેટલીક અફવાઓ એવી છે કે આપણે અહીંયા યુદ્ધના મોરચાની નજીક છીએ એટલે તેઓ આપણને હંગેરીમાં ક્યાંક ઈંટોની ફેકટરીઓમાં કામ કરવા લઇ જશે." મારા પિતા બોલ્યા.

થોડીવાર ચૂપ રહ્યા પછી તેમણે ઉમેર્યું," દરેક વ્યક્તિને એક થેલો, થોડું ખાવાનું અને થોડા કપડાં સિવાય બીજી કોઈ ચીજ સાથે લઇ જવાની છૂટ નથી."

ફરીથી એકવાર ટોળામાં સ્મશાનવત શાંતિ છવાઈ ગઈ.

"જાઓ પોતપોતાના પાડોસીઓને જાણ કરો, તેમણે પણ સવારે તૈયાર રહેવું પડશે." મારા પિતાએ કહ્યું.

મારી આસપાસના લોકો જાણે પડછાયાઓ ઊંઘ માંથી ઉઠ્યા હોય તેમ અંધારામાં વિખરાઈ ગયા.

થોડીવાર આમારું પરીવાર એકલું પડ્યું. અચાનક મારા માસી જે તેમનું ઘર જર્મનોએ જપ્ત કરી લેતા અમારી સાથે રહેવા આવ્યા હતા તેમણે આવીને કહ્યું," આપણી ગામ તરફ પડતી(જર્મનોએ સીલ કરેલી) બારી પર કોઈ ટકોરા મારી રહ્યું છે."

મને યુદ્વ પછી ખબર પડી કે તે રાત્રે બારીએ ટકોરા મારનાર વ્યક્તિ મારા પિતાના એક મિત્ર હતા જે હંગેરીયન પોલીસમાં કામ કરતા હતા. તેમણે મારા પિતાને વચન આપેલું કે જયારે તેમને એમ લાગશે કે અમે મુસીબતમાં છીએ ત્યારે તેઓ અમને ચેતવશે. જો તે રાત્રે અમે તે બારી સમયસર ખોલી શક્યા હોત તો કદાચ અમને તેમની ચેતવણી મળી ગઈ હોત અને અમે ત્યાંથી સમયસર નાસી શક્યા હોત. પણ એવું કઈં જ બન્યું નહીં. અમે જયારે સીલ કરેલી તે બારી ખોલી ત્યારે બારી બહાર કોઈ નહોતું.

(શું લેખકનો પરિવાર આ વિષમ પરિસ્થિતિમાંથી નીકળી શકશે? જર્મનો સીગેટના યહૂદીઓને ક્યાં લઇ જશે? જાણવા માટે વાંચો, ત્રીજો ભાગ)