Navi-navaaini nanad books and stories free download online pdf in Gujarati

નવી-નવાઈની નણંદ - એક પાત્રીય અભિનય

નવી-નવાઈની નણંદ

એક પાત્રીય અભિનય

(સ્ટેજ ઉપર ડ્રોઈંગરૂમ, સામેના ભાગે બે રૂમ, બાજુમાં એક છેડે રસોડુ, તેની સામેની બાજુ એક છેડે ડ્રોઈંગરૂમનું પ્રવેશદ્વાર હોય તેમ)

(ડ્રોઈંગરૂમના બારણે બહાર અવનિ – (નણંદ) પ્રવેશે. સુટકેશ નીચે મૂકતી હોય અને થેલો ખભે હોય તેમ ઊભા રહીને ડોરબેલ વગાડવાનો અભિનય કરે, થોડીવાર થોભીને ઉપરાઉપરી બે-ત્રણ વખત સ્વિચ દબાવે, ઘડિયાળમાં જુએ)

જુઓને... આ પિયર કાંઈ પહેલી વખત નથી આવતી ! પણ મનમાં આજે જ ઉતાવળ છે અને આજે જ કોઈ જલદી ખોલતું નથી. અરે કહું છું.... જલદી ખોલો... કોઈક તો ખોલો !

(બારણાની તિરાડમાંથી જોવાનો પ્રયત્ન કરે)

(માથે હાથ દેતાં...) મારી પણ અક્કલ ચરવા ગઈ લાગે છે ! આમાં ક્યાંથી કોઈ દેખાશે ! (થેલો સરખો કરતાં) અને, આ થેલો પણ... ! કંટાળો કરી દીધો છે ! હાશ, મમ્મીની બૂમ સંભળાઈ ખરી. અને જુઓ ! મમ્મી બૂમાબૂમ કરશે, પણ પોતે ઊભા થઈને નહીં ખોલે. વળી મને અચાનક જોશે એટલે કહેશે કે જાણ પણ કરતી નથી, મોબાઈલ શું બાળવા રાખ્યા છે ?

(બારણું ઊઘડતું હોય તેમ) હાશ, ખૂલે છે...! (બારણું ખૂલતાં) હાય, શીલું ! (સુટકેશ લઈને પ્રવેશીને વળી સુટકેશ અને થેલો નીચે બાજુમાં મૂકીને શીલાને ભેટી પડે, થોડીવાર પછી છૂટા પડી, બે હાથથી ચહેરો પકડી સામે રાખી) કેમ મજામાં છે ને ? આમ કન્ફ્યુઝ ન થા, હું અવનિ જ છુ ! (શબ્દો છૂટા પાડી) તારી લાડકી નણંદ અવનિ જ. કોઈ કૌતુક નથી કે આમ સૂનમૂન થઈ ગઈ છો ! અચ્છા, (કેડે હાથ દઈ) તને થતું હશે કે આ અચાનક શીલાભાભીમાંથી શીલા પણ નહીં અને સીધું જ શીલું ! સાચી વાત છે, નવાઈ તો લાગે જ. પણ હું આ ‘તમે’માંથી ‘તું’ ઉપર આવી ગઈ તેનો વાંધો નથી ને ? જો કે તને વાંધો હશે તો પણ હું હવે તને ‘તું’ જ કહીશ. તને થશે કે આ તો નવી-નવાઈની નણંદ કહેવાય ! પણ ઉતાવળ ન કરજે, ધીમેધીમે હું આવી ઘણી બધી નવાઈઓ તને બતાવીશ.

જય શ્રી કૃષ્ણ, મમ્મી ! (પગે પડતાં) અને તું પણ એમ આંખો પહોળી ન કર. અરે, તમે બંને મને આમ કેમ જોઈ રહ્યાં છો ? મેં કહ્યું ને કે હું અવનિ જ છું કોઈ કૌતુક નથી. બી રિલેક્સ !

અરે... હા, આ (સુટકેશ અને થેલા સામું જોઈ) આટલો બધો સામાન અને પાછી કોઈપણ જાતની જાણ કર્યા વગર ! એમ જ ને ? તમને થતું હશે કે સાસરીમાં ઝગડીને આવી લાગે છે ! નહીં ? પણ ચિંતા ન કરશો, એવું કાંઈ નથી અને હું આખો દિવસ પડી નહીં રહું, કામમાં મદદ કરીશ. (સ્વગત) પહેલાં હું અહી કશું જ નહોતી કરતી પણ સાસરામાં જઈને બધું જ કામ શીખી ગઈ છું.

(સ્ટેજના આગળના ભાગે એક છેડે જઈને) શું કહું કે શીખી નથી ગઈ પણ મારી સાસુએ મને ઘણું શીખવાડી દીધું છે ! (એકદમ નિરાશાથી) ઘણું બધું શીખવાડી દીધું છે ! ઘણું બધું... કહો કે, બધું જ શીખવાડી દીધું છે !

(સ્ટેજના આગળના જ ભાગે પણ બીજા છેડે જઈને) પણ હા એક વાત કહીશ કે મારા પતિ બહું જ સ્પેશ્યલ છે. મારા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ બધું જ..! મેં અહીં શીલાભાભીને અન્યાય કર્યાની વાત એમને કરી અને અમે પતિ-પત્ની બંનેએ આ પ્લાન બનાવ્યો. હવે મારે માત્ર ભૂલો નથી સ્વીકારવાની પણ મારા પતિએ તો કહ્યું છે કે ક્યારેય માત્ર ‘સોરી’ કહેવાથી કામ પૂરું નથી થતું એટલે એ ભૂલોના કારણે થયેલ નુકશાનની પણ ભરપાઈ કરવાની છે, શીલાને બહુ બધી ખુશીઓ આપવાની છે અને અપાવવાની છે.

(નવા દ્રશ્યમાં)

(રસોડા તરફ) અને શીલા, આ રસોડું હવેથી બધાંના-એટલે કે મારા, તારા અને મમ્મીના કોમન ચાર્જમાં રહેશે ! (બે-ત્રણ પ્રકારનાં કામ કરે)

(થોડીવારે શીલાને રૂમમાં લઈ જઈને સામે) અને શીલું... મારા વોર્ડરોબમાં રહેતી આ બધી વસ્તુઓ હવે આપણી બંનેની છે ! અને તારે અત્યારે જ મારો આ નવો ડ્રેસ પહેરવાનો છે. આ ડ્રેસ પહેર્યા વગર અહી ડ્રોઇંગરૂમમાં આવી છે તો મારા સમ છે ! (ડ્રોઇંગરૂમમાં બીજું થોડું કામ કરે- થોડા ઊંચા અવાજે-) અને હા હવે તારે તારું અધૂરું મૂકેલું ભરત નાટ્યમ (નૃત્યની મુદ્રા – અને શબ્દો બોલતાં) પણ પૂરું કરવાનું છે.

(શીલા બહાર આવી હોય તેમ) અરે વાહ ! લાગે છે ને ઢીંગલી ! (નજીક જઈ આંખેથી કાજળ લઈ ટીકો કરતાં) હાં, કોઈની નજર ન લાગે !

(નણંદ-ભોજાઈના કોઈ ગીતનો ઉલ્લેખ કરીને એ ગીત ગાય)

શું કહે છે, મમ્મી... ? કહે કહે... ! હા પણ મને ખબર છે, તું નહિ કહી શકે. હું કહું ? મમ્મી કહેતી હશે કે, અવનિને સાસરામાં કાંઈક વાંકું પડ્યું લાગે છે અને મને એ પણ ખબર છે કે મમ્મી અને ભાઈ મારા સાસરામાં ફોન કરે છે. પણ એવું કાંઈ નથી. પણ શીલું મને સાસરામાં જઈને ખબર પડી કે એક કન્યા લગ્ન પછી એક જ ઝાટકે બધુ જ છોડીને એક સાવ અજાણ્યા ઘરને પોતાનું બનાવવાનું કેટલું મોટું સાહસ હાથમાં લે છે ! અને ત્યાં જો એની સાથે સારો વ્યવહાર ન થાય તો એની શી દશા થાય છે એ મેં બહુ સારી રીતે અનુભવ્યું છે. અહીં હું તારી સાથે કેવું કરતી હતી નહીં ?

(જુનું દ્રશ્ય બતાવતી હોય તેમ)

‘એય, ભાભી ! મારો નાસ્તો હજી તૈયાર નથી કર્યો ? ક્યારે થશે ? તમને ખબર છે મારે કેટલું મોડું થાય છે ?’, ‘ભાભી, મારાં બીજાં કપડાં તમે પ્રેસ કર્યા... આ કપડાં નથી કર્યા ?’ અને મમ્મી તો... ‘શીલા, તેં આ કચરો વાળ્યો છે ? કામમાં કાંઈ ભલીવાર નથી. બધા કામમાં વેઠ વાળે છે..!’ અને એવું કેટલું બધું...!

(સ્ટેજની આગળ આવતાં આવતાં...) શીલા, મારા કારણે તારી ઘણી ખુશીઓ છીનવાઈ ગઈ હતી, એ બધી ખુશીઓ હું તને પાછી આપીશ, તારી નણંદ અને વિશેષ તારી બહેનપણી બનીને...!

(મૂળ દ્રશ્યમાં)

અને એટલે હું હવે અહીં રહીને... ખાલી રહીને નહીં પણ કાંઈક કરીને જઈશ.

(નવા દ્રશ્યમાં)

મમ્મી, હું જે કરું છું એ તને નથી ગમતું નહીં ? અને શીલાને હું બગાડું છું એમ ? પણ એવું નથી. મમ્મી આપણે શીલાને બહુ અન્યાય કર્યો છે એ મને ત્યારે ખબર પડી જયારે એવું વર્તન સાસરામાં મારી સાથે થયું.. થયેલી ભૂલ હવે આપણે સુધારવી પડશે મમ્મી.. અને હું ક્યારે સાસરે જઈશ એ જ તારે જાણવું છે ને ? તો સાંભળ, આ શીલુને તું દીકરીની જેમ નહીં રાખે ત્યાં સુધી હું સાસરે નહીં જાઉં. મમ્મી તારે ‘દીકરી’નો પ્રેમ જોઈએ છે તો પહેલાં ‘મા’નો પ્રેમ આપતાં શીખ... અને આ શીલા આપણા માટે શું નથી કરતી ? તારી કાળજી તો મારા કરતાં પણ એ વધારે સારી રીતે રાખે છે. તો એને જ તું દીકરી કેમ નથી બનાવી લેતી ?

(નજીક જઈ) મમ્મી, શીલુને તું દીકરીની જેમ રાખ ! હું તને વિનંતી કરું છું. (બે હાથ જોડે) (લાગણીભીના અવાજે) શીલુને તું દીકરી બનાવી લે ! (બંને ઘૂંટણ પર બેસતાં...) પ્લીઝ મમ્મી, શીલુંને દીકરી બનાવી લે....!

***