Ochinti Mulakat books and stories free download online pdf in Gujarati

ઓચિંતી મુલાકાત...

ભાગ ૩

હજી વધુ ૨ દિવસ રાહ જોયા બાદ આખરે માયાના સાસુ-સસરા એ પોલીસ સ્ટેશનમાં સત્યના ગાયબ થવાની ફરિયાદ નોંધાવી. એરપોર્ટ પર સત્ય ઉતર્યો પણ હતો તો પછી એ ઘરે કે પછી માયા ને એના પિયર મળવા કેમ ના ગયો? આખરે સત્ય હતો ક્યાં? શું એ ખરેખર દુબઈ ગયો હતો? એ હજી પણ ત્યાં જ હતો? કોઈ મુસીબતમાં હતો? મુંબઈ સાચે પાછો આવ્યો હતો? કે કશે બીજે ગયો હતો? અને અગર મુંબઈમાં હતો તો હતો ક્યાં? સત્યની ચિંતા એના માં-બાપ અને સહુથી વધુ માયાને કોરી ખાતી હતી. એમાં પણ જયારે માયાને પોતે પ્રેગનેન્ટ છે એ વાતની જાણ થઇ ત્યારે એના માટે સત્ય વિના સહેવું અસહ્ય થઇ રહ્યું. કેટકેટલી અને જાતજાતની માનતા-બાધા કરી જોઈ પણ સત્યના કોઈ સમાચાર ના આવ્યા તો ના જ આવ્યા. બધાએ હવે ધીરે ધીરે સત્યની જીવિત પાછા આવાની આશા છોડી દીધી હતી. પોતાની પુત્રવધુને પાછા મુંબઈ લાવા માટે કેટલા વાના કરી જોયા પણ સત્યની ગેરહાજરીમાં એ ઘરમાં પગ મુકવાના વિચાર સુદ્ધાથી માયાને કંપારી છૂટી જતી હતી એટલે એણે ડીલીવરી સુધી પોતાના પિયરમાં જ રહેવાનું નક્કી કર્યું. જયારે જયારે એ ડોક્ટર પાસે સોનોગ્રાફી અને ચેકઅપ માટે જતી ત્યારે ત્યારે એને સત્યની ખોટ વધુ સાલતી. રોજ સવારે આજે સત્ય પાછો આવશે એ આશા સાથે ઉઠતી અને રાતે પણ એ જ આશા સાથે ઊંઘતી. પોતાની દીકરીને આમ સુનમુન બેઠેલી જોઈ માયાના માં-બાપ છાનેમાને રડી લેતા પણ માયા સામે તદ્દન નોર્મલ રીતે વર્તતા કેમકે એ પોતાની દીકરી નું દુખ વધારવા માંગતા નહોતા. જોતજોતામાં માયાના સંતાનનો ડીલીવરીનો દિવસ આવી પહોચ્યો. તારીખ ખબર હોવાથી એના સાસુ-સસરા અગાઉથી જ માયાના પિયરએ આવી પહોચેલા. પોતાના પ્રેમ કૃષ્ણના જન્મની જેમ જ માયાએ અડધી રાતે પરીને પણ શરમાવે એવી દીકરીને જન્મ આપ્યો હતો. પોતાના હાથમાં દીકરીને લેતા અને જોતાવેંત જ માયા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી અને એની આજુબાજુના બધા ને એના રુદનનું કારણ જાણીતું હતું પણ બધા એ એને રડવા દીધી કેમકે આટલા મહિનાઓના સત્યના વિરહમાં જે લાગણીઓ છુપી હતી એ આજે બહાર આવી રહી હતી આખરે સત્ય અને માયાના પ્રેમનું બીજ એના હાથમાં જો હતું. દીકરીને છાંતીસરસો ચાંપીને માયા એણે નિહારતી જ રહી, પોતે ધારી હતી એનાથી ઘણા અંશે ગોરી દીકરી હતી એની, આંખો જોઇને એને સત્ય ની યાદ વધુ તાજી થઇ ગઈ, ફૂલની પાંખડી જેવા એના ગુલાબી ગાલ, કુદરતી લાલી જેવા કુણા કુણા હોંઠ, બધું જ જાણે સાક્ષાત પરી જ. પૌત્રીના જન્મની ખુશીમાં દાદા-દાદી એ ઓફીસમાં મીઠાઈ વહેચી અને નાના-નાની એ આખીયે શેરીમાં પેડા વહેચ્યા. માયાના સસરા મુંબઈ અને માયાના પિયર આવતા જતા રહેતા કેમકે સત્યની ગેરહાજરીમાં બિઝનેસની તદ્દન જવાબદારી એમના પર હતી,જયારે એના સાસુએ માયાના પિયરમાં જ રહેવાનું નક્કી કર્યું કેમકે પોતે દીકરો ખોઈ ચુક્યા હતા, દીકરાનો અંશ એમણે નજર સામેથી દુર નહોતો કરવો. પોતાની દીકરીને આટલું સારું સાસરું મળ્યું છે એ જાણી માયાના માં-બાપની ખુશીનો પાર નહોતો. કૃષ્ણ ઘેલી માયા એ પોતાની દીકરી નું નામ એનું મો જોતાવેત નક્કી કરી દીધેલું અને બધાને પસંદ પણ પડ્યું હતું “બંસરી”! ઘરના વડીલોના સંસ્કાર અને માં ના પ્રેમથી બંસરી ઉમર કરતા જલ્દી મોટી થવા લાગી હતી. સાસુ મુંબઈ પાછા ગયા પછી હવે તો માયા પણ મુંબઈ અને પિયર વચ્ચે જવા આવવા લાગી હતી. સત્યનો ફોટો માયા બંસરીને દરરોજ અચૂક બતાવતી અને એના ઉચ્ચ ગુણો દીકરીમાં સંચારતી. જયારે જયારે સત્યની કંઈક ખબર મળતી તો માયા ત્યાં દોડી જતી પણ સરવાળે મીંડું. જોતજોતામાં વર્ષો વીતી ગયા. બંસરી સ્કુલ જવા જેટલી થઇ ગઈ ત્યાં સુધી માયાએ પણ કશે કામ શોધ્યું નહોતું, એમ પણ એને જરૂર હતી જ નહિ કેમકે ઘરનો બિઝનેસ હતો એ છતાં બંસરીએ પ્લે-સ્કુલ જવાનું ચાલુ કર્યું ત્યારે માયાએ નજીકમાં જ પાર્ટ-ટાઇમ નોકરી શોધી લીધી. સાસુ-સસરા કહી કહીને થાક્યા હતા કે મુંબઈ આવી જાઓ બંને જણા, બંસરીની સારી દેખભાળ પણ થઇ શકે પણ માયાએ પોતાના દમ પર બંસરીને મોટા કરવાનું નક્કી કર્યું અને એ જ વિચાર સાથે એ પાછી એ જ શહેરમાં આવી જ્યાં એ મોહને મળી હતી. ઘણા સમયથી એને પણ જાગૃતતા હતી કે જો મોહ હજી પણ આજ શહેરમાં હશે તો ક્યાંક ને ક્યાંક તો મળી જ જશે કોઈક દિવસ. અને આજે એવું જ થયું. એવું નહોતું કે એણે મોહ પ્રત્યે આકર્ષણ થયું હતું પરંતુ હજી પણ એના માટે ની જગ્યા જે બની હતી એના હૃદયમાં એ અકબંધ હતી પણ એણે તરત જ પોતાનો વિચાર બદલી નાખ્યો કેમકે હવે કોઈક ની માં છે અને કદાચ કોઈની “વિધવા” પણ. અને એવું પણ બની શકે કે મોહ ની દુનિયામાં પણ કોઈક નું સ્થાન થઇ ગયું હોય. વધુ કઈ વિચાર આવે એ પહેલા એણે પોતાના મનને કામમાં વળગાડી દીધું. હવે તો તેને પણ લાગવા લાગેલું કે સત્ય પાછો નહિ જ આવે.

બીજા દિવસે અનાયાસે જ ઓફીસથી પાછા આવતા માયાથી પેલા કેફેમાં જવાયું જ્યાં મોહને એ વર્ષો સુધી મળી હતી. તેમના ચોક્કસ ટેબલ પર જઈને બેસતા સંગાત એણે બધું તાજું થઇ ગયું, રોજ એ રોજ ની મુલાકાતો, સૌથી સુંદર ગાળો હતો જીવન નો એવું તેને લાગ્યું. હવે તો કેફે નો સ્ટાફ તદ્દન નવો થઇ ગયો હતો, પણ હા, માલિક એણે જોઇને ઓળખી ગયો અને તરત બોલી ઉઠ્યો “અગર મારી ભૂલ ના થતી હોય તો તમે માયા જ છો?” માયા મલકાઈ અને બોલી “હા, હું માયા જ છું.મને ગમ્યું કે હું હજી પણ તમને યાદ છું.” “અરે મેડમ, કેમ ના ભુલાવો તમે અને પેલા સાહેબ. તમે એક માત્ર એવું કપલ હતા જે ભૂલ્યા વગર મારા કેફેમાં રેગ્યુલર આવતા” “સાહેબ તો હજી પણ આવે જ છે” “આવતા જ હશે બસ, એમનો સમય થવા આવ્યો છે”. હજી માલિક આટલું બોલતા જ હતા ત્યાં તો મોહ કેફેમાં પ્રવેશ્યો અને માયા સાથે એની અચાનક નજર મળી. અને એને આ ફરીથી ઓચિંતી મુલાકાત ગમી જે એના ગાલ પર દેખાઈ આવી. તરત જ તે માયાના ટેબલ તરફ આગળ વધ્યો અને પૂછ્યું “હું અહિયાં બેસી શકું?” માયાએ હકારમાં ડોકું હલાવ્યું અને એ બેય ને એકલા મુકીને માલિક પોતાના કામમાં પરોવાઈ ગયા. માયા અસમંજસમાં હતી કેમકે અહિયાં આવતા પહેલા એણે એક સેકંડ માટે પણ નહોતું વિચાર્યું કે મોહ સાથે મુલાકાત થશે અને એ પણ ઓચિંતી. વળી પાછી ભૂતકાળમાં સરી પડે એ પહેલા માયાએ વાત કરવાનું શરૂ કર્યું, જે મોહને ગમ્યું કેમકે આજે તે કઈ જ બોલવાના મૂડમાં નહોતો. માયા પાસે સમય જ સમય હતો કેમકે બંસરી સ્કુલમાંથી છેક સાંજે છુટવાની હતી અને હજી માંડ ૧ વાગ્યો હતો બપોરનો. મોહ ને એમ તો ઓફીસ જવાનું હતું પરંતુ તેણે પોતાના સ્ટાફને મેસેજ કરીને જણાવી દીધું કે પોતે કોઈ કામમાં અટવાયો છે એટલે સીધો કાલે જ ઓફીસ આવશે. એટલે બંને જણા પાસે પુરતો સમય હતો પાછલા ૯ વર્ષ એકબીજાને કહેવા માટે. મોહના પૂછ્યા વિના જ માયાએ એને પોતાના ગયા પછી થી આજ સુધી ની આપવીતી મોહને વર્ણવી. બધું જાણ્યા પછી મોહને માયા માટે વધુ માન જાગ્યું કેમકે એને માયા એકલી બંસરીને મોટી કરે છે એ વાત સૌથી વધુ પસંદ આવી. સત્યના ખોવાવા વાળી વાતે મોહને દુખી કરી નાખ્યો. ઉમર સાથે પરિપક્વતા આપોઆપ આવી જાય છે, જયારે આપણે કોઈને પ્રેમ કર્યો હોય, તેઓ સુખી હોય – ભલે આપણા જોડે નહીતો કોઈ બીજા જોડે, તે જોઈ આપણાને પણ ખુશી થાય, તેમના દુખ જોઇને આપણે પણ દુખી થઈએ, તેમને તકલીફમાં જોઇને આપણે પણ બેચેની અનુભવીએ, આ બધું ત્યારે જ થાય જયારે તમે નિસ્વાર્થપણે કોઈને ખરા દિલથી ચાહો. માયા થોડી ગદગદ થઇ છે જાણીને મોહએ તેમની બેય ની પસંદીદા કોફી ઓર્ડર કરી. પોતાના જુના કસ્ટમરને સાથે બેસેલા જોઇને માલિકને પણ ગમ્યું, અને સ્ટાફને પણ કહી દીધું કે એમને પરેશાન ના કરે. કોફીની સોડમ આવતા સાથે, આદત પ્રમાણે પહેલા બેય હાથે કપને ઉચકીને માયા એ નાક સુધી લાવીને સુંઘી અને પછી પાછી મૂકી. મોહને આ દ્રશ્ય જોવું કાયમ ગમતું. માયાને જાણે આ બધું કેટલું મિસ કર્યું એવું લાગ્યું. પહેલા સીપ લેતાની સાથે જ માયા ના મોઢા પર અજબ ની શાંતિ છવાઈ, જાણે કોફી એ એના દિલ ને અડ્યું હોય. મોહ માયાની દરેક હરકતને માણી રહ્યો હતો, માયા એ વાતથી અજાણ નહોતી. પોતે બિઝનેસમાં સરસ સેટ થઇ ગયો છે અને હજી પણ સિંગલ છે એ વાત મોહ એ ભાર દઈને કીધું, કેમ એ માયા જાણતી હતી. માયાને દુખ થયું કે પોતાના જવા પછી મોહ એ સ્થાન કોઈ બીજાને આપી જ ના શક્યો અને ત્યારથી લઈને આજ સુધી એકલો જ છે, જયારે પોતાના પાસે સત્ય હતો અને હવે બંસરી છે, એના જીવવાની એકમાત્ર આશા. કેટલી અજીબ વાત છે નઈ? ઘણા લોકો પાસે પ્રેમ ની કતારો હોય છે જયારે અમુક લોકો એક જ પ્રેમની યાદોમાં આખી જીંદગી વિતાવી કાઢે છે. બંને એ શરૂઆત કરી ત્યારે એકલા હતા, અને આજે બધું હોવા છતાં એકલા જ છે, અંદરથી. વાતો વાતોમાં ક્યારે સાંજ પડી ગઈ તેનો બંનેને જરા પણ ખ્યાલના આવ્યો હોત અગર બંસરીની સ્કુલમાંથી માયા પર લેવા આવાનો ફોન ના આવ્યો હોત. પોતે ફરીથી ચોક્કસ મળશે એ વાયદા સાથે બંને અલગ પડ્યા. કંઇક સરખી આશા સાથે...

વધુ આવતા અંકે...

પ્રિતુ રાણા

વ્યવસાયિક ચિકિત્સક