Chorati books and stories free download online pdf in Gujarati

ચોરટી

ચોરટી

ગુજરાત મેલ આજે સમયસર સવારે સાત વાગે અમદાવાદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં.3 પર આવ્યો. અભય એક હાથમાં સૂટકેસ અને બીજા હાથમાં લેપટોપ બેગ લઈને ઉતર્યો અને સ્ટેશનની બહાર તેની રાહ જોઈ રહેલ વિનોદ પાસે પહોંચ્યો.

“ગુડ મોર્નિંગ, સર” શુભલાભ ફાઈનાન્સ કંપનીના કર્મચારી વિનોદે મુંબઈ હેડઓફિસના સિનીયરનું અભિવાદન કરતાં સૂટકેસ તેના હાથમાંથી લઇ લીધી.

“ગુડ મોર્નિંગ, વિનોદ, કેમ છો? મારી રહેવાની વ્યવસ્થા થઇ છે ?”

“હા હા, સર. તમારા જણાવ્યા મુજબ એક ફ્લેટ ૧૫ દિવસ માટે ભાડે રાખેલ છે” વિનોદે ટૂંકમાં જ પતાવ્યું.

“ગુડ, મને હોટલ કરતાં ઘરમાં રહેવું ગમે છે, સસ્તું અને સારું, ચાલો ત્યારે સીધા ત્યાં જ જઈએ.” અભય ખુશ થતાં બોલ્યો.

બંને જણ રિક્ષામાં શ્યામ એપાર્ટમેન્ટ પર પહોંચ્યા. વિનોદે બીજા માળના ૨૦૩ નંબરના ફ્લેટનું તાળું ખોલી અભયનું સ્વાગત કરતાં થોડા સંકોચથી કહ્યું, આવો, સર, આ વન બીએચકે ફ્લેટ છે, વધારે સગવડ તો નથી, પરંતુ....

અભયે હસતાં હસતાં વાત કાપતાં કહ્યું, અરે વિનોદ, મારે ક્યાં આખી જિંદગી અહીં ગુજારવી છે... અને આ ફ્લેટ તો ઘણો સારો લાગે છે.

વિનોદ અભયને ફ્લેટ બતાવવા લાગ્યો. બેઠક રૂમમાં સોફા, ટીપોય, કાચનું શોકેસ, કાર્પેટ અને બેડરૂમમાં પલંગ, કબાટ, ડ્રેસીંગ ટેબલ જેવી પ્રાથમિક સગવડો હતી. રસોડામાં ગેસની સગડી, સીલીન્ડર અને થોડાં વાસણો પણ હતાં. અમદાવાદના વિનોદને નાનો લાગતો ફ્લેટ મુંબઈના અભયને ઘણો મોટો લાગ્યો. તેણે ખુશ થઈને આટલો સરસ ફ્લેટ શોધી આપવા બદલ વિનોદનો આભાર માન્યો.

વિનોદ ઘેર જવા નીકળતો હતો ત્યાં અભયને યાદ આવ્યું, “અરે વિનોદ, જમવાની અને ઘરઘાટીની વ્યવસ્થા થઇ કે ?

“સર, આપણી ઓફિસમાં એક ભાઈ ટીફીન આપવા આવે છે. એટલે બપોરનું ટીફીન તે ઓફિસમાં આપી જશે અને સાંજે અહીં ઘેર પહોંચાડશે.”

“અને ઘરઘાટી ?”

“સર, આ વિસ્તારમાં ઘરકામ કરવા બાઈઓ જ આવે છે, પણ ટૂંકા સમય માટે કામ બાંધવા કોઈ તૈયાર નથી. એટલે આપણી ઓફિસના સફાઈ કર્મચારીને કહીશું તો તે બે-ત્રણ દિવસે એકવાર સફાઈ કરી જશે.” વિનોદે આ ક્ષુલ્લક મુદ્દાનો તોડ સૂચવ્યો.

અભયને આ સૂચન બહુ ગમ્યું નહીં: ચાલો જોઈશું એ તો.

***

વિનોદને જે રીતે ઘરમાં સફાઈની અગત્ય નહોતી, તે જોઇ અભયને નિશા યાદ આવી ગઈ અને તેનું મોઢું કડવાશથી ભરાઈ ગયું. નિશા, અભયની પત્ની ઘર એટલું ગંદુ અને અસ્તવ્યસ્ત રાખતી કે અભયને ઘરમાં રહેવું જ ગમતું નહીં. તે સમયે વડોદરા નોકરી કરતા અભયે લગ્ન કર્યા પછી નિશાને દિલ ફાડીને પ્રેમ કર્યો હતો, પણ તે નિશાનો પ્રેમ ક્યારેય પામ્યો નહીં. આમ તો એકબીજાને પસંદ કરીને લગ્ન કરેલ હતાં. વળી અભય દેખાવડો, શિક્ષિત અને સારી નોકરીવાળો પણ હતો. આમછતાં બે વર્ષના લગ્નજીવન દરમ્યાન નિશા તેની ઉપેક્ષા કરતી રહેતી હતી. અંતે એક દિવસ તે પોતાના જૂના પ્રેમી સાથે ભાગી ગઈ, ત્યારે બધો ભાંડો ફૂટ્યો. શુભચિંતકોની સમજાવટ પછી પણ તે પાછી આવવા તૈયાર ના થઇ, એટલે અભયે દુખી હ્રદયે સામાજીક રસમ મુજબ છૂટાછેડા લઇ લીધા. આ દુખદ ઘટના પછી અભયે મુંબઈ ટ્રાન્સફર કરાવી લીધી અને હવે ત્રણ વર્ષથી તે મુંબઈ એકલો જ રહેતો હતો.

કડવી યાદો ભૂલાવીને અભય ચા-નાસ્તો કરવા બહાર નીકળ્યો. સોસાયટીની બહાર નજીકમાં કોઈ રેસ્ટોરન્ટ દેખાયું નહીં. પરંતુ થોડે આગળ એક કરિયાણાની દુકાન હતી. ત્યાંના પ્રૌઢ દુકાનદાર રામસિંગ પાસેથી અભયે દૂધ, બ્રેડ, બિસ્કિટ વિગેરે ખરીદીને કામવાળી બાઈ અંગે પૂછપરછ કરી. રામસિંગે ખાત્રી આપી કે તે તપાસ કરી રાખશે.

અભય ત્યાંથી પાછો નીકળવા જતો હતો, ત્યાં રામસિંગે રસ્તા પરથી પસાર થતી એક સ્ત્રીને બૂમ પડી: અરે ગુલાબો, અહીં આવજે ને.

ગુલાબો પચીસેક વર્ષની વયની ભીનેવાન અને ભરાવદાર શરીરવાળી અલ્લડ યુવતી હતી. ઘેરા લીલા રંગની ઓઢણી લહેરાવતી અને ચહેરા પર રમતિયાળ સ્મિત ફરકાવતી ગુલાબો તરત જ દુકાનમાં આવી: ચ્યમ, શેઠ ?

“જો, આ સાહેબને પંદર દિવસ માટે ઘરકામ માટે બાઈ જોઈએ છે, તો તું કામ કરીશ ?”

“હોવે”

અભયે ગુલાબોને ઘરમાં સાફ-સફાઈ, કપડાં, વાસણ વિગેરે કામ સમજાવી સાંજ-સવાર બે વખત આવવાની સૂચના આપી દીધી.

ગુલાબોના ગયા પછી રામસિંગે કહ્યું: “સાહેબ, ગુલાબો કામ તો સરસ કરશે, પરંતુ ધ્યાન રાખજો, કેમ કે તે ચોરટી છે.”

“એટલે?”

“ગુલાબો એવી કોમની છે કે જેમનો ચોરી કરવી એ વંશપરંપરાગત ધંધો છે. એટલે કિંમતી સામાન સાચવીને રાખજો.”

કામવાળી બાઈ સહેલાઈથી મળી જવાથી ખુશ થયેલો અભય આ વાત સાંભળીને થોડા વિચારમાં પડ્યો. એટલે રામસિંગે વાત વાળતાં કહ્યું: સાહેબ, આમ તો ગુલાબો બિચારી દુખિયારી બાઈ છે. લગ્ન પછી બે જ વર્ષમાં ધણી અકસ્માતમાં ગુજરી ગયો. તેના દુઃખમાંથી બહાર આવે તે પહેલાં સાસરીયાઓએ તેને ખરાબ પગલાંની કહીને કાઢી મૂકી. બે વર્ષ પછી પિયરવાળાંઓએ એક મોટી ઉંમરના બીજવર સાથે તેનાં લગ્ન કરાવી દીધાં. પરંતુ તે ધણી દારૂડિયો અને શંકાશીલ હતો અને ગુલાબોને મારઝૂડ કરતો હતો. એટલે ગુલાબો તેને છોડીને અહીં તેની માસીને ઘેર આવતી રહી છે અને હવે છૂટક મજૂરી કરે છે. આ તો ગુલાબો મારા ગામની છે, એટલે હું બધું જાણું છું. તમારું કામ મળશે તો તેને થોડી મદદ પણ મળશે. બિચારીની ચોરટી હોવાની છાપથી તેને કામ મળતું નથી. એમાં ને એમાં મારા કરીયાણાના બીલના ય દસ હજાર ચડી ગયા છે.

રામસિંગની ભલામણથી અભયે મન મનાવ્યું કે પોતાની પાસે એવો કોઈ કિંમતી સામાન તો છે નહીં અને પોતાના પાકીટનું તો પોતે ધ્યાન રાખી શકશે, તેથી વાંધો નહીં આવે.

***

ગુલાબોએ બેલ વગાડી, એટલે અભયે બારણું ખોલ્યું. ગુલાબો અભયની બાજુમાંથી સરકીને અંદર ગઈ, ત્યાંજ અભયને કંઇક આછી સુગંધ આવી. અભયને થયું, ગુલાબો સેન્ટ છાંટીને આવી કે શું? પણ તરત જ મનોમન હસવું આવ્યું, બિચારી માંડમાંડ ઘર ચલાવે છે, તેમાં પાછું સેન્ટ ક્યાંથી લાવે!

ગુલાબો બેડરૂમમાં સફાઈ કરવા ગઈ, એટલે અભયે બેડરૂમ તરફ જોયું તો ડ્રેસીંગના અરીસામાં ગુલાબોનું પ્રતિબિંબ દેખાયું, જેમાં તે બેડરૂમમાં લટકાવેલ પેન્ટનાં ખિસ્સાં ફંફોળતી હતી. પહેલેથી સાવચેત બનેલ અભયને હસવું આવ્યું, કારણકે તેણે તેનું પાકીટ આગળના રૂમના શોકેસમાં પોતાની નજર સમક્ષ જ રાખ્યું હતું.

***

ગુલાબો રાત્રે કામ કરવા ફરી આવી, ત્યારે બારણું ખોલતાં અભયને ફરી એવી જ સુગંધ આવી. અભય થોડું આશ્ચર્ય પામી સોફા પર લેપટોપ લઇને બેઠો. ગુલાબો રૂમમાં ફર્નીચર લૂછી રહી હતી. ત્યાં અભયના મોબાઈલ પર મુંબઈથી બોસનો ફોન આવ્યો. બોસનો અવાજ બરાબર સાંભળવા અભયે બારી તરફ જઈને વાત પૂરી કરી. એટલામાં ગુલાબો રૂમની સફાઈ પૂરી કરીને વાસણ ઘસવા રસોડામાં ગઈ.

અચાનક અભયનું ધ્યાન ગયું કે શોકેસમાં મૂકેલા તેના પાકીટની જગ્યા બદલાઈ છે. તેણે દોડીને પાકીટમાં જોયું તો તેમાં રાખેલ રૂપિયા ત્રીસ હજાર, રબરની રીંગ ચડાવેલ બે હજારની પંદર નોટો ગુમ હતી. ક્ષણભર તો અભય હતપ્રભ બની ગયો. રૂમમાં પોતાની હાજરી હોવા છતાં માત્ર બે મિનીટ માટે ફોન દરમ્યાન ધ્યાનભંગ થયો, એટલી વારમાં જ ગુલાબોએ ત્રીસ હજાર સેરવી લીધા હોય એ અભયના માન્યામાં આવતું નહોતું. પણ આ ઘણી મોટી રકમ હતી, પૈસા ગુમ થવાનું બીજું કોઈ કારણ નહોતું અને ગુલાબો હજુ ઘરમાં જ હતી, એટલે અભયનો ગુસ્સો ફાટી નીકળ્યો અને એણે જોશથી બૂમ પાડી: ગુલાબોઓઓ... અને રસોડા તરફ દોટ મૂકી.

અચાનક બૂમ સાંભળી ગુલાબો જરા ગભરાઈને બહાર આવી: ચ્યમ, સાહેબ !

પરંતુ ગભરાટ અને ઉતાવળમાં ઓઢણી સરખી કરવામાં મોડી પડેલી ગુલાબોના બ્લાઉઝની આરપાર બે હજારની નોટોનો ગુલાબી રંગ અભયને દેખાઈ ગયો. મરણીયા થયેલા અભયે એક જ ઝડપે બ્લાઉઝની અંદરથી નોટો ખેંચી લઈને બરાડો પાડ્યો: સાલી, ચોરટી!

શરમ અને ડરથી છોભીલી પડેલી ગુલાબો રસોડામાં જતી રહી. બીજી બાજુ પૂરા પૈસા પાછા મળી જવાથી આનંદિત થયેલા અભયે બેડરૂમમાં જઈને નોટોની થોકડીને ચૂમી લીધી, તે સાથે જ એક માદક સુગંધ તેના નાકમાં પ્રવેશી ગઈ. આશ્ચર્યચકિત થયેલા અભયે ફરીથી નોટો સૂંઘી જોઈ, તો મનને તરબત્તર કરતી એ જ સુગંધ ફરી પ્રસરી રહી. હવે અભયનું ધ્યાન ગયું કે બે દિવસથી ગુલાબો આવે ત્યારે જે સુગંધ આવતી હતી, તે આ જ સુગંધ હતી.

અભય ફરીફરી આ સુગંધ માણતો રહ્યો અને તે સાથે તેનો ગુસ્સો ઓસરતો ગયો. હવે તેને રસોડામાંથી વાસણ ઘસવાના અવાજ સાથે ગુલાબોના રડવાનો અવાજ પણ સંભળાયો. ઠંડા પડેલા અભયને હવે ખ્યાલ આવ્યો કે ગુલાબોએ તો તેના વારસાગત કુસંસ્કારને લીધે ભૂલ કરી, પણ પોતાના જેવા સજ્જન માણસે એક સ્ત્રી સાથે બેહૂદું વર્તન કરીને તેનાથી પણ મોટી ભૂલ કરી છે. અભય મનોમન પસ્તાવો કરતો હતો ત્યાં ગુલાબોનો ધીમો રડમસ અવાજ આવ્યો: સાયેબ, મું જઉં.

અભયે બહાર આવીને ગુલાબોને સાંત્વન આપવા તેના ખભા પર હાથ મૂકી શાંતિથી કહ્યું: ગુલાબો, મને માફ કરજે. મેં તારી સાથે ઘણું ખરાબ વર્તન કર્યું.

“ના ના સાયેબ.”

અભયે ગુલાબોના બંને હાથ પોતાના હાથમાં લઇ ફરી લાગણીશીલ અવાજે માફી માગી: ના ગુલાબો, મારી પણ ભૂલ થઇ છે. મારે શાંતિથી કામ લેવું જોઈતું હતું.

ચોરી કરનાર પાસે જ માફી માંગતા અભયને સાંભળી ગુલાબો ફરી રડી પડી: સાયેબ, સોરી કરીને મેં જ ભૂલ કરી સે. મું જનમની સોરટી સું. મુંને તો જેલમાં ઘાલવી જુએ.

“જો ગુલાબો, સમય અને સંજોગો માણસને ઘણીવાર ખોટું કામ કરાવે છે. તો જે કંઇ બની ગયું તેને આપણે બંને હવે ભૂલી જઈએ.”

બે બે ધણીઓની ગુલામી કરી ચૂકેલી ગુલાબોની નજરમાં તો પુરુષ એટલે બરાડા પાડતો, ગાળો કાઢતો, માર મારતો, પીંખી નાખતો અને બળજબરી કરતો બદમાશ જ હોય એમ જ હતું. એના બદલે લાગણીશીલ અવાજે માફી માંગતો, કોમળતાથી હાથ પસવારતો અને મૃદુતાથી સમજાવતો પુરુષ જોઇને ગુલાબો ભાવવિભોર થઇ ગઈ અને પોતાનું માથું અભયની દ્રઢ છાતી પર મૂકીને જોરથી રડવા લાગી.

અભય ગુલાબોની પીઠ પર હાથ ફેરવીને તેને શાંત કરવાનો પ્રયત્ન કરવા માંડ્યો, પણ ગુલાબોનું રડવાનું બંધ ના થયું. પરંતુ ગુલાબો અભયની નજીક આવી, એટલે અભયને ફરીથી પેલી સુગંધ આવવા લાગી. એટલે અભયને થયું કે ગુલાબોનું મન બીજે વાળીને તેને શાંત કરી શકાશે.

એટલે તેણે પૂછ્યું: અરે ગુલાબો, તું સેન્ટ કયું વાપરે છે?

અચાનક પૂછાયેલા પ્રશ્નથી મૂંઝાયેલ ગુલાબો રડવાની વચ્ચેથી બોલી: ચેવું શેન્ટ, સાયેબ?

“બે દિવસથી તું આવે છે, ત્યારે મને કંઇક સુગંધ આવે છે. એટલે તું સેન્ટ કે બીજી કોઈ સુગંધી વસ્તુ લગાવતી હોય તેવું લાગે છે.”

હવે શાંત થયેલી ગુલાબો બોલી: અમારે મજૂરને વળી શેન્ટ શાનાં હોય! હું કરવા ગરીબ માણહની મશ્કરી કરો સો, સાયેબ.

“અરે ગુલાબો, મશ્કરી નથી કરતો. સાવ સાચું કહું છું.” આમ કહીને ખાત્રી કરવા અભય ગુલાબોના ખુલ્લા ખભાની નજીક નાક લઇ ગયો. તે સાથે જ તીવ્ર સુગંધ અભયના શરીરમાં વ્યાપી રહી. આ સુગંધ ક્યાંથી આવે છે, તે પામવા અભયે ગુલાબોનો બીજો ખભો, કપાળ અને હાથ પણ સૂંઘી જોયા. આ બધેથી પણ તે જ સુગંધ આવતી જોઇને હવે અભયને ખ્યાલ આવ્યો કે આ સુગંધ ગુલાબોના પરસેવાની ગંધ છે, જે પોતાના તનબદનને ઉત્તેજિત કરી રહી હતી.

ગુલાબો તો ફાટી આંખે જોઈ જ રહી હતી કે સાયેબ શા માટે તેને સૂંઘી રહ્યા છે. દરમ્યાન તે રડવાનું ભૂલીને હળવી પણ બની. હવે તે ક્યાંક અભયના હોઠનો સ્પર્શ પણ અનુભવી રહી હતી, જેનાથી તેના બદનમાં ઝણઝણાટી પ્રસરી રહી હતી. સભાન બનેલી ગુલાબો અભયની પકડમાંથી છૂટવાનો પ્રયાસ કરતાં બોલી: સાયેબ, મું જઉં. મારે મોડું થાહે.

“ઉંહું, ભલે થાય.”

લગ્નજીવનનાં સમદુખિયાં હોય એવાં બે જણ એકાંતમાં હોય અને આલિંગનમાં હોય, પછી તેમને તરત છૂટાં પાડવાં એ મુશ્કેલ જ નહીં, નામૂમકીન બની જાય છે.

એક કલાક પછી ગુલાબો ઘેર જવા નીકળી, એટલે અભયે બે હજારની એક નોટ ગુલાબોને ધરી. ગુલાબોએ બંને હાથ ફેલાવીને સ્પષ્ટ ના પાડી, પરંતુ અભયે, અરે ગાંડી, આતો મારા તરફથી એક નાની ભેટ છે, એમ કહી તે નોટ ગુલાબોના બ્લાઉઝમાં સરકાવી દીધી. ગુલાબો આંખો મીંચી ગઈ.

***

બીજા દિવસે અભયને વહેલું ઓફિસ જવાનું હોવાથી, તે ઉતાવળમાં તૈયાર થઈને રામસિંગને ઘરની ચાવી આપી, ગુલાબો પાસે કામ કરાવી દેવાનું કહીને ઓફીસ ગયો. છેક સાંજે ઓફિસમાં અભયનું ધ્યાન ગયું કે તેના હાથમાં વીંટી નથી: ઓ માય ગોડ! મમ્મીએ ભેટ આપેલ હીરાની વીંટી તો સવારે ઉતાવળમાં બાથરૂમમાં જ ભૂલાઈ ગઈ છે! જો ગુલાબોએ જોઈ લીધી હશે તો હવે પાછી મળવી મુશ્કેલ! પોતાની હાજરીમાં પણ જે સ્ત્રી નોટો સરકાવીને લઇ શકે, તે એકલી હોય ત્યારે સહેલાઈથી મળેલી કિંમતી વીંટી છોડે? અભયે માથું કૂટ્યું.

અભય ફટાફટ રીક્ષા કરીને ઘેર પહોંચ્યો. રામઅવતાર પાસેથી ચાવી લઈને ઘર ખોલ્યું અને લગભગ દોડતો જ બાથરૂમમાં પહોંચ્યો. પરંતુ બાથરૂમમાં વીંટી નહોતી. નિરાશા અને ગુસ્સાના મિશ્રિત ભાવથી અકળાયેલો અભય ઢીલી ચાલે આવીને સોફામાં પછડાયો.

હવે શું કરવું તે વિચારતો હતો, ત્યાં તેને શોકેસમાં મૂકેલ હાથરૂમાલ પર કંઇક ચમકતું દેખાયું. અભયે ઉઠીને જોયું તો તે પોતાની વીંટી જ હતી! અભય ફાટી આંખે વીંટીને ફેરવી ફેરવીને જોઈ રહ્યો. બાથરૂમમાં ભૂલાઈ ગયેલ વીંટી ડ્રોઈંગરૂમમાં મળી, એનો અર્થ એ જ કે ગુલાબોએ જ વીંટી ડ્રોઈંગરૂમમાં સાચવીને મૂકી.

હવે અભયે ઘરમાં ચોતરફ નજર નાખી, તો તેને ઘણું બધું બદલાયેલ લાગ્યું. આખું ઘર અને ફર્નીચર ઘસી ઘસીને સાફ કરેલ હતું. ધોયેલાં કપડાં વ્યવસ્થિત રીતે વાળીને કબાટમાં મૂકેલ હતાં. પલંગની ચાદર કાળજીપૂર્વક ખેંચીને લગાવેલ હતી. ખીંટીએ લટકતાં અને પલંગ પર ફેંકેલાં કપડાં કબાટમાં મૂકાઇ ગયાં હતાં. આડાંઅવળાં પડેલ છાપાં અને ફાઈલો ગોઠવાઈ ગયેલ હતાં. અભયને ઘરના અણુઅણુમાં ગુલાબોની લગન અને મહેનત દેખાઈ રહી હતી. પણ આ બધું કામ તો ગુલાબોને સોંપેલ હતું જ નહિ, એટલે અભય વિચારી રહ્યો: કેમ ના કરે, વધારાનું કામ! આખા મહિનાના પગાર કરતાં વધુ પૈસા તેને એક જ દિવસમાં આપ્યા છે!

પરંતુ જે રીતે ગુલાબોનું હ્રદય પરિવર્તન થયું અને તેણે ચોરી કરવાની આદત પર કાબુ મેળવ્યો, તેનાથી અભયને વીંટી પછી મળવા કરતાં પણ વધુ ખુશી થઇ. તે સાથે અભયને ગુલાબોની યાદ આવવા માંડી. રાત્રે ગુલાબો આવી એટલે અભય તેની પાછળ પાછળ ફરતો રહ્યો અને કામ પૂરું થયું એટલે ગુલાબોના હાથ પકડી પોતાની પાસે બેસાડી વાતો કરતો રહ્યો. બંને જણ પોતપોતાનાં સુખદુખની વાતો કરતાં કરતાં એકાકાર બની ગયાં. ગુલાબોને જવાનો સમય થયો એટલે અભયે આજે પણ બે હજારની એક નોટ ગુલાબોની આનાકાની વચ્ચે તેના બ્લાઉઝમાં સરકાવી દીધી. ગુલાબો આજે પણ આંખો મીંચી ગઈ, પરંતુ અભય તો એવું અનુભવી રહ્યો હતો કે જાણે પોતે પૈસા ખેંચી લેવાના પોતાના બેહૂદા વર્તનનું પ્રાયશ્ચિત કરતો હોય!

પછીના દિવસોમાં આ જ સિલસિલો ચાલતો રહ્યો. અભય અને ગુલાબોને જાણે એકબીજા વગર ચાલતું ન હોય તેટલાં નજીક આવી ગયાં હતાં. ગુલાબો સવારે વહેલી આવી જતી અને અભય ઓફિસ જાય ત્યારે જ પાછી જતી. સાંજે અભય આવે એટલે તરત જ તે આવી જતી અને મોડી રાત્રે પાછી જતી. બંને જણ ખૂબ વાતો કરતાં. અભય ગુલાબોને છાપામાંથી સમાચાર અને ઘટનાઓ કહેતો, લેપટોપ પર જાતજાતના વિડીઓ અને ફિલ્મો બતાવતો. બંને જણ જાણે સ્વર્ગમાં વિહરી રહ્યાં હતાં, તેમ સમય પસાર થઇ રહ્યો હતો.

પરંતુ સમય જતાં ક્યાં વાર લાગે છે? અભયને પાછા જવાનો દિવસ આવી ગયો. તે દિવસે અભય રામસિંગને ચાવી આપીને ઓફિસ જવા વહેલો નીકળી ગયો હતો. સાંજે સામાન પેક કરવા માટે વહેલા ઘેર આવેલા અભયે જોયું તો તેનો બધો જ સામાન વ્યવસ્થિત રીતે સૂટકેસમાં ગોઠવાઈ ગયેલો હતો. અભય મનોમન ગુલાબોની હોંશિયારીની પ્રશંશા કરતાં તેની રાહ જોવા માંડ્યો.

પરંતુ મોડે સુધી ગુલાબો આવી નહીં, એટલે અકળાયેલો અભય રામસિંગની દુકાને પહોંચ્યો, ત્યારે રામસિંગે જણાવ્યું: સાહેબ, ગુલાબોની માને દવાખાનામાં દાખલ કરી છે, એટલે ગુલાબો તો બપોરે જ ગામડે જવા નીકળી ગઈ છે. દવાખાનાના ખરચ માટે પાંચ હજારનો ઉપાડ પણ મારી પાસેથી લઇ ગઈ છે. હવે તો મારે તેની પાસેથી દસને બદલે પંદર પાછા લેવાના થયા. રામ જાણે, મારા પૈસા ક્યારે પાછા આવશે!

આ સાંભળી અભયે આશ્ચર્યથી રામસિંગને પૂછ્યું: ગુલાબોએ તમારા બાકી પૈસા ચૂકવ્યા નથી?

“ના રે ના, સાહેબ, એક પૈસો ય ચૂકવ્યો નથી.”

આ સાંભળી અભય મનોમન મૂંઝાઈ રહ્યો હતો. કારણકે ગુલાબોનું દેવું ધ્યાનમાં રાખીને તેણે ગુલાબોને કુલ ત્રીસ હજાર જેવી રકમ આપી હતી. પરંતુ ગુલાબોએ રામસિંગનું દેવું ચૂકવ્યું નહીં, તો આ પૈસાનું તેણે કર્યું શું? અકળામણમાં માથું ધૂણાવતો અભય ગણગણ્યો: આપણા ઋષિમુનીઓ સાચું જ કહી ગયા છે કે સ્ત્રીઓને સમજવી બહુ જ મુશ્કેલ છે!

***

મુબઈ પહોંચીને સૂટકેસ ખાલી કરતાં હાથરૂમાલની થપ્પી વચ્ચેથી કંઇક નીચે પડ્યું. ઉઠાવીને જોયું તો અભયની આંખો પહોળી થઇ ગઈ. તે બે હજારની નોટોની રબરની રીંગ ચડાવેલ થોકડી હતી! આભો બની ગયેલ અભય નોટો ગણીને બડબડી રહ્યો: પૂરા ત્રીસ હજાર! દેવાના બોજ હેઠળ કચડાતી ગુલાબોએ પોતે આપેલ પૂરા પૈસા આડકતરી રીતે પરત કરી દીધા હતા. તેનો અર્થ એ કે પોતે ગુલાબોને પરાણે પૈસા આપતો હતો, તે તેને સ્વીકાર્ય નહોતા અને અભયનું દિલ ના દુખાય એટલા માટે જ તે સ્પષ્ટ ના પડી શકાતી નહોતી? પૈસા લેવાનું ગમતું ના હોવાથી, તે વખતે ગુલાબો આંખો મીંચી જતી હતી? ગુલાબોએ પોતાના સંપૂર્ણ સમય અને શરીરનું સમર્પણ પૈસા ખાતર નહોતું કર્યું, પરંતુ ગુલાબો પોતાને દિલ દઈ બેઠી હતી એટલે કર્યું હતું?

હવે અભયને બધાજ પ્રશ્નોના જવાબ મળી ગયા. તે બબડ્યો: સાલી ચોરટી! તેં તો મને જ આખેઆખો ચોરી લીધો! પ્રેમભીના અભયે નોટોની થોકડી ચૂમી લીધી અને તે સાથે જ એક ચીરપરિચિત માદક સુગંધ તેના અંગેઅંગમાં વ્યાપી રહી.

***