Zindagi - same chhede books and stories free download online pdf in Gujarati

જીંદગી - સામે છેડે

જીંદગી સામે છેડે!!!!

"સ્નેહા, મારુ ટીફિન ક્યાં છે? મને મોડુ થાય છે" રોહને અકળાઇને કહ્યુ

"બસ, એકજ મીનીટ, આજે ટીંડોળાનુ શાક છે એટલે થોડી વાર લાગી" સ્નેહા

"તને ખબર હતી કે આજે ટીંડોળાનુ શાક બનાવવાનુ છે તો થોડા વહેલા ઉઠવુ જોઇએ ને" રોહને જરાક અણગમો વ્યક્ત કરીને કહ્યુ

"હવે ધ્યાન રાખીશ" સ્નેહાએ વાત પતાવવાનો પ્રયત્ન કર્યો

"તને ખબર છે બસ વાળો એક મીનીટ પણ રાહ નથી જોતો, પછી ગાડી લને જવાનુ, 100 રૂપિયાનુ પેટ્રોલ બાળવાનુ અને મોડુ થાય તો બોસ અકળાય એ અલગથી અને હવે તો સાલા કંમ્પનીવાળા પૈસા કાપવાની પણ વાતો કરે છે" રોહનના સૂરમાં ફરિયાદ, અકળામણ અને ગુસ્સો ત્રણેય લાગણીઓ એક સાથે હતી.

ટીફન લઇ રોહન ફટાફટ ભાગ્યો.

સ્નેહાના ચહેરા પર ઉદાસી પ્રસરી ગઇ. પહેલા રોહન નીકળતી વખતે ભૂલ્યા વગર સ્નેહાને ગાઢ આલિંગનમાં જકડી લેતો, ગાલ અને હોઠ પર પ્રેમભર્યુ ચૂંબન કરતો.

હવે રોહન આલિંગન, ચૂંબન ભૂલવા લાગ્યો હતો. સીડી ઉતરતા પહેલા પાછુ વળીને સ્નેહા સામે જોતો અને નાસ્તિક હોવા છતા જય શ્રી ક્રિષ્ના કહેતો, બસ સ્નેહા માટે. ઘણીવાર તો પાછો આવતો અને સ્નેહાને ભેટીને તરતજ પાછો ભાગતો. કોઇકવાર સ્નેહા એપાર્ટમેન્ટના ધાબે ઊભી રહેતી, રોહન ફ્લાઇંગ કીસ કરતો. એ વખતે રોહન ખુશ રહેતો, ઘર છોડતા વખતે એના ચહેરા પર સ્મિત રહેતુ.

સ્મિત તો ક્યારનુય ખોવાઇ ગયુ હતુ, હવે તેના ચહેરા પર ઉદાસીનતા દેખાતી. સવારે ઉઠતાજ એના ચહેરાનો રંગ ઉડી જતો, વાતે વાતે ગુસ્સે થઇ જતો.

હવે, ના એ આલિંગન કરતો ના ચૂંબન. કરતો પણ જો સ્નેહા યાદ કરાવે તો, અને એ પણ ખાલી એક ફોર્માલીટી. સ્નેહા હજી દરવાજે ઊભી રહેતી, ઊંકારો કરીને જય શ્રી ક્રિષ્ના કહેડાવતી પણ ધાબેથી એને નિરાશ થઇને પાછુ આવવુ પડતુ. ઊતાવળા પગલે જીંદગીની રેસમાં ભાગતા રોહનને પાછા વળીને ઉપર જોવાનો સમય નહોતો અને યાદ પણ.

પણ આ વખતે થોડુ લાંબુ ચાલ્યુ. રોહનને શુ થયુ છે એનો ક્યાસ કાઢવાનો સ્નેહાએ ખૂબ પ્રયત્ન કર્યો અને થોડો ઘણો અંદાજ આવી ગયો હતો કે નોકરીથી ખુશ નથી. એણે નિર્ણય કર્યો કે આજે તો રોહનના મનને હલબલાવુ પડશે, થોડુ ઉશ્કેરવુ પડશે, થોડી તકલીફ આપવી પડશે. આજે એના મનના બારણા ખોલીને અંદર જવુજ પડશે, થોડુ ઉલેચવુ પડશે, થોડુ સાચવવુ પડશે, થોડુ નવુ ઉમેરવુ પડશે.

રાત્રે જમી પરવારીને આદત પ્રમાણે રોહને જેવુ રીમોટ હાથમાં લીધુ, સ્નેહાએ જૂંટવી લીધુ.

શુ થયુ, કેમ?” રોહને મોઢુ બગાડ્યુ

આજે NO ટી.વી., ચલ ધાબે

ના યાર.... રોહને અણગમો વ્યક્ત કર્યો પણ સ્નેહા એને ખેંચીને લઇ ગઇ.

બંન્ને જણ બાકડે બેઠા. પહેલી થોડી મીનીટો કોઇ કંઇ ના બોલ્યુ.

કોઇ બીજુ મળી ગયુ છે કે શુ?” સ્નેહા એ પહેલુ હથિયાર ઉગામ્યુ.

રોહને તરતજ સ્નેહા તરફ મોઢુ ફેરવ્યુ અને નારાજગી વ્યક્ત કરતા હાવભાવ ચહેરા પર તરી આવ્યા.

તને મારા પર વિશ્વાસ નથી?”

છેલ્લા કેટલાય સમયથી જોવુ છુ તુ મને ઇગ્નોર કરે છે, સવારમાં ના મને હગ કરે છે ના કિસ, સાંજે પણ આવીને ટી.વી. જોવા બેસી જાય છે, મારી સાથે સરખી વાત પણ નથી કરતો

પણ એનો મતલબ એ થોડો છે કે મારુ ક્યાંય અફેર ચાલતુ હોય?”

તો શુ કારણ છે, તુ હમણાંથી કેમ જીંદગી જીવવાનુ ભૂલી ગયો છે

જીવુ તો છુ ચહેરા પર કોઇ હાવભાવ નહોતા, નક્કર શૂન્યતા

સ્નેહા હસી પડી.

તુ મશીન બની ગયો છે, યાદ કર છેલ્લા છ મહિનામાં તે ઓફિસથી ઘર અને ઘરથી ઓફિસ સિવાય શુ કર્યુ છે, પહેલા તો પેઇન્ટીંગ પણ કરતો હતો, હવે તે એ પણ છોડી દીધુ છે

સમય જ ક્યાં છે, સ્નેહા, તુ જોવે તો છે, સવારે છ વાગ્યાથી જીંદગીની રેસમાં ભાગુ છુ તે સાંજે સાત વાગ્યે ઘરે આવુ છુ, થાકીને એટલો લોથપોથ થઇ ગયો હોઉ છુ કે બસ સોફો, ટી.વી. અને પથારીજ યાદ આવે છે, માનસિક રીતે પણ તદ્દન નીચોવાઇ જાઉ છુ રોહને ઊંડો નિસાસે નાંખ્યો

તો બીજી નોકરી શોધી લે

આટલો સારો પગાર મને બીજી કોઇ કંમ્પની નહિ આપે, આજે આપણી પાસે 2 બીએચકે નો ફ્લેટ છે, ગાડી છે, સારી લાઇફસ્ટાઇલ છે

પણ જીંદગી નથી સ્નેહા

પૈસા નહિ કમાઉ તો તમારી જરૂરિયાત કેવી રીતે પૂરી કરીશ, થોડા સમયમાં બાળકનુ પ્લાનીંગ કરીશુ પછી....

અમને તારી હૂંફની વધારે જરૂર હશે, તુ ખુશ રહે એ વધારે મહત્વનુ છે નહિ કે પૈસા

તો શુ કરુ સમજાતુ નથી? નોકરી કરવી તો જરૂરી છેજ અને એ છોડ્યા વગર તુ જે ઇચ્છે છે એ અશક્ય છે રોહને ઊંડા નિસાસો નાંખ્યો

તે હજી કીધુ નહિ કે તારુ અફેર ચાલે છે કે નહિ સ્નેહાએ પ્રેમથી, થોડા વેવલાલેળા કરીને કહ્યુ

બંન્ને હસી પડ્યા. સ્નેહાએ રોહનના ખભા પર માથુ ટેકવી દીધુ અને રોહનનો હાથ ખેંચીને એની કમર ફરતે મુક્યો. એ દિવસે ઘણા દિવસો પછી બંન્નેએ થોડો સમય એકબીજા સાથે વીતાવ્યો.

કોઇ ને કોઇ રસ્તો નીકળી જ આવશે સ્નેહા

હુ પણ એજ આશાએ જીંવતો જાઉ છુ

***

કેટલાય દિવસોથી એક વાત મનમાં ઘૂમરાયા કરે છે રોહન

શુ?” સ્નેહા

ચલને આપણે ગામડે ચાલ્યા જઇએ

ગામડે કેમ? ત્યા આપણે શુ કરીશુ?”

થાડીઘણી જમીન છે, એક ઘર છે

પણ હજી હુ સમજી નહિ તુ શુ કહેવા માંગે છે?”

જો ત્યા આપણી જમીન છે, હુ એમાં ખેતી કરીશ

ઓ.કે. એક મીનીટ, મને.... સ્નેહા થોડી અચંબિત

જો 30 વીઘા જમીન છે. મે બધી તપાસ કરી લીધી છે, એટલુ તો કમાઇ લઇશુ કે શાંતિથી જીંદગી જીવી શકીએ

આર યુ સ્યોર?”

થોડુ અજૂગતુ જરૂર લાગશે પણ મે ઘણુ મનોમંથન કર્યુ છે. પહેલા થોડા વર્ષો સાદી ખેતી કરીશુ પછી ખેતીમાં પણ નવી નવી ટેક્નોલોજી આવી રહી છે જેમ કે ગ્રીનહાઉસ કરી શકાય અને ઘણા રસ્તા છે. હા શરૂઆતમાં તકલીફ પણ પડશે પણ જો બધુ સેટ થઇ જશે તો પૈસાની તકલીફ પણ નહિ પડે અને સમય પણ રહેશે. અને છેલ્લે કંઇજ ના થાય તો નોકરી તો કરીજ શકાશે હા કદાચ નવેસરથી બધુ કરવુ પડશે પણ સ્નેહા હુ સમજુ છુ થોડુ જોખમ તો ઉઠાવવુજ પડશે, છે તુ મારી સાથે બોલ?”

હા, પણ... કાલે બાળકનુ પ્લાનીંગ કરીશુ ત્યારે, એના એડ્યુકેશનનુ

મે બધુ વિચારીને રાખ્યુ છે, ચિંતા ના કરીશ

પણ આટલા વર્ષો શહેરમાં રહ્યા છીએ તો આપણને ગામડામાં ફાવશે?”

ફાવશે, શુધ્ધ હવા, તાજા શાકભાજી, તાજુ દૂધ, ખોટી દોડાદોડ નહિ, નોકરી જવાની હાય હાય નહિ, ના મોડુ, ના વહેલુ, મનના માલીક, તારી સાથે એ પળો પણ વીતાવી શકીશ જે હુ ગુમાવી ચુક્યો છુ, એ પહેલો વરસાદ, એ ઠંડી ખુશનુમા સવાર, એ કાળજાળ ગરમી ની બપોર, એ લીમડાનો છાંયડો, એ ઊનાળાની રાતે ખુલ્લા આકાશ નીચે સુવાનુ, હા કદાચ આટલી ફેસીલીટીઝ નહિ મળે અને થોડો સમય તકલીફ પડશે પણ આપણે ખુશ રહીશુ, એકબીજા સાથે રહીશુ, પોતપોતાના શોખ પૂરા કરી શકીશુ, તુ વાંચજે અને હુ પેઇન્ટીંગ કરીશ, અને હા તુ હા કહેશે તો આપણે એકાદ બે ભેંસો પણ લઇ લઇશુ, અને છેલ્લે નહિ ફાવે તો પાછા, થોડુ જોખમ ઉઠાવવુ પડશે

સપનાની દુનિયામાંથી બહાર આવો સાહેબ, એ બધુ તે ઠીક છે પણ તમને ખેતી આવડે છે?”

ચિંતા ના કર, એગ્રીકલ્ચર ખાતુ હવે બધી મદદ કરે છે

ઓ.કે. પણ બેઝીક નોલેજ તો હોવુ જોઇએ ને

મારો એક બાળપણનો મિત્ર છે, રમેશ એ મને બધી મદદ કરશે

રમેશ? તે તો કદાપિ એના વિષે વાત નથી કાઢી

હુ પણ ભૂલીજ ગયો હતો, પિતાજી શહેર આવ્યા પછી એકાદ બે વાર ગયેલો ત્યારે મળેલો, ભણવાનુ છોડીને ખેતી કરવા લાગેલો એ, અત્યારે તો ખેતીમાં માસ્ટર થઇ ગયો હશે

તને ઓળખશે ખરા?”

હા હા કેમ નહિ, પાક્કો મિત્ર હતો મારો, અમે ભેગા થઇને ખૂબ કાંડ કરેલા છે રોહનની ચહેરા પર ઘણા સમય બાદ આટલી ખુશી જોઇને સ્નેહા ને તો શેર લોહી ચડી ગયુ અને એ રોહનને ભેટી પડી. આંખના ખૂણા ભીના થઇ ગયા.

રોહનના ચહેરા પર ગુલાબી ચમક હતી. એના અંગ અંગમાં એક અનેરી સ્ફૂર્તિ હતી. ઘણા સમય બાદ સ્નેહાએ એ રોહનને જોયો જેની સાથે એણે લગ્ન કર્યા હતા.

***

રમેશભાઇને તે વાત કરી છે?”

એને સરપ્રાઇઝ આપવાની છે, જોજેને મને જોઇને તરતજ ભેટી પડશે

જેવા ગામડે પહોચ્યા તરતજ રોહન રમેશના ઘરે પહોંચી ગયો.

રમલા, ઓ રમલા.....

કુણ?”

માસી, હુ, રોહન, કરસનલાલનો

તુ તો ચેટલો મોટો થઇ જ્યો, બઉ દાડે આ માસી યાદ આઇ

હુ તો બધાને યાદ કરતો જ હતો પણ રમલો ક્યાં છે?”

એ તો શેર ગયો

ખાતર અને દવાઓ લેવા ગયો છે?

ના, હવે ચો એ ખેતી કરે સે, પૈસા કમાવા ગયો સ

પૈસા કમાવવા?”

ખેતીથી ખાલી પેટ્યુ રળાય, જીંદગી તો શેરમાં સે એવુ કહેતો તો

મે બઉ હમજાવાનો પ્રયત્ન કર્યો પન એ નો માન્યો તો નોજ માન્યો કેતો તો કે હુ જુવાન સુ, બાવળાઓમાં જોર સે, અહિંયા સમય બગાડવા કરતા શેરમાં જાઉ તો પૈસા કમાઇ શકુ, આવનારી પેઢીનુ ભવિષ્ય સુધારી શકુ. અહિ હાવ નવરા બેહીને કંઇ વળવાનુ નથી

રોહન સ્તબ્ધ બની ગયો.

એના પર તો પૈહા કમાવાનુ ભૂત સવાર હતુ. શેરથી જ્યારે તારા જેવા ભાઇબંધો ગાડીઓ લઇને આવતા એ બળીને ખાક થઇ જાતો અને પસી એક દિ નીકળી ગયો એ પન શેર તરફ

ગામડે આવે છે?”

આવે તો સે પણ હડાહડીમાં, એની પાસે સમયજ ચો સે બેટા, હીરાના કારખાનામાં કોમ કરે સે, કહેતો તો હવે ફાવી જ્યુ સે, જમીન વેસીને હીરાનુ કારખાનુ નાંખવુ સે, પછી મનેય શહેરમાં લઇ જશે, પણ આપળે અહીંજ જીવ સોડવાના હો બેટા એવુ કહેતા માસી અંદર ગયા. પાણીને ગ્લાસ લઇને આવ્યા પણ રોહન ત્યાં નહોતો.

આજકાલ છોકરાવુ પાસે સમયઝ ચો સે, એ સમય વગરની જીંદગી ચેવી હોતી હશે એવુ બોલતા બોલતા માસી પાછા ઘરમાં જતા રહ્યા.

***

શુ થયુ, કેમ મોં લટકેલુ છે?”

રમેશ તો શહેર જતો રહ્યો છે

તો હવે?”

હુ તો એ વિચારુ છુ કે રમેશ પણ મારી જેમજ એની જીંદગીથી નાખુશ હતો. જેમ શહેરની રેસ જેવી જીંદગીથી હુ નાખુશ હતો એમ એ પણ ગામડાની શાંતિથી. જેમ મને શાંતિના ઝંખના હતી એમ એને પૈસાની. જેમ હુ ગામડાની શાંતિથી અંજાઇ ગયો છુ એમ કદાચ એ શહેરની ઝગમગથી

સ્નેહાએ રોહનના ખભે હાથ મુક્યો.

રોહને ઊંડો શ્વાસ લીધો. આંખો બંધ કરી.

હુ રમેશને ફોન કરી દઉ અને એગ્રીકલ્ચર ખાતામાં આંટો મારી આવુ છુ