Prem piyali books and stories free download online pdf in Gujarati

પ્રેમ પિયાલી

પ્રેમ પિયાલી

સવારે ૧૦:૧૫ વાગ્યે સલીમ રૂમ પર હતો. કંપની જવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યાં ઈરફાનનો ફોન આવ્યો.

લ્યા ક્યાં છો? રૂમ પર?”

હા. તારે કેમ થયું? ઈન્ટરવ્યુ હતું ને? કેવું રહ્યું?”

અરે, પાસ. ઈન્ટરવ્યુ ક્લિઅર. ૩.૩ Lac તો મિનીમમ. આટલું પેકેજ તો મળશે જ. અને, બીજી વાત છે કે પહેલા રાઉન્ડમાં ગાંધીનગર બ્રાંચની પોસ્ટ માટે ઈન્ટરવ્યુ લીધેલું. પરંતુ, હવે અમદાવાદ બ્રાંચમાં સેટિંગ થઇ ગયું.”

ઓહો...! શું વાત છે? જલસો બાપુ. જલસો. આજે તો રાત્રે થઇ જાય પાર્ટી.”

અલ્યા, ઈરફાન! સાંજે હું પાછો આવું ત્યાં સુધીમાં મારે જોઈએ. આર.એસ વખતે લાવતો નહિ. છેલ્લે લાવ્યા ત્યારે સ્પિરિટની સ્મેલ આવતી હતી. અને હા, હજુ રાત્રે તને મારવાનો છે ભેગા થઈને..! તૈયાર રહેજે.” સલીમ બોલ્યો.

ફોન કરીને બધા દોસ્તોને બોલાવ્યા. રાત્રે ફ્લેટ પર જમાવડો થઇ ગયો. બ્લન્ડર્સ પ્રાઈડની ૭૫૦ મિલીની બોટલ હાજર હતી. બેસ્વાદપણું દૂર કરવા અમૂલ ચિઝ અને આંગળી વડે આલ્કોહોલને ચડતી રોકવા જલજીરા પહોંચી ગઈ. થમ્સઅપ અને કિનલી જેવા કોલ્ડડ્રિન્ક્સની બોટલ પરથી સરકતા વોટર ડ્રોપ્સની જેમ લાળના ઘૂંટડા સ્વરપેટીને ડગ-ડગ વગાડતા હતા. વેફર, કુરકુરે, મગની દાળ, રતલામી સેવને બાઈટિંગની બેટિંગ કરવા માટે બધા દોસ્તો તૈયાર હતા.

અંતે, બોટલ ખુલી. બ્લંડર્સ પ્રાઈડના ખૂલવાની સાથે દરેકે જોરમાં અવાજ કર્યો. પહેલી આંગળી અને અંગુઠા વચ્ચે માર્લબોરો ક્લાસિકે સ્થાન લીધું. બીજા હાથમાં માચીસની તીલ્લી ઘસાઈ. એ સ્પાર્ક જરા આળસ મરડીને ઉભો થયો. સિગરેટ સળગી. કશ-એ-જામનું મિશ્રણ થયું. સિગારેટ બંને હોઠની વચ્ચે નશાની રાત્રિનો ‘ફોરપ્લે’ કરાવતી હતી. રૂમી અને ખુશરોની નઝમો વચ્ચે સિગારેટના કશ લાગતા હતા.

સફેદ હવાના સંયોજનમાં ભૂતકાળ ઉડી રહ્યો હતો. કેટલીક યાદના તરંગો રકસ-એ-બિસ્મિલ્લાહના સુફી મ્યુઝિક સાથે ઝૂમતા હતા. સિગરેટના કશમાં ખેંચાઈને તૂટી પડેલ અધૂરી રહી ગયેલી સંવેદનાઓ એશ-ટ્રેમાં રાખ બનીને ઉડતી હતી. સમયના ટૂંકા સ્પાનમાં માઈન્ડની કોન્શિયસનેસની પરીક્ષાઓ થવા લાગી. ત્યાં બીજો દોસ્ત બોલ્યો, “બનાવ. નીટ મારવું છે.”

આપ આપ. બનાવ એકદમ કડક. કોલ્ડ-ડ્રીંક નહિ...! નહિ...”

હા, નીટ મારવું છે.”આંખ ખુલ્લી નહોતી રહેતી. હૃદય અંદરથી કંઇક બળબળતું નીકળવા જઈ રહ્યું હતું.

અને, ખુદાને યાદ કરીને કુરાનની આયત બોલ્યો. દરેક સલીમની તરફ જોઈ રહ્યા હતા. તે રૂમીની શાયરી બોલ્યો.

ઝાલિમોને કહીં કા છોડા રૂમી,ઈખ્તિયાર-એ-ઈશ્ક ભી તુને ખોયા રૂમી.અબ ક્યા સુનાઉં હાલ-એ-દિલ યારો,કહી કા રહા હાલ-એ-દિલ રૂમી.એક અદાવત થી ઉસને ભી નઝર ફેર લિયા,એક નઝાકત થી ઉસને ભી નઝર ફેર લિયા.કિસ-કિસ કા સુનાઉં કિસ-કિસને નઝર ફેર લિયા,એક ફાકર સે તુને ભી નઝર ફેરા રૂમી.”

બધા દોસ્તો વાહ-વાહ કરતા હતા. સલીમના હાથમાં મોબાઈલ હતો. શાયરી બોલવાની સાથે તે વોટ્સએપ પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. એ ફિરદૌસ હતી.

સલીમને કેટલાયે સમયથી ગમતી હતી. વોટ્સએપ પર વોઈસ રેકોર્ડના મેનુ પર અંગુઠો રહી ગયો. એ જે બોલતો હતો, રૂમીની શાયરી ફિરદૌસે સાંભળી.

સલીમ, શું કરે છે તું? ડ્રિંક કરે છે?” વોટ્સએપ પર ફિરદૌસનો મેસેજ આવ્યો. ફોન માં લાઈટ બ્લીંક થઇ અને સલીમ મોબાઈલની સ્ક્રીન પર જોવા લાગ્યો.

હા, ફિરદૌસ.” ધ્રુજતા હાથે સલીમે ફિરદૌસને મેસેજ કર્યો.

સલીમ રૂમીની બીજી શાયરીઓ ગણગણવા લાગ્યો. સાથે-સાથે ફિરદૌસ સાથે વોટ્સએપ પર ઓડિયો પણ મોકલતો હતો.

“ફિરદૌસ, તને યાદ છે?”

“શું સલીમ?” ફિરદૌસ શાંતિથી બોલી. સલીમથી થોડી નારાજ હતી.

“આપણે બંને પહેલી જ વાર મળ્યા હતા. ફેસબૂકની લાઈકમાં..! હા હા હા...”

ફિરદૌસ શાંતિથી સાંભળી રહી હતી. સાથે-સાથે સલીમની મદહોશ વાતોમાં હસતી પણ હતી. આજે નશીલી જામને લીધે સલીમના મોં માંથી તેના હૃદયના ખૂણામાં ધરબાયેલો ભૂતકાળ બહાર ઉલેચાતો હોય તેવું જણાઈ રહ્યું હતું. ફિરદૌસને પણ સાંભળવું હતું.

શબ્દોમાં નશો ઢોળાઇ રહ્યો હતો. એ નશામાં કોઈ અલગ જ અલગારી પ્રેમની સુંગંધ હતી. એ હવસ નહોતી, ખુશ્બુ હતી દોસ્તી આગળના પગથિયાની...! સલીમ ઘણા સમય પછી એવું બોલી રહ્યો હતો જે ફિરદૌસને સાંભળવું હતું. એક અલગ જ ચરમ હતો એ રાતની સીમાનો...!

થોડા સમય પછી સલીમે ફરીથી મેસેજ કર્યો. ફિરદૌસ આજે શાંત હતી, હ્રદયમાં થોડી હરકતો થતી હતી. પરંતુ, તે સાંભળી રહી હતી. સલીમના મેસેજની રાહ જોઈ રહી હતી. તે શું બોલશે? કેવું બોલશે? હું પસંદ છું એવું બોલશે? ક્યારેક દિલ એવું કહેતું હતું, ‘ના, સલીમ થોડો મને પસંદ કરે?’ એ જ હદય પાછું જવાબ આપતું હતું, ‘જો, મને તે પસંદ કરતો હશે તો...!’ એ વિચારીને પાછી મનમાં હસતી. આ સમયમાં કદાચ હૃદય કોઈ એક ધબકારો ચુકી જાય તેવું બની શકે. પરંતુ, ફિરદૌસ એ સલીમના ચહેરાને વોટ્સએપના પ્રોફાઈલ પિક્ચરમાં હરક્ષણ જોયા કરતી હતી.

“ફિરદૌસ, મેં તને પૂછેલું...! જયારે આપણે વોટ્સએપ પર વાત કરતા થયા ત્યારે ! યાદ છે?”

“શું સલીમ?”

“કે, હું તને તારા વિષે અમુક બાબતો કહુ? આપણા પીરબાબા કહે છે તેમ, ચહેરો જોઇને...!”

“હાસ્તો, યાદ જ હોય છે. યા અલ્લાહ...! હું તે દિવસે બહુ ખુશ થયેલી, કે મારા વિષે કોઈ પરાયું વ્યક્તિ માત્ર ચહેરો જોઇને આટલું બધું કહી શકે છે.”

“હા ફિરદૌસ! પરંતુ, મેં તને તે દિવસે ઉલ્લુ બનાવેલી. હા હા હા...! ફિરદૌસ, તું બહુ ભોળી છે. મેં જે કહ્યું તે સાચું પડ્યું, એવું કદી પણ શક્ય છે ખરું?” સલીમ હસતા હસતા બોલ્યો.

“સલીમ, જૂઠ ના બોલીશ. સાચું બોલ. તે દિવસે જે તે મને કહેલું એ જૂઠ હતું?” ફિરદૌસ વિચારમાં પડી ગઈ.

“હાઈટ : ૫’ ૪” ફીટ

વેઇટ : ૫૨ કે.જી.

તું તારા સોલમેટ ને બહુ સાચવીને રાખીશ

તમારા બંનેમાં તારું જ ચાલશે

તું સમાજ અને સમજની પાતળી ભેદરેખા સમજી શકીશ

તું બહુ શાંત છે

વસ્તુને યોગ્ય જગ્યા પર રાખવી ગમે છે

તને સ્વચ્છતા જાળવવી ગમે છે.”

“હા, સલીમ. આ બધું તે મારા માટે પ્રેડીકટ કરેલું. સાચું તો હતું જ બધું...!” ફિરદૌસ ફરી વિચારમાં પડી ગઈ.

“એ ફિરદૌસ, મારી ફિરદૌસ. તું ખરેખર બહુ ભોળી છે. અરે, જાન ! આવું બધું દરેકને ગમતું જ હોય. આ દરેક વાતો બધાને ગમે જ. પરંતુ એક વાત કહું, ફિરદૌસ?”

“જુઠ્ઠા. સલીમ. મને તો એવું કે તું મારા માટે આટલું બધું જાણે છે. જ, તારા સાથે વાત જ નહિ કરું હવે. કિટ્ટા.” ફિરદૌસ, અંદરથી હસીને મીઠી કિટ્ટી કરીને બેસી ગઈ.

સલીમે પણ થોડા સમય સુધી મેસેજ ન કર્યો. ત્યાં જ, રૂમમાં બેઠેલા અન્ય દોસ્તોએ ફરી એક શાયરીનીડિમાન્ડ કરી. સલીમ ફોન સાઈડ પર મુકીને ફરીથી રૂમીની એક શાયરી બોલ્યો. રેકોર્ડ કરી તેને ફિરદૌસને મોકલી.

“ઐ મુસાફિર-એ-તન્હા દેખ, શામ હોને વાલી હૈ,

ઘર લૌટ કે જલ્દ જા, શાન હોને વાલી હૈ,....”

“વાહ...વાહ... ઈર્ષાદ...ઈર્શાદ મિયાં. ઔર ફરમાઈએ...!” સલીમના દોસ્તો બોલ્યા.

“અરે, ભાઈ...! સુન તો સહી મેરે દોસ્ત.” સલીમ દરેકને હાથ બતાવીને બોલ્યો.

“ઐ મુસાફિર-એ-તન્હા દેખ, શામ હોનેવાલી હૈ,

ઘર લૌટ કે જલ્દ જા, શામ હોનેવાલી હૈ,....”

બૈઠને લગે દેખો પરિંદે શાખોં પર,

દેખ રક્સ પેડોં કા, શામ હોનેવાલી હૈ,

આજ પાંવ કે નીચે શરમાઈઝમીં સી હૈ,

આજ ક્યા ગઝબ હોગા, શામ હોનેવાલી હૈ,

રેત કે સમંદર મૈ એક નાવ કાગઝ કી,

કૈસે સચ હોગા સપના, શામ હોનેવાલી હૈ,

જગ મગા રહા હૈ આસમાં ચીખોં સે,

ઔર તૂટા સન્નાટા, શામ હોનેવાલી હૈ,

વક્ત કે દરવાઝેં ભી ‘રૂમી’, સબ બંદ હોનેવાલે હૈ,

ભૂલ જા કી ક્યાં દેખા, શામ હોનેવાલી હૈ.”

ફિરદૌસ ઓડિયો સાંભળતી હતી. સલીમની શાયરી જાણે પોતાના માટે જ હોય તેવું અનુભવતી હતી. એ દરેક શબ્દમાંથી સૂરને પેલે પાર કશુંક દેખાયાની પરિસ્થિતિ જન્મ લઇ રહી હતી. આજની રાત્રિની ચાંદની પણ નશીલી લગતી હતી. જાણે, ચંદ્ર પૃથ્વીને પોતાની પ્રેયસી માનીને શ્વેત પ્રકાશરૂપે સહવાસ ન માણી રહ્યો હોય...! પર્વતોને પ્રેમિકા પૃથ્વીના સ્તન સમજીને એ ચાંદનીને તેના પર ઢોળી રહ્યો હોય. કાળી ઘેરાશથી છવાયેલ પર્વતની ટોચ સ્તનાગ્ર જેવી લાગી રહી છે. તેની પાછળ ઉપસી આવતું પૃથ્વીનું ધવલ શરીર ઝળાહળા થઇ રહ્યું છે. બસ, ફિરદૌસ કશુંક વિચારતી હતી, સલીમ માટે જ...!

ફિરદૌસે સલીમને શાયરી સાંભળીને સામેથી જ મેસેજ કર્યો.

“સલીમ, બોલ ને ..! હજુ કોઈક શાયરી. હું સાંભળું છું.” ફિરદૌસનો મેસેજ જોઇને સલીમ ખુશ થયો.

“પરંતુ, તું મને પહેલેથી જ બહુ ગમે છે. મને તું ગમે છે. તને મારી શાયરી ગમે છે. મારી શાયરીઓને ફિરદૌસ ગમે છે.”

“તો?” ફીરદૌસે જરા મજાક કરતા કહ્યું.

“તો, તું મારી શાયરીને ઈશ્ક કરીશ? મારું હૃદય ચાલે ત્યાં સુધી?”

“સલીમ, એવું ન બોલ.” ફિરદૌસ ગંભીર થઇ ગઈ. સલીમને ખરેખર ચાહતી હતી, એ વાતની તે ક્ષણે પ્રતીતિ થઇ. કદાચ, સલીમ બાજુમાં હોતે તો એના મોં પર હાથ મુકીને તેને બોલતો અટકાવે તે શક્ય જ હતું. સલીમને ભેટી પડવાનું મન થતું હતું. હૃદયમાંથી એ સંવેદનાનો નશો રેડાઈ રહ્યો હતો, એક વહેણ રચાઈ રહ્યું હતું, જે સલીમ સુધી સીધું દરિયામાં નદી ભળે તેમ ભળી જતું હતું.

“સલીમ, હમણાં સુઈ જા. સવારે વાત કરીશું. પ્લિઝ...!”ફિરદૌસનું મન અત્યારે કોઈ જ પ્રકારનું નિર્ણય લેવા કે બળવા માટે સક્ષમ નહોતું.

“ફિરદૌસ, આપણે આજ સુધીમાં એક જ વખત મળ્યા છીએ. એ પણ દરગાહની નજીક. એ સમયે અઝાન માટે પીરબાબા બાંગ પોકારી રહ્યા હતા. કેટલું સરસ વાતાવરણ હતું...! મારે ફરીથી તારી સાથે એ દરગાહ પર જવું છે. નિકાહ કરવા છે તારા જોડે. જિંદગીના ‘કબૂલનામાં’ પર તારા ઇશ્કની મોહર લગાડવી છે. એ અઝાનના સૂફી સંગીતમાં ખોવાઈ જઈને અલ્લાહને મારી ફિરદૌસ માટે બંદગી કરવી છે. તને હસતી રાખવા માટે નઝમોને મારી જીભ પર બેસાડવી છે. બસ, બીજું કશું નહિ કહું. મારે તને એક કાયમી દોસ્ત બનાવવી છે, શું તું બનીશ?” સલીમે આટલી ગંભીરતાથી ક્યારેય પણ વાત નહોતી કરી.

સલીમની વાત સાંભળીને ફિરદૌસ સલીમને ખરેખર પસંદ કરવા લાગી. એક દોસ્તની હદથી વધુ કશુંક તેને સલીમ માટે દેખાયું. સલીમનો ચહેરો તેની નજર સમક્ષ મંડાયેલો રહેતો હતો.

અને, સલીમે ઘણા બધા મેસેજ ફિરદૌસને વોટ્સએપ પર મોકલ્યા. સલીમ, સૂઈ જા. સવારે વાત કરીશું.”

ના, ફિરદૌસના. અત્યારે જ. હું શું કહેતો હતો ફિરદૌસ...? હું કહેતો હતો. ફિરદૌસ, તું મને ગમે છે.”સલીમની આંખો ઘેરાતી ગઈ. રૂમમાં અન્ય મિત્રો પણ સૂઈ ગયા હતા. એક દોસ્ત જાગતો હતો, સલીમને જોઈ રહ્યો હતો. જે ઈરફાન હતો. સલીમ ઈરફાન જોડે દરેક વાત શેર કરતો હતો. સલીમે ઈરફાન તરફ જોયું. ઇરફાનનો સંતોષથી ભરપૂર અદ્ભુત ચહેરો જોઇને સલીમ પણ હસ્યો.

સલીમ, સુઈ જા. સવારે વાત કરીશું. અત્યારે સુઈ જા.”ફિરદૌસ ઓફલાઈન થઇ ગઈ. સલીમ પણ છેલ્લા બ્લેન્ડર્સ પ્રાઈડના નીટ સાથે સુઈ ગયો. ઊંઘમાં બબડતો હતો.

સલીમ સવારે ઉઠ્યો. ઉઠતાની સાથે મોબાઈલ સ્વિચ ઓન કર્યો. ગઈકાલ રાત્રિની વાતો યાદ આવા લાગી. ગિલ્ટ અનુભવવા લાગ્યો. રિગ્રેટથી ફટાફટ ફિરદૌસ સાથે થયેલી ચેટ વાંચી.

તરત સલીમે ફિરદૌસને મેસેજ કર્યો, “સોરી, ફિરદૌસ. હું કઈ કહી શકું તેમ નથી. સોરી, વન્સ અગેઇન.”આખો દિવસ ફિરદૌસના મેસેજની રાહ જોઈ. પરંતુ, રિપ્લે ન આવતા સલીમ મૂંજાયો. કદાચ ફિરદૌસ મારાથી નારાજ તો નહિ હોય ને? હવે એ મારા જોડે બોલશે તો ખરા ને? ‘હવે હું ક્યારે પણ ડ્રીંક નહિ કરું’ એવી પ્રોમિસ જ કરી દઈશ. આવી વાતો વિચારતો થયો.

સાંજના ૧૦:૦૦ વાગ્યા.

ફિરદૌસનો બીજા દિવસે રાત્રે છેક મેસેજ આવ્યો. ફટાફટ સલીમે વોટ્સએપ ઓપન કર્યું. ફિરદૌસે એક ઓડિયો મોકલ્યો હતો. સલીમે ઓડિયો પ્લે કર્યો.

ઓડિયોમાં ફિરદૌસ બોલી, સલીમ! ગઈ કાલ રાતની વાત, જે તેમને નશામાં કહી હતી. તે વાત હું તને કહું તો? મારે પણ સોરી કહેવું પડશે?”