Naitik-Anaitik books and stories free download online pdf in Gujarati

નૈતિક-અનૈતિક

મહેક પસ્તાવાની આગમાં સળગી રહી હતી. એને ભારોભાર પસ્તાવો હતો માલવ સાથે ઝગડો કર્યાનો. એ માલવને મનાવવાનાં પ્રયત્નો કરતી. એને નહોતી ખબર કે માલવ સાથેનાં ઝઘડાની એણે આટલી મોટી કિંમત ચૂકવવી પડશે. એનો માલવ એનાથી આટલો બધો દૂર થઈ જશે. પણ હવે શું થાય? ગુસ્સાનો એક અનોખો ગુણ છે કે એ ઉદભવે છે નાના સરખાં તણખલાંની જેમ, પણ પોતાની આસપાસનું તમામ ભસ્મ કરીને જ જપે છે. મહેક સમજુ અને ઠરેલ હતી. એ માલવ સાથે શાંતિથી ચર્ચા કરવા માંગતી હતી પણ ક્ષણવારના ગુસ્સામાં એ પોતાનું સર્વસ્વ હોમી ચુકી હતી. એને અણસાર હતો માલવથી ઘણાં દૂર થઈ ગયાનો. ભલે બંને એક ઘરમાં પતિ-પત્નીની માફક રહેતાં હતા પણ બંને વચ્ચે એક ના સમજાય એવી દુરી હતી. સંબંધ તો હતો પણ એમાં હૂંફ ના હતી. છતાં એ પોતાનો સંસાર બચાવવા માંગતી હતી.

માલવથી પણ મહેકના આ પ્રયાસો અજાણ્યા ન હતાં. એ જાણતો હતો કે મહેક એક પત્ની તરીકેની તમામ જવાબદારી ખુબ સારી રીતે નિભાવે છે. અને મહેકને એ રાતે ગુસ્સાથી વાત કર્યાનો પસ્તાવો પણ છે. પસ્તાવો, પસ્તાવો તો માલવને પણ ક્યાં ના હતો? એને અંદરખાને લાગતું કે કેશા સાથેનો એનો સંબંધ બરાબર નથી. ભલે મહેકે જે કર્યું હોય એ પણ એ પોતે મહેક સાથે ખુબ મોટો અન્યાય કરી રહ્યો છે. પણ જયારે પણ એ આ વિશે કેશાની આગળ વાત કરતો ત્યારે કેશા એને સમજાવી દેતી કે એ બંને જે કરી રહ્યા છે તે સાચું જ છે. બંને પુખ્ત વયનાં છે અને બંનેને હક છે એકબીજા સાથે સંબંધ રાખવાનો. વળી મહેકનાં શરમાળ અને ધાર્મિક સ્વભાવે પણ માલવને દૂર કરવામાં પોતાનો ભાગ ભજવ્યો હતો. માલવને શયનખંડમાં પણ પોતાની પત્ની પાસે કેટલીક અપેક્ષાઓ હતી. જયારે મહેકને મન એ બધું કેવળ સંતાન-પ્રાપ્તિ માટેના પ્રયાશ. જે માલવને મહેક પાસેથી ન મળી શક્યું એ એને કેશા પાસેથી મળતું જણાયું.

માલવને ક્યારેક લાગતું કે એણે મહેક સાથે છુટા-છેડા લઈને કેશા સાથે લગ્ન કરી લેવા જોઈએ. પણ પછી એને થતું કે મહેકને આટલી મોટી સજા આપવી ઠીક નથી. વળી જયારે એ કેશાને કહેતો લગ્ન માટે ત્યારે કેશા કોઈ ને કોઈ બહાને વાત ઉડાવી દેતી. કેશાએ ચોખ્ખા શબ્દમાં માલવને કહ્યું હતું કે એની માં એને એવા પુરુષ સાથે ક્યારેય લગ્ન નહિ કરવા દે કે જે પહેલે થી પરિણીત છે. આથી માલવ એ વિચાર માંડી વાળતો. પોતાને મળવામાં કોઈ વાંધો નહિ આવે એટલા માટે કેશાએ માલવ પાસે એક બંગલો લેવડાવ્યો. અને માલવે પણ કેશાના વિશ્વાસે એ બંગલો કેશાનાં નામ પર જ લીધો હતો.

મહેકે માલવને પાછો મેળવવા પહેલાં પોતાના પરિવારની મદદ લેવાનું વિચાર્યું. પણ પછી માલવની બદનામીના ડરે એ વિચાર માંડી વાળ્યો. એને સમજ ન હતી પડતી કે પોતે શું કરે? કોની મદદ લે? એને માલવનાં ફોનમાંથી જ કેશાનો ફોન નંબર મળ્યો હતો. બહુ વિચાર્યા બાદ એણે કેશાને ફોન કર્યો અને ખુબ વિનંતી-ભર્યા સ્વરથી પોતાની જિંદગીમાંથી જતા રહેવા કહ્યું. પણ એમ માને તો કેશા થોડી? એણે ચોખ્ખી ના પાડી પોતે અને માલવ એકબીજાને ખુબ પ્રેમ કરતા હોવાનું કહ્યું. આ પ્રયાસ પણ નિષ્ફળ જતા મહેક ફરી એકલી પડી ગઈ. કોની મદદ લેવી? શું કરવું એ એને નહિ સમજાયું. અંતે ખુબ વિચાર્યા પછી તેણે પરમને ફોન કરી મળવા બોલાવ્યો.

મહેકે પરમને તમામ હકીકતથી વાકેફ કરી એની મદદ માંગી. પહેલાં તો પરમે આ મામલામાં પડવાની સ્પષ્ટ ના પાડી દીધી પણ પછી મહેકની કાકલુદી અને એની સ્થિતિ જોઈને એ મહેકને મદદ કરવા તૈયાર થયો. પરમે મહેકને માલવ સાથે પ્રેમથી વર્તવા જણાવ્યું અને પોતે એ બંને પર નજર રાખશે એમ નક્કી કર્યું.

કેશા જયારે માલવની ઓફિસેથી નીકળી ત્યારે એને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે કોઈક એનો પીછો કરી રહ્યું છે. એ ત્યાંથી એક હોટેલમાં ગઈ જ્યાં એક યુવાન પહેલેથી એની રાહ જોઈ રહ્યો હતો. પરમે પણ એ બંને પર નજર રહે એ રીતે એક ટેબલ પર જગ્યા લીધી. કેશાના વર્તન પરથી લાગતું હતું કે એ બંને એકબીજાને ખુબ લાંબા સમયથી ઓળખે છે. પણ આ માણસને પરમે પહેલાં ક્યારેય જોયો ન હતો. ખબર નહિ કોણ હતો એ? કેશા અને એ યુવાન ખુબ ખુશ દેખાય રહ્યા હતાં. થોડી વાર વાત કર્યા પછી કેશા ત્યાંથી નીકળી ગઈ. પરમ પણ એનો પીછો કરતો ત્યાંથી નીકળ્યો. ત્યારપછી કેશા એના નવા બંગલો પર પહોંચી. જ્યાં માલવ પણ હાજર હતો. પરમે દૂરથી બંનેને જોયા અને પછી ત્યાંથી નીકળી ગયો.

આ તરફ મહેકે માલવની મનપસંદ રસોઈ તૈયાર કરી, પછી રૂમને પણ માલવની પસંદગી મુજબ સજાવ્યો. પછી પોતે પણ તૈયાર થઈ માલવની રાહ જોવા માંડી. એણે મનોમન નક્કી કર્યું કે આજે એ માલવની સાથે વાત કરશે જ. અને આ સંબંધને ટકાવી રાખવા પોતાનાથી બનતા બધા જ પ્રયાસ પણ કરશે જ.

સાંજે માલવ આવ્યો ત્યારે એણે હસતા મોઢે માલવનું સ્વાગત કર્યું. માલવને સુખદ આશ્ચર્ય થયું. આજે એમ પણ માલવને ખુબ જ ભૂખ લાગી હતી અને તેમાં પાછું પોતાની મનપસંદ વાનગીઓ જોઈને એ ખુશ થઈ ગયો. સ્વાદમાં તો જોવાનું જ ન હોય. મહેકના હાથની સ્વાદિષ્ટ વાનગીઓ તો આમ પણ માલવને પહેલે થી જ ખુબ ભાવતી. માલવ ખુશ થઈ ગયો. થોડી ક્ષણો માટે તો એ પોતે જાણે ભૂલી જ ગયો કે એના જીવનમાં અન્ય કોઈ યુવતી પણ છે. માલવ જમીને ઉઠ્યો એટલે મહેકે માલવને પૂછ્યું કેવી હતી રસોઈ? તમે ધરાઈને જમ્યા? માલવ ઉત્સાહથી બોલી ઉઠ્યો આજે તો ખરેખર મજા આવી ગઈ જમવાની. ખુબ સ્વાદિષ્ટ ભોજન હતું. પછી અચાનક એને ભાન થતાં એ સિરિયસ થઈ ગયો.

પણ મહેકે તરત કાન પકડીને માફી માંગતા કહ્યું હું જાણું છું માલવ કે મારા તે દિવસના વર્તને આપણી વચ્ચે ખાઈ ઉભી કરી છે. હું ખરેખર ખુબ દિલગીર છું. મારી ઈચ્છા તમારું દિલ દુખાવવાની કે તમારા પર શક કરવાની ક્યારેય ન હતી. બસ તમને ગુમાવવાની બીકે તે દિવસે હું મારા મગજનું સંતુલન ખોઈ બેઠી, પ્લીઝ મને એક મોકો આપો માલવ. ક્યારેય તમને ફરિયાદનો મોકો નહિ આપું. માલવે કહ્યું જે થઈ ગયું છે એમાં હવે કંઈ થઈ શકે એમ નથી મહેક. પણ મેં તને માફ કરી દીધી છે અને એક પતિ તરીકેની મારી કોઈ પણ ફરજ હું નહિ ચૂકું એ વચન આપું છું. પણ લાગણીનું અંતર જે આપણી વચ્ચે ઉદ્ભવ્યું છે હું નથી જાણતો કે તેમાંથી હું ક્યારે બહાર આવી શકીશ?

મહેકે વધારે વાતને નહિ ખેંચવામાં જ શાણપણ સમજ્યું. એણે વિચાર્યું કે ધીરે ધીરે માલવ પોતાની પાસે પાછો ચોક્કસ આવી જશે. માલવ પોતાના રૂમમાં ગયો તો પણ ખુશીથી ચોંકી ઉઠ્યો. બધી સજાવટ એને ગમે એ રીતેની હતી. વળી, એને ગમતી લેવેન્ડરની સુગંધથી એનો રૂમ મહેકી રહ્યો હતો. એ ખુશ થઈ ગયો. પણ મહેક આવે એ પહેલાં સુવાનો ડોળ કરવા માંડ્યો. મહેકના વર્તને માલવનાં મનમાં ગડમથલ સર્જી હતી. એને થતું કે બધું છોડીને મહેક સાથેનો પોતાનો સુખી સંસાર સાચવી લે. પણ કેવી રીતે? એમ કેશા એને છોડે એમ ક્યાં હતી?