glamour word books and stories free download online pdf in Gujarati

ગ્લેમર વર્લ્ડ

"જેમ્સની હત્યા" ટી.વી. પર સતત એક જ સમાચાર આવી રહ્યા હતાં. મિશાને કઈ જ સમજમાં ન હતું આવતું. ભલે એણે પોતાનો ફોન બંધ કરી દીધો હતો. પણ એને મનમાં છૂપો ડર હતો કે ક્યાંક આ મામલામાં પોતે ના સંડોવાય જાય. પોતે વાત કરે તો કોને કરે? માં-બાપ સાથે સંબંધ તો એણે સંબંધ ખુબ પહેલાં જ તોડી કાઢ્યો હતો. જયારે સોળ વર્ષની ઉંમરે મિશાએ ફિલ્મોમાં કારકિર્દી બનાવવા માટે ભણતર છોડવાની વાત કરી ત્યારે એના માં-બાપે એને ભણતર પૂરું કરવા સમજાવી. એનાં માં-બાપને મિશાની ફિલ્મી કારકિર્દી સામે કોઈ વાંધો નહિ હતો. એ લોકોની ફક્ત એટલી જ ઈચ્છા હતી કે મિશા પહેલાં એનું ભણવાનું પૂરું કરે અને પછી કોઈ પણ નિર્ણય લે. પણ મિશાએ નહિ માન્યું. અને એક દિવસ રાત્રે પોતાના માં-બાપને જણાવ્યા વગર ઘરે થી ચાલી નીકળી. એકાદ વર્ષ પછી ક્યાંકથી ખબર મળતા મિશાના મમ્મી-પપ્પા એને મનાવવા આવ્યા હતાં. પણ જિદ્દી મિશાએ એમને મળવાની પણ ચોખ્ખી મનાઈ કરી દીધી હતી. આજે એને એનાં મમ્મી-પપ્પાની ખુબ જ યાદ આવતી હતી. પણ એનામાં એટલી હિમ્મત ન હતી કે એ એમને ફોન કરી શકે.

મિશાનાં મનમાં વિચારોનું ઘમસાણ ચાલી રહ્યું હતું. લાવણ્યા ભલે એની મિત્ર હતી પણ મિશાને સમજાતું ન હતું કે આ વાત લાવણ્યાને કહેવી કેવી રીતે? શું લાવણ્યા પોતાની વાત સમજી શકશે ખરી? ના ના, લાવણ્યાને તો આવી વાત નહિ કહી શકાય. એ નહિ સમજી શકશે આ વાતને. શું ખબર એ પણ મિશાને ગુનેગાર સમજી લે તો? ના લાવણ્યાને તો નહિ જ કહી શકાય. તો પછી કહેવું કોને? આજે પહેલી વાર મિશાને ખુબ એકલતાનો અનુભવ થઈ રહ્યો હતો. એની પાસે કોઈ જ એવું ન હતું કે જેને એ પોતાની મુશ્કેલી, પોતાની વાત કહી શકે અને આવી ક્ષણોમાં મદદની અપેક્ષા રાખી શકે.

આખી રાત મિશા ઊંઘી ના શકી. વિચારો એનો પીછો જ ન હતાં છોડતાં. હા જયારે લાવણ્યા આવી ડીનર પતાવીને ત્યારે થોડો સમય મિશાએ ઊંઘવાનો ડોળ જરૂર કર્યો. પણ આજે કેમેય એને ઊંઘ આવે એમ ન હતી. એણે બહુ પ્રયાશ કર્યા સુવા માટે પણ ઊંઘ ના આવી તે ના જ આવી. આખી રાત મિશાને ખુબ લાંબી લાગતી હતી અને જાણે દરેક દિશાઓ એને ભીંસી નાંખવા તૈયાર હોય એવું લાગતું હતું. એણે વિચાર કર્યો કે ક્યાંક ભાગી છૂટે. પણ પછી વિચાર્યું કે ભાગવા જશે તો પોલીસને વધારે શક જશે. અંતે આખી રાતની મથામણ પછી મિશાએ નક્કી કર્યું કે જાણે કંઈ થયું જ નથી એમ જ રહેવું. અને જો કદાચ જેમ્સની ફોન હિસ્ટ્રીના લીધે પોલીસ પૂછપરછ કરે તો પોતે ફક્ત એની ફિલ્મ કરવાની હોવાથી એને સંપર્ક કર્યો હતો એમ કહીને છટકી જવાનું એણે નક્કી કર્યું,

બીજા દિવસે એણે મુકેશને મળવા જવાનું હતું પણ આખી રાતના ઉજાગરાને કારણે અને માનસિક થાકને લીધે એને યાદ જ ના રહ્યું. જયારે સામેથી મુકેશનો ફોન આવ્યો તો એણે તબિયત ખરાબ હોવાનું બહાનું બનાવ્યું અને બે-ચાર દિવસ પછી મિટિંગ ગોઠવવાનું કહ્યું. મિશાએ નક્કી કર્યું કે હમણાં ચાર-પાંચ દિવસ સુધી એ ફ્લેટમાં જ રહેશે અને બહાર ક્યાંય નહિ જાય. પણ બીજા દિવસે પોલીસ-સ્ટેશનથી મિશાને ફોન આવ્યો. અને પ્રાથમિક પૂછપરછ માટે એને બોલાવી. મનમાં એક જ જવાબ આપવાનું નક્કી કરી કોઈને કંઈ પણ કહ્યા વગર એ પોલીસ-સ્ટેશને પહોંચી. પોતાનું આખું મોં એણે દુપટ્ટાથી ઢાંકી દીધું હતું જેથી એને કોઈ જોઈ ના જાય અથવા કોઈ ઓળખી ના શકે.

મિશાનું અનુમાન સાચું હતું પોલીસને જેમ્સનાં ફોનમાંથી મળેલ કોલ ડિટેઇલ્સના આધારે પોલીસે મિશાને તપાસ માટે બોલાવી હતી. મિશાએ જેમ્સ સાથે માત્ર ફિલ્મ માટે વાત થઈ હોવાનું કહ્યું. વાસ્તવમાં જેમ્સનાં કોઈક મિત્રએ પોલીસને એવી માહિતી આપી હતી કે મિશા જેમ્સની નવી ગર્લફ્રેન્ડ છે. આથી પોલીસને મિશા પર શંકા હતી. પણ મિશાએ એવું કંઈ જ નહિ હોવાની વાત પકડી રાખી હતી. આથી પોલીસે એને જવા દીધી અને જરૂર પડ્યે ફરી પૂછપરછ માટે હાજર રહેવાનો આદેશ આપ્યો. મિશાએ રાહતનો શ્વાસ લીધો પણ છતાંય હજુ સંકટ પૂરેપૂરું ટળ્યું ન હતું. પોલીસને મિશા પૂર્ણપણે નિર્દોષ હોવાની ખાતરી ના હતી.

મિશા ઘરે આવીને પુરેપુરી રિલેક્સ થાય એ પહેલાં તો એનાં પર કોઈક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. પોતે મિશાનો શુભેચ્છક હોવાનું અને મિશા અને જેમ્સની તમામ વિગતો પોતાને ખબર હોવાનું કહ્યું. મિશા ઘભરાય ગઈ. પણ સામેની વ્યક્તિએ પોતાની ઓળખ નહિ જ આપી અને ફરી ફોન કરવાનું કહી ફોન મૂકી દીધો. કોણ હતું એ? સાચે જ એને બધી ખબર હતી કે પછી એ ફક્ત મિશાની પરીક્ષા કરી રહ્યો હતો. મિશાને બધું ગુચવાતું લાગ્યું, પાછું દસ મિનિટ પછી મિશાના મોબાઈલ પર અન્ય કોઈ અજાણ્યા નંબર પર થી ફોન આવી રહ્યો હતો. મિશાએ ઘભરાઈને એ ફોન ઉપાડ્યો જ નહિ. પણ સતત ચાર-પાંચ ફોન એ જ નંબર પરથી આવતા મિશાએ ફોન ઉપાડ્યો. સામે છેડે મિસિસ મેરી જેમ્સ વાત કરી રહી હતી. એણે મિશાને જેમ્સના દુઃખદ અવસાન વિશે કહ્યું અને મિશાને મળવા માટે આગ્રહ કર્યો. મિશા પહેલાં તો પોતે ફક્ત એમને ફિલ્મ માટે જ જાણતી હોવાનું કહેતી રહી પણ મેરીએ ખુબ આગ્રહ કરતા અને જરૂરી કામ હોવાનું કહેતા એ મેરીને મળવા તૈયાર થઈ.

મિશા મેરીના ઘરે ગઈ તો દરવાજાની ડોરબેલ બંધ હતી. આથી થોડી વાર મિશા ત્યાં ઉભી રહી પણ દરવાજો ખુલ્લો જોતા અને કોઈ ન હોવાનું લગતા મિશા દબાતા પગલે અંદર ગઈ. સાચે જ આગળ બેઠક રૂમમાં કોઈ જ ના હતું. પણ રસોડામાંથી મેરીના હસવાનો અવાજ આવતો હતો. કદાચ કોઈક હતું એની સાથે. શું કરવું એ ના સમજાતાં મિશા બહાર નીકળીને ઘરની ફરતેનાં ગાર્ડનમાં ગઈ. એને થયું કે મિસિસ મેરી આગળ રૂમમાં આવશે પછી પોતે ઘરમાં જશે. અનુમતિ વગર અંદર બેસવાનું એને ઉચિત ન લાગ્યું. વળી મિસિસ મેરીને એણે સાંજે આવવાનું કીધું હતું પણ નજીકમાં એક કામ માટે આવી હોવાથી એણે વિચાર્યું કે હમણાં જ મળી લઉં. ગાર્ડનમાં વિવિધ ફૂલ-છોડ જોતા જોતા એ આગળ વધી રહી હતી પણ ત્યાં તો રસોડાની બારીમાંથી અંદરનું દ્રશ્ય જોઈ એ છક્ક થઈ ગઈ. રસોડામાં મિસિસ મેરી અન્ય કોઈ પુરુષ સાથે......

કંઈ સમજ ના પડતા એ ત્યાં બારીની બહાર જ સંતાય ગઈ. એવામાં એણે મેરીની પેલા પુરુષ સાથેની વાતો સાંભળી જેમાં મેરી એનાં બૉયફ્રેંડને કહી રહી હતી કે ફક્ત એને મેળવવા માટે જ એણે વચ્ચેથી જેમ્સને હટાવ્યો છે. એક વાર પોલીસની કાર્યવાહી પતે એટલે જેમ્સની બધી મિલકત પોતાના નામે થઈ જશે પછી મેરી એનાં બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લેશે.

ઓહ ગોડ.! મતલબ જેમ્સની હત્યા ખુદ એની પત્નીએ કરી છે? પણ જેમ્સ તો એની પત્નીને કેટલો પ્રેમ કરતો હતો? એવું જ જો હતું તો મિસિસ મેરી એ પોતાને અહીં શું કામ બોલાવી? ફોન પર તો મિસિસ મેરી ખુબ દુઃખી હોય જેમ્સનાં મૃત્યુથી એવી રીતે વાત કરી રહ્યા હતાં. હવે શું કરવું? પોલીસને કહી દે બધી વાતો? પણ પોલીસ એનાં પર કેવી રીતે વિશ્વાસ કરશે?

મારી આ વાર્તા વાંચવા માટે ઘણો ઘણો આભાર. કંઈ અભિપ્રાય, વિચારો કે સૂચન હોય તો મને ચોક્કસ લખી મોકલજો. અને સમય હોય તો મારા બ્લોગની પણ મુલાકાત લેજો અને તમારા અમૂલ્ય અભિપ્રાય કે સૂચન આપજો. ફેસબુક પર "શક્તિ બ્લોગ" ના પેજ પર પણ તમે પોતાના મંતવ્યો મોકલી શકો છો.

Mail: shivshaktiblog@gmail.com ;

Blog: https://shivayshaktiblog.wordpress.com/