Matana madhni addbhut padyatra books and stories free download online pdf in Gujarati

માતાના મઢની અદભુત પદયાત્રા

સૌને જય માતાજી.

ભારત દેશ તહેવારો નો દેશ છે. જેમ આપણા ખિલાડી સુપરસ્ટાર અક્ષય કુમાર ની એક પછી એક ફિલ્મો આવતી જ રહે છે, જેમ વિરાટ કોહલી ની Century બનતી જ રહે છે, જેમ પ્રધાનમંત્રીજીની પ્રવાસની યાદીમાં એક પછી એક દેશ જોડાતો જ જાય છે તેમ એક તહેવાર ની પાછળ તેની પૂર્ણાહુતિ ના સમાચાર આપવા જાણે, બીજો તહેવાર તૈયાર જ રહે છે. હા બધા તહેવારો બધા માટે નથી હોતા, અમુક તહેવારો અમુક સમાજમાટે, તો અમુક કોઈ ચોક્કસ ઉંમરના લોકો માટે તો અમુક તહેવારો કોઈ વર્ગ માટે વધુ મહત્વ ના હોય છે. ("However there is no class, no age or no region matters to enjoy a festival". -don't know who said this but it's true. )

નવરાત્રી નો તહેવાર આવા તહેવારો માંથી જ એક છે, સૌથી મહત્વનું તો એ છે કે આ તહેવાર એક -બે દિવસ નહીં પરંતુ નવ દિવસ ચાલે છે (દશેરા ને ગણતા પુરા દસ). બધા તહેવારો માં નવરાત્રી નો તહેવાર કંઈક અલગ જ છે. અમુક માટે આ તહેવાર ફક્ત ગરબી રમવા તથા આનંદ-જલસા કરવા માટે છે, અમુક લોકો આ તહેવાર 'માંઆશાપુરા' ની વિવિધ પ્રકારે ભક્તિ કરે છે, ગુજરાતીઓ ની પ્રભુભક્તિ ની તો શું વાત પૂછવી ને તેમના ડાંડિયા-ગરબા તો વર્લ્ડ ફેમસ છે જ તેના વિશે કોઈ શંકા જ નથી. પરંતુ આ બધામાં સૌથી લોકપ્રિય તો કચ્છ માં આવેલ પ્રસિદ્ધ તીર્થ 'માતાનામઢ' ના દર્શન કરવા ઘણાં કિલોમીટર ની પદયાત્રા કરે છે.

ખરેખર લોકો મુંબઇથી નીકળી છેક કચ્છ સુધી, સાઈકલ માં પોતાનો પ્રવાસ ખેડે છે. આ લોકો કોઈ એક ગ્રુપ બનાવી, પોતાના માથા પર કેસરી પટ્ટી બાંધી ને સાઇકલ પર કેસરી ધજા બાંધીને જ્યારે જોરથી 'જય માતાજી' બોલતા બોલતા ક્રમબદ્ધ નીકળે ત્યારે આશ્ચર્ય તથા તેમને જોવાનો આનંદ બને સાથે અનુભવાય છે. તેવીજ રીતે જામનગર, ભાવનગર, અમદાવાદ જેવા મોટા શહેરોમાંથી લોકો કંઈક 400-500 કિ. મી. જેટલું અંતર કાપી ને દર્શન કરવા આવે છે. તો વળી આસ્થાળુઓ ગાંધીધામ, અંજાર તેમજ ભુજ જેવા શહેરો થી 2-3 દિવસ જેટલું ચાલી પોતાની યાત્રા પૂર્ણ કરે છે. આમ ખરેખર એક અદભુત લ્હાવો લોકો માટે સર્વસુલભ બને છે.

આમ તો ઘણી વાર વિવિધ મંડળો દ્વારા યોજાતા સેવા કૅમ્પો માં સેવા આપવાનો મેમ્બર્સ ને અનુભવ હતો. ગ્રૂપ દ્વારા ઘણી વાર સતત પાંચ દિવસો સુધી પદયાત્રીઓને સેવા આપવામાં આવતી. ત્યારે આતુરતા પૂર્વક પદયાત્રીઓની રાહ જોતા તેમજ આગ્રહ કરીને (depends on remaining quantity) સૌને પાણી, છાસ, એનર્જી ડ્રિંક્સ તેમજ સમય ના ટકોર મુજબ નાસ્તો, બપોર નું ભોજન તેમજ રાતનું ભોજન કરાવતા. ગ્રુપ ના કેટલાક મેમ્બરો મેડિકલ ટીમ ને સહાય કરતા. પાટાપિંડી, માલિશ, વિવિધ પ્રકારની મેડિસીન્સ વગેરે જરૂરત મુજબ હેલ્પ કરતા. તો અણકહ્યા કામો જેવા કે રાંધણ ગેસ ની બોટલ, મિનરલ પાણી ની બોટલ, સ્ટવ કે પછી બીજી સાધનસામગ્રી વગેરે કોઈ કાર્યકર ના એક જ સુચનથી તરતજ પહોંચાડતા. મને લાગે છે કે આવું સેવાભાવી કામ કરીને સેવા કેમ્પસ ના દાતા પરિવારો તેમજ કાર્યકરો બધા પદયાત્રીઓ જેટલું જ પુણ્ય મેળવતા હશે. જોકે, આ બધા કામ માં પડતી મહેનત એ કિલોમીટર ના કિલોમીટર ચાલીને આવતા પદયાત્રીઓ કરતા તો ઘણી જ ઓછી હતી.

કચ્છ માં રહેવા છતાં એક પણ વાર પગપાળા 'માતાનામઢ' ન જઇ શકવાની અસમર્થતા અનેક લોકો અનુભવે છે. કોઈ અરુચિ ના કારણે કે કોઈ શારીરિક અસમર્થતા, કે કોઈ બીજા કારણોસર ન જઈ શકનાર પણ ઘણા હોય છે. (જોકે અમારું ગ્રુપ આ યાત્રા પહેલા, પગપાળા ન જઈ શકનાર લોકો માંથી જ એક હતું. ) આથી ગ્રુપ માં નકી થયું કે જો શૈક્ષણિક તકલીફો (Assignments, Submissions, Extra classes and most imp. -Internal Exams etc.) અવરોધ નહીં બને તો પાકું આ વખતે આ શિખર સર થઈ ને જ રહેશે. જેમ સચિન તેંડુલકર વર્લ્ડ કપ સેમિફાઇનલ-2011 માં આઉટ થવાથી બચતા જ ગયા, તેમ અમારો પ્લાન પણ આઉટ થવાથી બચી ગયો. અમારા આશ્ચર્ય વચ્ચે આ બધા માં થી કોઈ તકલીફ ના ઉદ્દભવી. આમ એક વીક પહેલા ડીસાઈડ થયું કે એક વીક પછી ચોક્કસ સમયે નીકળવું.

જેવી રીતે દરેક શુભ કામ માં વિઘ્નો આવે જ છે, તેવી જ રીતે વિઘ્નો આવતા જ ગયા, કહેવાય છે કે "Unplanned trips are best, because planned trips are never happened". અમારી પાસે પ્રોપર પ્લાન હોવા છતાં પણ જેમ લગ્ન જેવા પ્રસંગોમાં - કોઈ વડીલને કંઇ ન હોવા છતાં કોઈનેકોઈ પ્રોબ્લેમ દેખાઈ જ જાય છે, તેવી જ રીતે અમારી યોજના માં થોડી ખામીઓ જણાઈ આવી. આ તેમજ બીજા કારણોસર મારા સહિત ફક્ત 3 જ મેમ્બર જવા માટે રાજી થયા. મને લાગ્યું કે આ 2 લોકોને યાત્રા નો લાભ મળવો જ જોઈએ તેથી હવે વધારે સમય ન વેડફતા એ લોકો ને પૂછી ને બધું ફિક્સ કર્યું (ખરેખર તો મને લાગ્યું હતું કે ક્યાંક પ્લાન ચેમ્પિયન્સ ટ્રોફી- 2017 ની ફાઇનલ મેચમાં વિરાટ કોહલી ની ઈંનિંગ (બહુ આશાસ્પદ છતાં નિષ્ફળ) જેવો ના બની જાય ને ક્યાંક મને એકલું જ ના જવાનું થાય પડે તેથી ત્વરિત કદમ ઉઠવ્યો).

સૌની પહેલી વાર પદયાત્રા હોવાથી, જો Distance ઓછું હશે તો જ સારું રહેશે તેવા બધાના એકસરખા પ્રતિભાવ ને વધાવી લેવા માં આવ્યો. તેથી Starting point તરીકે 'નખત્રાણા' શહેર ને સર્વાનુમતીથી પસન્દ કરવામાં આવ્યું. નખત્રાણા શહેર થી માતાના મઢ નું Distance ફક્ત 46 કિલોમીટર જ છે, તેવું અછડતી નજરે GOOGLE MAPS એ ગણતરી કરીને બતાવ્યું. આ નાનું અંતર તો કલાકોમાં કપાઈ જશે એવું અનુભવીઓ દ્વારા જાણવામાં મળ્યું.

Fullproof પ્લાન બનાવી અમે તા. 19/9 ના ફક્ત 3 જ જણ 3 વાર 'જય માતાજી' બોલીને નખત્રાણા ના આશાપુરા મંદિર પાસે આવેલા કેમ્પ પરથી પદયાત્રાએ નીકળ્યા. રાતના 9 વાગ્યા આજુબાજુ પ્રયાણ ચાલુ કર્યું ત્યારે અમારી સાથે ઘણા લોકો હતા. કચ્છ માં આવા સમયે બપોર ના સમયમાં બહુજ ગરમી પડતી હોવાથી ( આમેય યાર તમારા કચ્છ માં તો બહુજ ગરમી હોય છે - બોમ્બે માં રહેતા RELATIVES ની હરહંમેશની ફરીયાદ.....) લોકો મૉટે ભાગે સાંજના 5 વાગ્યા આસપાસ કે પછી રાતના ચાલવાનું પસંદ કરે છે. શરૂઆત માં જેટલું ચલાય તેટલું ચાલી લેવું પછી આમેય એક વાર આરામ કર્યા પછી ચાલવાની Speed ઓછી થઈ જાય છે, એવું અમે માનતા હતા તેથી શરૂઆત ના કલાકોમાં વધુ માં વધુ ચાલી લેવાય તેવો વિચાર જ હતો. જો 1 કલાક માં 4-4. 5 k. m. s જેટલું અંતર કપાઈ જાય તો તમારી ગતિ બરોબર છે, એવું ભરોસાપાત્ર સૂત્રોએ જણાવેલ હોવાથી તે બાબતનું ધ્યાન રાખવાની જવાબદારી એક મિત્ર ને સોંપાઇ ગઈ હતી.

શરૂઆત ના એક કલાક વીત્યા ની તો કોઈને ખબર જ ન પાડી, ફક્ત એટલા સમય માં જ કેટલાય સેવાકેમ્પસ ને પાછળ મૂકી દીધા. દરેક કેમ્પ માં જુસ્સાભેર કાર્યકરો ત્યાં રહેલી સુવિધાઓ હસતે હસતે અમારા સુધી પહોંચે તેવી કામગીરી કરી રહ્યા હતા. દરેક કેમ્પ માં દરેક સુવિધા ના હોય. કોઇ કેમ્પ માં ફક્ત સુવાની સગવડ મળે. તો કોઈ કેમ્પ માં પાણી તથા ચા ની સગવડ મળે. કોઈ કેમ્પ જો બહુ મોટુ હોય તો મેડિકલ સેવાઓ, મોબાઈલ ચાર્જઇંગ ની સુવિધા પણ હોય. દરેક કેમ્પ માં 'માં આશાપુરા'નો ફોટો અચૂક હોય તથા સાઉન્ડ તેમજ લાઉડ-સ્પીકર ની સુવિધા હોવાથી કેટલાય લોકોને ગરબે રમતા જોવાં મળે. લોકો મન મુકીને ઘડી-બેઘડી ગરબે રમે પછી થોડોક આરામ કરી ચાલી નીકળે. દરેક સેવા કેમ્પસ માં 2થી 3 વાર માતાજી આરતી થાય તેથી ત્યાં રહેલા યાત્રીઓને આરતી તથા પ્રસાદનો લાભ મળે. બહુ મોટા કેમ્પસમાં વ્યવસ્થાપકો નું કામ અઘરું બનતું જાય કેમ કે પદયાત્રીઓ ની અવરજવર સતત ચાલુ જ રહે છે, આરતી તથા જમવાના સમયે સૌથી વધુ અવ્યવસ્થા થાય છે, કેમ કે આપણે લોકોને વ્યવસ્થિત લાઈન માં રહેવું ગમતું નથી. તેથી સતત અમુક કાર્યકરો Loud-Mike માં જોરજોરથી રાડો પાડતા જ રહે છે. "ઓ ભાઈ લાઈન માં વ્યવસ્થિત ચાલોને", "ઓ બહેન આ પાણી પીવાનું છે, હાથ ધોવાનું પાણી ત્યાં છે", "ઓ ભાઈ ધકકા ના મારો, પ્રસાદ બધાને મળશે ", આવા Dialogues તો જાણે અમને પણ મોઢે થઈ ગયા હતા. આ ઉપરાંત નાના વાહનો માં પણ વિવિધ ફૂડ પેકેટ્સ, અલગ અલગ જ્યુસસ, આઈસક્રીમ પણ અલગ મંડળના સભ્યો આપી રહ્યા હતા.

એક કલાક વીતતા મિત્રએ સૂચવ્યું કે અમે કઈક 3 k. m. થી વધુ ચાલ્યા હતા. અમારી Speed નિર્ધારિત કરતા ઓછી હતી, તેથી હવે થોડુંક જલ્દી ચાલવું તેમ નક્કી થયું. આજુબાજુ ના બધા લોકો પોતામાં વધેલા જુસ્સા ના સહારે આગળ વધી રહ્યા હતા. જેમણે વધુ અંતર કાપેલ હતું તેઓના મોઢા પર કંઈક અલગ જ રંગ હતા. આમ અમે થોડા કલાકો ચાલતા ચાલતા કંઈક આગળ વધ્યા જે નિયત થી વધુ હતું. આડા ચાલતા પગ, તેમાં વળી કોઈકની છોલાયેલી ચામડી, અચાનક ઉપસી આવતા ફોડલા, નખ તૂટતા આંગળી ની આજુબાજુ ભરાયેલ લોહી વગેરે અનેક પ્રકારના વિઘ્નો ગમે ત્યારે જોવા મળતા. વળી વધુ ચાલવા ના કારણે પગમાં આવતા સોજા, ગોઠણ તથા પગ ના તળિયે મચકોડ તેમજ પીઠમાં ચાલતા ચાલતા દરેક વખતે ખેંચાતી માંસપેશીઓ આ બધી ચીજોની અલગ મજા હતી. આવા સમયે સેવા કેમ્પસ માં મળતી માલિશ એ કોઈ વરદાનથી ઓછી નથી. ત્યાં બેઠેલા કાર્યકરો ઇજા પર પાટા-રૂ વગેરેથી ડ્રેસિંગ(કામચલાઉ ડ્રેસિંગ) ઝડપથી કરી આપતા. તથા મશીનની મદદથી એક્યુપ્રેશર વડે અથવા ફક્ત હાથોથી માલિશ કરે છે, ઘણીવાર તો ના કહેવા છતાં પણ પગના એવા પોઇન્ટસ દબાવી નાખે કે બસ રાડ ના પડાઈ જય તેનું ધ્યાન રાખવું પડે. પરંતુ માલીશ, RELIEF SPARAY વગેરેથી થોડો ઘણો ફરક પડે છે, તે ચોક્કસ છે.

ઉમર, વર્ણ, જાતિ, સ્વભાવ, વ્યવસાય લગભગ બધુંજ અલગ હોવા છતાં આવા સમયે બધા લોકો જાણે એકમેક બની બધાની સાથે ચાલી રહ્યા હતા. ઘણા લોકો નાના બાળકો સાથે ચાલી રહ્યા હતા, તથા બિચારા નાના બાળકો ને પણ ક્યારેક પરાણે ચલાવી રહ્યા હતા. વળી સાઇકલવાળા ગ્રૂપસ ની કઈક અલગ જ કહાની હતી. સાયકલની ઘંટડી વગાડીને તેઓ પોતાના માટે કરતાં, જોકે તેમને ટ્રાફિક ની સમસ્યા અમારા કરતા વધુ હોય કેમ કે અમને ડાબી બાજુ એ ચાલવાનું હોય, વાહનો બીજી સાઈડ થઈ આવતા હોય પરંતુ સાઇકલવાળા ને તો એ બને વચ્ચેથી રસ્તો કરવાનો હતો. તેથી વધુ ધ્યાન રાખવું જ પડે. બધા ભેગા(એક પછી એક) સાઇકલથી જાય તથા આગળ Leader કહે ત્યાં તે કેમ્પ માં પડાવ નાખે અને પાછા બધા ચાલી નીકળે. તો કેટલાક લોકો માનતા ના કારણે રોડ પર સુતા સુતા કે આંખ પર પટ્ટી બાંધી 2-3 લોકો ના સહારે આગળ વધી રહ્યા હતા . તેઓ વર્ષો જૂની પોતાની માનતા ના કારણે કે નવી માનતા હોવાના કારણે જઇ રહ્યા હતા. ખરેખર દુનિયા માં કોઇક વસ્તુ પ્રત્યે ની આવી શ્રધ્ધા જ માણસ ને કંઈ પણ કરાવી શકે છે, એવું જાણતા વાર ના લાગી. આમ કરતા કરતા ઉગેડી ગામ પહોંચી ગયા, જે કંઈક 20 k. m. s પર છે. સમયની સોય 1 વાગ્યા થી થોડું વધુ સમય બતાવતી હતી, જે નિયત સમય પ્રમાણે બરોબર હતું તે જવાબદાર મિત્રએ જણાવ્યું. અહીજ રાત્રિરોકાણ કરી આગળ નીકળવું તે નક્કી થયું.

કંઈક 4 વાગ્યે મોબાઈલ એલાર્મ નો અવાજ કાને પડયો, આંખ માં આળસ હોવા છતાં બધા ધીરે ધીરે ઉઠ્યા. બ્રશ કરીને ચાય પાણી પીને ફરી 4. 30 એ સફર પાછી આરંભી, સવાર ના પડેલી ઝાકળ (ઝાકળ તો ઠીક, પણ ઠંડા પાણી તથા પીણાં) ને કારણે ગળા માં ભીનાશ તથા થોડી શરદી અનુભવાતી હતી. હવે અમુક અંતર સુધી ચાલતું જ રહેવાનું નકી કર્યું હતું. હવે પગ થોડા આડા ચાલી રહ્યા હતા. પણ એટલો થાક લાગ્યો ના હતો, હા આંખો ઘેરાતી હતી. એક બાજુ રાત્રી નો અંધકાર હતો, બીજી બાજુ સેવા કેમ્પસની ઝળહળતી લાઈટ્સ. ઘણા લોકો માં વધેલું અંતર જલ્દીથી જલ્દી કાપવાની ઉતાવળ હતી, તો ઘણા લોકો ધીરે ધીરે ચાલી રહ્યા હતા. ઘણા લોકો એ મનમાં નકી કર્યું હશે કે હવે કોઈ કેમ્પસ માં રોકાવું ના પડે, તો ઘણા લોકો આવતા દરેક કેમ્પસ માં થોડો Rest લઇ પછી ચાલતા હતા. ઘણા વિરોધાભાસ સાથે ચાલતા હતા.

જ્યારે પદયાત્રા કરતા હોવ ત્યારે આંકડો Even number માં હોવો જરૂરી છે. કેમ કે ઈવન નંબર થી જ 2 જણ ની pair શકે છે. તેથી જો 3 કે 5 કે કોઈ odd number હોય તો જોડી બનાવીને ચાલવામાં ઘણી તકલીફ પડે છે. આવું જ કંઈક અમારી સાથે થયું. અમારા 3 માંથી એક મિત્ર ની સ્પીડ વધુ હોવાથી તેને આગળ ચાલતા રહેવાનું નકી કર્યું. અમે પણ સમજ્યા કે એવું કરવું જરૂરી હતું. પરંતુ અંતર નું ભાન ના રહેતા કયારેક તે ઘણો જ આગળ નીકળી જતો, તો ક્યારેક અમે બહુ પાછળ રહી જતા. આથી ક્યારેક અવાજ દઈને, ક્યારેક હાથ ના ઇશારાથી તો કયારેક call લગાડીને તેને સંદેશ આપતા કે ભાઈ થોડી સ્પીડ ઓછી કર. કહેવાય છે ને "IF YOU WANT TO WALK FAST, WALK ALONG, BUT IF YOU WANT TO WALK FAR, WALK TOGETHER". આ ઉક્તિ ને સિદ્ધ કરતો તે મિત્ર હવે પછી અમારી આગળ પાછળ જ રહેશે તેવું નિરાશાથી બોલ્યો. અમે પણ સમજતા હતા કે આ તેને પસંદ નથી, પણ અમારાથી કંઈ થઈ શકે એમ ન હતું.

ચાલતા ચાલતા સમય 6 થી વધુ થઈ રહયો હતો. ધીરે ધીરે ધરતી પર અજવાળું પથરાઈ રહ્યું હતું. રાતના કાળા રંગ માંથી હવે રંગ આછો કાળો તેમજ પછી ધીરે ધીરે કેસરી થઈ રહયો હતો. જે લોકો દરરોજ સૂર્યોદય જોતા હશે તે લોકોને ખબર હશે કે સૂર્યોદય ના સમયે આકાશ કાળા રંગ માંથી કેસરી રંગ માં પલટાઈ જાય છે, જેની શરૂઆત પૂર્વ દિશાથી થઈ આખા આકાશ માં પ્રવેશે છે. પછી આજ રંગ ધીરે ધીરે આછા પીળાં રંગ માં તેમજ ક્રમાનુસાર સફેદ જેવા રંગ માં બદલાઈ જાય છે. કોઈક કુદરતના પ્રેમી એ કહ્યું છે ને"Never miss a chance to see Sunrise" આ વાત 100% સાચી જ છે, તેવું લાગી રહ્યું હતું.

ચાલતા ચાલતા હવે થોડો સમય વીતી ગયો હતો, 7. 30 આજુબાજુ સમય થયો હશે કે હવે આકાશને જોતા તેનો સાચો રંગ ખીલ્યો હતો, તેવું લાગતું હતું. અમે કંઈક 32 kms જેટલું ચાલી આવ્યા હતા. હવે ફક્ત 14 kms જેટલું જ બાકી છે, તેમ કહી એક મિત્રએ હિંમત આપી. પરંતુ હવે ચડતા સુરજ સાથે થાક વર્તાઈ રહ્યો હતો. શા માટે બધો સફર રાતનાં જ કરવો? આવું એક મિત્રએ પૂછયું, પરંતુ પોતાના પ્રશ્નનો જવાબ પોતા પાસે જ હોવાથી તેને કહ્યું "કઈં નહી થોડું ધીરે ધીરે ચાલીએ" થોડું ચાલ્યા પછી એક કેમ્પ માં થોડો આરામ કરી ફરી ચાલી નીકળ્યા. 8. 30 વાગી રહ્યા હતા ને હવે બસ 10 kms જ બાકી હતા, અમે રવાપર ગામ આગળ નીકળી ગયા હતા. હવે 10 વાગ્યા સુધી ક્યાંય Rest ના લેવો તેવું મનોમન નક્કી કરીને ચાલતા જતા હતા.

છેલ્લા 10 kms માં રસ્તો ઢોળાવ વાળો બનતો જાય છે, ઢોળાવ નીચે તરફ હોય ત્યારે તો વાંધો નથી આવતો પરંતુ ઉપર તરફ માં તો કયા ગિયર માં પગ ને સેટ કરવા પડશે એ નક્કી કરવું અઘરું છે. મોટો કાંટો 12 પર તથા નાનો 10 પર હતો ત્યારે અચાનક કોઈક નું ધ્યાન ઘડિયાળ પર ગયું, હવે બસ અહીં આરામ કરીએ તેવું નકી કર્યું. પરંતુ અમારા આશ્ચર્ય વચ્ચે કોઈ કેમ્પ આસપાસમાં ન હતું. જોકે પાછળ નજીક માં જ એક કેમ્પ હતું, પરંતુ પાછા વળીને કેમ્પ માં થોડી જવાય. કંઈક 4 kms જ બાકી હશે હવે તેવું જણાઈ ગયું. પરંતુ હવે તડકા નો કેર વધતો જ જતો હતો, પગના તળિયે પસીનો થતા ચાલવામાં ઘણી તકલીફ પડી રહી હતી. વાળ પણ પરસેવા કારણે ભીંજાઈ ગયા હતા. હવે તો રોડ પર જ ઉભા રહેવાનું નકી કર્યું. ત્યાં કોઈકે જણાવ્યું કે આગળ એક મુંબઇ નો મોટો કેમ્પ છે, ત્યાં સારી સુવિધા મળી જશે;બસ 2 km પર જ છે. "ખાલી 2 kms કે હજી 2 kms?? " મારા મનમાં પ્રશ્ન થયો. કાકા તો કેટલી સરળતાથી બોલી ગયા કે 2 જ km છે, પણ અહીં તો એક ડગલું પણ ચલાતું ન હતું. બધા એકમેક સામે તાકી રહ્યા, 'ચાલવું તો પડશે જ, બીજો ક્યાં કોઈ Option જ છે??' આવું સ્વયંભૂ જ્ઞાન થતા સૌ ચાલી નીકળ્યા.

થોડે દુર થી કોઈ ધજા દેખાઈ રહી હતી, આજ કેમ્પ માં વિશ્રામ લેવાનું છે, તેવું જણાતા વધેલું અંતર ઝડપથી કાપી નાખ્યું. તે કેમ્પ માં પ્રવેશ કર્યોને માતાજી ના દર્શન કરી વિશ્રામ કરવા બેસી ગયા. સમય 10. 30 થયો હતો. હવે સૌ પોતાની Priorities મુજબ કામ કરવા લાગ્યા. હું મેડિકલ વિભાગ માં થોડી માલિશ કરવા ગયો. એક મિત્ર એ ચાર્જઇંગ પોઇન્ટ માં પોતાનો ફોન ચાર્જ કરવા મુક્યો. તથા એક મિત્ર સારી જગ્યા જોઈ સુઈ ગયો. કેમ્પ ખરેખર મોટો હતો. એક બાજુ માતાજી ની છબી સાથે નાનું મંદિર બનાવેલ હતું. તેની ડાબી બાજુએ પાછળ રસોડું બનાવેલ હતું. તેની આગળ પાણી, લીંબુ પાણી વગેરે ના કાઉન્ટર હતા. તેનાથી જમણી બાજુએ થોડી જગ્યા ખાલી હતી, જે જમવા માટે હશે એવુ મને લાગ્યું. હું જ્યાં બેઠો હતો ત્યાં મેડીકેલ વિભાગ ની થોડી દૂર લોકો ગરબે રમી રહ્યા હતા. પાછળ સુવા માટે બનાવેલ તંબુ માં લોકો મળેલી જગ્યા મુજબ આરામ કરી રહ્યા હતા. તેની પાછળ વિશાળ ગ્રાઉન્ડ હતું. તેની થોડી આગળ જ શૌચાલય તેમજ નાહવા-ધોવા માટે બાથરૂમ ની વ્યવસ્થા હતી, જે ખરેખર ખૂબ સુંદર હતી. રસ્તા માં 2 મુંબઇ ના તથા એક ભાભર (બનાસકાંઠા) ના બહુ મોટા કેમ્પસ જોયા. જે પૈકી વ્યવસ્થા ની દ્રષ્ટિએ આ કેમ્પ સારું લાગ્યું. ત્યાં સૌ કોઈ એ નાહવા વગેરે વિધિઓ પતાવી, જમવાનું તૈયાર હોવાના સમાચાર મળતા ત્યાંજ જમી લીધું. પછી પાછો આરામ કરવા ત્યાં રોકાણ કર્યું.

ત્યાંથી 12. 30 એ ફરી ચાલી નીકળ્યા. તડકો પોતાની હદ વટાવી ચૂકયો હતો, લોકો રૂમાલ, ટુવાલ, ચાદર જે Available હોય તેનાથી પોતાનું મોઢું તથા માથું ઢાંકી ચાલી રહ્યા હતા. જમણી બાજુએથી ગાડીઓ માં લોકો જોરશોરથી નાચગાન કરતા નીકળી રહ્યા હતા,

"હવે તો પહોંચી આવ્યા, બસ થોડું જ છે; તેવી બિનજરૂરી માહિતી ગાડીમાં બેઠેલા લોકો બહુ હોંશેહોંશે આપી રહ્યા હતા. "એ તો ભાઈ, તું ચાલ એટલે ખબર પડે, કેટલુ બાકી છે ને કેટલું કપાઈ ગયું, બાકી આમ ગાડી માં તો મજા જ આવે ને" પાછળ થી કોઈકે કટાક્ષ માં કહયું. ધીમે ધીમે ત્યાંથી ચાલી નીકળ્યા. ગાડી માં તો Amplifiers ને speaker - mike હોવાથી વિવિધ ગરબા ચાલુ જ હતા, ત્યાંજ કોઈ જાણીતા Lyrics સાંભળ્યા;

" સોનુ, તને મારા પર ભરોસો નહિ કે, નહિ કે

સોનુ, તું મિઠું બોલ બોલ, બોલ બોલ" અરે આતો એ જ થોડા સમય પહેલા વાયરલ થયેલું ગીત. આમાંથી પણ ગરબા જેવું બનાવી શકાય તે આશ્ચર્ય હતું. એકવાર ઈનેટરનેર માં Viral થયેલ વસ્તુ તમને ગમેં ત્યાં જોવા મળીજ જાય છે, તેવું લાગ્યું.

આમ ચાલતા ચાલતા લગભગ 1 વાગ્યે MATANA MADH - 0 K. M. નું બોર્ડ આવતા વાર ના લાગી, ખરેખર અમે અહીં પહોંચી આવ્યા હતા, તે જાણીને હાશકારો થયો. પરંતુ માતાજી ના દર્શન કરવા માટે તો લાઈન માં ઉભવું જ પડશે તેવી લાંબી લાઈન જોતા ખબર પડી, તેથી પાછી થોડીક નિરાશા થઈ. ત્યાં લાઈનમાં ઉભા રહી ગયા, પરંતુ હવે તો આખરી પડાવ જ બાકી છે તેમ સૌ કોઈ અલકમલકની વાતો કરવામાં સમય પસાર કરવા માંડ્યા. સૌ કોઈએ પ્રસાદી, ચૂંદડી, કંકુ, અગરબત્તી વગેરે લઇ લીધા હતા. મેં પણ હોંશેહોંશે એક શ્રીફળ તથા બીજી પ્રસાદી પણ લઇ લીધી, ત્યાં લાઇન માં ઉભા રહ્યા પછી જાણ્યું કે અંદર તો શ્રીફળ વધારવા નહિ મળે, અરે તો પછી દુકાનદારે કેમ કંઈ માહિતી ન આપી? થોડીક વાર મારી મુર્ખામી પર ગુસ્સો આવ્યો પણ હવે શું? બસ શાંતિથી ઉભા રહો.

લગભગ 4 વાગ્યા આજુબાજુ અમારો નંબર આવ્યો, ભારે ખેંચતાણ તથા ભીડ વચ્ચે અંદર જવા માંડ્યું, અને માતાજીનું મુખ જોઈને એક અલગ જ આનંદ થયો. બધા એ પોતાની સાથે લાવેલી પ્રસાદી ચડાવી, ત્યાંની પ્રસાદી સાથે લઈને, પોતાની માનતાઓ મનમાં જ માતાજીને સંભળાવી ને જલ્દીથી દર્શન કરી સૌ ચાલી નીકળ્યા. હવે થાક થોડૉ ઓછો લાગતો હતો કે માતાજીની કૃપા હતી તે ખબર ન હતી. મંદીરની ધજાના ફરીથી દર્શન કરીને સૌ પાછા વળ્યાં. મેળા માં ફરવાની ઈચ્છા તો હતી, પણ હવે પગ સાથ નહીં આપે તે પણ ખબર હતી, તેથી પોતાના બેગ્સ વગેરે લઈ ને સૌ બસ-સ્ટેશન તરફ ચાલી નીકળ્યા. ત્યાં થોડા સમય માં બસ આવી ને ત્યાં થી સફર ની પૂર્ણાહુતિ તરફ જવા મંડ્યા. સાંજે 7. 30 ના અરસામાં ભુજ પહોંચી ગયા, ને યાત્રા પૂર્ણ થઈ.

આ અનુભવ અમારા માટે નવો હતો. ભલે સફર લાંબો કે બહુ કઠિન ન હતો પણ એક અંગેજી ઉક્તિ મુજબ "SMALL THRILLS WITH BEST FRIENDS WILL MAKE ANY JOURNEY LIFE LONGER." મુજબ એક શિખર સજ કરી લીધું. આમાનું કંઇ ભુલાઈ ના જાય તેમ Mind માં Save પણ કરી લીધું.

મને સાંભળવા બદલ આભાર

જય માતાજી