Pet books and stories free download online pdf in Gujarati

પેટ

આમાં બન્યુ એવુ કે, થોડા મહિના પહેલા એક મિત્રના ત્યાં સત્યનારાયણની કથા રાખેલી, તો એમાં સ્પેશિયલ મોટેથી "જય" બોલાવવા માટે મને પણ ભાવભર્યુ આમંત્રણ આવેલુ ! આમ તો જલ્દી કોઈ મને કથાઓ માં બોલાવે નહી. પણ એવામાં એણે બોલાવ્યો, એટલે હું થોડો વધારે પડતો ગળગળો થઈને કલાક પહેલા જ પહોંચી ગયેલો. હવે આપણા ત્યાં મહેમાન ને નવરા ના પડવા દેવાનો રિવાજ છે ! પેલો બે ઘડી પલાઠી વાળીને બેસે કેમનો...! પેલું કહેવાય ને, ગંદુ પાણી પીવાના કામમાં ના આવે, પણ આગ ઓલવવા ના કામમાં તો આવે જ. એ જ રીતે ઘેર આવેલ ભઈબંધ બીજા કોઈ કામે આવે કે ના આવે કોક ને લેવા-મૂકવા જવાના કામે તો આવે જ !! એટલે મને મહારાજ ને લેવા જવાનુ કામ સોંપવામાં આવ્યુ. મહારાજ ની કોઈ ખાસ ઓળખ આપવાની નહોતી એમણે કહ્યું હતુ કે બસ સ્ટોપ પાસે જાડા માં જાડા માણસ ને ઉપાડી આવજે ! છેક ત્યારે મને મહારાજ ના દર્શન થયા, મહારાજ, મહારાજ હતા જ નહી, એ તો પેટ હતુ જેમાં થી એમના નાના નાના હાથ પગ ને મોઢુ થોડુ થોડુ ઉગ્યુ હતુ ! મારા જેવા ના 4-5 પેટ સમાઈ જાય એવડુ મોટુ છાલ કાઢેલા કોળા જેવુ એમનુ પેટ જોઈને બે ઘડી તો હું હતપ્રભ જ થઈ ગયો. આટલુ વિશાળ પેટ છેલ્લે મેં ટીવી પર આવેલી બીજી રામાયણમાં કુંભકર્ણને ઉઠાડવાવાળા સીનમાં જોયુ હતુ. ત્યારે મને ફિક્શન લાગ્યુ હતુ પણ એ દિવસે વિશ્વાસ બેસી ગયો ખરી ! થોડા સમય માટે મને મારા બાઈક પર દયા પણ આવી ગઈ. પણ આમેય એ બાઇક એક્સચેન્જ માં જ આપવાનુ હતુ એટલે ચાલી ગયુ ! તો હા, પેટ વિશે લખવાનો પહેલ વહેલો વિચાર મને ત્યારે જ આવેલો !

મારુ એક અવલોકન એમ કહે છે કે ગુજરાતીઓના "મન" અને બ્રાહ્મણોના "પેટ" કાયમ મોટા જ હોય છે. કારણ સંસ્થા (એટલે આપડે પોતે) એ હજી સુધી સિક્સ પેક એબ્સ વાળા સ્લીમ ટ્રીમ મહારાજ ને સત્યનારાયણની કથા કરાવતા જોયા નથી ! મારા મતે "પેટ" એ સૌથી વધારે under-rated અંગ છે,જેમ કે "પેટ" ( વિષય હોં ) પર ઘણા ઓછા પ્રમાણમાં લેખ લખાયા છે. "પેટ" ખાતર લખવા નુ કામ કરનારાએ પણ "પેટ" જેવા સંવેદનશીલ વિષય પર હજુ જોઈએ એટલુ ધ્યાન નથી આપ્યુ ! કંઈ નહી, હું જ આપી દઉં છુ. પેટ માણસ જાતના અસ્તિત્વ માટે નુ આવશ્યક અંગ છે, પેટ એ આખા શરીરનું મધ્યબિંદુ છે. પેટ નહી તો કુછ નહી. માણસ હાથ, પગ, નાક, કાન, આંખો અરે.....એક કિડની વગર પણ જીવી શકે પણ, પેટ વગરનો માણસ જોયો છે ? પેટ is nessesary ! માણસ સવારે ઉઠીને રાત સુધી મહેનત કોના માટે કરે છે.... પેટ માટે જ ને !

ગુજરાત સાહિત્ય પર નજર મારીએ તો કહી શકાય કે સાહિત્ય એ પેટનુ આભારી છે. પેટે પાટા બાંધીને મોટા કર્યા છે, પેટમાં વાત ના ટકવી, પાપી પેટનો સવાલ છે, જેવી ઢગલાબંધ કહેવતો પેટ ને કેન્દ્રસ્થાનમાં રાખીને જ તો બની છે ! આગળ કીધુ એ મુજબ મહારાજ (બ્રાહ્મણો)ને પેટની ખાસ ચિંતા રહેતી નથી ! એ પેટને આગળ વધવાની પુરેપુરી છુટ આપે છે. પણ એક કોમ્યુનિટી એવી છે જે આ પેટને કદી આગળ વધવા દેતી નથી અને એ કોમ્યુનિટી છે સ્ત્રીઓ ! મૂળ સ્વભાવ જ એવો. ફિમેનિસમ નો કોન્સેપ્ટ જ એમણે આપ્યો ને, કે છોકરીઓ આગળ વધવી જોઇએ પણ છોકરાઓ નહી ! એમને લોકોને કોઈ આગળ વધી જાય ને વાત પચે નહી. એટલે હા, આ લોકો પેટની બાબત માં જરાય કચાશ રાખતા નથી, એમને તો મીંડુ(ઝીરો.. હો) ફિગર જોઈએ એટલે જોઈએ જ. બિચારીઓ ગમે એવુ સારુ ખાવાનુ સામે કેમ ના હોય, પણ ખાલી ઈન્સ્ટાગ્રામ માં ફોટા મૂકીને સંતોષ કરી લે છે ! આ એ એમણે "લોકો" ની નજરમાં "પોતે" સારા દેખાવા માટે "પોતે" "પોતાને "જ આપેલુ આત્મબલિદાન છે ! પણ આ મીંડું ફિગર મેળવીને પછી એ લોકો એ મીંડા ફિગરનુ કરે છે શું ! એ હજી સુધી સંસ્થાને ખબર પડી નથી.

પેટ પણ મન જેટલુ જ ચંચળ છે. કોઈ પણ જગ્યાએ માણસે પોતાના પેટ ને કાબુમાં રાખવુ જોઈએ ! સારા એવા ફંક્શનમાં સારા એવા કપડા ભલે પહેર્યા હોય પણ જો એ સારા એવા કપડા માં થી જો પેટ ત્રણ ઈંચ બહાર આવીને ડોકાચિયા કરતુ હોય તો તમારા સો કોલ્ડ ઈમ્પ્રેશન ની તો ત્યાં જ પથારી ફરી જાય છે !

હા, પેટની ગણતરી આપણા શરીરના અતિસંવેદનશીલ ભાગરૂપે થવી જોઈએ. આંખ કે કાનમાં કોઈ નાનીમોટી તકલીફ થાય તો માણસ એક સમયે ચલાવી તો લે… પણ પેટમાં જરાય તકલીફ પડે તો માણસની પથારી ફરી જાય ! પેટમાં તકલીફ હોય તો તમે શંખ પણ ના વગાડી શકો ! પૂજારીઓ શંખ નથી ફુંકી શકતા, વૃધ્ધો સવાર સવાર માં આનુલોમ - વિનુલોમ નથી કરી શકતા, શાળાના શિક્ષકો સ્ટ્રીક્ટ નથી રહી શકતા, રોમિયો લોકો ઢંગથી સીટી નથી મારી શકતા !પેટ ઢીલું હોય તો માણસ પણ ઢીલોઢફ થઈ જાય છે. પેટ ખરાબ હોય ત્યારે મેન્ટલ પ્રેશર અને પેટના પ્રેશર વચ્ચે સમતોલપણુ જાળવવું અતિઆવશ્યક છે. જો મગજ પર થોડો પણ સ્ટ્રેસ પડ્યો તો એની સીધી અસર પેન્ટ પર પડે છે ! કદી વિચાર્યુ છે...માણસ નુ પેટ ખરાબ થાય તો એને વારંવાર કુદરતી હાજતે જવુ પડે. વધુ કુદરતી હાજત એટલે વધુ ગંદકી, વધુ ગંદકી એટલે એના પર વધારે માખીઓ બેસે, વધુ માખીઓ બેસે એટલે રોગચાળો વધારે ફેલાય, વધુ રોગચાળો ફેલાય એટલે લોકો દવા લેવા દવાખાને જાય, વધુ પડતાં લોકો દવાખાનામાં જાય તો દવાખાનામાં ફુગાવો વધી જાય, ફુગાવો વધે એટલે દેશનું માર્કેટ ડામાડોળ થઈ જાય, દેશનું માર્કેટ ડામાડોળ થાય એટલે દેશનો આર્થિક વિકાસ અટકી જાય... હવે એક પેટ ના લીધે આવુ તો કંઈ પોસાતુ હશે ! એટલે પેટ સાફ તો દેશ સાફ (સેફ). આમ, પેટ દેશનું પણ એક આવશ્યક અંગ છે મેરે પ્યારે દેશવાસીઓ !

પેટ ના ફાયદા આમ તો ઘણા છે પણ ગમે ત્યારે પેટના દુખાવાનુ બહાનુ બતાવી કોઈ પણ જગ્યાએ થી છટકી શકવુ એ સૌથી સરળ અને ઈફેક્ટિવ ફાયદો છે ( જ્યાં સુધી પેટના દુખાવા માપતુ મશીન ના બને ત્યાં સુધી તો ખરો જ ) અને એને ચેક કરવા કોઈ તમને ડેમો બતાવવાનું પણ ના કહે !

પણ માનવજાત પેટ વિશે જેટલી સભાનતા કેળવે છે એટલી બીજી બધી પ્રજાતિઓ નથી કેળવતી ! પક્ષીઓને આવી કંઈ પડી હોતી નથી એ તો વરસાદ ની જેમ ગમે ત્યાં ગમે ત્યારે અને ગમે એની ઉપર લિટરલિ "વરસી" જ જાય છે ! અંતે, "અન્ન એવો ઓડકાર" ની જેમ "પેટ એવો વાયુપ્રવાહ" જેવી કહેવત પણ બજાર માં મુકાવી જોઈએ.

દર્શવાણી : આગળ વધેલુ પેટ અને મોઢામાંથી નીકળેલા શબ્દો, પાછા નથી જતા !