Dear tu books and stories free download online pdf in Gujarati

ડિયર તું...!

૨૭મી ડિસેમ્બરની એ સમી સાંજ હતી. ‘સીટી પાર્ક’ના કૂણા ઘાસ પર હજુ સોનેરી તડકો પથરાયેલો હતો. પવનની ઠંડક વાતાવરણમાં ધીમેથી પ્રસરી રહી હતી. ‘જોગિંગ ટ્રેક’ પર પર માણસોની અવરજવર શરૂ થઈ ચૂકી હતી. રોજ કરતા આજે ભીડ વધુ હતી. એમાં રવિવારની નવરાશ કારણભૂત હતી.

પ્રિયલની આંખો દૂર રમી રહેલાં બાળપણ પર મંડાયેલી હતી. દોડીને એમની સાથે રમવા પહોંચી જવાની તીવ્ર ઈચ્છા થઈ આવી. કશું બોલ્યા વગર એણે બાજુમાં બેઠેલી મમ્મી સામે જોયું. મમ્મી મોબાઈલમાં ગૂંચવાયેલી હતી. થોડીવાર એણે જોયા કર્યું. કોઈ પ્રત્યુત્તર ન મળ્યો. હળવેકથી એ ઈચ્છાને ભીની સંકેલી હૃદયના એક ખૂણામાં મૂકી દીધી. એણે આજુબાજુ નજર કરી. એનું ધ્યાન મેઈન ગેટ પર ગયું. કોઈ જાણીતું અંદર આવી રહ્યું હતું. ઝીણી આંખો કરીને એણે જોઈ લીધું. આંખો મલકી ઉઠી. હોઠ રાજી થઈ રહ્યા.

“પપ્પા…!” એના સ્મિતનું કદ હોઠો પર સમાઈ શકે એમ નહોતું. એ દોડીને ભેટવા ઉભી થઈ કે તરત જ એક મજબૂત હાથે એને બાવડાથી જકડી રાખી. “પ્રિયલ, ઉભી રહે…!”

અવાજમાં કઠોરતાનો છંટકાવ હતો. પ્રિયલે મમ્મી સામે જોયું. ને એનું મોટું સ્મિત હોઠના નાના ખૂણે ગોઠવાઈ ગયું. એ એમને એમ ઉભી રહી.

દુબળુ પાતળું શરીર, વધેલી દાઢી, ચોળાયેલો લાઈટ બ્લ્યુ રંગનો લાઇનિંગવાળો શર્ટ, બ્લેક રંગનું ફોર્મલ પેન્ટ પહેરેલો માણસ આવી રહ્યો હતો. પ્રિયલના બાવડાની પકડ ઢીલી થઈ. એ દોટ મૂકીને અરમાનને ભેટી પડી. થોડી વાર એમ જ રહી. પંદર દિવસ પંદર મહિનાની જેમ વીત્યા હોય એમ બેઉ બાપ-દીકરી મળી રહ્યા હતા. અરમાને સ્નેહભર્યો હાથ પ્રિયલના માથે ફેરવી, ઊંચકીને તેડી લીધી. તરત જ પ્રિયલનો હાથ પપ્પાના ઉપલા ખિસ્સામાં ગયો ને એમાં પડેલી ચૉકલેટ એને ઉઠાવી લીધી.

“તને એ ખબર પણ પડી ગઈ, ઢીંગલી…?” એણે હસીને પૂછ્યું.

“પપ્પાના હાર્ટમાં શું હોય એ પ્રિયલને ન ખબર હોય…?” ચોકલેટનું રૅપર તોડતાં એ બોલી.

પ્રત્યુત્તરમાં અરમાને પ્રિયલને ચૂમી લીધી.

એક ખોંખારો સંભળાયો. જોયું તો મમ્મી ઉભી હતી. જવાનો સમય થઈ ગયો હતો. જતાં જતાં પ્રિયલએ કોમળ હાથ પપ્પાના ગાલે ફેરવ્યો. ને જાણે એ સ્પર્શ એ ગાલ પર હંમેશ માટે કોતરાઈ ગયો.

આ ઘટનાક્રમ છેલ્લા 6 વરસથી ચાલ્યો આવતો હતો. છુટાછેડા પછી નાની દીકરી પ્રિયલ એની મમ્મી આરઝૂ પાસે હતી. પણ અરમાને એની કસ્ટડી માંગી હતી. કેઈસ હજુ પેન્ડિંગ હતો. ત્યાં સુધી અદાલતે એને મહિનાના દર બીજા રવિવારે એક કલાક મળવાની છૂટ આપી હતી.

ત્યાં બાંકડે બેઠાં બેઠાં જ અરમાને મોબાઈલ સ્ક્રીન અનલોક કરી. સ્ક્રીન પર રહેલું ત્રણેયનું સાથે હસતું વૉલપેપર જોયા કર્યું. એક ટીપું સ્ક્રીન પર રેલાઈ રહ્યું.

***

“પ્રિયલ, પેલો થપ્પો જો તો જરા.” ટેબલ પર ઊભાં ઊભાં જ આરઝૂએ દૂર પડેલ પસ્તીના થપ્પા તરફ આંગળી ચીંધતા પૂછ્યું. “ના.” એ ત્યાં પલાંઠી વાળીને જ બેઠી હતી, “આમ તો કાંઈક બિલના કાગળિયાં જેવું લાગે છે.”

મા-દીકરી બંને આજે સ્ટોરરૂમની સફાઈએ વળગ્યા હતા. આરઝૂ અભેરાઈ પર પડેલી પસ્તીઓના થપ્પા નીચે મૂકતી જતી હતી. ને પ્રિયલ એમાંથી કામના કાગળો અને પસ્તી અલગ કરતી જતી હતી.

એક થપ્પો મમ્મીએ જોરથી નીચે મુક્યો. ધૂળની ડમરી ચડી. ને એ થપ્પામાંથી એક ડાયરી સરકીને પ્રિયલના પગ પાસે આવી. એ તરફ પ્રિયલનું ધ્યાન ગયું. એણે મમ્મી સામે જોયું. મમ્મીનું ધ્યાન હજુ અભેરાઈનો ખૂણો સાફ કરવામાં હતું. કુતૂહલવશ એણે એ ડાયરી ઉઠાવી. નાનકડાં હાથો વડે એના પર ચડેલી અતીતની ધૂળ સાફ કરી. ડાયરીના સફેદ કવર પર મરોડદાર લાલ અક્ષર વંચાયા, “ડિયર તું..."

***

પ્રિયલે એ ડાયરી મમ્મીને આપી. કુતૂહલનજરે એ મમ્મી સામે જોઈ રહી. આરઝૂની આંખ કવર પર ચોંટી ગઈ. પીળું પડી ગયેલું એક જર્જરીત પાનું ઊઘડ્યું.

મારા કરતાંય વધુ તું ગમે છે,

હોઠ પર બસ તારું જ નામ રમે છે,

જઉં છું મંદિરોમાં તો અમસ્તો જ,

મસ્તક મારું તારી સામે જ નમે છે…!

પંક્તિની નીચે તારીખ અને લખનારના હસ્તાક્ષર હતા. એ શબ્દો પર આરઝૂએ આંગળી ફેરવી. જેમ જેમ પાનું ફેરવતી ગઈ એમ પંક્તિઓ, પત્રો, કવિતાઓ એની નજર સામેથી પસાર થઈ રહી હતી. એ કોમળ શબ્દો ક્ષણોને જીવંત કરી રહ્યા હતા. આ ડાયરી એને જાણે એક દાયકો પાછળ લઈ ગઈ.

કોલેજની એ ફાઇનલ એકઝામ. એ બળબળતો બપોર. “કુદરત” બગીચાની એ ગુલમહોરના ઝાડ નીચેની ટાઢક. એ લજ્જાભર્યું સ્મિત. એ હથેળીનો સ્પર્શ. ગાલ પર કોતરાયેલા ચુંબનો. એ મીઠા ઝઘડા. લગ્નનો નિર્ણય. હમસફર બનવું. પ્રિયલનું આગમન. એક નજીવી વાત. એક નાનો ઝઘડો. ને બધું જ વેરવિખેર.

જિંદગીમાં જ્યારથી હું તારાથી છૂટો પડ્યો,

સમજી લે બસ, ત્યારથી જ હું ભૂલો પડ્યો…!

એની આંખો છેલ્લી પંક્તિ પર સ્થિર થઈ. હા, આ પછી જ ઝઘડો થયો હતો. અરમાને પછી કશું જ નહોતું લખ્યું. આ ડાયરીના પાનાં જ હતાં એમના સંગાથના સાક્ષી. આ શબ્દો જ એમની લાગણીઓના પુરાવા. આ ડાયરી અરમાને જ તો લખેલી. આ ડાયરી જ તો આરઝૂના બેગમાં હંમેશા રહેતી. આ ડાયરી જ તો આરઝૂને જીવથીય વધુ વ્હાલી હતી. ને આજે મળી એ પણ ક્યાંથી…? પસ્તીમાંથી…! દોષ આખરે કોનો હતો…? બંનેનો…? કોઈ એકનો…? કે કોઈનો નહિ…? સંબંધના મજબૂત પાયા પણ અહંની સહેજ અમથી ધ્રુજારીથી ડગી ગયા હતા.

“શું છે આમાં…? પ્રિયલના પ્રશ્નથી એની વિચારતંદ્રા તૂટી. કશું કહ્યા વગર એણે પ્રિયલને છાતીએ વળગાડી દીધી. ખબર ન પડે એમ આંસુ આંખમાં જ સુકવી નાખ્યું.

***

અરીસામાં જોઈને માથું ઓળતાં ઓળતાં અરમાન આજે ગીત ગણગણી રહ્યો હતો. આજના દિવસની રાહ એ છેક ૬ વરસથી જોઈ રહ્યો હતો. રવિવાર અને પોતાનો જન્મદિવસ...! પ્રિયલના મીઠા અવાજમાં હેપી બર્થડે કેટલું ગળ્યું લાગે.... આહાહા... હૈયું હરખાઈ રહ્યું હતું. છ વાગવાને દોઢ કલાક બાકી હતો તોયે વહેલો તૈયાર થઈ બેસી ગયો હતો. એક નજર એણે અસ્તવ્યસ્ત પડેલાં રૂમમાં ફેરવી. આ રીતે જીવવાની જાણે આદત પડી ગઈ હતી. એક પણ જન્મદિવસ ક્યાં એણે ઉજવ્યો હતો છુટા પડ્યા પછી…? ખુરશી પર બેઠાં બેઠાં જ એ એકલો એકલો જ મલકી રહ્યો હતો. કલ્પનાઓના વાદળોમાં વિહરી રહ્યો હતો. પ્રિયલને ખબર હશે કે કેમ...? એ કેવી રીતે 'વિશ' કરશે..? એને મારી લીધેલી ચૉકલેટ ગમશે ને...?

ટ્રીન....ટ્રીન...મોબાઇલની રિંગ વાગી. અરમાનની વિચારતંદ્રા તૂટી.

ફોન હાથમાં લઈ એને નંબર જોયો. અજાણ્યો હતો. આશ્ચર્ય સાથે એ બોલ્યો, "હેલ્લો..."

શાંતિ. સામે છેડેથી કોઈ અવાજ ન આવ્યો. "હેલ્લો..." થોડી સેકન્ડ્સ રહીને ફરી એણે કહ્યું. કોઈ પ્રત્યુત્તર ન મળ્યો.

રોંગ નંબર હશે એમ માનીને ફોન મુકવા જ જતો હતો ત્યાં જ એક આછું ડૂસકું સંભળાયું. ને એ ડુસકાંનો અવાજ કાનમાં થઈને સીધો જ હ્રદયમાં ઠલવાયો. ડૂસકુંનો અવાજ કંઈક જાણીતો લાગ્યું.

"અ... ર...મા...ન..." ભીના શબ્દો કાને પડતાં જ એની આંખો પહોળી થઇ ગઇ. એક દાયકો, એક આખો દાયકો જે અવાજના જવાથી કાન સુકાઈ ગયા હતાં આજે એ અવાજ વહી રહ્યો હતો.

“આરઝૂ..?” એની આંખો ભીની થઈ ચૂકી.

“અરમાન, આઈ એમ સોરી. મને માફ કરી દે…મને માફ કરી દે…” અશ્રુધારા બંને તરફ વહી રહી હતી.

“એ…દરવાજો ખોલો…!” પાછળથી ટહુકો સંભળાયો.

અરમાનને નવાઈ લાગી. એ હાંફળો ફાંફળો થતો દરવાજા તરફ ભાગ્યો. ઝડપથી દરવાજો ખોલ્યો.

દરવાજો ખુલતાની સાથે જ આરઝૂ રડતી આંખે એને બાઝી પડી. મમ્મી પપ્પાને રડતાં જોઈ એ પણ ભીની આંખે હસી રહી હતી.

‘હેપી બર્થ ડે, પપ્પા..!’ સ્વસ્થ થઈ, પ્રિયલએ ડાયરી અરમાનના હાથમાં મૂકી. બાજુમાં અરમાનને વીંટળાઈને ઉભેલી આરઝૂએ એના ખભે માથું મૂક્યું. ઢળતી સાંજના સૂર્યપ્રકાશમાં એ બે શબ્દો ચમકી રહ્યા,

" ડિયર તું..."