'Musafir Hun Main Dhup ka' books and stories free download online pdf in Gujarati

‘મુસાફિર હું મૈં ધૂપ કા’

Name:પારુલ એચ. ખખ્ખર

Email:parul.khakhar@gmail.com

‘મુસાફિર હું મૈં ધૂપ કા’

'મુસાફિર હું મૈ દૂર કા,

દિવાના હું મૈ ધૂપ કા,

મુજે ના ભાયે...ના ભાયે...ના ભાયે છાંવ રે...'

આ ફિલ્મીગીત સંભળીને પ્રથમ તો મલકી જવાયું કે કેવો ડફોળ છે ! ભરબપ્પોરે ગુલમ્હોરની છાયા સામેથી ઇજન આપતી હોય ત્યારે કંઇ આવો જવાબ અપાય?( એ પણ ત્રણ ત્રણ વખત !)પણ પછી વિચારે ચડી જવાયું કે સાલ્લુ વાતમાં દમ તો છે જ ! એમ તો રસ્તે જતાં અનેક ગુલમ્હોર આવતાં રહે, ગરમાળા લલચાવતાં રહે...અરે ક્યારેક તો બાવળ સુદ્ધા પળ બે પળ રોકાઇ જવાની અરજ કરી જુએ પણ એમ કંઇ થોડું રોકાઇ જવાનુ હોય? જેમની મંઝિલ દૂર છે અને ધૂપની સફર છે એને રોકાવું કે છાયો શોધી બેસી પડવું ન પાલવે.એ તો ધૂપની દિવાનગી પહેરીને નીકળ્યા હોય.

ઘણા સમય પહેલા આવા એક ધૂપનાં દિવાના સાથે મિત્રતા થઇ હતી એણે ગુજરાતી ભાષાને જીવતી રાખવા ગાંઠનું ગોપીચંદન કરી 'સાતત્ય' નામની સાઇટ બનાવી હતી ત્યાં અમે એક મસ્ત ટોપિક બનાવ્યો હતો'પોતાની શરતે જીવાતી જીંદગીની ચૂકવવી પડતી કિંમતો'અને ત્યારે જ ચર્ચા થઇ હતી કે કેવા હોય છે આ ધૂપનાં મુસાફરો ? સૌથી પહેલું લક્ષણ તો એ કે તેઓ પોતાના આદર્શો/નિર્ણયો પર જાનની કિંમતે પણ અડગ રહે છે.દુનિયા આખી ઊંધેમાથે થઇ જાય તો પણ પોતાના નિર્ણયની એક કાંકરી પણ ખરવા ન દે આવા લોકો.સમાજ એમને જીદી, અકડુ,જક્કી જેવા વિશેષણો આપે પરંતુ એ લોકો તો વિશેષણોથી પર હોય છે , એ લોકો પોતાના વિશેષણો જાતે શોધી કાઢે છે.

આમ જુઓ તો સાવ ધૂની, ચાલવા માંડે તો કાંટા, કાંકરા,ખાડા, ખાબોચિયા,શેઢા અને વળાંકોની પરવા કર્યા વગર બસ ચાલતા રહે અને જો અટકી જાય તો રસ્તાની કિનારી પર ઉગેલા કોઇ જંગલી ફૂલનું કૂળ શોધવા રોકાઇ જાય.જો કે આ રોકાણ કંઇ કાયમી ન હોય, એ તો એની સફરનો જ એક ભાગ હોય.ભુખ-પ્યાસ-ટાઢ-તડકા-વરસાદને ઘોળીને પી જનારા આ લોકો પાછા અભિમાની બહુ ! એને પોતાના અભિમાનનું ય અભિમાન હોય બોલો ! અથવા તો એમ કહો ને એ પોતાને ઇશ્વરની લગોલગ સમજતા હોય.એ ખુમારીથી કહે અમારી દુનિયાનું નિર્માણ અમે જાતે જ કરીએ છીએ ,ઇશ્વરથી કંઇ કમ નથી.

આમ તો બધામાં એક જીદી બાળક રહેતું હોય છે જેને યેન-કેન-પ્રકારેણ પોતાનું ધાર્યુ કરવું/કરાવવું હોય છે .કદાચ એટલે જ નાનપણથી એ લાતો મારતું, મુઠ્ઠીઓ વીંઝતું,માથા પછાડતું કે કજીયા કરતું હોય છે.સમય જતા અમુક લોકો બદલાઇ જતા હોય છે જ્યારે અમુક લોકોમાં પેલું બાળક મોટું થતું જાય છે.કોઇ ઝનૂની થઇ જાય તો કોઇ હિંસક થઇ જાય તો કોઇ વળી વિદ્રોહી થઇ જાય.એ પડતો -આખડતો રહે પણ થાકે કે હારે નહી. એ જીન્સની આરપાર છોલાયેલા ઢીંચણોમાંથી દેખાતા ગુલાબી માંસને પણ એક અનોખા આનંદથી જોઇ શકે છે. એ ડંખ મારતી મધમાખીઓને ચાહી શકે છે અને ચે ગુઆરાને પણ ચાહી શકે છે.એને સુષ્ઠુ સુષ્ઠુ માફક નથી આવતું એ તો 'સીધી બાત, નો બકવાસ' ટાઇપનાં માણસો ! મિત્રો સાથે પણ એમની એક જ શરત 'કાં સાથે ચાલો અથવા નડવાનું બંધ કરો.' એમને કહેવાતા સમાજ અને એના કોહવાતા નિયમો સામે જબ્બર વિરોધ હોય છે. એ લોકો કોઇની સાડીબાર રાખ્યા વગર મૂછે લીંબુ લટકાવીને જીવી જતા હોય છે આવા લોકોનું વ્યક્તિત્વ ખરેખર સ્વતંત્ર હોય છે. એમનો એક જ મંત્ર જીવવું તો પોતાની શરતે-છાતી કાઢીને અને મરવું તો પોતાના આદર્શ માટે-માથું ઊંચુ રાખીને.

બહારથી સખત પથ્થર જેવા લાગતા, ધગધગતી લૂ ફેંકતા રણ જેવા કે ખારા ઉસ દરિયા જેવા લાગતા આ લોકો કંઇ જેવાતેવા નથી હોતા. કોઇ મા-બાપ-પ્રેમ છોડીને ભગવા ધારણ કરી લે અને નીકળી પડે અધ્યાત્મની દિશામાં, કોઇ વળી દેશ માટે યાહોમ કરીને કૂદી પડે , કોઇ કોઇ કલા કે સાહિત્યમાં એવા રમમાણ થાય કે દુનિયા વિસરાઇ જાય, કોઇ કોઇ વિજ્ઞાનની અજાયબી ઉકેલવામાં એવા ગૂંચવાઇ જાય કે સમાજથી દૂર ચાલ્યા જાય, કોઇ રાજકારણની આંટીઘૂંટીમાં અંગત જીવવને ઉલઝાવી નાંખે તો કોઇ સોફ્ટવેરની માયાજાળમાં પોતે હાર્ડકોર થઇ જાય.

વેલ, બહારથી સખત લાગતા આ લોકો પણ સંવેદનશીલ હોય છે. આમ ચટ્ટાન પણ જો સહેજ ખુલી જાય તો અંદરથી ભેજનાં અવશેષો મળી આવે અને ત્યારે જ સમજાય કે અહીંયા પણ કશુંક કોળાવાની સંભાવના તો છે જ !જો કે આ કોળાવાની સંભાવનાને એ લોકો નબળાઇ માની બેસે કે મંઝિલમાં આવતી અડચણ માની બેસે એ અલગ વાત છે. આ લોકો પોતાની જાતને ચસોચસ બંધ કરી ઢાંકણું વાસી દે અને ઉપરથી સીલ મારી દે અને પોતાના રસ્તે આગળ વધતા રહે.

ક્યારેક વિચાર આવે કે શું આ લોકોને કોઇ ફરક નહી પડતો હોય? શું તેને ઉનાળાનો તાપ અને કોયલનાં ટહુકા અસર કરતાં હશે? શું એને તોફાની વરસાદ અને ઉડી જતી છત્રીઓનાં માહોલમાં ખીલવાની ખ્વાહીશો જાગતી હશે? શું એને કડકડતી ઠંડીમાં ગરમાગરમ કોફીની વરાળમાં કોઇનો ધૂમ્મસી ચહેરો દેખાતો હશે? શું એને સાંજની અવસાદી ક્ષણોમાં છોડી દીધેલું, છૂટી ગયેલું અને છોડવા ધારેલું ઘણું ઘણું યાદ આવતું હશે? શું એ ક્યારેય ભાંગી નહી પડતા હોય? શું એને આમ આદમી જેવા સપનાઓ/વિચારો આવતા હશે? શું પોતાના પર લાગેલા અમુક-તમુક લેબલો એને વિચલીત કરતાં હશે? શું કાચબાની જેમ જાતને સંકોરીને બેઠેલા આ લોકો અંદર બહારથી સાવ સખત જ હોતા હશે? શું લાગે છે?

મિત્રો...આ લોકોને પણ ફરક પડતો હોય છે જ્યારે યુવાનીમાં જ એને ઘરથી બહાર કાઢી મૂકાતા હોય છે અથવા ખુદ નીકળી જતા હોય છે.જ્યારે ભણતર અધૂરુ છૂટી જાય છે, જ્યારે ખાલી ખિસ્સામાંથી નીકળેલો અજગર ભુખ બનીને રંજાડતો હોય છે, જ્યારે સતત નિષ્ફળતા જ મળતી હોય છે, જ્યારે પ્રેમી/પ્રેમીકા છોડીને જાય છે, જ્યારે વારંવાર બોસ પાણીચું પકડાવતા હોય છે, જ્યારે પછડાટો ખાધા પછી રડી પણ ન શકાતું હોય,જ્યારે 'ખડૂસ' 'રુક્ષ' 'લવિંગીયું મરચું' 'તાપણું' જેવા ઉપનામો ભેટમાં મળે ત્યારે ત્યારે એમને ફરક પડતો હોય છે છતાં એ તૂટી જવાને બદલે વધું ને વધું સખત બનતા જાય છે. વળી જ્યારે દોસ્તનું નવજાત બાળક એના ગાલને હળવેકથી સ્પર્શી જતું હોય, જ્યારે સીગરેટથી કાળા થયેલ હોઠ અને દાઢીમાંથી ડોકાતા સફેદ વાળ ઉંમરની આલબેલ પોકારે, જ્યારે કાળીઘોર ઉદાસ રાતો માત્ર આબિદા પરવીનની ઘેઘૂર ગાયકી સાથે જ પસાર કરવાની હોય...યેસ...ત્યારે ત્યારે બેશક ફરક પડતો હોય છે આ દિવાનાઓને.જ્યારે થાકીને ચૂર થઇને ઘરનું તાળું જાતે જ ખોલવાનું થાય. આંગણામાં પડેલું ટીફીન અન્નપૂર્ણાની ગેરહાજરીની ગવાહી આપતું હોય,અડધી રાતે વોશીંગ મશીનમાં ફરતા/ગુંચવાતા કપડાને જોયા કરવાના સિવાય કશું સુઝતું ન હોય,ભૂતકાળમાં ગુમાવી દીધેલી સ્ત્રી મિત્ર પોતાના બાળકને 'મામા' તરીકે ઓળખાવે ત્યારે,ગામના મેળામાં માનવમહેરામણ હિલ્લોળા લેતો હોય ત્યારે,દિવાળીના દિવસે દીવાઓની રોશની કે રંગોળી વગરનું આંગણું ફરિયાદ કરે છે ત્યારે ચોક્કસ ફરક પડે જ છે આ ધૂપના મુસાફરોને.

પણ યાર....જ્યારે કોઇ એક આદર્શ, એક ધ્યેય કે એક વિચાર લઇને નીકળ્યા હો ત્યારે એકલા પડી જવું કે ખેદાન મેદાન થઇ જવું એ સહજ છે. આમ પણ પોતાની શરતે જીવવા માટે આવી લોહીઝાણ કિંમતો ચૂકવવી પડતી હોય છે અને આ કિંમતોમાં કોઇ ડીસ્કાઉન્ટ નથી હોતું એ તો પૂરેપૂરી જ ચૂકવવી પડે છે. અરે દોસ્ત..જીના ઇસી કા નામ હૈ. શું કહો છો?

---પારુલ ખખ્ખર