Dhakko books and stories free download online pdf in Gujarati

ધક્કો

ધક્કો

ઉનાળાના આકરા આકરા દિવસો આવ્યા ને મંગળપરીએ ખભે થેલો ભેરવીને શહેરની વાટ પકડી. વાઘજી પટેલે તો કહ્યું પણ ખરું કે, ‘રહેવા દ્યો બાવાજી રહેવા દ્યો. મીઠાં ઝાડનાં મૂળ ખોદવાં રહેવા દ્યો. તમે શહેરમાં ઉઘરાણું કરીને આવ્યા, એને હજી વરસ નથી થયું. આમ એક જ વરસમાં પાછા જાશો તો તમારું માન નહિ રહે. શહેરમાં માણસો દોડાદોડીમાં પડ્યા હોય, ન્યાં તમે બે ત્રણ દિવસના ધામા નાખો એ ઠીક નહિ. કોઈ મોઢેં તો નહિ કહે, પણ ગોપાળજી શેઠના દીકરાવહુ નારાજ તો થાશે જ.’

‘હવે, ગોપાળજી શેઠના છોકરાવ નાના હતા ત્યારે મારી માએ એ છોકરાવને તેડી તેડીને રમાડ્યા છે. આજે શેઠને સરખાઈ છે તો વરસે દહાડે મને પાંચ પચીસ રૂપિયા આપે કે મારા છોકરાવને પહેરવા થોડાક ગાભા આપે એમાં નવાઈ શું કરે છે?’

‘નવાઈ તો કોઈ કરતુ નથી, પણ તમારી માએ શેઠનાં છોકરાવને રમાડ્યા એટલે ન્યાં વારે વારે જાવાનો તમારો અધિકાર નથી થઈ જાતો. શેઠે નવું મંદિર બંધાવી દીધું છે તો ભોળાનાથની પૂજામાં જીવ પરોવો ને ગામમાંથી જેટલું મળે છે એટલાથી સંતોષ માનો. થાય એટલી મહેનત મજૂરી કરશો તો ક્યાંય હાથ લાંબો કરવા નહિ જાવું પડે.’ વાઘજી પટેલે જરા આકરા થઈને કહ્યું.

મંગળપરીએ જવાબ આપવાના બદલે ચાલવાની ઝડપ વધારી દીધી, એવા ડરથી કે: ‘ગામના બેચાર મોટા માણસો આવી ચડશે ને વાઘજી પટેલની વાતને વાજબી માની લેશે તો મને રોકી લેશે.’ છતાંય વાઘજી પટેલે ઊંચા અવાજે કહ્યું: ‘હજી કહું છું મારાજ, સુખેદુઃખે ગામમાં પડ્યા રહો ને ભગવાનનું ભજન કરો.’

પરંતુ મંગળપરીને ગામમાં પડ્યા રહેવામાં રસ નહોતો. એમનું મન ભોળાનાથની પૂજામાં અને ભજનમાં લાગતું નહોતું. એમનું ગણિત એવું હતું કે, ‘ગામના લોકો મંદિરમાં ધરી ધરીને શું ધરવાના? મૂઠી મૂઠી ઘઉં કે ચોખા જ ને? વળી, દુકાળનો રાક્ષસ હજી મોં ફાડીને ઊભો છે. ભગવાનના ભરોસે ક્યાં સુધી રહેવું? મારે પણ પુરુષાર્થ કરવો જોઈને? અમદાવાદ સુધીનો એક આંટો મારી આવું ને ગોપાળજી શેઠ અને એના ઓળખીતા પાસેથી થાય એટલું ઉઘરાણું કરી આવું. રોકડા પૈસા મળે ને છોકરાવના પહેરવા કપડાં મળે, ખાવાપીવાનું બારોબાર થઈ જાય ને ફરવા મળે એ લટકામાં.’ એક કાંકરે ચાર પક્ષી મારવા નીકળેલા મંગળપરીને વાઘજી પટેલની વાત વાજબી ન લાગી.

બે વરસ પહેલાં ગોપાળજી શેઠે ગામમાં શંકરનું નવું મંદિર બંધાવી આપ્યું હતું ત્યારે ગામલોકો રાજી રાજી થઈ ગયા હતા. ગામલોકોએ માન્યું હતું કે: ‘શેઠે ભલે ગામ છોડ્યું પણ સંબંધ છોડ્યો નથી. હવે આપણાથી સરખાં દેવદર્શન થશે અને મંગળપરીનો જીવ આ નવા મંદિરમાં ચોંટશે તો એ આમતેમ ભટકતો બંધ થશે.’

નવું મંદિર બનાવવાનું નક્કી થયું ત્યારે ગામનાં બધાં રાજી થયા હતાં. રાજી નહોતા થયા માત્ર મંગળપરી. એનું માનવું હતું કે: ‘શંકરનું જૂનું મંદિર જેવું છે તેવું બરાબર છે. શેઠ નવા મંદિર પાછળ ખર્ચો કરે છે એના કરતાં પાંચેક હજાર રૂપિયા જેવી રકમ મને રોકડી આપી દે તો સારું.’ પણ શેઠને કે ગામલોકોને આવી વાત કરવી કેમ કરાય? આથી મંગળપરી જોતાં જ રહી ગયા હતા અને મંદિર તૈયાર થઈ ગયું હતું.

નવું મંદિર બન્યા પછી ગોપાળલજી શેઠે પણ માન્યું હતું કે: ‘હવે મંગળપરી વારંવાર અમદાવાદ દોડ્યા નહિ આવે. એ મંદિરને સાચવશે અને મંદિર એમને સાચવશે.’ પરંતુ મંગળપરી તો મંદિર બન્યાને એક વરસ જેવું થયું ત્યાં તો દયામણું મોઢું લઈને અમદાવાદ ગોપાળજી શેઠને ત્યાં પહોંચી ગયા હતા. શેઠના દીકરાઓને મંગળપરીનું અણધાર્યું પધારવું નહોતું ગમ્યું. મોટા છોકરાની વહુ તો મંગળપરીને પણ સંભળાય એમ બોલી હતી: ‘બાપુજીએ આ લપને ખોટી હેળવી છે.’ ખુદ ગોપાળજી શેઠે પણ મંગળપરીને કહ્યું હતું: ‘મંગળપરી, તમે આવ્યા છો તો હું તમને ખાલી હાથે પાછા નથી કાઢતો, પણ ટિકિટભાડાં ખર્ચીને અહીં આવવાની તકલીફ ન લેશો. હું વરસે બે વરસે ગામડે આવું જ છુંને? તમે જાણો જ છો કે મારા દીકરાઓ શહેરમાં જ મોટા થયા છે. એમને તમારી અવરજવર ન ગમે અને કદાચ કોઈ બોલેકારવે તો તમને દુઃખ થાય.’

પરંતુ જવાબમાં મંગળપરી હેંહેંહેં કરીને બોલ્યા હતા: ‘હું તો શંકરનો પૂજારી છું. મારો તો હક છે. આ તો કાંઈ નથી, પણ મારા દીકરાદીકરી પરણશે ત્યારે હું તમરી સિવાય કોની સામે હાથ લાંબો કરવા જાઈશ.’

એ વાતને પણ એક વરસ માંડ થયું ત્યાં તો મંગળપરીએ ફરીથી શહેરની વાટ પકડી.

***

ગોપાળજી શેઠના ઘરમાં કેટલાક દિવસોથી ચહલપહલ વધી ગઈ હતી. નાના દીકરા રાજેશનાં લગ્ન લેવાયાં હતાં. રાજેશે ગોપાળજી શેઠને કહી દીધું હતું કે: ‘ઘરને કલર તો મારી પસંદગીનો જ લાગશે. તમારી પસંદગી બહુ વિચિત્ર હોય છે.’ જવાબમાં શેઠે સ્પષ્ટ શબ્દોમાં અકહ્યું હતું: ‘જે જવાબદારી લો એ સમયસર પતાવજો. પછી એવું ન બને કે જાનની બસો ઉપડતી હોય ત્યારે જ કલરવાળા આવીને ઊભા રહે.’

રાજેશ કલરવાળાને બોલાવવા જતો હતો ત્યાં તો શેઠાણીએ એને હાથ જોડીને કહ્યું: ‘દીકરા, કલરવાળાને બે દિવસ પછી બોલાવજે. ઘરમાં અત્યારે રૂના ઢગલા છે. પાગરણનું કામ પતી જવા દે.’ રાજેશ બીજા કામે નીકળી ગયો.

મોટા દીકરા મહેશની બેબીની ફરિયાદ હતી કે: ‘મારી પરીક્ષા આવી છે ને મારાથી વંચાતું નથી. મિસ્ત્રી આખો દિવસ ઠક ઠક કરે છે.આખા બંગલામાં ક્યાંય શાંતિથી બેસાય એવી જગ્યા નથી.’

નાનો ટીનું હાથ લઈને બેઠો હતો કે : ‘મારી સાથે કોઈ આજે ને આજે આવો ને મને નવાં કપડાં લઈ આપો.’

અધૂરામાં પૂરું એક કાર બગડી હતી. ગેસનો છેલ્લો બાટલો ખલાસ થવાની અણી પર હતો. ટ્રકવાળાઓની હડતાલના કારણે બાટલા મળતા નહોતા. કેબલફૉલ્ટના લીધે ફોન ત્રણ દિવસથી બંધ હતો. કામવાળી બહેન માંદી થઈ ગઈ હતી. કામ અટક્યાં હતાં એટલે બધાં રઘવાયાં રઘવાયાં થઈ ગયાં હતાં અને બધાનાં મગજ પર સખત દબાણ હતું. આ બધું ઓછું હોય એમ આવીને ઊભા રહ્યા મંગળપરી.

મંગળપરીના અણધાર્યા આગમનથી શેઠાણીને આંચકો લાગી ગયો. એક તો શંકરના પૂજારી એટલે વધારે કશું કહેવાય નહિ. બીજું, મંગળપરીના ધામા ત્રણથી ચાર દિવસના હોય અને લગ્નની તૈયારીના દિવસોમાં મંગળપરી સાથે વાત કરવાની પણ કોને નવરાશ હોય? ત્રીજું, રાજેશનો મારફાડિયો સ્વભાવ.

મંગળપરીએ તો આવીને બહાર હીંચકા અપાર જ સ્થાન ગ્રહણ કરી લીધું. શેઠાણી આવકારો અને પાણી આપીને કામમાં પડી ગયાં. મોટી વહુએ બેત્રણ વખત ડોકું કાઢીને જોઈ લીધું કે લપ ગઈ છે કે નહિ?

પરંતુ મંગળપરી ખાલી હાથે જવા માટે નહોતા આવ્યા. એ તો હીંચકા ખાતાં ખાતાં વિચારોના વૃદાવનમાં ખોવાઈ ગયા હતા. મહેશ બહારથી આવ્યો અને મંગળપરીની વિચારધારા તૂટી. મંગળપરીએ હીંચકો થંભાવ્યો અને ઊભા થઈને મહેશ સાથે હાથ મિલાવ્યા, પરંતુ મહેશને એ વિધિમાં બહુ ઉમળકો આવ્યો નહિ. એના હાથમાં થોડા કાગળો હતા અને ચહેરા પર ચિંતા હતી. એ ઝડપથી ઘરમાં ગયો અને થોડી વારમાં જ પાછો બહાર જવા નીકળ્યો.

મંગળપરી ફરીથી ઊભા થયા. એમણે મહેશને પૂછ્યું: ‘કાં શેઠ, પાછા બહાર હાલ્યા?’ મહેશે જવાબમાં માત્ર ‘હા’ કહ્યું અને એ સ્કૂટર પર સવાર થઈને ઝડપથી સોસાયટીની બહાર નીકળી ગયો. મંગળપરી ફરીથી હીંચકા પર બેસી ગયા અને બબડ્યા: ‘સાલું, ગોપાળજી શેઠ વગર મેળ નહિ પડે.’

મંગળપરી ફરીથી વિચારોના વૃંદાવનમાં ખોવાયા ન ખોવાયા ત્યાં તો ગોપાળજી શેઠ આવ્યા. શેઠની સાથે મહેમાનો પણ હતા. મંગળપરીએ ઊભા થઈને હાથ જોડ્યા. શેઠે મંગળપરીને ખબર પૂછ્યા અને વધારે વાત કર્યા વગર મહેમાનોની સાથે અંદર ચાલ્યા ગયા.

‘સાલું, કસમયે અવાઈ ગયું છે.’ મંગળપરીનું મન પોકારી ઊઠ્યું. પરંતુ હવે તો એમની પાસે હીંચકે બેસી જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. તેઓ બેઠા.

થોડી વારમાં ભોજનની થાળી આવી. મંગળપરી મન ભરીને જમ્યા અને શેઠની રાહ જોવા લાગ્યા. એકાદ કલાક પછી ગોપાળજી શેઠ બહાર આવ્યા અને મંગળપરીએ મોકો ઝડપી લીધો અને ઊભા થઈ ગયા. એમણે આંખોમાં લાવી શકાય એટલી કરુણતા અને અવાજમાં લાવી શકાય એટલી ભાવુકતા લાવીને પોતાની દુખદ સ્થિતિનું વર્ણન કર્યું: ‘ગામડે તો ભૂખ ભડાકા લે છે. મંદિરમાં તો આખા દિવસમાં બે મૂઠી અનાજ પણ આવતું નથી. રોકડા પૈસા તો આમેય કોઈ ધરતું નહોતું. ગામમાં કોઈ સારું માણસ રહ્યું નથી. ખેડૂતોની પણ તાવડી તડાકા લેવા માંડી છે. ચોરી અને લૂંટફાટ વધી ગયાં છે. મારે વસ્તાર ઝાઝો છે ને આવકમાં મીંડું છે. મોટો છોકરો હીરા ઘસવાના કામમાં ટક્યો છે ને નાનો પાછો આવ્યો છે. મોટાને ત્યાં ત્રણ છોકરાં છે ને નાનાને દીવાળી પછી પરણાવી દેવો છે...’ મંગળપરીનું વર્ણન લાંબુ ચાલત, પરંતુ અંદર રોકાયેલા મહેમાનો બહાર આવ્યા તેથી શેઠ પણ એમની સાથે નીકળી ગયા. એમણે જતાં જતાં મંગળપરીને આશ્વાસન આપ્યું: ‘મહારાજ, અમે બધાં હમણા દોડાદોડીમાં છીએ. રાજેશનાં લગ્ન પતે પછી ગામડે આવું છું. ભોળાનાથી દયાથી બધું ઠીક થઈ જશે.’

મંગળપરીને વિચાર આવ્યો: ‘આજ તો ભારે થઈ. કદાચ ટિકિટભાડું પણ માથે પડશે.’ તેઓ શેઠ ગમે ત્યારે પાછા ફરશે જ એવી ગણતરી સાથે ફરીથી હીંચકે બેસી ગયા.

પરંતુ શેઠના બદલે વાવાઝોડા સમાન આવ્યો રાજેશ. રાજેશ ઝડપથી ઘરમાં જતો હતો એ જ વખતે વખતે મંગળપરી પણ ઝડપથી હીંચકા પરથી ઊતરીને એની સાથે હાથ મિલાવવા ગયા. બંનેની ઝડપના કારણે બેઉનાં માથાં ટકરાઈ ગયાં અને બંને જણા પડતાં પડતાં બચ્યા. રાજેશના મોઢામાંથી સ્વરચિત ગાળ નીકળી પડી. મંગળપરીએ ગાળને પચાવીને પૂછ્યું: ‘ઓળખ્યો મને?’

રાજેશનો આઘાત હજી શમ્યો નહોતો. એણે ગુસ્સામાં કહ્યું: ‘તારા જેવા અહીં સત્તરસો આવે છે. હું કેટલાને ઓળખતો ફરું?’ મંગળપરીને રાજેશ સાથે આવો પનારો પહેલી વખત જ પડ્યો હતો. એણે પોતાની ઓળખાણ આપી: ‘હું મંગળપરી. તમારા જૂના ગામનો.’ મંગળપરીની ઓળખાણ પડતાં જ રાજેશ જાણે ધગધગતું એન્જિન બની ગયો. એ તાડૂક્યો: ‘તું મંગળપરી, અત્યારે ને અત્યારે ગામનો રસ્તો પકડ. મહેરબાની કરીને મારી ખોપરી ન ફેરવીશ.’

હવે તો મંગળપરી માટે પોતાના અસ્તિત્વનો સવાલ ઊભો થયો. એણે પોતાનું બાકી રહેલું સ્વમાન એકઠું કરીને કહ્યું: ‘બોલવામાં ધ્યાન રાખો નાના શેઠ, ગમે એમ તોય હું શંકરનો પૂજારી છું.’

રાજેશ જાણે મર્યાદા વટાવવાની રાહ જ જોઈ રહ્યો હતો. એણે મંગળપરીની ફેંટ પકડીને અને ફરીથી ગાળ દઈને બૂમ પાડી: ‘પૂજારીના દીકરા, તું રવાના થાય છે કે નહિ? વારે વારે દોડ્યો આવે છે તે શું અહીં નોટો છાપવાનું કારખાનું છે? અહીં પૈસા માટે કેટલી મહેનત કરીએ છીએ એની તને ખબર પડે છે?’ ને પછી રાજેશે મંગળપરીને એવો ધક્કો માર્યો કે મંગળપરી હીંચકા સાથે ભટકયા અને હીંચકા પર જ પડી ગયા. મંગળપરીએ આવું બનશે એવું તો ક્યારેય વિચાર્યું નહોતું. પોતે પૂજારી હતા એટલે ગામમાં પણ કોઈએ ક્યારેય તુકારો કર્યો નહોતો. અને આજે?

મંગળપરી આગળ કશું બોલે અને રાજેશ વધારે ગાંડપણ કરે તે પહેલાં શેઠાણી ઘરમાંથી બહાર આવી ગયાં. રાજેશની બૂમ સાંભળીને એમને મંગળપરી અને રાજેશ વચ્ચે કશી માથાકૂટ થઈ હોવાનો ખ્યાલ આવી ગયો હતો. શેઠાણીએ રાજેશનો હાથ પકડીને ખેંચી લીધો અને બોલ્યા: ‘તું ભાઈસાબ, થોડા દિવસ શાંતિ રાખે તો સારી વાત છે.’ એમણે મંગળપરીને પણ હાથ જોડીને કહ્યું: ‘માફ કરજો મહારાજ, એ પહેલેથી જ આકરા સ્વભાવનો છે ને હમણાં એના મગજ પર ભાર છે. તમે ખોટું ન લગાડશો. અમે બધાં હમણાં ધમાલમાં છીએ એટલે કોઈનાથી તમને કાંઈ બોલાઈ જાય એના કરતાં આ વખતે તમે બીજે ક્યાંક...’ શેઠાણી વધારે બોલી ન શક્યાં.

મંગળપરી માટે આટલી વાત પૂરતી હતી. એણે પોતાનો થેલો ઉપાડ્યો અને ત્યાંથી ચાલતી પકડી. શેઠના પાડોશીઓ પણ ભેગા થઈ ગયા હતા. એમાંથી એકના શબ્દો મંગળપરીના કાને પડ્યા: ‘આવા લોકોને દરવાજામાં પગ જ શું કામ મૂકવા દો છો? કોઈ દિવસ હાથ મારી જશે તો રડતાં પણ નહિ આવડે.’ મંગળપરી માટે આ શબ્દો છેલ્લા ઘા સમાન હતા.

***

ગામ નજીક આવતું ગયું એમ મંગળપરીના પગ ભારે થવા માંડ્યા. રસ્તામાં આલાભાઈ ભરવાડ મળ્યા. એમણે મંગળપરીને વાત કરી કે: ‘કાલે રાતે ગામના લોકોએ તમને બહુ જ સંભાર્યા’તા. ટીંબાવાળા બાપુ આવ્યા’તા ને આખી રાત ભજનની રમઝટ હાલી’તી.’ આ વાત સાંભળીને મંગળપરીના પસ્તાવામાં વધારો થયો.

ખોટું કામ કરીને કોઈ છોકરો એના બાપથી ડરતો ડરતો ઘરમાં પ્રવેશ કરતો હોય એમ મંગળપરીએ ગામમાં પ્રવેશ કર્યો. ગામમાં ગામમાં પ્રવેશ કરતાં જ મંગળપરીને લાગ્યું કે, જાણે ગામનું એકેએક માણસ એની સામે જોઈને હસતું હતું. કોઈ જાણે કહેતું હતું: ‘આ મંગળપરીએ આપણા ગામનું નામ લજવ્યું. આપણું મૂઠી મૂઠી ધાન એને ઓછું પડયું એટલે શહેરમાં લાંબો હાથ કરવા ગ્યો’તો. પાછો આવ્યો માબેનની ગાળ્યું સાંભળીને.’

અનાયાસે જ મંગળપરીના પગ મંદિર તરફ વળ્યા. મંદિરમાં પગ મૂકતાં જ એમનું ધ્યાન ઘઉં, અને ચોખાની ઢગલીઓ તરફ ગયું. એમને જિંદગીમાં પહેલી વખત એવો વિચાર આવ્યો કે: ‘પેટની ભૂખ ઠારવા માટે આટલું અનાજ ઓછું નથી.’ એમણે ભોળાનાથને હાથ જોડ્યા અને આંખો બંધ કરી. આંખો બંધ કરતાંજ એમને લાગ્યું કે સામે ભોળાનાથ નથી, પણ આંખોમાંથી અગ્નિ વરસાવતા, ત્રિશૂળથી અનાજની ઢગલીઓ દેખાડતા અને ઠપકો આપતા કાળઝાળ શંકર છે. ઠપકો પણ કેવો! ‘તને આ ગામના ભોળા લોકોનું પ્રેમથી ધરેલું ધાન ઓછું પડ્યું કે તું શહેરમાં ગયો. ભીખ માંગવા, ગાળો ખાવા, ગામનું અને મારું નામ લજવવા. મારી સામે શું જોઈને ઊભો છો? જા અહીંથી.’

મંગળપરીને લાગ્યું કે આ ગુસ્સા સામે રાજેશનો ગુસ્સો તો કાંઈ નથી. એમનાથી રાડ નંખાઈ ગઈ: ‘માફ કરો ભોળાનાથ, મને માફ કરો, હવે ફરીથી આવી ભૂલ નહિ કરું.’

મંગળપરીની રાડ સાંભળીને ડેલીએ ઊભેલા વાઘજી પટેલ મંદિર તરફ દોડ્યા. એમણે મંદિરમાં આવીને જોયું તો મંગળપરી પોતાના માથા પર હાથ પછાડી પછાડીને ‘મારી ભૂલ થઈ ગઈ ભોળાનાથ, મારી ભૂલ થઈ ગઈ.’ એવું કરગરતા હતા.

વાઘજી પટેલે ‘બસ કરો મહારાજ’ એવું કહીને મંગળપરીને બાથમાં લઈ લીધા.

અમદાવાદમાં રાજેશે ધક્કો માર્યો હતો, ત્યારે મંગળપરીએ પોતાની આંખોમાં જે આંસુ અટકાવી રાખ્યા હતાં એ આંસુ હવે ધોધ બનીને વહેવા લાગ્યાં.

***