Langotiya - 1 books and stories free download online pdf in Gujarati

લંગોટિયા - 1

પ્રસ્તાવના,

પ્રસ્તુત વાર્તા બે મિત્રો પર છે. બે મિત્રો એ એટલા જેવા તેવા મિત્રો નહિ પણ લંગોટિયા મિત્રો. લંગોટિયા શબ્દ તમે વાંરવાર સાંભળ્યો હશે જ. હા હું એ જ લંગોટિયા મિત્રોની વાત કહેવાનો છું. લંગોટિયા એટલે જન્મ્યા ત્યારથી ભેગા મોટા થયા હોય તે. આ જમાનામાં તો લગભગ આ પ્રકારની મિત્રતા ઓછી જોવા મળે છે. પણ તોય મિત્રતા તો મિત્રતા જ છે. આ એક જ સંબંધ એવો છે જેને છૂટાછેડા નથી અપાતા. મિત્રતા તો કૃષ્ણ સુદામા જેવી જ હોવી જોઈએ. આ બંનેની મિત્રતા સાબિત કરે છે કે જો મિત્રતા સાચી હશે તો આગળ જતાં એક મોટો ઇતિહાસ બની જશે. જેમકે મહારાણા પ્રતાપની ઘોડા ચેતક સાથેની મિત્રતા. ભલે ને ચેતક એક પ્રાણી હતો પણ તે જ મહારાણા પ્રતાપનો સાચો મિત્ર હતો. જેણે છેલ્લા શ્વાસ સુધી મહારાણા પ્રતાપનો સાથ આપ્યો. ખરેખર મિત્રતાથી મોટો કોઈ સંબંધ જ ન હોઈ શકે. આપ સૌને આ સ્ટોરી ગમશે એવી આશા રાખું છું.

-હાર્દિક વી. પટેલ

અહીં આપણે જેની વાત કરવાની છે તે બે લંગોટિયા છે: જીગર અને દિપક. જે મોટા થઈ પોતાની મિત્રતામાં ખલેલ પહોંચાડતા તત્વોનો કઈ રીતે સામનો કરે છે તે બાબત જોવા જેવી છે. મિત્રતા કોઈ નાનો વિષય નથી કે બસ હું એને એક વાર્તા સ્વરૂપે જણાવી દઉં. ખરેખર તો આ અવ્યાખ્યાયિત પદ જે. જેની ચોક્કસ વ્યાખ્યા આપવી ખૂબ મુશ્કેલ છે પણ જે જે મિત્રતાને પામ્યા છે તેમણે પોતાના અનુભવોથી મિત્રતા કેવી હોવી જોઈએ તેનો ખુલાસો કર્યો છે. તો ચાલો વાત કરીએ આ બંને લંગોટિયા યારની....

બોટાદ જિલ્લાના એક નાનકડા વિસ્તારમાં બે દંપતિઓ એક જ સમયે અને એક જ કામ માટે સોનાવાલા હોસ્પિટલમાં દાખલ થાય છે. તમે સાચું જ વિચારી રહ્યા છો. બંને લોકોની પત્નિઓ પ્રસુતિ માટે હોસ્પિટલ આવ્યા છે. આમ તો આ એક સામાન્ય ઘટના હતી પણ અસામાન્ય ત્યારે થઈ જ્યારે બંને માતાઓએ એક જ સમયગાળામાં બાળકને જન્મ આપ્યો અને બંને બાળકો પુત્ર હતા.

બંને દંપતી આ ઘટનાને કોઈ ચમત્કાર માની મિત્રો બની ગયા. તેઓએ એ સમયે નિર્ણય કર્યો કે જ્યારે આ બંને બાળકો પાંચ વર્ષના થશે ત્યારે બંનેને એક જ સાથે અને એક જ સ્કૂલમાં મુકીશું. ઉપરાંત જ્યારે લગ્નની ઉંમર થશે ત્યારે એક જ મંડપમાં બંનેના લગ્ન સાથે થશે. હવે તમે વિચારશો કે આવું વાસ્તવિકતામાં થતું હશે? આવું બધું તો ફિલ્મોમાં થાય છે. શુ આ ફિલ્મની સ્ટોરી છે? ના આ ફીલ્મની સ્ટોરી નથી. રહી વાત વાસ્તવિકતાની તો ગુજરાતી પ્રજા મગજથી નહિ પણ દિલથી જીવે છે. તેથી નાની નાની બાબતોને અને ખાસ કરીને આવી બાબતોને ચમત્કાર માની લે છે. પણ જોઈએ આ દંપતિઓની માન્યતા ક્યાં જઈને ઉભી રહે છે.

જયારે બંનેના મોઢામાંથી શબ્દો નીકળતા ન હતા ત્યારથી આ ટાબરીયા સાથે મોટા થયા. આંગણવાડીમાં બીજા બાળકોને ત્રાસ આપનારા આ બે જ નંગ હતા. પણ બંનેમાં એક વાત જુદી પડતી. જીગર સ્વભાવે થોડો વધારે તોફાની અને રમુજી હતો જ્યારે દિપક સ્વભાવે થોડો ઓછો તોફાની આમ તો શાંત સ્વભાવનો કહી શકાય. જીગર શારીરિક રીતે તંદુરસ્ત હતો. પણ દિપક શરીરે બહુ તંદુરસ્ત દેખાતો ન હતો. બંનેમાં સમાનતા જોઈએ તો બંનેના શોખ, લાગણીઓ અને ખાસ તો વિચારો ઘણા ખરા સમાન હતા. અમુક વખતે બનતું કે બંનેના વિચારો વિરોધાભાસી હોય. પણ આવું ક્યારેક જ બનતું.

બંને ભણવા બેઠા. બંને સ્કૂલમાં એવી રીતે રહેતા કે જાણે સાઈકલના બે ટાયર કે પછી મોબાઈલ અને બેટરી કહી લો. ટૂંકમાં બંને સાથે જ રહે. પ્રાથમિક શિક્ષણ લેતા લેતા બંને કોલેજ લેવલના કાંડ કરતા. બાલમંદિરથી લઈને પ્રાથમિક શાળા સુધી બંનેની દોસ્તી બરકરાર રહી. એનું માત્ર કારણ હોય તો એ હતા એમના માતા પિતા. બાળપણની ઘટનાને ચમત્કાર માની બેઠેલા એ માબાપ એકબીજાને વચન આપી ચુક્યા હતા કે બંનેના ભણતરથી લઈને લગ્ન સુધીના તમામ કાર્યોમાં બંને સાથે જ રહે એવો પ્રયત્ન કરશું. પણ એ જન્મદાતાઓને ક્યાં ખબર હતી કે કોઈપણ વ્યક્તિ છેક સુધી સાથે રહી શકતા નથી. ક્યારેક તો એમના સંબંધમાં કડવાશ તો આવી જ જાય છે. પણ આતો લંગોટિયા મિત્રો છે તેથી આપણી ધારણા ખોટી પણ પડે. તો ચાલો જોઈએ કે આગળ શું થાય છે.

જીગર અને દિપક માધ્યમિક સ્તરે આવી ગયા હતા. માધ્યમિક સ્તરે આવતા બંનેમાં પરિવર્તન એ આવ્યા કે બંનેના વિચારો તદ્દન જુદા થઈ ગયા અને બંનેએ અલગ અલગ સપના જોવાનું શરૂ કરી દીધું. આફ્ટર ઓલ તો એ બંને મિત્રો જ ને. બંને ક્યાં સુધી સરખી વિચારધારા રાખી શકે? જીગર તો હતો એમ જ તોફાની રહ્યો પણ દિપક વધારે શાંત થઈ ગયો. અભ્યાસમાં વધુ ધ્યાન આપવા લાગ્યો જ્યારે જીગરને તો અભ્યાસ સાથે બહુ દુરનો સંબંધ રહેતો. જીગરનું માનવું હતું કે જિંદગીને અલગ રીતે જીવવામાં જે મજા છે એ બે પૂંઠા વચ્ચે રહેવામાં નથી. દિપક માનતો કે ભણતર વિના જીવન અર્થહીન છે. બસ આ જુદી જુદી વિચારધારાએ બંનેમાં થોડી કડવાશ તો ઉતપન્ન કરી પણ બંનેની દોસ્તી ન તોડી શક્યા.

હવે તમે વિચારશો કે આ બંને મિત્રો તો વાત પરથી જ લાગે છે પણ બંને એકબીજાના સાચા મિત્રો છે કે નહીં તે કઈ રીતે ખબર પડે? તો ચાલો એ માટે તેમની જ એક ઘટનાને યાદ કરીએ.

આમ તો જીગરથી નિશાળના બીજા બાળકો ડરતા પણ દીપકના શાંત સ્વભાવને કારણે બીજા છોકરાઓ જીગરનો ગુસ્સો દિપક પર ઉતારવા તેની મશ્કરી કરતા. દિપક ન હતો ચાહતો કે આ વાતની ખબર જીગરને પડે તેથી તે આ બાબતને દબાવી સહન કર્યા કરતો. જીગરે શાળામાં પોતાનું અલગ ગ્રૂપ બનાવ્યું હતું અને આ ગ્રૂપ નિશાળની બહાર જ રહેતું. કારણ કે શિક્ષકો આ ગ્રુપથી ત્રાસી ગયા હતા. તેથી આ લોકોને છૂટ હતી કે લેક્ચર વખતે પણ બહાર રમશોતો ચાલશે. અને જીગર એટલે ક્રિકેટનો પૂજારી. આ ગ્રૂપ શાળામાં તો ખાસ રમવા જ આવતું. જીગરનું ગ્રૂપ ક્રિકેટ રમી રહ્યું હતું અને દિપક ગણિતનો લેક્ચર ભણી રહ્યો હતો. એવામાં બન્યું એવું કે ગણિતના શિક્ષકે દીપકને બોર્ડ પર દાખલો કરવા કહ્યું પણ દિપક બોર્ડ પર દાખલો ગણી શક્યો નહિ તેથી શિક્ષકે તેને ખૂબ માર માર્યો. દિપક એ માર સહન ન કરી શક્યો અને રડવા લાગ્યો.

આ ઘટના દિપક માટે બહુ ખરાબ રહી અને તે ઉદાસ થઈ ગયો. રજા પડી અને જીગરે પોતાની સાયકલ હંકારી દીપકને બેસવા કહ્યું. દિપક બેઠો. આખા રસ્તે જીગરે પોતાના પરાક્રમો ગણવાના શરૂ કરી દીધા, “શુ દિપુ આજ તો ક્રિકેટમાં મજા પડી ગઈ. તને ખબર છે આજ એક મસ્ત ઘટના ઘટી. ઓલો ચમન નથી? મેં જોરથી દડાને ફટકો માર્યો કે તે દોટ મૂકી કેચ કરવા ગયો કે તેનું પેન્ટ ઉતરી ગયું. શુ યાર બધા દાંત કાઢીને ગોટો વળી ગયા. તું હોતને તો મજા જ પડી જાત.” પણ દિપક હજુ માર પડી એના ગમમાં હતો. તે કઈ જ બોલ્યો નહિ.

જીગર બોલતો રહ્યો પણ દીપકનો અવાજ ન આવતા તે બોલ્યો, “એય ભણતશ્રી આજ કેમ બોલતો નથી. શું થયું છે?” એમ કહી તેણે સાયકલ રસ્તા વચ્ચે ઉભી રાખી. પણ દિપક એક શબ્દ પણ ન બોલી શક્યો. જીગર દિપકને પૂછી રહ્યો હતો એવામાં ત્યાંથી દીપકની પાછળ બેસતો છોકરો બબલી ત્યાંથી સાયકલ લઈને જતો હતો. તે આ બંનેને જોઈને ઉભો રહી ગયો. તે કહેવા લાગ્યો, “એય લંગોટિયા મિત્રો અહીં કઈ બાબત પર ચર્ચા થઈ રહી છે?” જીગર બોલ્યો, “જોને બબલી આ સાવ ચૂપ થઈ ગયો છે. અને મોઢું તો જો જાણે કોઈકે દિવેલ નો પાઇ દીધું હોય. કોઈ દિવસ નહીં ને આજે આમ કેમ?” બબલી તેનું કારણ જાણતો હતો તે બોલ્યો, “શુ દીપા સાહેબે માર્યો એટલે ઉદાસ છો?” ત્યાં જીગરના હાવભાવ બદલાયા. તે બોલ્યો, “કયો હતો એ જેણે દિપુ પર હાથ ઉપાડ્યો?” બબલી બોલ્યો, “છોડને જીગા. એ સાહેબ કહેવાય. તેમના માટે આવું ન બોલાય. આવું તો ચાલ્યા કરે.” જીગર વળી ગુસ્સે થઈ બોલ્યો, “એ સાહેબ હોય કે તોપ હોય મને ફેર નથી પડતો. તેણે દિપુ પર હાથ ઉપાડ્યો જ કેમ? એને તો હું નહિ છોડું. બબલી ચાલ મારી સાથે એ હજી સ્કૂલે જ હશે.”

બબલી અને દીપકે જીગરને ઘણો સમજાવ્યો પણ એ માને તો જીગર શેનો? ત્રણેય તો ગયા સ્કૂલે. સ્કૂલે જઈને જોયું તો શિક્ષક પોતાની બાઇક સ્ટાર્ટ કરી રહ્યા હતા. ત્યાં ઉભા રહી જીગર ગુસ્સે બોલ્યો, “સર. તમે દીપકને માર્યો કેમ?” શિક્ષક બોલ્યા, “કેમ એટલે શું? દાખલો ન આવડ્યો તો મારું જ ને.” જીગરે દીપકને પૂછ્યું, “દિપુ દાખલો શીખવેલો હતો અને ન આવડ્યો કે પછી શીખવ્યો જ નહતો એટલે ન આવડ્યો?” દિપક બોલ્યો, “હજી તો પ્રકરણ શરૂ જ કર્યું હતું અને રીત ખાલી વાંચીને સંભળાવી હતી. પણ હું બારીમાંથી તમે રમતા હતા એ જોતો હતો એટલે સાહેબે દાખલો કરવા કીધું અને પછી ન આવડ્યો એટલે મને માર્યો.”

પુરી ઘટનાને સમજી જીગરે બબલીને કાનમાં કઈક કહ્યું અને બબલી દોટ મૂકી મેદાનના ઝાડી ઝાંખરમાંથી ક્રિકેટનું બેટ અને દડો લઈ આવ્યો. જીગર કહે ચાલો આપણે ત્રણેય રમીએ. એમ કહી ત્રણેય રમવા લાગ્યા. જીગર બેટ લઈ ઉભો રહી કહે, “સોરી સાહેબ આગળથી તમે એને મારતા નહિ એ હવે ધ્યાન આપશે.” સાહેબ તો પોતાની બાઇક સ્ટાર્ટ કરી ત્યાંથી નીકળ્યા અને જેવા રોડ પર પહોંચવા ગયા કે જીગરે બબલીને દડો ફેંકવા કહ્યું અને બબલીએ દડો ફેંખ્યો કે તરત જીગરે જોરથી ફટકો માર્યો કે સીધો સાહેબના માથામાં વાગ્યો અને બાઇક પર સંતુલન બગડતા સાહેબ રોડ પર પડ્યા અને બુમો પાડવા લાગ્યા. જીગર ત્યાં દોડીને ગયો અને કહેવા લાગ્યો, “સોરી..સોરી સાહેબ સિક્સ મારતા આવડતું નથી ને એટલે દડો લાગી ગયો. પણ હવે આવું નહિ થાય.”

સાહેબનું વાક્ય સાહેબ પર લાગુ પડે એવી સ્થિતિ જીગરે સર્જી નાખી હતી. સાહેબ કંઈપણ બોલી ન શક્યા અને ત્યાંથી નીકળી ગયા. દિપક બોલ્યો, “જીગા આ બધું કરવાની શુ જરૂર હતી? એ આપણા સાહેબ છે.” જીગર બોલ્યો, “જો દિપુ હું ભલે ક્લાસમાં તારી સાથે ન રહું પણ મારો જીવ તારા પર જ હોય છે. અને તને કોઈ મારે એ હું કદી સહન નહિ કરી શકું અને તને ઇજા પહોંચાડનારને છોડીશ પણ નહીં. ભલે એ પછી આપણો સાહેબ જ કેમ ન હોય. ચાલો હવે ઘરે. સાલી જોરદાર ભૂખ લાગી છે.” ત્રણેય મિત્રોએ ઘર તરફ દોટ મૂકી. લંગોટિયા આવા જ હોય. પણ આતો એક નાનો કાંડ હતો. હજુ તો મોટા અને વિચિત્ર કાંડ તો હજી કહેવાના બાકી જ છે અને એની વાત આપણે આવતા પ્રકરણમાં કરીશું.

***