Khadki books and stories free download online pdf in Gujarati

ખડકી

ખડકી

દુનિયામાં હજી સુધી ખુશ રહેવાની ગોળીઓ બની નથી એટ્લે સારું છે, નહિતર લોકો પૈસાને બદલે એ ગોળીઓ જ સ્વીસબેંક ના ખાતામાં ભેગી કરત! માણસ માણસ પાછળ ભાગતો રહે છે, કા’તો પૈસા માટે કા’તો પ્રેમ માટે. સ્વ.ગોવર્ધનરામ ત્રિપાઠી કોલેજનો આર્ટ્સનો એક નંગ તો દોસ્તોના દિલ જીતીને ડોલરમાં ખુશીઓ કમાતો. અભિમન્યુએ જિંદગીને આમ ચપટીનો ખેલ સમજી લીધો હતો. દરેકના દિલમાં સહેજ ક્ષણમાં પોતાનું સ્થાન જમાવી લેતો. એ કોલેજનો નકામાને નકામો ક્લાસ આર્ટ્સ એફ.વાય! વર્ગમાં શિક્ષક ન હોય એટ્લે અભિમન્યુ ક્લાસ લેતો હોય. વાર્તા ઉપર વાર્તા, જોક ઉપર જોક, આખાય ક્લાસને પેટ દુખાવી દે એવો કલાકારી. એક બાજુ છોકરીઓની બેન્ચ અને એક બાજુ છોકરાઓ! અને ઇતિહાસનો લેકચર પૂરો થાય એટલે તરત જ અભિમન્યુના નામ ના નારો શરૂ થઈ જતાં.

“ ભાઈઑ ધીમે બોલો, પ્રિન્સિપાલ આવી જાહે તો બધાને એક હારે વેતિના કરી દેહે!” અભિમન્યુ એ બધાને શાંત પાડ્યા. ત્યાં કોઈ પાછળથી બોલ્યું “એલા જોકરિયા જોક્સ સંભાળવ જોક્સ!” અભિમન્યુ એ એને જવાબ આપતા કહ્યું, “હા સોલંકી હા, લ્યા સોલંકી જોક્સની પતર ફાડવા કરતાં તારા બાપા ને પેલા સેમ નું રિજલ્ટ બતાવ! આ સોલંકી દસમામાં ફેલ થયો, એના બાપને જઈને કે ‘બાપા, સાહેબે કહ્યું છે કે મારે હજી એક વર્ષ દસમામાં કરવું પડશે.” તો એના બાપા કે “કઈ વાંધો નહીં બટા ભલે દસમામાં એક બે વરહ રેવું પડે, ખાલી ફેલ થાતો નઈ!” અભિમન્યુ એ સોલંકી ને આખા ક્લાસ વચ્ચે ભોઠો પાડી દીધો. આખો ક્લાસ હસવા લાગ્યો. સોલંકી ઊંધું ઘાલીને બેસી ગયો. અભિમન્યુએ શરૂ કર્યું.

“હા, તો ભાઈઓ અમારે પેલા એક ખડકી હતી, અત્યારે હવે તો ડેલો થઈ ગ્યો. મારી બા..” ત્યાં એક છોકરી એ આંગળી ઊંચી કરી અને પૂછ્યું, ‘ખડકી એટ્લે શું?’ અભિમન્યુ એ બોર્ડ પર એક નાનકડી ડેલી દોરી અને નીચે લખ્યું ખડકી. અને બાજુમાં એક મોટો દરવાજો દોર્યો અને નીચે લખ્યું ડેલો! એટ્લે બધાને ક્લિયર થઈ ગયું. ત્યાં જ રંગમાં ભંગ પડ્યો. કોલેજના હિટલર સર્મિષ્ઠાબેન હાથમાં સ્ટીલની ફૂટપટ્ટી લઈને ક્લાસમાં દાખલ થયા. સર્મિષ્ઠાબેનને અભિમન્યુ પર ખૂબ દાજ હતી, જાણે જન્મો જનમ ના વેરી જ જોઈલો. અને અભિમન્યુ ને પણ સર્મિષ્ઠાબેનનો કડક સ્વભાવ સહેજે પસંદ નહીં. અભિમન્યુ પોતાની જગા એ જઈને બેસી ગયો. અને સર્મિષ્ઠાબેને અભિમન્યુ અને ક્લાસ પર અગન મેઘ વરસાવ્યો. “પરીક્ષાઓ નજીક આવી રહી છે, સિલેબસ અધૂરો છે, તમને કઈ શરમ જેવુ છે કે નહીં? અને આ શું નોટંકીઑ શરૂ કરી છે. આ કોલેજ છે થિયેટર નહીં. કોલેજમાં છો તમે, થોડી શિસ્ત કેળવો.” સર્મિષ્ઠાબેને એક કાતિલ યોધ્ધાની માફક પોતાની ફૂટપટ્ટી બેન્ચ પર પટકી. જાણે તીક્ષ્ણ ધાર કાઢેલી તલવાર જ ન હોય. સર્મિષ્ઠાબેને આટલામાં સંતોષ ન થયો હોય એમ વધુ ઉમેર્યું. “ અને આ શું બોર્ડ પર ચીતર્યુ છે? ખડકી-બડકી, ડેલી-ડેલો ?” અભિમન્યુ એ બેનને અટકાવતાં કહ્યું,

“મેડમ, એની પાછળ એક નાનકડી વાર્તા છે, અમારે પેલા ખડકી હતી, અત્યારે હવે ડેલો થઈ ગ્યો.

સર્મિષ્ઠાબેને તાડૂકિને કહ્યું, “ભાઈ, મારે તારી કોઈ વાર્તા સાંભળવી નથી, એ બધુ તારા પૂરતું રાખ આ અર્થશાસ્ત્રનો ક્લાસ છે, કોઈ બાલમંદિર નથી.” સર્મિષ્ઠાબેને ભણાવવાનું શરૂ કર્યું. “ભારત એક વિકાસશીલ દેશ છે. ભારતીય અર્થકારણ વિશ્વના નકશામાં એક આગવી રેખા ધરાવે છે. હવે વિકાસશીલ એટ્લે શું કોઈ કેહશે? અભિમન્યુ અને એના મિત્રોને સર્મિષ્ઠાબેનની કથામાં સહજેય રસ નોહતો, તેઓ તો છેલ્લી બેંચમાં એમની ધૂનમાં મસ્ત હતા. ત્યાં જ સર્મિષ્ઠાબેને અભિમન્યુ પર ચોક ફેકયો.! બોલ અભિમન્યુ.

“મેડમ, વિકાસશીલ એટ્લે.. હા,,વિકાસશીલ એટ્લે તમને એક દાખલો આપી સમજાવું. અમારે પેલા ખડકી હતી, અત્યારે હવે ડેલો છે.”

સર્મિષ્ઠાબેને પાછી ફૂટપટ્ટી બેન્ચ પર ફટકારી, “અભિમન્યુ મે તને પૂછ્યું કે તારા ઘરે ખડકી છે કે ડેલો છે? એવું પુછ્યું કે એ ખડકી માથી ડેલો કેમ થઈ ગઈ?”

આખો ક્લાસ હસવાં લાગ્યો, સર્મિષ્ઠાબેનનો પારો આસમાને, “એવરીબડી સાયલંટ!! ભાઈ તારે મજાક જ કરવી હોય તો તું બહાર નીકળ, બહાર બનાવજે ડેલા માથી ખડકી!

અભિમન્યુ એ કહ્યું, “મેડમ પેલા ખડકી હતી હવે ડેલો છે.!” એમ કહી અભિમન્યુ બેન્ચ કૂદીને બહાર.!

સર્મિષ્ઠાબેને રાહતના શ્વાસ લીધા. “જુઓ મિત્રો પરીક્ષાઓ નજીક છે, થોડા સિરિયસ થાવ, તમારી કરતાં તો આ છોકરીઓ સારી બોલ નયના, વિકાસશીલ એટ્લે શું?” નયના ભણવામાં ખૂબ હોશિયાર. સ્વ.ગોવર્ધનરામ ત્રિપાઠી હાઈસ્કૂલ થી સ્વ.ગોવર્ધનરામ ત્રિપાઠી આર્ટ્સ કોલેજ સુધી પહેલા નંબર ની સફર. આખોય ક્લાસ હસવા-રમવામાં સમય પસાર કરે અને અંતે નયના પાસે અભ્યાસક્રમ ની બુક માંગે. નયનાની બુક લેવા વારામાં રેહવું પડતું. એની દરેક બૂકો આખાય ક્લાસમાં રાઉન્ડ મારતી હોય છે. બૂકો માટે લાઈનો લાગતી. ઉપરાંત એના ચાહવાવાળાની પણ લાઈનો લાગતી. બ્રેઇન વિથ બ્યુટીના સ્વપનાઓ જોવામાં ભાગ્યે જ કોઈક બચ્યું હશે. નયના પણ તેમને પહોચી વળે તેમાની હતી. જેણે પણ પ્રેમ પત્રો મોકલ્યા છે, એને એની સામે જ ખોલ્યા વગર ડસ્ટબિનમાં ફેંકી દેતી. નયના પાછળ સમય બગાડવાનું ઘણાએ છોડી દીધેલું. અને ક્લાસનો અજય દેવગન સોલંકી એ પણ લોહી થી લખેલો પ્રેમ પત્ર નયના ને આપેલો, નયના એ પ્રેમપત્ર સર્મીષ્ઠાબેનને ફોરવર્ડ કરેલો, સોલંકી બે ત્રણ દિવસ બરાબર બેસી ન શકે એવી જગ્યાએ સર્મીષ્ઠાબેને ફૂટપટ્ટીઓ ચોડેલી.!

અભિમન્યુ સર્મીષ્ઠાબેનથી ડર્યા વગર દોસ્તો નું મનોરંજન શરૂ રાખતો. દોસ્તો જ જીવન છે અને હાસ્ય પણ જીવન જ છે. અભિમન્યુ બીજે દિવસે વર્ગના સ્ટેજ પર આવીને ઊભો રહી ગયો. અને હસાવવા જુદા જુદા જોક્સ કહેવાનું શરૂ કર્યું. સોલંકી પાછો ઊભો થયો, “ લ્યા, જોકરિયા પછી ખડકી માથી ડેલો કેમ થયો?” અભિમન્યુ એ વળતો જવાબ આપ્યો, “ભાઈ સોલંકી, સર્મીષ્ઠાને કીધું છે ખડકી માથી ડેલો કેમ થયો, એ આવે જ છે આજે તારા બાપા પાહે,!”

“તો કાલની અધૂરી રહી ગયેલી મારી નાનકડી વાર્તા,, અમારે પેલા ખડકી હતી, અત્યારે તો ડેલો થઈ ગ્યો, મારી બા..” ત્યાં સર્મીષ્ઠાબેનને જોતાં અભિમન્યુ અટકી ગયો.

“મિસ્ટર કોમેડિયન નો લેકચર શરૂ છે એમ ને? પ્રિન્સિપાલ ને કેહવું પડશે કે આપણી કોલેજમાં અર્થશાસ્ત્રના શિક્ષકો નહીં, કોમેડિયન ની ખૂબ જરૂર છે.! આજકાલ છોકરાઓ ભણવા કરતાં હસવાને વધુ મહત્વ આપે છે, સો મિસ્ટર કોમેડિયન તમે ક્લાસ માથી જશો કે હું જ જતી રહું?

અભિમન્યુ બહાર જતો રહે છે. વિદ્યાર્થીઑ ફરી નિરાશ થઈ જતાં, અભિમન્યુની વાર્તા રોજે અધૂરી રહેવા લાગી હતી. બે લેકચર વચ્ચે માંડ થોડો સમય મળે ત્યાં સર્મીષ્ઠાબેન રંગમાં ભંગ પાડતા. વિદ્યાર્થીઓને આશા હતી કે અભિમન્યુ એક દિવસ વાર્તા પૂરી કરશે જ.

અભિમન્યુ બીજા દિવસે કોલેજ કેમ્પસમાં દાખલ થયો. સામે જોયું તો સોલંકી ઊભો હતો. અભિમન્યુ એનો ચહેરો કળી ગયો. એ સમજી ગયો કે સોલંકી આજે જઘડવાના મૂડમાં છે. અભિમન્યુ અજાણ્યો બનીને ચાલવા લાગ્યો. સોલંકી એ અભિમન્યુ નો શર્ટ પકડી રોક્યો. અભિમન્યુ બોલ્યો, “ જો સોલંકી તારી સાથે જઘડવા નો મારી પાસે સમય નથી, મારો રસ્તો મેલ,!” સોલંકી એ કહ્યું, “નયના એ મારો પ્રેમપત્ર સર્મીષ્ઠાબેનને આપી દીધો અને માર માર્યો એ વાત તે જ ફેલાવી હતી ને? તારે મારી સાથે દુશ્મની જ રાખવી હોય તો આજે ફેસલો કરી નાખીએ.”

અભિમન્યુ એ શાંત સ્વરે કહ્યું, “જો સોલંકી, મે કોઈને કાઇ કીધું જ નથી, જોયા જાણ્યા વગર મારા પર આરોપ ના મૂક અને હું નયના ને ઓળખતો પણ નથી”

સોલંકી એ અટ્ટહાસ્ય રેલાવતાં કહ્યું, “વાહ રે જોકરિયા વાહ, બીજી બેંચમાં ત્રીજી બેસે છે એ નયના નથી ઓળખતો? આ તું ઢોંગ ધતિંગ કરે છો એ એની માટે જ કરે છો ને? અને મારી મજાક ઉડાવીને તું શું હીરો બની જવાનો છો? અને નયના મને શું, અડધા ક્લાસને રિજેક્ટ કરી ચૂકેલી છે, એ તારી જેવા જોકરિયા ના હાથમાં આવે એમ નથી, એ તારા બે જોકસ પર હસી લે ઇનો મતલબ એ નથી કે તને પસંદ કરે છે, તારા માં તાકાત હોય તો પ્રપોઝવાળો પત્ર લખ!

સોલંકી મનની ભંડાશ કાઢી ચાલ્યો જાય છે, અભિમન્યુ ક્લાસમાં પ્રવેશ કરતાં જ બીજી બેંચમાં ત્રીજી બેઠેલી નયના ને જોવે છે, અભિમન્યુ નયના ને જોતાં જ બધુ ભૂલી જાય છે, તેનું હદય જોર શોર થી ધડક્વા લાગે છે, એ પોતાની જાતને જ કોસતો રહે છે કે પહેલા કેમ નયના ને ન જોઈ શક્યો. એનું ચિત્ર હદયની દીવાલો માં કંડારાઇ જાય છે, લેકચર પર લેકચર પૂરા થઈ જતાં હોય છે પણ એનું ધ્યાન બીજી બેંચમાં ત્રીજી પર જ હતું. દોસ્તોને આજે હસાવવા પણ સક્ષમ નોહતો. અભિમન્યુ એ નાનકડી ચિઠ્ઠી નયના માટે લખી. અને રજા પડતાંની સાથે જ નયના ને આપવા દોડી ગયો. નયના એની બહેનપણીઑ સાથે ઊભી હતી. નયનાને એ ચિઠ્ઠી નયના કઈ પૂછે એ પહેલા જ આપીને ચાલ્યો ગયો.

નયનાની બહેનપણીઑ પત્ર છીનવવાની કોશિશ કરે છે, પણ નયનાએ પત્ર આપ્યો નહીં, નયના તેની સાઇકલ લઈને નીકળી ગઈ, રસ્તામાં તેને ઘણા ખયાલ આવતા કે પત્રમાં એણે શૂ લખ્યું હશે? એ પોતાની જાત ને રોકી શકી નહીં, એણે રસ્તમાં જ પત્ર ખોલી વાંચ્યો.

એ પત્રમાં લખ્યું હતું કે, “તારા વિશે સંભાળ્યું છે, કે તું ઘણા ને રિજેક્ટ કરી ચૂકેલી છે, આજે હુય રિજેક્ટ થવા તને પ્રપોજ કરું છું, તારા તરફ ધ્યાન મને સોલંકી એ કરાવ્યુ, અરે એજ સોલંકી જેને તે સર્મીષ્ઠાબેન પાસે માર ખવરાવ્યો હતો. હું તને આજ થી પ્રેમ કરવા લાગ્યો છું. જોને આજે કોઈને હસાવી જ શક્યો નહીં. તું મને રિજેક્ટ કરી દે ઇનો કોઈ મને વાંધો જ નથી, મારા માટે તો મારી બા પાસે મહિને બે-ત્રણ માંગા આવે છે. એનું એક કારણ છે, અમારે પેલા ખડકી હતી, અત્યારે હવે ડેલો થઈ ગ્યો. અને મારી બા..”

નયના પત્ર વાંચી હસવું રોકી શકી નહીં, એને તો ઘણા પત્રો મળ્યા હતા, પણ આ પત્ર કઈક અલગ જ હતો. નયનાને આજે બે વાત જાણવાની ઉત્સુકતા હતી. પહેલી એ કે ખડકી માથી ડેલો કેમ થયો? અને બીજી એ કે એની બા ની પાસે એના માંગા કેમ આવતા હતા?

બીજે જ દિવસે નયના એ જરીવાળી પેન થી એના સુંદર મરોડદાર અક્ષરોથી અભિમન્યુને એક ચિઠ્ઠી લખી અને કોલેજના દરવાજે અભિમન્યુની રાહ જોવા લાગી. થોડીવારમાં અભિમન્યુ પણ આવી ગયો એને ત્યાં જ અટકાવીને એક બુક આપીને કોલેજમાં જતી રહી. અભિમન્યુ એ બુક ને સંભાળીને થેલામાં મૂકીને વર્ગ તરફ પ્રયાણ કર્યું. સમાજશાસ્ત્રનો લેકચર પૂરો થયો ને તરત જ નયનાની અર્થશાસ્ત્રના લેબલ મારેલી બુક કાઢી અને પહેલા જ પેજ પર એ ચિઠ્ઠી મળી. એમાં લખ્યું હતું કે, “તારી પ્રપોઝલ એક શરતે સ્વીકારીશ, જો તું મને કહી દે કે ખડકી માથી ડેલો કેમ થયો? રિસેસ કેંટિનમાં.”

અભિમન્યુ રિસેસની રાહ જોતો રહ્યો. થોડીક્ષણોમાં રિસેસનો બેલ વાગી ગયો, અભિમન્યુ ના દિલમાં વાગ્યો હતો તેમ! તરત જ કેંટિનના એક ખૂણામાં ટેબલ અને બે સામસામે ખુરશીઓ મૂકીને ગોઠવાઈ ગયો. થોડીવારમાં નયના પણ નાસ્તાનું બોક્સ અને દફ્તર લઈને પહોચી ગઈ.

નયના અને અભિમન્યુ ને બે મિનિટ તો, એ બંને વચ્ચે રહેલા મૌન ને ઓળખવામાં જતી રહી. પહેલીવાર કોઈક ને પ્રપોજ કર્યું હતું એટ્લે અભિમન્યુ અને એના જોક્સ પણ નર્વસ થઈ ગયેલા. નયના એ શરૂઆત કરી, “તને આટલો ખામોશ પહેલા ક્યારેય નહીં જોયેલો.” અભિમન્યુ એ હાસ્ય રેલાવીને મૌન જવાબ આપ્યો. નયના એ ફરી મૌન તોડ્યું, “ સો પચાસ ટકા તું પાસ જ છો બટ શરત મુજબ ખડકી માથી ડેલો કેમ થયો અને તારી બા.?

અભિમન્યુને બા શબ્દ સાંભળતાની સાથે જ હનુમાનજીને એની શક્તિઑ યાદ આવી ગઈ હોય એમ જૂનો આત્મવિશ્વાસ પાછો આવી ગયો.

“ હા, તો નયના, અમારે પેલા ખડકી હતી અત્યારે તો હવે ડેલો થઈ ગ્યો, મારી બા..”

ત્યાં જ સોલંકી કેંટિનમાં દાખલ થયો અને બંન્ને ને સાથે જોતાં જ દંગ રહી જાય છે, અભિમન્યુ એ કોલર ઊંચી કરી એણે ધરબી દીધો. “હવે ખડકી માથી ડેલો કરીશ કે પછી...” નયના એ વ્યગ્રતા થી કહ્યું.!

“હા, તો અમારે પેલા ખડકી હતી, અત્યારે હવે ડેલો થઈ ગ્યો. મારી બા એઠવાડ નાખવા રોજ બપોરે બાર વાગ્યે ખડકી ખોલે, હવે ખખડતી ખડકી ને કારણે બહાર ઊભેલી કુતરી ભહવા માંડે!, બા એને જોઈને ડરે. બીજે દહાડે વળી બા બપોરના બાર વાગ્યે ખડકી ખોલે અને ખડકીના ભભડાટ થી કુતરી ભહે, અને બા ના હાથમાં રહેલું એઠવાડ નું કુકર ધ્રુજે. ત્યાં જ બાને ગામના ગોર બાપજીની કથાના શબ્દો યાદ આવ્યા કે “કુતરા તો ભહયા કરે, તમારે તમારા કામને ન્યાય આપવો.” બાને એવી દાજ ચડી કે બાએ ફરફરતું કુકરનો કુતરી પર કર્યો ઘા.! કુતરી મરી ગઈ અને કુકર નો હાથો ભાંગી ગયો.

હવે ઈ કુતરી ગોર બાપજીની પાળેલી કુતરી. ગોર બાપજી સરપસ પાહે ગ્યાં. ને કીધું કે સંપાવહુએ મારી કુતરી મારી નાખી. સંપા વહુ એટ્લે મારી બા.! મારી બાને પંસાયતે બોલાવી. અને પૂછ્યું કે કેમ તમે ગોર ની કુતરી મારી નાખી? તો મારી બાએ કીધું કે “ હું રોજ ખડકી ખોલું ને ખડકી ભભડે એટ્લે બાર ઉભેલી કુતરી ભહે. ને મને આ ગોરીયાની કથા ના શબ્દો યાદ આવ્યા કે કુતરાતો ભહયા કરે, તમારે તમારા કામ ને ન્યાય આપવો. મે તો ફરફરતો કુકરનો નો કર્યો ઘા..! એની કુતરી તો મરતા મરી, મારા આણા નું કુકર ભાંગી ગયું.! સરસપને માસ્તરે કીધેલું કે સંપા એ તો ધનજી ને મત આપેલો અને ગોરીયા એ તમને એટ્લે સરપસે મારી બા ને સજા કરી કે સાત દિવસ સુધી સાત કૂતરીને તમારે લાપસી રાંધી ને નાખવી.

હવે મારી બા તો બોવ ચાલાક એણે સરપસને કીધું કે, “જો સરપસ હું સાત દિવસ સુધી, સાત કૂતરીને લાપસી નિરુ પણ મારી ખડકી થાય ભડભડ.! પછી રોજ કોક ની કુતરી મરે અને રોજ પંસાયત બેહે, એના કરતાં આ ખડકી માથી ડેલો કરી દે તો રોજ ની ઉપાધિ ટળે.! એટ્લે સરપસે એનું વેણ રાખવા મારી જૂની ખડકી કાઢી ને નવો ડેલો કરી દીધો! અને અમારા ગામમાં ખાલી ત્રણ જ ડેલા છે, એક તો ગામધણીનો, બીજો સરપસ નો અને ત્રીજો ડેલો અમારો..! મારી બા પાહે ખૂબ રૂપિયા હશે, એમ જાણી ને મારા માટે મહિને બે-ત્રણ માંગા આવે.

નયના અભિમન્યુની વાત સાંભળીને ખડખડાટ હસવા લાગી, બે ત્રણ મિનિટ કશું જ બોલી શકી નહીં. આંખોમાં જળજળિયા અને ગાલ દુખવા લાગ્યા હતા. અભિમન્યુએ નયના ને કીધું કે “પછી મે તને પ્રપોજ કર્યું કારણ કે...”

“તમારે પેલા ખડકી હતી, અત્યારે હવે ડેલો થઈ ગ્યો..! નયનાનું હસવાનું તોય શરૂ જ રહ્યું..!!

  • - દિપક દવે