Ratan books and stories free download online pdf in Gujarati

રતન

રતન

પ્રસ્તુત વાર્તા ‘રતન’ અમદાવાદના એક નામાંકિત ઉદ્યોગપતિ પરિવારની વાસ્તવિક વાત છે. જો કે તેમાં કોઇ જ કાલ્પનિક વાતો ના હોવાથી તે ઓછી રસપ્રદ લાગી શકે, પરંતુ એક સ્ત્રીની સાચી શક્તિનું ચિત્રણ આ વાર્તાથી થતું હોઇ તે આજે અહીં રજૂ કરેલ છે. આ વાર્તા દ્વારા દરેક ગૃહિણી, દરેક સ્ત્રીઓને શત શત નમન..!

સવાર થતાં જ ઘરમાંથી બૂમો પડવાની શરૂ થઈ, “રતનવહુ.… ક્યાં ગઈ..? ગરમ પાણી તૈયાર થઈ ગયુ..?” “વહુ બેટા… ચા બનાવી નાખી..?” “ભાભી.… મારો કોલેજનો ડ્રેસ ઇસ્ત્રી કરી રાખ્યો..?” “રતન....મારી ઓફિસની બેગ ક્યાં છે..?” અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ નામાંકિત ઉદ્યોગપતિ એવા મજમુદાર પરિવારના ‘અન્નપૂર્ણા’ બંગલામાં આવા સવાલોની રમઝટ થાય ત્યારે સવાર થયાની જાણ થાય..! આ બધા સવાલો સામે સૌની અપેક્ષા મુજબ રતનના જવાબ -- “હા...બા, પાણી તૈયાર કરી બાથરૂમમાં મૂક્યું છે”, “બાપુજી, તમારી ચા હમણા જ ટેબલ પર મૂકી છે”, “ભાર્ગવીબહેન, તમારો ડ્રેસ તો ગઈ કાલથી જ ઇસ્ત્રી કરી તમારા વોર્ડરોબમાં ગોઠવી રાખ્યો છે”, “તમારી બેગ ડ્રેસીંગ ટેબલ પાસે રાખી છે” – તેના ચીવટભર્યા કામ સાથે મળી જતા..!

એકલવડીયો બાંધો ધરાવતી, લાંબા વાળનો ચોટલો લહેરાવતી ગુજરાતી સાડીમાં સજ્જ રતન આ ઘરમાં વહુ બની આવ્યે આજે દસ વર્ષ વીત્યા, છતા તેના જોશભેર કામ અને પરિવાર પ્રત્યેના પ્રેમભાવમાં જરાય ઉણપ આવી ના હતી. રતને તો હંમેશા પોતાની દરેક ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી જ હતી અને પરિવારને ખૂબ પ્રેમ અને સેવા ધરતી રહી, પણ તેને આ કંઇ જ વળતરરૂપે ના મળ્યું તેનો તેને ભારોભાર અફસોસ રહ્યા કરતો..! રતને હંમેશા તેના સાસુ સસરાને પોતાના મા બાપ સમાન, નણંદને પોતાની નાની બહેન જેવી અને પતિને ઇશ્વર સમોવડીયા ગણી સેવા કરતી રહી, પણ તેને આ ઘરમાં ક્યારેય માનભર્યું સ્થાન ના મળ્યું..!

ખેતરમાં મજૂરી કરી માંડમાંડ પરિવારનું ભરણપોષણ કરનાર રતનના બાપુને મા વગરની દીકરી રતનની ખૂબ જ ચિંતા રહ્યા કરતી, પણ જ્યારે પોતાના પરિચિત ભૈરવનાથ મહારાજે તેમની રતન માટે અમદાવાદના ધનાઢ્ય ઉદ્યોગપતિ પરિવારના એક્માત્ર પુત્ર તરફથી માંગુ આવ્યાની વાત કરી ત્યારે તેમના આશ્ચર્યનો પાર ના રહ્યો. બન્યું એવું કે અમદાવાદમાં રહેતા કેશવદાસના પુત્ર રોહનની કુંડળીમાં મંગળદોષ રહ્યો હતો, જેના નિવારણ માટે તેમના પરિવારના પંડિત ભૈરવનાથ મહારાજે મંગળદોષ ધરાવતી, ખૂબ સંસ્કારી અને શિક્ષિત એવી રતન વિશે તેમને જાણ કરી.

રોહનના પરિવારને રતન સારી લાગતા તેમણે ભૈરવનાથ મહારાજ સાથે રતનના બાપુને આ વાત પહોંચાડી. બંને પરિવાર એકબીજાને મળે છે, જેમાં રોહનના પરિવારવાળા કુંડળીમાં ખૂબ માનનાર હોઇ અને તેમની પાસે અન્ય કોઇ વિકલ્પ ના હોઇ તે તૈયાર થયા, તો સામે રતનના બાપુ પોતાની દીકરી સારા પરિવારમાં સુખી થશે તેવી આશાથી તૈયાર થયા. મોટાભાગે એક ધનાઢ્ય પરિવારના નબીરામાં હોય તેવી તમામ ખરાબ આદતો ધરાવતા રોહનને તો માત્ર રતનના સૌંદર્યમાં જ રસ હતો, જ્યારે આ બધાથી સાવ અજાણ રતનને મન તો તેના પિતાની ઇચ્છા જ તેનું સર્વસ્વ હતી..!

રતનના બાપુએ પોતાનું અરધું ખેતર ગીરે મૂકીને પણ સામેવાળાની અપેક્ષા મુજબ ધામધૂમથી પરણાવી અને પોતાની ક્ષમતા બહાર જઈ રતનને કરિયાવર આપ્યો, પણ આટલું બધું કરવા છતાંયે રતનના સાસરીયાને આ કશાયથી સંતોષ ના હતો. એક ગરીબ પરિવારની દીકરી હોવાથી તેને લગ્ન પછી વારંવાર કરિયાવરના નામ પર ઘણાયે મહેંણા સાંભળવા પડ્યા હતા..! શરૂઆતના સમયમાં તો રતનને ઘણું માઠુ લાગી જતું. વળી જો તે પોતાના બાપુને આ બધી વાત કરશે તો તેમને પણ ઘણું દુ:ખ થશે તે ચિંતાથી રતન બધું દુ:ખ ગળી જતી. કોઇવાર અસહ્ય થઈ પડે તો બાથરૂમમાં શાવરના અવાજ પાછળ સંતાઇ ઘણું દુ:ખ રડી કાઢતી..! રતને જીવનમાં ઘણુયે દુ:ખ જોયું હતું, પણ તેનું સૌથી મોટું દુ:ખ તેના ખોળાને ખૂંદનારની ઉણપ હતી..! આને કારણે ઘણીવાર ગુસ્સામાં ઘરના તેની પીઠ પાછળ કોઇ વાતમાં તેને ‘વાંઝીયણ’ નામથી સંબોધતા..! કેટલીયે રાત રતનના આંસુ તેના ઓશીકાને ભીંજવતા રહેતા, પણ સવાર થતા જ ફરી સ્વચ્છ વાદળીની જેમ ફરી રોજના કામમાં દોડાદોડ લાગી જતી.

રતન ચપટી માટી માટે કેટકેટલાયે મંદિર જઈ આવી અને તેણે કેટકેટલીયે માનતાઓ, બાધાઓ રાખી લીધી હતી, પણ હજુ સુધી તેના મનના ઓરતા અધૂરા જ રહ્યા હતા. રતનને આ સાથે વધુ દુ:ખ તો તેને કોઇ બાબતમાં તેનો પતિ રોહન જ સપોર્ટ ના કરતો અને ઘણીવાર હડધૂત કરી નાખતો તે લાગી આવતું. જો કે હવે તો રોહન પહેલા કરતા ઘણો સુધર્યો હતો. હવે રતને તેના પ્રેમથી રોહનની દારૂની આદત છોડાવી દીધી હતી તે બાબતનો રતનને ઘણો સંતોષ રહેવા પામ્યો.

રોહનની ઓફિસમાં કામ કરતા કેટલાક કર્મચારીઓએ જ તેમની કંપનીના કેટલાક સિક્રેટ્સ અને કપડાની ડિઝાઇન્સ તેમની હરિફ કંપનીને પૈસાની લાલચે આપતા રહ્યા, જે તરફ રોહનનું જરાય ધ્યાન રહ્યું નહીં. જ્યારે તેમની કંપનીને આપેલ મોટા ક્ન્સાઇન્મેન્ટ અને ઓર્ડરની ક્વોલીટીનો પ્રશ્ન સામે આવ્યો, ત્યારે રોહનનું ધ્યાન આ તરફ ગયું. રોહનની કંપનીના તેના કેટલાક વિશ્વાસુ લાગતા એવા મિત્રોએ જ આ બધો ગોટાળો કર્યો હતો, જેનાથી રોહન સાવ હિંમત હારી ગયો..!

વૃધ્ધ કેશવદાસ કંપનીમાં ધ્યાન આપી શકવા સમર્થ ના હતા. તેમની કંપનીને મળેલ ક્ન્સાઇન્મેન્ટ અને ઓર્ડર માટે તેમણે બેંક પાસેથી લગભગ બસો કરોડની લોન લઈ ખૂબ મોટું જોખમ ઉઠાવ્યું હતું. તેવામાં તેમની ડિઝાઇન્સ હરિફ કંપનીને મળી જતા તેમની બ્રાંડની મોનોપોલી રહેવી મુશ્કેલ બની હતી. જો આ જ પરિસ્થિતી રહે તો તેમનો આ ઓર્ડર કેન્સલ થાય અને લોનના બસો કરોડ રૂપિયાને લીધે પૂરી કંપની ફડચામાં જવા ભીતી રહી..! આવી પરિસ્થિતીમાં મજમુદાર પરિવાર સામે ઘણી મોટી આફત આવી પડી.

કંપનીમાં થયેલી સમસ્યાઓ વિશે રતનને જાણ થતા તેણે આ બાબતે પોતાની શક્ય મદદ કરવા વિચાર્યું. “આ ડ્રેસની ડીઝાઇન બાબતે હું કાંઇ કહું..?” અચકાતા શબ્દે રતને રોહનને ચા આપતા પુછ્યું.

“હવે તું પણ કંપની ચલાવીશ..! તારા ગામની સરકારી શાળા સિવાય કંઇ જોયું છે તે..?” ગીન્નાયેલા સ્વરે રોહને રતનને કહ્યું. રતને રોહનની વાત તરફ કોઇ ખાસ ધ્યાન આપ્યું નહીં. રાત્રે ડિનર સમયે પરિવારના સૌને ડિનર પરોસતા સાડીના પાલવથી માથુ બરાબર ઢાંકતા રતને ફરી વાત કાઢી., “કંપનીના ઓર્ડર માટે ડ્રેસની ડિઝાઇન બાબતે હું કાંઇ કરી શકું.?”

રોહને તેની તરફ ગુસ્સાભરી નજરે ફરી કહ્યું, “આજે સવારે જ તને આ બાબતની ના કહી હતી… તને શું ખબર પડે આ ડિઝાઇન બાબતે..? કંપનીના ડિઝાઇનર કરતાં તને બહુ ખબર પડે..?” રોહનની વાત તેના પિતા કેશવદાસ મજમુદારે વચ્ચે અટકાવી.

તેમને પોતાની વહુમાં બોલ્યા મુજબ કરી શકવાની ક્ષમતા નજરમાં આવી. તેમણે રતનને પૂછ્યું, “તને આ ડ્રેસ ડિઝાઇન્સ વિશે ખબર પડે છે..? તને લાગે છે કે તુ આ બાબતે કાંઇ કરી શકીશ.?”

રતને રસોડામાંથી ગરમ રોટલી લાવી પીરસતા આંખ મિચકારી જવાબમાં હા કહી.

“તો કાલથી રતન પણ ઓફિસે જશે અને પ્રોડક્ટ ડિઝાઇન સેક્શન હેડ તરીકે કામ કરશે..!” કેશવદાસે પોતાનો નિર્ણય જણાવ્યો.

“પણ ડેડ… આ રતન...” રોહનની વાત વચ્ચે રોકવા કેશવદાસે પોતાનો હાથ ઊંચો કરી ચૂપ રહેવા જણાવ્યું, તો રોહન ડાઇનીંગ ટેબલ પર પોતાની ડીશને ગુસ્સમાં ધકેલી ઊભો થઈ ચાલ્યો ગયો. રોહનની મમ્મી કેશવદાસને સમજાવવા કરે છે, “તમે રોહનની વાત સમજો ને.… આ વહુ હવે કંપની ચલાવશે..? અને ઘરનું આ બધું કામ..” કેશવદાસે તેને વચ્ચે અટકાવતા કહ્યું, “એક વાર કહ્યું તે કહ્યું. આ બાબતે હવે નો મોર ડિસ્કશન.!” રતને ધીમેથી પોતાની સાસુની મૂંઝવણનો જવાબ આપ્યો, “મમ્મી, હું ઘરના કામ કરી પછી ઓફિસના કામ કરીશ..!”

બીજા દિવસે વહેલી સવારે ચાર વાગ્યેથી ઉઠી રતને ઘરના તમામ કામ કરવાના લઈ લીધા અને દસેક વાગ્યા સુધીમાં બધા કામ પરવારી ઓફિસ જવા તૈયાર થઈ ગઈ, પણ રોહન તેને ઘરે જ મૂકી એકલો ઓફિસ ચાલ્યો ગયો હોવાથી તે રિક્શા કરી ઓફિસ પહોંચે છે. શરૂઆતનું અઠવાડિયુ રતન માત્ર ચૂપચાપ રહી ઓફિસની પરિસ્થિતી જાણવા કરે છે. બીજા અઠવાડિયે તેમને ઓર્ડર આપેલ કંપની સાથે ડિઝાઇન્સ બાબતે મિટીંગ કરવાની હતી, જ્યારે રોહન પાસે તૈયાર કરેલ ડિઝાઇન્સ બીજી કંપનીએ ચોરી લીધી હોવાથી તેમની પાસે કોઇ જ પ્રિપરેશન ના હતી. જ્યારે રતન હિંમત હાર્યા વિના રાતે રાતે ઘરે પોતાના ગામડામાં પહેરાતા કપડાની ડિઝાઇન અને નવી ડિઝાઇનના કોમ્બીનેશનવાળી ડિઝાઇન તૈયાર કરે છે. પિતાના ઘરે કરેલા સિવણના ક્લાસથી રતનને આ બાબતે સમજાવામાં ઘણી સરળતા રહી.

પ્રેઝન્ટેશનની સવારે ઘરના મંદિરમાં ભગવાન સમક્ષ દીવો પ્રગટાવી રતને પોતાના સાસુ સસરાના આશિર્વાદ લીધા. બધાના આશ્ચર્ય વચ્ચે રતને તૈયાર કરેલ ટ્રેડિશનલ ડિઝાઇન બધાને ખૂબ જ પસંદ પડી અને તેમણે આ ડિઝાઇન જ ફાઇનલ કરી. રતને પ્રોડક્શન સેક્શનમાં પણ પોતાને વિશ્વાસુ લાગ્યા તેવા વ્યક્તિઓને ચાર્જ આપ્યો. આ સાથે રતન વ્યક્તિગત રીતે નાનામાં નાના કર્મચારી સાથે રહી પ્રોડક્ટ તૈયાર કરવામાં લાગી પડી. નાનામાં નાના કર્મચારીને કંપનીના માલિકની પત્ની આ રીતે વ્યક્તિગત મળવા આવે તે જાણી અત્યંત આશ્ચર્ય અને આનંદ થયો. રતન પણ પ્રત્યેક કર્મચારીનું વ્યક્તિગત ધ્યાન રાખતી અને તેમની સામાન્ય જરૂરિયાતોને પણ મહત્ત્વ આપી તરત જ પૂર્ણ કરવા પ્રયત્ન કરતી. આના પરિણામતય રતનના ચાર્જમાં પ્રોડક્ટ ઓર્ડર ખૂબ જ ઉત્તમ રીતે સમયસર પૂર્ણ થઇ શક્યો અને એક સમયે બંધ થવાને આરે આવેલ મજમુદાર કંપની ઘણો પ્રોફીટ કરવા લાગી..!

રતનને કારણે ફરી ઊભી થયેલી મજમુદાર કંપનીને કારણે ઓફિસમાં અને પૂરી કંપનીમાં રતનની ખ્યાતિ રોહન કરતા કેટલાયે ગણી વધી ગઈ, જે બાબત રોહનને જરાય પસંદ ના આવી. આમ પણ રતન અને રોહન વચ્ચે ઘણું અંતર તો હતું જ, હવે રતનની ખ્યાતિ વધતા આ અંતર ઔર વધી ગયું..! હવે રતનનું માન તેના પરિવારમાં તો વધી ગયું, પણ તેનું દામ્પત્ય જીવન વધુ નબળુ પડવા લાગ્યું. હવે રોહન ફરી ખોટી સંગતિમાં જવા લાગ્યો.

એક રાત્રે દારૂના નશામાં ધૂત રોહન તેની ગાડીનું બેલેન્સ ચૂકી જતા ઝાડ સાથે એક્સીડેન્ટ થયો, જેમાં રોહનના પગે ફેક્ચર સાથે કેટલીક સામાન્ય ઇજાઓ થઈ. આ સમયે રોહન દ્વારા કેટલીયે વાર ઇન્સલ્ટ થવા છતાંયે રતને રોહનનો સાથ ના છોડ્યો. દરેક પળ રતન રોહન સાથે જ રહ્યા કરતી. રોહનની નાની નાની દરેક બાબતોનું, તેને નિયમિત દવા આપવાનું, તેની યોગ્ય સારવાર કરવાનું વગેરે દરેક બાબતનું ધ્યાન રાખતી રહી. આ સાથે બાકી સમયમાં કંપનીના જરૂરી પેપરવર્ક્સ કરી લેતી. રતને પોતાના પ્રેમથી ફરી વાર રોહનને ખોટી સંગતથી બહાર લાવવા સાથે તેના મનમાં પોતાના માટે પ્રેમના અંકુરણ પણ પ્રગટાવ્યા..! રતનના પ્રેમથી રોહન ખૂબ ઝડપથી સાવ સાજો થઈ ગયો.

રતનની મદદથી તેની નણંદ ભાર્ગવીના લગ્ન તે જેની સાથે પ્રેમ કરતી હતી તે વિપુલકુમાર સાથે નક્કી થઈ ગયા. રતન મજમુદાર પરિવારમાં ફરી ખુશહાલી લાવી હતી. રતને પોતાના માતૃત્વના ભાવને સંતોષવા મણિનગરમાં કે.જી. સ્કૂલ પણ શરૂ કરી જેમાં સામાન્ય પરિવારના બાળકોને ફ્રીમાં શિક્ષણ આપવાનું કામ ચાલુ કર્યું. આજે પણ સવાર થતાં ‘અન્નપૂર્ણા’ બંગલામાંથી એ જ બૂમો સંભળાતી -- “રતનવહુ.… ક્યાં ગઈ..? ગરમ પાણી તૈયાર થઈ ગયુ..?” “વહુ બેટા...ચા બનાવી નાખી..?” “ભાભી.… મારો કોલેજનો ડ્રેસ ઇસ્ત્રી કરી રાખ્યો..?” “રતન.… મારી ઓફિસની બેગ ક્યાં છે..?” જેના દરેક જવાબ સાથે રતનનું તે જ ચીવટભર્યું કામ અવિરત ચાલતું રહ્યું છે..!

***