Jyare hu maa bani tyare books and stories free download online pdf in Gujarati

જ્યારે હું મા બની ત્યારે.....

ત્રણ મહિનાથી મારી મનોસ્થિતિ ગભરાયેલા વાછરડા જેવી થઈ ગઈ છે. હરેક પળે બધું ખાલી ખાલી લાગે છે. પક્ષીના માળા જેમ વરસાદમાં વિખેરાઈ જાય તેમ જાણે મારુ ઘર વેરાન થઈ ગયું છે. કકડતી ઠંડીમાં રખડતા ઢોર જેમ ધ્રૂજે છે તેમ મારા રોમમાંથી કંપારી છૂટે છે. ગરમ લ્હાય રણની રેતી ઉપર ઉઘાડા પગ મંડાતા જે દાહ લાગે તેવી અગન જાણે મારા મનમાં હૃદયમાં લાગી છે.

સવારથી જ મને વિચિત્ર લાગણીઓ થતી હતી. સવારે જાગીને હું સોનુના રૂમમાં ગઈ અને એની પથારી ખાલી જોઈને મારુ હૃદય મારા ગળામાં આવી ગયું.

"મમ્મી 10 મિનિટ ઊંઘવા દે પ્લીઝ...... લેટ મી સ્લીપ ફોર એ વ્હાઇલ....."

જાણે ભીંતોમાંથી જૂની યાદોના અવાજો બહાર આવતા હોય તેમ મને સંભળાયા. સોનું રોજ દશ મિનિટ માંગીને કલાક સુઈ રહેતી. આખરે હું ગુસ્સે થઈને તેને જગાડતી. એ મોઢું ચડાવીને બ્રશ લેતી. છેક દશ વાગ્યા સુધી મારી સાથે વાત ન કરતી. અને પછી હું જ કોઈ બહાનું બનાવી એને બોલાવતી.

પણ એને એ ક્યારેય સમજાયું નથી કે એ બધા એની સાથે વાત કરવાના બહાના કેવળ હતા. એને તો એમ જ લાગતું કે મમ્મી માત્ર રોજિંદા કામ કરે છે. એને એ સમજાતું નહિ કે એના રૂમમાં મારી સાડી ક્યાંથી હોય ? છતાંય હું કહેતી સોનુ સવારે જગાડવા આવી ત્યારે તારા રૂમમાં મારી ધોવાની સાડી મૂકી હશે જરા લઈને એ બાથરૂમમાં નાખી આવને.

અને એ જતી. પછી પગપછાડતી એ આવતી.

"મમ્મી તારું ખસી ગયું છે - કાલની સાડી તે હજુ બદલી જ નથી.... મારા રૂમમાં ક્યાંથી હોય ?" કહીને એ હસતી. હું એને જોયા કરતી. એની માસૂમ સ્માઇલને જોયા કરતી. એને સમજાતું નહિ કે ઘરમાં ટાંકણી ક્યાં પડી છે એ પણ મમ્મીને બધી ખબર જ હોય.

પણ આખરે અમારે પછી વાતો શરૂ થતી. એ બધું સવારનું ભૂલી જતી. અને અમારા છેક સાંજ સુધીના પ્રોગ્રામ થતા. શોપિંગ, મંદિરે દર્શન કરવા જવું, વોકિંગમાં જવું.... શોભા માસીને ત્યાં જવું વગેરે વગેરે પ્લાનિંગ સાથે અમારી રસોઈ થતી. અને પછી આખો દિવસ એમ જ વીતી જતો. કદાચ તમારે પણ જુવાન દીકરી હશે લાડમાં ઉછેરેલી તો આવું જ કંઈક ઘરમાં થતું હશે. ખેર હું લેખક નથી - પણ મા છું એટલે સ્નેહ જરૂર લખી શકું.

પણ એ રૂમ સાવ ખાલી હતો. મારી માસૂમ સોનુ ઊંઘેલી ન દેખાઈ. હું ધીમા પગલે જઈને એની પથારીની કોર ઉપર બેઠી. રોજ અહીં ગાલ ઉપર વિખેરાયેલા વાળ લઈને મારી સોનુ ઊંઘી હોતી. હું એના ગાલ ઉપરથી વાળ સરખા કરી એને ઘડીક જોતી - એ મારા જેવી જ લાગતી. પછી સાવ ખોટે ખોટો ગુસ્સો કરીને ઉભી થઇ જતી અને એને હાથ પકડીને કહેતી, "સોનુ ઉઠ.... સાત વાગ્યા....."

એકાએક મને ખ્યાલ આવ્યો કે મારો હાથ પથારીની ચાદર ઉપર ફરે છે. પંખી ઉડી ગયા પછી ખાલી થયેલા સૂકા માળા જેવી એ પથારી હું ક્યાંય સુધી જોતી રહી. અને મારું હૃદય ભરાઈ આવ્યું. કેતન ઓફિસના કામે ગઈ કાલે બહાર ગયો હતો. હું એકલી હતી. મેં હૃદય ઠાલવ્યું. ખૂબ રડી. પથારી ઉપર આંસુ પડ્યા. કલાક હું એમ જ બેસી રહી.

હું ઉભી થઇ અને બહાર આવી. એ કેમ હશે ? શુ એને મોડા સુધી ઊંઘવા મળ્યું હશે ? કે પછી ત્યાં એને મારી યાદ આવતી હશે ? પપ્પાના ડરથી એ આવી નહિ શકી હોય એવું તો નહીં હોય ને ? પણ એને ખબર છે કે પપ્પા તો વહેલા ઓફિસે જાય છે તો મને ફોન તો કરી શકે ને ?

આ સ્થિતિ મારી ત્રણ મહિનાથી હતી. છેલ્લા ત્રણ મહિનાથી હું આ રીતે જ વ્યાકુળ રહેતી. પણ કેતન કહેતો કે મરવા દે એને. હું એને પૂછતી, " કેતન પણ એ નથી સમજતી એટલે આમ કર્યું એમાં આપણે એવા થવાનું ? "

" જો સુરભી આપણે એને શુ નથી આપ્યું ? પછી એને કોઈ એવા પગલાં લેવાની જરૂર શી હતી ? " કેતન ગુસ્સે થઈને એ જ કહેતો.

" પણ કેતન આપણે ક્યાંક તો એને મુકવાની જ હતી ને ? " હું દલીલ કરતી.

" તો એ આપણને કહી ન શકે ? ચલો મને ન કહી શકે તો તને ન કહી શકે શુ ? "

કેતનની વાત ખોટી ન હતી. સોનુ મને ચોક્કસ કહી શકી હોત. પણ એમાં એનોય વાંક ન હતો. સવારે ઉઠવા માટે જ હું રોજ એના ઉપર ગુસ્સે થતી. સાવ ખોટો ગુસ્સો બતાવતી પણ એને તો એમ જ હતું કે મમ્મી સાચે ગુસ્સે થાય છે. સવારે જાગવાની વાત ઉપર જે મા એટલી ગુસ્સે થતી હોય એની સામે કોઈ દીકરી મન કઈ રીતે ખોલી શકે ? ના સોનુ નો પણ એમાં જરાય દોષ નથી.

આખરે એક દિવસ મેં કેતન પાસે જીદ પકડી. ગમે તેમ સોનુને ત્યાં ફાવે છે કે કેમ ? તે ખુશ છે કે નહીં તે ગમે તેમ જાણી આવવા કહ્યું ! પણ કેતને ચોખ્ખી ના કહી. મેં તેને સમજાવ્યો. અને તેણે જીગરભાઈના ઘરે ફોન કર્યો. જીગરભાઈ સોનુના ઘરની સામે જ રહેતા. જીગર ભાઈએ કહ્યું કે તે ખુશ છે. પ્રીતમના ઘરમાં બધા જ સભ્યો સારા છે અને તેને દીકરી જેમ રાખે છે.

ત્યારથી મને થોડી રાહત તો થઈ હતી પણ છતાંય મને આ ઘરમાં એકલું એકલું લાગતું. રસોડાના દરવાજે, સોનુના રૂમમાં, હોલમાં ટીવી સામેના સોફામાં બધે મને જાણે સોનુ દેખાતી. રોજ બપોરે જાણે મને અવાજ સંભળાતો - મમ્મી જલ્દી ચા બનાવ મારે પ્રીતિના ઘરે જવાનું છે - ચાર વાગે કલાસ છે.

પણ એ દિવસે જાણે કશુંક વધુ જ થતું હતું. મારુ મન એમ કહેતું હતું જાણે જીગરભાઈએ બધું ખોટું કહ્યું હશે.

હું ઝડપથી તૈયાર થઈ ગઈ. કેતન બહાર ગયેલો હતો અને હજુ બે દિવસ ઘરે આવવાનો ન હતો એટલે ગાડી પણ ઘરે હતી. ગાડી લઈને હું જીગર ભાઈના ઘરે જવા નીકળી. નારણપુરાથી છેક ચાંદખેડા સુધી મારા મનમાં એક જ સવાલ ઉઠતો રહ્યો - સોનુ વિશે જીગરભાઈના વાઈફ મને બધું સાચું કહેશે અને જો કાઈક અશુભ કહેશે તો ? જો એ કહેશે કે સોનુની સાસુ ફિલ્મી છે તો ? જો એ કહેશે સોનુના સસરા તો ખૂબ કડક છે - ઘરમાં ઊંચા અવાજે બોલવાની પણ છૂટ નથી તો ? તો હું શું કરીશ ? સોનુને એવામાં ફાવશે ? એ તો બિચારી કેતનના ડરના લીધે પાછી પણ આવી શકે તેમ નથી.

બસ આ જ વિચાર વંટોળ લઈને હું જીગરભાઈના ઘરે પહોંચી હતી. ગાડીમાંથી ઉતરતા મેં સોનુના ઘર સામે નજર કરી. બપોર હતી એટલે ઘરના દરવાજા બંધ હતા. એટલે હું નીચે ઉતરી અને જીગરભાઈના ઘરનો દરવાજો ખખડાવ્યો. સોનુના ઘરેથી સોનુ કે બીજા કોઈ મને જોઈ ન જાય એટલે હું ત્યાં જ દેખાતી રહી. થોડી વારે દરવાજો ખુલ્યો.

" અરે સુરભી તું ? " સ્નેહાએ મને જોતા જ પૂછ્યું.

" સ્નેહા મને તરત અંદર આવવા દે.... " કહી મેં તેને હાથથી પકડી દરવાજા વચ્ચેથી ખસેડી અને હું તરત અંદર ગઈ. જેમ કેતન અને જીગરભાઈ મિત્રો હતા તેમ હું અને સ્નેહા પણ સારા મિત્રો બન્યા હતા.

" પણ તું આમ એકાએક ?" દરવાજો બંધ કરીને સ્નેહા મારી પાસે આવીને બેઠી.

" જો સ્નેહા મને સાચું સાચું કહેજે...." હું તેને તબિયત પૂછવાનો વિવેક કરવાનું પણ ભૂલી ગઈ હતી એટલી વ્યાકુળ હતી.

" હા પણ જીગરે કહ્યું તો ખરા સુરભી એ લોકો સારા છે - અમે સાત વર્ષથી અહીં રહીએ છીએ. સોનુના સાસુ સસરા બધા સારા માણસો છે. છોકરો પણ સીધો અને સાદો છે." મેં કઈ પૂછ્યું નહિ છતાં હું શું પૂછવાની છું તે જાણતી હોય તેમ તે બોલી.

" સ્નેહા તું આ બધું મને ચિંતા ન થાય એ માટે...... "

" અરે હોઈ કઈ સુરભી......" તે વચ્ચે જ બોલી ઉઠી, "જીગરના સમ કેતનનો ફોન આવ્યો ને એ પછી હું બે વાર એમના ઘરે ય જઈને આવી. તારી સોનુને કોઈ તકલીફ નથી."

" બ તો હવે મને શાંતિ....." મેં કહ્યું અને મારી આંખમાંથી પાણી આવી ગયું.

" ને તારે કઈ ચિંતા કરવા જેવી નથી. હું બધી ખબર રાખીશ એની - આમ તો મેં ય ઘણી સિરિયલ જોઈ છે એકતા કપૂરની રજે રજે માહિતી આમથી તેમ કરતી રહીશ.... " તે હસીને બોલી. મને રડતી જોઈને જ તે એવું બોલી હતી એ મને ખબર હતી બાકી સ્નેહાને એકતા કપૂરના નામથી જ ચીડ હતી.

" સારું હું જાઉં છું. તું મને ફોન કરતી રહેજે સુરભી...." કહી હું ઉભી થઇ.

" અરે પણ ચા વગેરે......"

" ના સુરભી પ્લીઝ કશુંય નહિ......" મેં તેના ખભે હાથ મુક્યો, " દીકરીના ઘરનું પાણી પણ નહીં... અને હું એમ જ સમજીશ કે તારા ઘરે જ સોનુ છે - એટલે હવે એની ખબર રાખવાની જવાબદારી તારી છે...." મેં એમ કહ્યું કેમ કે મારે એને ભારમાં નાખવી હતી.

તેણીએ મારો હાથ દબાવ્યો અને માથું હલાવ્યું. હું આંખોથી આભાર કહીને બહાર નીકળી અને તરત ગાડી લઈને ઘર તરફ નીકળી ગઈ. મારે સોનુના કે તેના ઘરના કોઈની નજરમાં આવવું નહોતું કેમ કે એમ થાય તો એ લોકોને સુરભી ઉપર વહેમ પડે કે ચોક્કસ આ સુરભી સોનુની મમ્મીને ચડાવતી હશે.

હું ઘર તરફ જતી હતી ત્યારે મારુ મન ખાસુ હળવું થઈ ગયું હતું. થોડાક ખુશીના આંસુ જરૂર નીકળતા હતા પણ ત્રણ મહિનાથી જે મૂંઝારો હતો તે હવે ન હતો.

હું ઘરે પહોંચી. લોખંડનો દરવાજો ખોલી બગીચામાં દાખલ થયો અને એકાએક મને ભૂતકાળ યાદ આવ્યો. ત્યારે આ બગીચો અહીં ન હતો. સામે મોટો ફ્લેટ છે એ ન હતો. ફ્લેટને બદલે ત્યાં રાવજીકાકાનું મકાન હતું. અહીં આ ઘરને બદલે કેતનનું નાનું મકાન હતું.

હું નવી નવી પરણીને આવી હતી. એક વાર હું અહી જ ઉભી હતી - કેતન ઓફિસેથી ઘરે આવવાનો હતો અને હું બજારમાં કશુંક લેવા ગઈ હતી. ત્યારે રાવજીકાકાના ઘરેથી મેં મારી મા ને બહાર આવતી જોઈ હતી.

હું તરત અહીં એક લીમડાનું ઝાડ હતું તેની પાછળ સંતાઈ ગઈ હતી. મારી મા બહાર નીકળીને રોડ ઉપર ગઈ હતી અને રિક્ષામાં રવાના થઈ હતી.

મને ખુબ દુઃખ થયું હતું. મારી મા અહીં સુધી આવી અને મને મળવા પણ ન આવી ? એ સવાલ ઉપર હું ઘરે જઈને કલાક રડી હતી. મને પપ્પાના શબ્દો યાદ આવ્યાં હતાં. હું અને કેતન મમ્મી પપ્પાના આશીર્વાદ લેવા ગયા હતા અને પપ્પાએ કહ્યું હતું, " તું અમારા માટે મરી ગઈ છે સુરભી...."

પપ્પાએ તો સમાજમાં ઈજ્જત ગઈ એટલે કહ્યું પણ મારી મા રાવજીકાકાના ઘર સુધી આવીને મને મળ્યા વગર કેમ ચાલી ગઈ ? એ વિચારે હું મહિનાઓ સુધી અસ્વસ્થ રહી હતી.

મેં રાવજીકાકાના ઘર તરફ જોયું. ત્યાં મોટો ફ્લેટ ઉભો હતો. પણ મને મારી મા દેખાઈ. પચીસ વર્ષ પહેલાંનું દ્રશ્ય દેખાયું. જાણે મારી મા રાવજીકાકાના ઘરેથી નીકળી આ તરફ આવતી હોય તે દેખાયું. એ ચાલી ગઈ મને મળ્યા વગર જ ચાલી ગઈ. એ જોઈને ત્યારે મને રડવું આવ્યું હતું પણ આજે હું ન રડી. તેના બદલે મને હસવું આવ્યું. કેમ કે ત્યારે મને જે નતું સમજાયું એ હવે સમજાયું હતું.

કેમ મારી મા મને મળ્યા વગર જ ચાલી ગઈ હશે તે મને હવે સમજાયું. જેમ હું સ્નેહાને મળીને છાનીમાની સોનુને મળ્યા વગર પાછી આવી બસ તેમ જ મારી મા પણ રાવજીકાકાના ઘરે કેતન અને તેના મમ્મી પપ્પા વિશે પૂછવા આવી હશે એ મને સમજાયું. અને જાણે મારા પગની શક્તિ ઓસરી ગઈ હોય તેમ હું ધ્રુજવા લાગી.

સુરભી તું કેવી સ્વાર્થી છે ? ખુદ તું તારી માને છોડીને આવી ત્યારે તું પપ્પાના શબ્દો સાંભળીને પચીસ વર્ષ એમને મળવા ન ગઈ. અને જ્યારે વાત તારી સોનુની હતી ત્યારે દોડતી સ્નેહાને તેની ખબર પૂછવા ગઈ ? સતત સોનુ મળવા આવે - સોનુ ક્યારેક ફોન કરે એની રાહ જોતી રહી ! કેમ કે એ તારી દીકરી હતી એટલે ? એના વગર તને ઘર ખાલી લાગતું હતું એટલે ? એને તે ઉછેરી હતી એટલે ?

તો પછી ત્યારે તને કેમ ન સમજાયું સુરભી કે તારી મા એ પણ તને એવા જ પ્રેમથી ઉછેરી હતી ? પપ્પા ગુસ્સામાં બોલી ગયા એટલે તે તો મા સાથે સબંધ પણ કાપી નાખ્યો હતો ને ? ત્યારે તને એમ ન થયું કે તારી ભૂલ હતી ? ત્યારે તને એમ ન થયું કે તારી મા ને તારા વગર ઘર ખાલી લાગતું હશે ? એ પણ રડતી હશે જેમ તું સોનુ માટે ત્રણ ત્રણ મહિનાથી રડે છે ?

ફરી એક વાર મારી આંખોમાંથી આંસુ સરવા લાગ્યા. મારા હોઠ ધ્રુજવા લાગ્યા. હું ઘરમાં જવાને બદલે ફરી ગાડીમાં જ બેઠી. આંખો લૂછીને ગાડી ચાલુ કરી. ભૂતકાળ કેવું ચક્કર મારીને ફરી એ જ બિંદુએ આવ્યો સુરભી ? મારી જાતમાં જાણે બે સુરભી હોય તેમ મને એક સુરભી સવાલ કરવા લાગી. એ સુરભી જે સવાલ કરતી હતી એ મા હતી.....!

*

ગાડી જ્યારે ઉભી રહી ત્યાં સુધી લગભગ હું રડતી જ રહી હતી. હું નીચે ઉતરી અને દરવાજો ખખડાવ્યો. થોડીવારે એક વૃદ્ધ સ્ત્રીએ દરવાજો ખોલ્યો. તેના ચહેરા ઉપર કરચલીઓ પડી ગઈ હતી. આંખો ખોલવામાં તકલીફ પડતી હોય તેમ ઝીણી થઈ ગઈ હતી. શરીર થાકી ગયુ હતું. સાડીમાં જાણે હાડપિંજર લપેટયું હોય તેવું લાગ્યું.

"મા........." હું બસ એટલું જ બોલી શકી અને તેને ભેટી પડી.....

જાણે બધું જ સમજી ગઈ હોય - એ ત્રણ મહિનામાં મેં શુ શુ અનુભવ્યું એ બધું જ એ જાણતી હોય એમ એ ધીમેથી મારા કાનમાં બોલી, " બેટા સુરભી મા બની ગઈ ને ? "

અને આંખમાં આંસુ સાથે અમે બંને હસ્યા..... ખડખડાટ હસ્યા.... ત્યાં જ અવાજ સંભળાયો....

" તમારું રોવાનું પતી જાય તો અંદર લઈ આવ એને..... મારે ખૂબ વઢવાનું છે એને..... "

એ અવાજ સાંભળી ફરી મારા હોઠ ધ્રુજયા......

- વિકી ત્રિવેદી