Bapu - aadhunik pedhine thato chemical locho books and stories free download online pdf in Gujarati

બાપુ : આધુનિક પેઢીને થતો કેમિકલ લોચો

બાપુ : આધુનિક પેઢીને થતો કેમિકલ લોચો

મુરલી પ્રસાદ શર્મા નામનો એક લુખ્ખો પોતાને ગમતી અને જેને અતિશય પ્રેમ કરે છે તેવી આરજે જ્હાનવીને પામવા માટે અને તેની સાથે રહેતા વડીલોને ગાંધી વિચારો શીખવવા જાય છે. ઈતિહાસવીદ અને ઈતિહાસના પ્રોફેસર તરીકે મુરલી પ્રસાદ શર્માએ ગાંધી વિચાર શીખવવાનું નક્કી કરી લીધું પણ ખરેખર તે ગાંધીને જાણતો હતો. નહોતો જાણતો.... તેણે એક અઠવાડિયા સુધી દિવસ રાત ગાંધી વિશે વાંચવાની શરૂઆત કરી. તેનું વાંચન અને ગાંધી પ્રત્યેનું આકર્ષણ એ હદે વધી ગયું કે તેને ચિતભ્રમ થવા લાગ્યો. સર્કિટને આ કેમિકલ લોચાની ખબર પડી અને તેની સારવાર કરવવા માટે સાઈકિયાટ્રિસ્ટની મદદ લેવાઈ. મુરલીપ્રસાદ એટલે કે મુન્નાભાઈ એ વાત સ્વીકારવા તૈયાર નહોતા કે તેને ચિતભ્રમ થયો છે. તેને જે ગાંધી દેખાય છે તે માત્ર તેની કલ્પના છે.

આ તો વાત હતી મુન્નાભાઈની સિક્વલ ફિલ્મ લગે રહો મુન્નાભાઈની. આજે જે વાત કરવી છે તે છે આપણી આધુનિક પેઢીની. આ પેઢીને પણ મગજમાં કેમિકલ લોચો જ છે. ગાંધી વિશે વાતો કરે છે, ગાંધી મૂલ્યોના વોટ્સએપ ફરતા કરે છે, ફેસબુક, ઈન્સ્ટા અને વોટ્સએપના ડીપીમાં ગાંધીના ફોટા મૂકે છે અને આખો દિવસ સત્ય અને અહીંસાના સ્ટેટસ મૂકીને ગાંધીને વર્ચ્યુઅલાંજલી આપે છે. ગાંધી બિચારા ક્યારેક ફોટો સ્વરૂપે તો ક્યારેય સ્ટેટસ સ્વરૂપે તો ક્યારેક ઈમોજી તરીકે સોશિયલ મીડિયામાં ફરતા રહે છે પણ આપણા મનમાં તે પ્રવેશ કરી શકતા નથી. સત્ય અને અહીંસાની વાતો માત્ર મુન્નાભાઈ કરી શકે અને તે પણ ફિલ્મને કમાણી કરાવવા માટે. બાકી આજના જીવનમાં તમે ગાંધી વિચાર, ગાંધી સંસ્કાર અને ગાંધી કલ્ચર શોધવા જાઓ તો વાસ્તવિકતાનો ખ્યાલ આવશે.

રાત્રે અંધારામાં ડરતા ગાંધીને તેની માતા રામનામ લેવાનું કહે છે. આ રામનામ લઈને મોહન જિંદગીની સફરે નીકળે છે. પુતળીબાઈએ આપેલું રામનામ અને કરમચંદે આપેલો સત્ય બોલવાનો ઉપદેશ આજીવન તેમણે પોતાના હૈયામાં સંઘરીને રાખ્યો. કિટલીનો સ્પેલિંગ ન આવડે અને શિક્ષક નકલ કરવાનું કહે ત્યારે તેનો વિરોધ કરનાર જ મહાત્મા થઈ શકે. આજે નોનવેજ ખાવા માટે ખોટું બોલનારા અને ઘરની બહાર કંઈપણ ખાઈ-પી શકનારા ઘરે આવીને સત્ય અને અહીંયાના બણગા ફુંકતા હોય છે. બીજી તરફ વણિકપુત્ર એવા ગાંધીએ માંસ અને મદિરાનું સેવન કર્યા પછી પોતાના પિતાને કહેવાની હિંમત અને નૈતિકતા દાખવી હતી. ઘરની બહાર નોનવેજને ખાવા માટે તલપાપડ થતા અને સમાજની વચ્ચે વેજિટેરિયન હોવાની પીપુડીઓ વગાડતા દંભી લોકોના ગાલ ઉપર આ તમાચો છે ગાંધી વિચાર.

હું તો હંમેશા સત્ય જ બોલું છે અને મને વિવાદ કે હિંસા પસંદ નથી તેવું કહેનારા માત્ર ચાર રસ્તે ઊભા હોય અને તેમના ટૂવ્હિલરને બીજાનું ટૂવ્હિલર અડી જાય તો પણ ગાળોનો વરસાદ કરી દેતા હોય છે. આ લોકો એક દિવસના ગાંધી થઈને ફરતા હોય છે. સાઉથ આફ્રિકામાં જઈને રંગભેદની નીતિ દૂર કરવા જેટલી હિંમત અને પોતાના દેશના લોકોની ગરીબી જોઈને પોતાનો સૂટ ઉતારીને આજીવન પોતડી પહેરવાની ક્ષમતા જેનામાં હોય તે મોહન જ મહાત્મા થઈ શકે. સત્ય અને અહિંસાના વિચારો લઈને પોરબંદરના વણિક પરિવારમાં જન્મેલો મોહન જ્યારે દેશસેવા માટે નીકળે છે ત્યારે તેને ખ્યાલ નથી હોતો કે ખરેખર જે સત્યના પ્રયોગો શરૂ કર્યા છે તે જીવનને ક્યાં લઈ જશે.

ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડને મળવા માટે પણ જુઠ્ઠું બોલનારી આજની જનરેશન એક દિવસ માટે ગાંધી વિચારોના બ્યૂગલ વગાડતી ફરે છે પણ ક્યારેય આ ગાંધીને નજીકથી જાણવાનો પ્રયાસ નથી કર્યો. બેરિસ્ટર મી. મોહનદાસ કરમચંદ ગાંધીને જ્યારે સાઉથ આફ્રિકાની ટ્રેનમાંથી સરસામાન સાથે નીચે ફેંકી દેવાયા ત્યારે તેમણે રંગભેદનો વિરોધ કરવાનું નક્કી કર્યું. તેમણે છડેચોક તેનો વિરોધ કર્યો અને રંગભેદની નીતિને ક્રાંતિમાં ફેરવી નાખી. આવી જ એક ક્રાંતિ ભારતમાં આવીને આઝાદીની શરૂ કરી હતી. તેઓ ક્રાંતિકારી હતા પણ સત્ય અને અહિંસાના. આઝાદી જોઈતી હતી પણ લોહી વહાવીને નહીં. તેઓ માત્ર અસહકાર અને આંદોલન દ્વારા આગળ વધવા માગતા હતા. તેમની પાસે એક જ હથિયાર હતું ઉપવાસનું. જ્યારે તેઓ આ હથિયાર ઉગામતા ત્યારે બ્રિટનના રાણી પોતે ગાંધીની તબિયત વિશે સમાચાર મેળવવા વ્યાકુળ થઈ જતાં.

હરિજનોને ભેટીને પોતાના સમાજમાં આગવું સ્થાન આપતા તો ક્યારેય વૈષ્વજન તો તેને રે કહીએ ગાઈ અને ગવડાવીને સુઘડ સમાજની રચના માટે હાકલ કરતા. ભગવત ગીતાનો ઉપદેશ આપીને યુદ્ધ કરવા પ્રોત્સાહિત કરતા અને તે જ કૃષ્ણએ હથિયાર નહોતું ઉપાડ્યું તેમ કહીને અહિંયાની ચાવી પૂરતા. ચપટી મીઠું ઉપાડીને અંગ્રેજી સલ્તનતના પાયામાં લૂણો લગાડવાની હિંમત, તાકાત અને જુસ્સો ધરાવતા હતા. તો બીજી તરફ ગોળમેજી પરિષદમાં પોતડી પહેરીને હાજર રહેવા જેટલી સ્વાભાવિકતા પણ તેમની પાસે હતી. દેશ આઝાદ થશે તેવો તેમનો વિશ્વાસ હતો. તેઓ ભવિષ્યમાં રાચતા નહોતા અને ભૂતકાળને વાગોળતા નહોતા. તેઓ માત્ર વર્તમાનને વ્યવસ્થિત કરવામાં વ્યસ્ત રહેતા હતા. તેના કારણે જ કહેતા કે જે પરિવર્તન લાવવા માગો છો તેની શરૂઆત પોતાનાથી કરો.

પ્રેમ કરવો કે ક્ષમા આપવી તે નબળા, નમાલા કે માઈકઆંગલા લોકોનું કામ જ નથી. ગાંધી કહેતા કે આ કામ કરવા માટે અતુલ્ય શક્તિ જોઈએ, હિંમત જોઈએ અને પોતાની જાત ઉપર કાબુ જોઈએ. સત્યના પ્રયોગો આજીવન કરતા રહીએ ત્યારે મોહનથી મહાત્મા સુધીની સફર પૂરી થાય.

આ દેશને બો મોહન મળ્યા. યમુનાના કિનારે જન્મેલો અને દ્વારકા આવીને વસેલો તથા પ્રભાસપાટણ પાસે દેહ ત્યાગનારો એક મોહન જે પોતાની મહાનતા અને ચમત્કાર સાથે માધવ થયો, ઈશ્વર થયો. બીજો મોહન પોરબંદરના કિનારે જન્મ્યો, સાબરમતીને કિનારે આગળ વધ્યો અને યમુનાના કિનારે તેણે દેહત્યાગ કર્યો. આ મોહન પોતાના સત્ય અને અહિંસાના કારણે મહાત્મા કહેવાયો. મુન્નાભાઈના કેમિકલ લોચા પૂરતો આ મોહન સિમિત નથી. દરેક ગુજરાતી અને ભારતીયના શ્વાસમાં વણાયેલો છે મોહન. એક મોહને નક્કી કર્યું કે પોતે હથિયાર નહીં ઉપાડે અને સારથી બનશે છતાં હસ્તિનાપૂર અપાવ્યું અને બીજો મોહન જેણે સત્ય અને અહિંસાના આજીવન પ્રયોગ કરીને ભારતીયોને તેમનું સ્વતંત્ર ભારત અપાવ્યું.

આ મોહનની સંસ્કૃતિ આજની આધુનિક પેઢી માટે માત્ર કેમિકલ લોચો છે. એક દિવસના ગાંધી અને એક દિવસના સરદારો આપણે જોવા મળે છે. આપણે આ કેમિકલ લોચો દૂર કરવાનો છે. આધુનિકતાના રંગે રંગાયેલા ભારતીયો ગાંધીને વિસર્યા નથી તે દુનિયાને બતાવવાનું છે. આ ગાંધી કે તેના વિચારો સોશિયલ મીડિયાની વોલ ઉપર રાખવા કરતા ક્યાંક હૃયના ખૂણે અંકિત કરી રાખીશું તો આપણને વધારે ઉપયોગી થશે. ગોડસેની ગોળીથી વિંધાયેલા ગાંધીના દેહને તો આપણે જે-તે સમયે અંતિમ સંસ્કાર સાથે વિદાય આપી હતી. આ ગાંધીના સંસ્કારો આજે પણ એટલા જ સાશ્વત છે જેટલા ગીતાના ઉપદેશો છે. જે દિવસે આધુનિક પેઢી ગાંધીના સત્ય અને અહિંસાના વિચારને સામે ચાલીને અપનાવશે તે દિવસે ભારત ફરી ભ્રષ્ટાચાર, આતંક, વ્યાભીચાર, વેદના, બળાત્કાર અને હિંસાની પીડાથી આઝાદ થશે. તે દિવસે ઈશ્વર પાસે રહેલો મોહન ખુશ થઈને માત્ર એટલું જ બોલશે, હે રામ.

ravi.writer7@gmail.com