Jya madi shakaay mane potane aevo aekaltano ariso thayo chhe gairvallo books and stories free download online pdf in Gujarati

જ્યાં મળી શકાય મને પોતાને એવો એકલતાનો અરિસો થયો છે ગેરવલ્લે

જ્યાં મળી શકાય મને પોતાને એવો એકલતાનો અરિસો થયો છે ગેરવલ્લે

અમદાવાદની વાત કરીએ તો છેલ્લાં એક દાયકામાં તેણે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. બીઆરટીએસથી શરૂ કરીએ તો હવે મેટ્રોના પણ ભણકારા વાગી રહ્યા છે. કોટવિસ્તારમાં રહેતું અમદાવાદ હવે મહેમદાવાદ સુધી વિકસી ગયું છે. તેની સીમાઓ લંબાતી જાય છે અને દરિયામાં નદીઓ ભળે તેમ જાતભાતના લોકો અહીં આવીને વસતા જાય છે.

આવા અમદાવાદ અને તેમાં રહેતા આપણે બધા... આ અમદાવાદને ટાઈમ ટ્રાવેલમાં મૂકીને એક દાયકા પહેલાં જઈએ તો શું યાદ આવે. શહેરા રસ્તા વિશાળ અને ટ્રાફિક ઓછો હતો. બાળકો રસ્તા ઉપર સાઈકલો લઈને આમતેમ ફર્યા કરતા, સ્કૂલે જતા અને મિત્રો સાથે રખડપટ્ટી પણ કરતા. એસજી હાઈવેનો ઉપયોગ બહારગામ જવા માટે વધારે થતો નહીં કે નાઈટઆઉટ માટે. મોડી રાત્રે બસ ઈસ્કોન ચારરસ્તા ઉતારે તો પણ ઘરે જવા રીક્ષા શોધતા અડધો કલાક થાય. આજે આ જ જગ્યા ચોવીસ કલાક ધમધમે છે. જુવાનીયાઓ અડધી રાત્રે દાલ-ખીચડી ખાવા એસજી હાઈવેની હોટેલ્સમાં જાય છે. આપણે ત્યાં બગીચાઓ સરસ હતા, કાંકરીયા તળાવ સરસ હતું આ બધી જગ્યાએ ભીડ હોવા છતાં લોકોને પોતાની એકલતા અને એકાંત બંને મળી રહેતા હતા.

આજે આ શહેર બદલાયું છે. ભીડ વધી છે, ટ્રાફિક વધ્યો છે, રસ્તા નાના પડે છે, વાહનો વધી ગયા છે, લોકોની સુખ અને સુવિધાઓ વધી છે પણ સરવાળે થયું છે શું. માણસે પોતાની એકલતા ગુમાવી છે. આ માત્ર અમદાવાદની વાત નથી દેશના ટોચના શહેરો જોઈ લો છેલ્લાં એક દાયકામાં તમામ લોકોની લાઈફસ્ટાઈલમાં ફેરફાર આવ્યા છે. ગાડીમાં બેસો તો રેડિયો રણકે અને ઓફિસમાં મોબાઈલ રણકે. ઘરે આવો તો ટીવી ચાલતું હોય અને પાર્ટીમાં મ્યૂઝિક. ડાઈનિંગ ટેબલ ઉપર બેસીને પણ પરિવારના સભ્યો વાત ઓછી કરે છે અને ઈક્વિપમેન્ટમાં વધારે હોય છે. ખપ પૂરતી વાતો થતી હોય છે. માણસ સતત પોતાના અંગત સ્ટ્રેસ લઈને ફરતો થઈ ગયો છે. સતત હરિફાઈ, સતત વિકાસની ખેવના, ભેગું કરવાની હાયહાય આ બધાએ માણસના એકાંતને છીનવી લીધું છે. ઘરમાં એસી ચાલતું હોય અને તેને બંધ કરી દો તો કોમ્પ્રેસર બંધ થવાથી પ્રસરતી શાંતિ આપણને ગરમી કરતા વધારે વધારે અકળાવી મૂકે છે. પતિ અને પત્ની બેડરૂમમાં હોય તો ભાવી આયોજનોની વાતો કરતા હોય અથવા તો પોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય. સંતાનો તેમના ઈક્વિપમેન્ટ સાથે બંધાયેલા હોય.

હવે આપણને ગમતું, શાંતિ આપતું કે સ્વ સાથે ઓળખ કરાવતું એકાંત રહ્યું જ નથી. હવે તો આપણને લોકોની કંપનીની આદત પડી ગઈ છે. ક્યાંક બહાર જવું હોય તો કંપની શોધો, ફિલ્મ જોવા જવું છે તો કોઈને સાથે લઈ લો, પિકનિક માટે પણ બેચાર પરિવારો સાથે જશે. પોતાનો પરિવાર, પોતાના સંતાનો, પતિ અને પત્ની પણ સાથે હોવા છતાં બીજાની કંપની શોધવા લાગ્યા છે. આપણે એક સમયે એકલતા ઝંખતા હતા તે હવે એકાકીપણામાં ફેરવાઈ ગઈ છે. આપણે ક્યાંય પણ જવું હોય તો આપણને ત્રીજી વ્યક્તિની જરૂર પડે છે. આપણે સ્વજન કે જીવનસાથી જોડે ફરવા જવા, શોપિંગ કરવા જવા કે બસ લટાર મારવા નીકળવાનું પણ ભાગ્યે જ પસદ કરીએ છીએ. આપણને જીવનસાથી જોડે હોવા છતાં ત્રીજી વ્યક્તિની જરૂર પડે છે. ક્યારેક એમ લાગે છે કે, પોતાના સાથે હોઈએ છતાં તેની સાથે વાત કરવા માટે અન્ય વ્યક્તિના માધ્યમને આપણે ઝંખતા હોઈએ છીએ. આ માધ્યમ જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી સતત આપણે માનસિક વલોપાતમાં જીવતા હોઈએ છીએ. એવી પણ સ્થિતિ થાય છે કે, રોમેન્ટિક મૂડમાં બહાર ફરવા નીકળ્યા હોઈએ અને મોઢું ચડાવીને કે ઝઘડો કરીને ઘરે પરત ફરતા હોઈએ છીએ.

સતત ભીડ વચ્ચે રહેવાની આદત પડી ગઈ છે. ઘરના લોકો પણ હવે એ રીતે જ ટેવાઈ ગયા છે. હવે તો મોટાભાગે ન્યૂક્લિયર ફેમિલિ વધારે છે તેથી આ સમસ્યા વધારે વકરતી ગઈ છે. પતિ જો બહારગામ જવાનો હોય તો પત્ની અને બાળકો પોતાની રીતે પોતાનું શિડ્યુલ બનાવી લે છે. પત્નિ અને બાળકો વેકેશન કરવા જાય તો પતિ પોતાની ગોઠવણો કરી લે છે. મિત્રો સાથે પાર્ટીનું આયોજન કરી લે છે. બાળકો પિકનિક ગયા હોય તો પતિ-પત્ની પોતાના આયોજનો કરી લે છે. લોકને સતત વ્યસ્ત રહેવાનો રોગ લાગી ગયો છે. તેમને એકલા બેસવું, શાંત બેસવું, પોતાની જાત સાથે સમય પસાર કરવો પસંદ નથી.

જેમ જેમ ભૌતિક સુખના વિકલ્પો વિકસતા જાય છે તેમ તેમ વ્યક્તિ વધારે વ્યસ્ત થતો જાય છે. પહેલાં લોકો પાસે પોતાની કાર નહોતી પણ બસમાં સાથે ફરવા જવાની મજા હતી. ટ્રેનમાં બેસીને, બે-ચાર પરિવારો મજાથી પ્રવાસ કરવા જતા હતા. થેપલા, ખાખરાં, હાંડવો વગેરે નાસ્તાની પણ ટ્રેનમાં વહેંચણી થતી, બાળકો સિંગચણા ખાતા, ગીતો ગાતા મજા કરતા હતા. આજે પોતાની કારમાં ફરવા જાય છે છતાં એવો આનંદ નથી રહ્યો. એક જવાબદારીની જેમ પરિવાર સાથે પ્રવાસ કરવાની પળોજણ આવી હોય તેવું ઘણી વખત દેખાતું હોય છે. વેકેશન પડ્યું એટલે પરિવારને ફરવા લઈ જવો પડે તે પણ નિયમ થઈ ગયો છે. વિકેન્ડમાં બહાર જવાનો પણ નિયમ થઈ ગયો છે. ઘણી વખત ઈચ્છા હોય કે ન હોય પણ બધા જતા હોય એટલે નીકળી પડવાનું. તેના કારણે આપણે ટોળા વચ્ચે રહેવા છતાં સાવ એકલા હોઈએ છીએ. ભીડ વચ્ચેથી પણ એકાંતરની કારમી ચીસો સંભળાતી હોય છે. આપણને આ બધું કરવું છે છતાં કરવું નથી તેવો પણ અનુભવ થતો જ હોય છે.

ક્યારેક આંખ બંધ કરીને કે પછી અરિસામાં જોઈને વિચાર કર્યો છે કે, આપણી અંદર જીવતો હતો એ માણસ ક્યાં ગયો. સતત ભીડ, વ્યસ્તતા અને ગુંચવણો વચ્ચે રહેનારા આપણે આપણે જાતને ક્યાં મૂકી આવ્યા. લોકો સાથે ફરવું છે, મજા કરવી છે પણ પોતાની જાત સાથે વાત પણ નથી કરવી. ક્યારેય ઘરની બાલ્કનીમાં બેસીને ઢળતા સુરજ ઉપર નજર કરે છે, હાથમાં કોફીનો કપ લઈને પોતાની પત્ની સાથે બાલ્કનીમાં અડધો કલાક પસાર કર્યો છે, બાળકો સાથે છેલ્લે ધિંગામસ્તી ક્યારે કરી હતી એ યાદ છે. જવાબ લગભગ નકારાત્મક જ આવશે.

વ્યસ્તતાની વચ્ચે રહેવાના કારણે આપણે આપણી પોતાની એકલતા ગુમાવી છે. ટોળા વચ્ચે પણ એકાંત શોધવાની અને પોતાની જાતને મળવાની આવડત આપણે ગુમાવી દીધી છે. હવે એકલતાનો આનંદ નહીં પણ એકલા પડી જવાનો ભય મન ઉપર સવાર થઈ ગયો છે અને તેના કારણે જ લોકો ભીડ વચ્ચે ઘેરાયેલા રહેવાનું પસંદ કરે છે. શકીલ બદાયુનીએ આપણી આધુનિક જીવનશૈલી વિશે ખૂબ જ સુંદર વાત કરી છે,

અબ તો ખુશી કા ગમ હૈ, ન ગમ કી ખુશી હૈ

બે-હિસ બના ચુકી હૈ બહુત જિંદગી મુઝે.

ravi.writer7@gmail.com