Yaad-ek mithu sambharnu books and stories free download online pdf in Gujarati

યાદ-એક મીઠું સંભારણું

'યાદ-એક મીઠું સંભારણું.'

જીવતી જિંદગીમાં જેમ-જેમ જીવતા જઈને એમ એમ મધ જેવી મીઠી યાદો, વર્ષોથી ભોંયતળિયે દટાયેલા ખજાનાની જેમ અકબંધ બની જાય છે અને એ જ યાદોને સહારે જીવન જીવતા લોકોની સંખ્યા ક્યાં ઓછી છે! કેટલું સરસ સર્જન કર્યું છે આ સર્જનહારે!

મેદનીમાં એકલતાનો અહેસાસ,
એકાંતમાં સાથનો સહારો,
દૂર રહેલા સાથીના જિંદગીનો સહારો,
વિચારોની દુનિયામાં વિહરતા પ્રેમનીઓનો ખજાનો,યાદ એટલે,
આવે તો રડાવી જાય, જૂની પોથી ઉથલાવી જાય,
સપના સાથે પરોવાઈ જાય, નીંદર ઉડાવી જાય,
મિલોનું અંતર કપાઈ જાય, પળમાં જાણે જિંદગી જીવાય જાય..


સૂરજભાઈ આજે ૫૫ વર્ષની જિંદગી હોંશે જીવીને સમયના સકંજામાં ફસાઈને બહાર આવ્યા હતા ત્યારે બંગલાના ગાર્ડનમાં બેસીને કલમ અને કાગળ પર પોતાના જીવનકાળ દરમિયાનની દરેક યાદોને વાગોળી રહ્યા હતા. સુરાજભાઈને લેખન, વાંચનનો ઘણો શોખ પરંતુ સમય સાથે આગળ વધતા એ શોખ જરાક સાઈડમાં જ રહી ગયો હતો. હવે જીવનની અડધી ઇંનિંગ રમ્યા પછી અચાનક એમને લેખનમાં ચાંચ ડુબાડવાની ઈચ્છા થઇ એટલે સમય કાઢીને બાંકડા પર અથવા તો હિંચકા પર બેસી શાંત ચિત્તે સુંદર અક્ષરે પોતાની લાગણીઓને વાચા આપી રહ્યા હતા.


પ્રભુની આ સુંદર રચનામાં સર્જન તો ખુબ અદભુત કર્યું કહેવાય. માનવ જીવન આપી આપણો ઉદ્ધાર કર્યો છે. તન-મન-ધનથી પ્રબળતા આપી છે અને સાથે એક મગજ આપ્યું છે જે ફક્ત કાળા માથાનો આ માનવી જ સમજી શકે છે. પ્રભુએ મસ્તિસ્ક બધા જ જીવોને આપ્યું છે પરંતુ સમજશક્તિ, સમજણ, યાદશક્તિ એ ખાલી માનવ અવતારમાં જ આપ્યું છે.

એ જ યાદશક્તિના સહારે આપણે જન્મથી લઈને જીવીયે ત્યાં સુધી ઘણું બધું યાદ કરીએ છે, ઘણી બધી યાદોને આપણા નાના મગજના ખૂણામાં કેદ કરીએ છે.

'યાદ એ એવી નિર્જિવ વસ્તુ છે જે આપણા મનને સજીવ રાખે છે. '

જીવનમાં દરેક પળ આવે છે અને વિસરી જાય છે, રહી જાય છે તો બસ એની યાદો..... વિતાવેલો એક પણ કલાક, વિતાવેલી એક-એક ક્ષણ એ વીતી ગયા પછી યાદ જ બનીને રહી જાય છે. સમય સાથે ડગ માંડતાં સૂરજભાઈ જેવી જ જિંદગી આપણી પણ છે અને ભવિષ્યમાં આપણે પણ આ જ રસ્તે આવીને આપણી જીવતી જિંદગીની ગાડીને થોભાવી યાદોના દરિયામાં ડૂબી જઇશુ.

સૂરજભાઈ જન્મથી માંડીને બચપણ, યુવાની, લગ્ન સમય, પોતાના બાળકો અને પત્ની સાથેનો સુખી સંસાર, ધંધાકીય વ્યવસાયની
ચડ-ઉતર અને બીજું ઘણું બધું.

સૂરજભાઈ લખે છે કે,

બસ એ બધું યાદ આવે તો શું કરું?


બચપણમાં વિતાવેલા એ નિખાલસ દિવસોની યાદ આવે,
યુવાનીમાં શાળામાં કરેલી ધીંગા મસ્તીની યાદ આવે તો શું કરું?

બસ એ બધું યાદ આવે તો શું કરું?

કૉલેજમાં કરેલી એ શરારતોનો સિલસિલો યાદ આવે,
ધંધા પહેલા નોકરી કર્યાના એ દિવસો યાદ આવે તો શું કરું?
બસ એ બધું યાદ આવે તો શું કરું?

જીવનની એક નવી જ સફરમાં પત્ની સાથે નીકળ્યા,
ઉંમર થઇ હવે બધું જ સમજવાની,
જવાબદારી ને જીવનનો એક અમૂલ્ય હિસ્સો બનાવવાની,
પત્ની સાથે શરુ કરેલા એ શરૂઆતના દિવસો યાદ આવે,
જીવનસાથી સાથેની વિતાવેલી એ દરેક પળ યાદ આવે,
સુખ-દુઃખમાં સાથી અને મારા જીવનના રથના સારથી એ મારા પત્ની,
બસ એ બધું યાદ આવે તો શું કરું?


પ્રથમ વાર 'પિતા' બન્યાનું સૌભાગ્ય અને જીવનની ફરી એક રોમાંચક સફર,
પોતાના અંશનો પ્રથમ સ્પર્શ, પહેલું સ્મિત, પહેલી એ દરેક વાત,
બાળકોનો ઉછેર અને જીવનની દરેક સફર,
બાળકોની ખુશીઓ, એમનું ભવિષ્ય અને એમની સુરક્ષાની મીઠી જવાબદારી,
બસ એ બધું યાદ આવે તો શું કરું?


બાળકો માં-બાપનો ખભો બને અને હાથમાં હાથ રાખી સાથે ચાલે એ દિવસો,
આપણા જ આપાયેલા સારા સંસ્કારોનું સિંચન અને એમનું સુખી દેખાતું જીવન,
એમના લગ્નમાં મન ભરીને નાચવાનું અને એમનો નવો સુખી સંસાર જોવાનું,
બસ એ બધું યાદ આવે તો શું કરું?

આજે જીવનના આટલા વર્ષમાં અનુભવેલું, શીખેલું કે માણેલું બધું જ યાદ આવે તો એ બધી જ મીઠી યાદોને બસ આપણી યાદશક્તિમાં કેદ કરી શકાય. એને માણી શકાય, આંખ બંધ કરી એ જૂની યાદોમાં આંટા મારી શકાય અને સાથે ખુશીના આંસુ સારી શકાય. બસ એ જ જીવનનો ઘટનાક્રમ અને એ જ જીવનની સચ્ચાઈ.

'યાદ-એક મીઠું સંભારણું' લખતા આંખ થોડી નમ થઇ જાય,
કલમ થોડી ઢીલી પડી જાય, કાગળ આંસુના ટપકાંથી થોડા ભીંજાઈ જાય,
આંખ બંધ કરી ભૂતકાળમાં આંટો મારી શકાય,
થોડું એકલા-એકલા હસી શકાય અને થોડું એકલા એકલા રડી શકાય,
એકલતામાં કોઈના સાથનો અનુભવ કરી શકાય,
યાદોમાં ખોવાઈ શકાય, લાગણીઓને વાચા આપી શકાય,
સમયને થોડો થોભાવી શકાય, ઘડિયાળને જરાક રિવાઇન્ડ કરી શકાય,
બસ આ યાદોથી જ જીવન જીવી શકાય.....'

'સુરાજશેઠ, જમવાનું પીરસાઈ ગયું છે. શેઠાણી વાટ જોવે છે.', સંજુ એ આવીને કહ્યું.(સંજુ ઘરઘાંટી છે બંગલાનો)

સંજુના આવવાથી રંગમાં ભંગ પડ્યો હોય એવી લાગણી થઇ અને સૂરજભાઈ થોડું હસીને કાગળ-કલમને લઈને બંગલામાં દાખલ થયા.
ગાર્ડનમાં બેસી લખાયેલી આ 'યાદ-એક મીઠું સંભારણું' પણ એમના 'યાદો'ના ખજાનામાં સેવ થઇ ગઈ.

-બિનલ પટેલ.

8758536242