aame re panthida books and stories free download online pdf in Gujarati

અમે રે પંથીડા

                          ( કાવ્ય )
      
              ' ' અમે રે પંથીડા આતમ દેશના
               આવી ચડ્યા અવનિને પાળ ,
              
 અમે રે પંથીડા આતમ દેશના
                જશું જેમજ ભડકાની રાળ ,
              
 અમે રે પંથીડા આતમ દેશના
               ઝાંખી જ્યોતુંના અમે જીવડા
                ઊડુ ઊડુ થાય સાંજ સવાર
               ખરિ પડશું ઘડી પલની વાર
              
 અમે રે પંથીડા આતમ દેશના
               અમારી વાટ્યુમાં વાવંટોળિયા
                 તનડુંતો થઈ જશે રાખ ,
                 અમને ના થડકો કે થાક ,
               અમે રે પંથીડા આતમ દેશના
                આતો  મેળો રે થાવાકાંળનો , 
               થયો એવો થાસે બીજી વાર
               એનો ન મળે કોલ કે કરાર
               અમે રે પંથીડા આતમ દેશના
                છેલ્લા  છેલેરા રામરામ છે
               બોલ્યું ચાલ્યું કરજો ઈ માફ
               અમારું તો મન સાચું સાફ
              અમે રે પંથીડા આતમ દેશના    ' '

                                  - કવિ દેશળજી પરમાર    
                                            ( 1894 )
 
             
    
                         ( આસ્વાદ )      
        
                                  ઈ.સ ૧૮૯૪માં સોરઠના સરદાર ગઢમાં કવિનો જન્મ થયો  હતો . કવિ ગોંડલ તાલુકાના ગણોદ ગામના વતની હતા . તેમણે પ્રાથમિક શિક્ષણ લોધિકામાં લીધું તેઓ અમદાવાદના વનિકા વિશ્રામમાં શિક્ષક તરીકે કામગીરી કરી અને ગોંડલમાં રેવન્યુ ખાતામાં ફરજ બજાવી હતી. તેમના કાવ્ય સંગ્રહની વાત કરીએ તો " ગોરીના ગીતો " , " ગલગોટા " ,  " ટહૌકા " અને " ઉતરાયણ " જેવા સંગ્રહોમાં બાળકાવ્યો , સોનેટ અને મુક્તકો ગ્રંથસ્થ થયા છે કવિ ' વિસમી સદી ' સામયિક સાથે જોડાયેલા હતા તો ' કુમાર ' સામયિકમાં પણ કાર્યરત રહીને તેમણે બીજા અન્ય સામયિકોમાં લેખનકાર્ય કર્યું છે લેખકની કલમ અનેક જગ્યાએ ખીલેલી છે .
          
             ' અમે રે પંથીડા  આતમ દેશના
                 આવી ચડ્યા અવનિને પાળ ,
              
 અમે રે પંથીડા આતમ દેશના
                જશું જેમજ ભડકાની રાળ .. '


                    કાવ્યની પ્રથમ પંક્તિ દ્વારા જ કવિ જીવનને સાંકળીને વાત કરતા હોય એવું પ્રતીત થાય છે કવિ એવા જગતની વાત કરે છે જે સામાન્ય આપણે જોઈએ છીએ એવા જગતથી થોડું જુદું છે અથવા પોતાની વિચાર પદ્ધતિ દ્વારા તેને જુદું આલેખ્યું છે કવિ આ જગતમહિના પ્રવાસની વાત કરે છે  જ્યા આપણે બધા આવ્યા છીએ એ પણ કોઈ પ્રયોજન વગર અને આપણે આજ રીતે આ જીવન પ્રવાસ કરી અને પાછા જતા પણ રહીશું . જેમ ભડકાની ઉપર તેની વરાળ નીકળે છે અને તરત અદ્રશ્ય થાય છે આમ આપણું જીવન પણ એક પળમાં અદ્રશ્ય થઈ જશે . આપણે આપણા ભ્રાંતિક વ્યવહારો કે મેળવેલ ધન પણ આપણો સાથ નહીં આપે કેમ કે આ બધું થોડા સમય માટે સીમિત છે . કવિ તેની નિરર્થકતા જણાવે છે છતાં તે ઉપયોગી છે જીવન વ્યવહાર માટે એ પણ સમજાવે છે .

              ' ઝાંખી જ્યોતુના અમે જીવડા
                ઉડુ ઉડુ થાય સાંજ સવાર                                   ખરિ પડશું ઘડી પલની વાર
               અમે રે પંથીડા આતમ દેશના ... '

                                 આ પંક્તિમાં કવિએ એક નિશ્ચિત જીવને મધ્યમાં રાખીને માનવીના જગત પ્રવાસને આલેખ્યો છે . જ્યારે અંધકાર હોય ત્યારે એક જીવડો હવામાં ઉડ્યા કરે છે અને ઝાંખો પ્રકાશ પણ પાથરે છે પરંતુ આ જીવડાનું અસ્તિત્વ માત્ર સાંજના અંધકારથી માંડી અને સવારના પ્રકાશ વચ્ચેના સમયગાળાનું છે ત્યાર બાદ રાત્રીના આછું અજવાસ ફેલાવનાર જીવડાના પગ ધરતી પર મંડાય છે એટલે કે મૃત્યુ પામે છે આ એક જીવની વાત કરીને કવિએ માનવદેહ ધારણ કરીને આવેલા પથીકને દર્શાવવાનો પ્રયત્ન કર્યો હોય એવું લાગે છે.
                     આપણે જે ધરા પર આવ્યા છીએ ત્યાં આપણા કાર્યક્ષેત્રમાં આપણે આપણી આવડત દ્વારા આછો અજવાસ પાથરીને છીએ પરંતુ આ ક્ષણિક છે કેમકે આપણું અસ્તિત્વ ક્યારે ખલાસ થઈ જાય એ આપણે નથી જાણતા .

            ' અમારી વાટ્યુંમાં વાવંટોળિયા 
                તનડું તો થઈ જશે રાખ,
               અમને ના થડકો કે થાક ,
               અમે રે પંથીડા આતમ દેશના ... '

                                  આપણા શરીર દ્વારા આપણે કેટલી પણ અપેક્ષાઓ સેવીએ અને તે પ્રવૃત્ત બનીએ પરંતુ આખરે તો એ રાખ જ થશે . કવિ માનવ જીવનના અહંકારને સહજ રીતે પીગડાવવાનો પ્રયત્ન કરે છે આપણા જીવનમાં કેટલાય એવા કાર્યોનું આપણે અભિમાન કરતા હોઈએ પરંતુ આખરે તો આ તનડું રાખ જ થવાનું છે અને એ પરમ સત્ય છે . આ સત્યથી બધા પરિચિત છે આમ છતાં કોઈને પણ ડર કે થાક નથી બધા આ પ્રવાસમાં પ્રવૃત્ત છે આપણા સંબંધો અને લાગણીઓ આપણને જીવન સાથે જોડી રાખે છે જ્યાં મારા માટે કે મારા પરિવાર માટે હું સતત દોડતો રહું છું અને આ રીતે જ મારા આયુષ્યનો સમય સમાપ્ત થઇ જાય છે જેની ખબર સુધા નથી પડતી  હું કોઈ પણ થાક વગર અવિરત દોડ્યાજ રાખું છું .

               ' આતો મેળો રે થાવાકાળનો 
                 થયો એવો થાસે બીજી વાર
               એનો ન મળે કોલ કે કરાર
               અમે રે પંથીડા આતમ દેશના ... '

                              આ જીવન મેળામાં આપણે આવ્યા અને તે પૂર્ણ પણ થાશે પરંતુ એ પણ નિશ્ચિત છે કે આવો મેળો પાછો પણ ભરાશે જ્યા ફરીથી આપણી સમક્ષ માનવ મહેરામણ હશે આ ક્યારે શરૂ થાય અને ક્યારે ખતમ અને વળી પાછો શરૂ. આના કોઈ નિશ્ચિત કોલ કે કરાર નથી પરંતુ થશે એ નિશ્ચિત છે આ જગત એક ઘર છે જ્યાં આવવાનું પણ આપણા હાથમાં નથી અને જવાનું પણ. આમ છતાં પથિક નિરાશ નથી પણ જેટલો સમય છે તે ઉલ્લાસ અને ઉમંગથી વીતાવે છે પાછું આ પ્રવાસે આવવા મળશે કે નહીં તેનો પણ કોઈ પુરાવો નથી છતાં વિશ્વાસના આધારે તે જીવન જીવે છે. આપણા સમાજમાં પુનર્જન્મની માન્યતા છે અને આ માન્યતા કે વિશ્વાસ આપણને સારા કર્મો કરવા પ્રેરે છે.

           ' છેલ્લા છેલેરા રામ રામ છે 
             બોલ્યું ચાલ્યું કરજો ઈ માફ
             અમારું તો મન સાચું સાફ
            અમે રે પંથીડા આતમ દેશના ... '
    
                              જીવન પ્રવાસના છેલ્લા સમયની વાત કવિ છેલ્લી પંક્તિમાં તીવ્ર પણે દર્શાવે છે જ્યાં બધાને ભાવ, પ્રેમથી મળી અને પથિક બધાને રામ રામ કહે છે અને આ જીવન પ્રવાસ દરમ્યાન જો કોઈ સામે ખોટું બોલાયું હોય તો તેની માફી માંગે છે કારણ કે ખોટું કાર્ય શરીર દ્વારા થાય પરંતુ મન તો સાફ છે અને સાચું છે અને આખરે માફી માંગવી તે એનો પુરાવો છે. છેલ્લી પંક્તિની રજુવાત દ્વારા જીવન પ્રવાસ પૂર્ણ કરતી વખતે પોતાનું મન હળવું કરીને પથિક આગળ વધે છે અને એક નવી દુનિયામાં પ્રયાણ કરે છે જે દુનિયા કોઈએ જોઈ નથી આમ છતાં પણ એની કલ્પના છે. અને પોતાનું સાફ મન લઈ તે આગળની યાત્રા કરે છે અને બધાને છેલ્લા રામરામ કહે છે કારણ કે હવે આ લોકો પાછા ક્યારે પણ મળશે નહીં .

               આમ , આ કાવ્યમાં કવિ દેશળજી જીવનના પ્રવાસને આબેહૂબ દર્શાવે છે અને તેનો પ્રકૃતિના પદાર્થો સાથે એવો તાદાત્મય સાધે છે કે તે કાવ્ય રોચક અને નિખાલસ બની જાય છે આથી આ શબ્દો ફક્ત કાવ્ય  ન રહેતા જીવનના સુખ - દુઃખ , યશ - અપયશ સાથે પડકાર આપતો ઉપદેશ બને છે જે સહજ અને નિખાલસ છે

                       કાવ્ય - કવિ દેશળજી પરમાર    
                
                      આસ્વાદ -  આહિર દિનેશ
                                    9638887475
          dineshkhungla2097@gmail.com