Varghodo books and stories free download online pdf in Gujarati

વરઘોડો

વરઘોડો

સુરેખાદીદીના રૂમમાં આવતા વેંત નન્દા બોલી :
'દીદી ,સનીને માથે લૂણ તો ઉતારવાની , ગોરા ટામેટા જેવા દીકરાને નજર ના લાગે! વરઘોડામાં ખૂલ્લી મોટી ગાડીમાં હારતોરા ને ફેટા બાંધેલા વરને એ બેની માથે લૂણ ફેરવે.. વર કેવો શોભે ને વરની બહેનનો અભરખો પૂરો થાય ,આ હું ભાઈ વગરની બહેન છું મનમાં કેટલું ઓછું આવે !બીજી બહેનોને વરઘોડા ટાણે લૂણ ઉતારતી હરખાતી જોઈ મૂઓ મારો જીવ બળી જાય પણ મારી ટીનું ...' નન્દાના નામની બૂમ સનીના રૂમમાંથી આવી, તે ભાગી. આખા ઘરમાં ધૂધરા રણકતા હતા.
વીસ વર્ષની શામળી , શરમાતી,ચપળ ,ખિસકોલી જેમ દોડતી આવેલી નન્દા આજે પચાસની થવા આવી તોય તાણીને બાંધેલી ગુલાબી સાડી અને બઁગડી રણકાવતી આખા ઘરમાં ઘૂમી વળતી. સનીના લગ્નની તૈયારીમાં ઘરમાં સૌથી વધારે હરખ નન્દાને છે। મહામૂલા અવસરનો બધો ભાર ફૂલની જેમ ઉપાડી દોડાદોડ કરતી હતી.

બહારના દરવાજે ડોર બેલ વાગતો હતો,લેન્ડ લાઈનના ફોનની રીગ ક્યારની વાગ્યા કરે છે,મોબાઈલ ફોન સનીના કાન પાસે છે.આજે વરધોડો નીકળવાનો હોય તેવો માહૌલ થયો છે.વરની મા સુરેખા બારણું ખોલવા હજી તૈયાર નથી.તેઓ બોલ્યા:
'હરખપદૂડી નનદુડી કેટલા દિવસ પહેલાંની દોટો કાઢે છે.'

બેગમાંથી કપડાં કાઢતા સુરેખાએ હરખમાં ભાગતી નન્દાને પૂછ્યું 'સનીની બહેનની વાત કરે છે? ટીનું ?

સુરેખાને હસવું આવ્યું : ' નાનપણમાં સની ટીનું સાથે રમેલો તેથી બહેન ...'
સુરેખાની શારલોટથી દિલ્હી થઈ આવતી ફ્લાઇટ અમદાવાદ ચાર કલાક મોડી આવી હતી.આખી રાત એણે એક મટકું ય માર્યું નહોતું.ત્યાં વહેલી સવારમાં નન્દાએ કામની ધમાલ શરૂ કરી દીધી.

નન્દાને આ ઘરની શું કહેવી?તેનો વિચાર સુરેખાને આ પળે વીજળીની જેમ ચમકી ગયો. સનીના જન્મ પછી સિસેક્સનને કારણે સુરેખાને સનીને ઊંચકવામાં ,દૂધ પીવડાવવામાં તકલીફ પડતી ત્યારે નન્દા મહિનાની ટીનુને રડતી મૂકી ચપ દઈ સનીને છાતીએ વળગાડી દેતી ને સની છાનો રહી જતો. આજે ય સનીને જોઈ ધેલી થઈ ગઇ છે.
નનદુડી ઘરના કામમાં જરા ય પાછી પડે નહિ કેવી ચાર પગે દોડે છે!
ચાર બેડરૂમ ,મોટો સીટીંગ હોલ,આઠ ખુરશીઓ અને માર્બલના ગોળાકાર ડીઈનિંગ ટેબલથી શોભતો જમવાનો રૂમ,ઉપરના માળે ઓપનટેરેસમાં બનાવેલો પાર્ટી હોલ અને જમણી બાજુના ખૂણામાં લલચાવતો બાર આ બધાને ચક્ચકિત રાખવાની જવાબદારી આજની ઘડીએ પણ નન્દાની. એને કામવાળી આ ઘરમાં કોઈ ગણતું નથી,ઘરની, રસોઈની જવાબદારી અને મહેમાનોની સગવડ સાચવવાનું કામ નન્દા હસતી હસતી કેમ ઉપાડતી હશે? તેનો વિચાર આજ સુધી ઘરના માલિક સુરેશભાઈને આવ્યો નહોતો.
હિપનું ફેક્ચર થયા પછી પંદર દિવસથી તેઓ એમના બેડરૂમમાંથી બહાર આવ્યા નથી.નન્દાએ અને એના વર નટુએ તેને રૂમમાં બધી સગવડ આપી સાચવી લીધો હતો.
ઘરની માલિકણ સુરેખાદીદી અને સની -આ ઘરનો એકમાત્ર પ્રિન્સ - પરદેશ રહેતા એટલે નન્દા માટે મહેમાન કહેવાય ને સુરેશભાઈ પણ બંગલે બેચાર મહિને આવે એ ય મહેમાન.

મહિનાથી બંગલાની રોનક બદલાવા લાગી છે.સની અને એની ગર્લફ્રેન્ડ રોશની લગ્ન માટે અમદાવાદના બંગલે રોકાવાના હતાં.નન્દા સનીના લગ્નના અવસરની તૈયારીમાં ચાર પગે દોડતી હતી.સાસરે વળાવેલી પોતાની દીકરી ટીનુને અને જમાઈને ઘણાં દિવસ પહેલાં બોલાવી લીધાં હતાં ,'હાસ્તો ,બેની વગરનો વરઘોડો ના શોભે!'
બહારની ખરીદી ભલે દીદી કરે.સી.જે.રોડની શૉપમાં જઈ સની એના સૂટ તૈયાર કરાવે ને રોશની બધાંની જોડે જઈ પોતાને ગમતું લઈ લે.સની -રોશની તેમની મસ્તીમાં ઘડીક બંગલે તો રાત્રે હોટેલના રુમમાં છૂ.
પણ અવસરમાં કેટલીય ઝીણી વસ્તુઓની જરૂર પડે તે બધાં પર નન્દાની ચાંપતી નજર.અમદાવાદની રાયપુર અને રતનપોળની ખરી ભોમિયણ તો નન્દા.તાજા મસાલા,પાપડ,વડીઓ અથાણાં ને સનીને ભાવતી બટાકા સાબુદાણાની સેવ લાવવાનું કામ નન્દાનું.એ ત્રીજાને ભરોસે બેસે નહિ ,ઘરનો અવસર પલાંઠી વાળીને બેસવાનું કેવું?

સનીની અમદાવાદ જઈ લગ્નોત્સવ ઊજવવાની વાત સુરેખાએ પહેલાં તો ઘસીને ના જ પાડી હતી.

'તારું અને આપણું બધું સગાવ્હાલાનું ,મિત્રોનું સર્કલ અમેરિકામાં છે,અમદાવાદ જઈને શું કરીશું?શારલોટમાં જ લગ્ન ગોઠવીએ તો મને સુગમ પડે.તારા પાપા ઈન્ડિયાથી લગ્નપ્રંસગે અહીં આવી જશે.'

'મોમ અમદાવાદને બંગલે નન્દા છે ને! હું અને રોશની ત્યાં ફરીશું ને તૈયાર થાળીએ જમીશું.ઊતરતી ,ગરમ રોટલી કોણ વધુ ખાય તેની શરત લગાવી નન્દાને હેરાન કરીશું.મોમ ગરમ રોટલીમાં ગોળની ગાંગડી ભરી પીલ્લું વાળી ખાવાની મઝા કરીશું.'

સુરેખા: ' હજી તું નન્દાને નાનો હતો એમ જ પજવવાનો છું ?'

સની:'મારે રોશનીને મારા બાળપણના તોફાનો બતાવવા છે ,નન્દાની છોકરી ટીનુંને કેવું પજવતો ,કેવી દોડાદોડી ભીના શરીરે કરતો ,નન્દા,નટુ ને ટીનું મને પકડવા આખા બંગલામાં ચકરડીઓ લેતાં,બન્દો પકડાય તે બીજો .'

સની એકાએક ઉદાસ થઈ બોલ્યો :'તે દિવસે તમારાં મહેમાન આવેલાં તેમાં તમે અમને બધાંને વઢીને અંદરના રૂમમાં મોકલી દીધાં અને નન્દાને ઓર્ડર કરી રસોઈ બનાવવા કહ્યું,રસોઈ બનાવતા નન્દાએ મને ખભે ઉંચકી રાખ્યો હતો.હું ડરી જઈને ડૂસકાં ભરતો હતો.તમે રસોડામાં આવી નન્દા પાસેથી ખેંચાખેંચ કરી માની ગોદમાંથી મને ઉપાડી લીધો.
પ્લાસ્ટિકના રમકડાંની જેમ મને તૈયાર કરી તમારાં મહેમાનોની પાસે બેસાડ્યો પણ મારા રોવાથી કંટાળી
ટીનુંની જોડે રમવા મોકલી દીધો,'હાશ,મારી જાન છૂટી હતી.'

સનીની વાત પૂરી થઈ નહિ ,પાપાનો ફોન હતો,

'સની બેટા,મારે તો બેડમાં સૂઈ રહેવું પડે તેવી સ્થિતિ થઈ ગઈ.હિપનું હાડકું તૂટી ગયું ને તાત્ત્કાલિક સર્જરી કરાવવી પડી.સોરી, કોઈપણ રીતે મારાથી અમેરિકા મુસાફરી નહિ થાય.'

સનીએ એક મિનિટનો પણ વિચાર કર્યો નહિ,સોફામાં બેઠેલી મમ્મીની આંખોમાં જોઈ સંમતિ માંગી બોલ્યો:

'પાપા,તમે ટેઈક કેર કરજો.હું બધાંને લઈ અમદાવાદ વહેલો આવી જઈશ.લગ્નનું ગોઠવાઈ જશે,ઘરમાં નન્દા છે,પછી શું ફિકર?'

પાપા ઉત્સાહમાં બોલ્યા:'અહીં બધું ફોનથી થઈ જશે.'

સુરેખાને લગ્નપ્રસંગે આવી પડેલી ઉપાધિ ગમી નહિ .અમેરિકામાં દીકરાના લગ્ન ગોઠવાય તો એના સગાઓ,મિત્રોને પ્ર સંગમાં બોલાવાય પણ હવે ?
સની મમ્મીનું ઉદાસ મોં જોઈ બોલ્યો : 'મોમ, ઈટ વિલ બી ઓલરાઇટ '.
સુરેખા :'તને ગમતું થઈ ગયું સની ' બોલી ખરી પણ સુરેશને કેટલું વાગ્યું હશે તેની ચિંતામાં પડી.સારાનરસા અવસરે તે તાત્કાલિક ટિકિટ બુક કરાવી અમદાવાદ ઉપડી જતી.ત્રિશઁકુ જેવી બે ય બાજુ લટકી રહેતી.
સનીના લગ્નટાણે સુરેશને બેડમાં આરામ કરવાનો,એને ઉઠવા ,બેસવા ,સ્પન્જ કરવામાં ,ટોયલેટ જવામાં માણસની જરૂર.સુરેખાનો જીવ સુરેશની લગોલગ પહોંચી ગયો.

બે દિવસથી બંગલે ઝગમઘાટ લાઈટો ઝબક્યા કરે છે,માંડવો આસોપાલવ અને ફૂલના શણગારથી ઝૂલે છે. પણ ફટાકડાની ધમાલ અને માઇકનો શોર નહિ જે નન્દાને જરાય ગમ્યું નહિ.છેવટે સુરેશભાઈને આગલી રાત્રે શુકનના ફટાકડા ફોડવા દેવા નન્દાએ મનાવી લીધા.
ફટાકડા ફૂટતા રહ્યા નન્દુનો ચહેરો ફૂલકણીઓના તેજથી ચમકતો હતો,સાવ ધેલી, ઘરના પ્રસંગમાં એની ઉંધ ઉડી ગઈ હતી,રાત્રે મોડાસુધી સવારના વરઘોડાની તૈયારી કરતી રહી. એણે એના મા -બાપને અને બહેનને પણ રાજસ્થાનથી બોલાવ્યાં હતાં .તે સુરેખાદીદીને કહેતી હતી:
'તમે ભાઈનું ધ્યાન રાખજો,પ્રસંગનું કામકાજ અમે ઉપાડી લઈશું.'

સુરેખા અને સુરેશ જાણે દીકરાના અવસરની નદીને કિનારે છેટાં ઊભાં હતાં, સૂકી રેતીમાં સાવ કોરાધાકડ,સુરેશથી એક ડગલું ચલાતું નથી,સુરેખા સિલ્કની બોર્ડરવાળી સાડી અને હીરાના કંકણ,મંગળસૂત્ર ને બુટ્ટી પહેરી વરઘોડામાં જોડાવાની ઈચ્છા કરતી અંતરિયાળ અવસ્થામાં સુરેશનો હાથ ઝાલી ઉભી રહી ગઈ.
વરઘોડો સનીનો વરઘોડો નીકળ્યો હતો તેમાં નન્દુ ,ટીનું નટુ અને એનો કુટુંબકબીલો જોડાયો હતો.
સ્નેહીઓ અને મિત્રોની ભીડભાડ,અત્તરના છાંટણા વચ્ચે વરઘોડાના બેન્ડ વાજાં ગાજ્યા,ખૂલ્લી મર્સીડીઝમાં વરને શિરે ટીનું લૂણના ધૂધરા વગાડતી હતી ,ચક્ચકિત લાલ સાડીમાં ઘરેણાંથી શોભતી શામળી ,ઝડપથી પગલાં ઉપાડતી નન્દા વરની મા હોય તેમ મહાલતી હતી.

તરૂલતા મહેતા