Hu, Garibi ane mari patni books and stories free download online pdf in Gujarati

હું , ગરીબી અને મારી પત્ની !

હું , ગરીબી અને મારી પત્ની !

( વાર્તા )

@ વિકી ત્રિવેદી

કોણે કહ્યું કે હમરાહી હાથ ચુમ્યા કરે ?
આ ઘર છે અહીં થોડી ઝંઝાળ પણ હોય !

પ્રેમ કઈ મીઠા શબ્દો પૂરતો સિમિત નથી ,
એમાં ક્યારેક ક્યારેક બે ગાળ પણ હોય !

ઠંડો વાયરો છે ઇશ્ક આમ તો ઉપેક્ષિત ,
છતાં એમાં થોડી ઘણી વરાળ પણ હોય !

વરસે છે મહોબત એની રીતે એના સમયે ,
કિન્તુ કોઈ વર્ષે એમાં દુકાળ પણ હોય !

જીવન એનું જ તો નામ છે દોસ્તો જેમાં,
સુખનો તો ક્યારેક દુઃખનો કાળ પણ હોય !

- ઉપેક્ષિત

"પણ શું કર્યું તમે એ કહો ને ?"

રાધા પોતા કરતી કરતી ઉભી થઇ ગઇ. સાડીનો છેડો કેડમાં ખોસીને જાણે આજે તો મારા ઉપર તૂટી પડવાની હોય એમ ધસી આવી. ઘડીભર તો હું હેબતાઈ ગયો. આજે આ મારા ઉપર હાથ ઉપાડીને મારી આબરૂ લેશે કે શું ? વીનું તારી આબરૂ આજે જવાની લાગે છે. એક જ સેકન્ડના ત્રીજા ભાગમાં વીજળીના તારમાં વહેતા વિદ્યુત પ્રવાહ જેમ વિચારો સપાટાભેર મગજના કોષને અંદેશો દેવા લાગ્યા....!

"આ બેડ જોયો છે ?" એકાએક રાધા બેડના પાયા પાસે અટકી, મને હાશ થઈ નાહકનો હું બે ડગલાં પાછો ખસ્યો, " આ જુવો એક પાયો તૂટી ગયો છે નીચે બે ઈંટો ગોઠવી છે. આ તમારી કમાણી ? ને એમાંય આ બેડ તો મારા બાપના ઘરથી લાવી હતી." મેલા પાણીવાળા હાથે એણીએ લટ સંકોરીને કાન પાછળ સેરવી.

"એટલે તું એમ કહે છે કે હું કમાતો નથી રાધા ?" મને ગરીબ હોવાનું કે કીધાનું દુઃખ નહોતું પણ મારા બાપના ઘરેથી લાવી હતી એ શબ્દ ખટક્યા, "તું એમ કહેવા માંગે છે કે હું તારા બાપની દયા ઉપર જીવું છું."

"મારા મોઢામાં આંગળા નાખીને બોલાવવું છે તમારે વીનું ?" એકાએક ફરી એ તાડુકી પણ હવે હું જરાય મૂડમાં ન હતો. એણીએ એક પુરુષ તરીકે મારુ ભયાનક અપમાન કર્યું હતું. મહેનત કરવા છતાં જો એનું ફળ ન મળે તો એમાં મારો શુ દોષ ? હું કઈ ઘરે તો નથી બેઠો ને ? મારા એકએક માજ્જાતંતુઓ ઉપર રોષ અને લાચારી તેમજ નફરત સવાર થઈ ગઈ હતી.

"રાધા મને એમ હતું કે તું મને પ્રેમ કરતી હોઈશ એટલે મેં લગન કર્યા નહિતર મને ખબર જ હતી કે હું ગરીબીમાં તને ખુશ નહિ રાખી શકું. આવી ત્યારે છ મહિના તો તને કોઈ તકલીફ નહોતી પણ પછી છેલ્લા દોઢ વર્ષથી તો જે મોઢામાં આવે એ તું બોલી છે. ક્યારેક તમે ક્યારે ઘર લેશો ? ક્યારેક તમે કરો છો શુ ? બીજાને જોયા છે કેવા અસલ રૂપાળા કમાય છે ? ક્યારેક છોકરાઓ થશે ત્યારે શું ? ક્યારેક આજુબાજુ કોઈના ઘરે જોઈ આવો કેવા ફર્નિચર નવા ઘર છે. પેલી મિનાના વરે મોટું ટીવી લાવ્યું તે દિવસે તો તે કેવી રાડા રાડા કરી હતી....."

"રાધા એક વર્ષથી તો તું કેવી બદલાઈ ગઈ છો ? ક્યાં ગયો તારો પ્રેમ ? આપણે લગન પહેલા કેવા ગળે મળતા જ્યારે મળતા ત્યારે ને હવે લગન પછી તો ઊલટું જ થયું છે. તું જાણે એ રાધા હોય જ નહીં એમ કદી તારી પાસે બેસીને તારી લટ સાથે રમવાનો મારો જીવ નથી થતો."

"પ્રેમ પ્રેમની જગ્યાએ હોય મારા પતિ દેવ ને પૈસો પૈસાનું કામ કરે સમજ્યા..... એ કાચા કુંવારા હતા ત્યારે મારી સોડમાં શોભતા હવે કઈ આખો દિવસ એ ન શોભે આમેય.... માણસે બે પાંદડે પણ થવું પડે. આ મારા બાપુજી ને જોયા ? પરણયા ત્યારે કાચું મકાન હતું પછી પાંચ વર્ષમાં બંગલો બનાવ્યો કે નહીં ? પણ તમારી તો ત્રેવડ જ નથી તે શું થાય !"

"બસ રાધા......" હું ત્રાડ પાડી ઉઠ્યો, "આજ સુધી તને એકેય અપશબ્દ નથી બોલ્યો, દોઢ વર્ષથી તને વેઠું છું, તારી આગળ નમતું મુકું છું એટલે તું તો જાણે હું બાયલો હોઉં ને આખી દુનિયાના બાકીના પુરુષ કમાતા ધમાતા હોય અસલ મર્દ હોય એમ બોલે છે ? આજે તે કઈ બાકી નથી રાખ્યું મારા અપમાનમાં. તું આજથી મારી પત્ની નહિ ને હું તારો પતિ નહિ. તારા મારા ઋણાનુબંધ પુરા.... જા કોઈ કમાતો હોય એવો પુરુષ શોધીને ખોળામાં બેસી જજે....." કહીને ચાર પાંચ ગંદી ગાળો દઈને હું બહાર નીકળી ગયો. દરવાજો પછાડ્યો. ઉધઈ ખાધેલા દરવાજામાંથી પોપડા ઉખડયા.

આ તે કઈ બૈરું છે સાલું ? પૈસા પૈસા ને પૈસા જ બસ ? હું શું મહેનત નહિ કરતો હોઉં ? મારે શું કોઈ ઈચ્છાઓ નહિ હોય ? મારે શું એને નીચે ઊંઘડાવી હશે ? તૂટેલા બેડ ઉપર બે જણા સુઈ શકે એમ નથી એ શું મને ખબર નહિ હોય ? પણ ન થાય મહેનતનું ફળ ન મળે તો માણસને હૈયાધારણ આપવાને બદલે સવાર પડ્યે આમ કકળાટ કરે કોઈ ? આજુબાજુમાં કે સાસરિયે તો મારું વેલ્યુ જ શુ રહ્યું છે ?

આવી જિંદગી મારે ન જોઈએ. મારુ મગજ ફાટફાટ થતું હતું. ચાલતો ચાલતો ક્યારે રેલવે ટ્રેક પાસે ગયો એ પણ યાદ ન રહ્યું. વિચારોમાં સુસુપ્ત મન જાણે મારી આખરી ઈચ્છા આત્મહત્યા કરવાનો નિર્ણય જાણી ગયું હોય એમ મારા પગને ટ્રેક પાસે લઈ ગયું.

ગાડીનું હોર્ન વાગ્યું. દૂર ફાટક વાળે ગાડીઓ રોકી અને ફાટક આડું પાડયું. બસ ટ્રેન આવે છે એટલે મારે કૂદી પડવું છે. એક જ કૂદકો અને આખું જીવન પાર. બાકી આ જીવન હવે આમ જ જવાનુ. એક જ આશા હતી રાધા ઉપર એ ય નઠારી નીકળી. મારી આંખમાં આંસુ આવી ગયા હતા. આખી દુનિયાએ ઠોકર મારી હતી મને. નાની ઉંમરે મારા મા બાપ ગુજરી ગયેલા કાકા મામા બધા કેવા સગા હોય ? સુખના સગા હોય બધા. એમાં રાધા મળી ત્યારે જાણે રણમાં ગુલાબ ખીલ્યું હોય એવું લાગ્યું હતું. પણ રણમાં આખરે થોર જ ખીલે. થોર જેવી જ નીકળી એ પણ. રોજ સવારે ઉઠતા એનો કકળાટ ચાલુ ! એના શબ્દો કંટકની માફક ચૂભતા છતાં સહન કરી લેતો પણ હવે હદ થાય છે. સ્વમાની માણસથી આટલા શબ્દો આટલા મહિનાઓથી સહન કરવા એ અશક્ય છે. સ્વમાની છું એટલે જ તો ગરીબ રહ્યો ને નહિતર હોત ગરીબ ?

હોર્નનો અવાજ નજીક આવ્યો. આંસુવાળી આંખે મને કાળી માલગાડી જાણે મને લેવા આવેલી યમરાજની ઘોડા ગાડી લાગી. આંખો બંધ કરીને મેં ગાડી નીચે ઝંપલાવી દીધું.

***

"હાય રે મારો પતિ........." રાધાએ પોક મૂકી.

ત્રણ પાયાવાળી ખુરશીમાં મારો ફોટો હતો. એના ઉપર ફૂલ હાર હવામાં હાલતો હતો. મારા ફોટામાં હું હસતો હતો. ફોટામાં મારી નાક આગળ અગરબત્તી જળતી હતી.

ખુરશી આગળ ગૌ મૂત્ર છાંટીને મારી બોડી સુવાડેલી હતી. મારા ઉપર સફેદ કપડું ઓઢાડેલું હતું. અને રાધા ભયાનક દર્દથી ચિત્કાર કરતી હતી.

" એ મોનજીયો..........." રાધાએ ફરી પોક મૂકી. મારા સગા તો કોઈ હતા નહિ રડવા માટે. એ એકલી જ રડતી હતી.

"મારુ ઘર બરબાદ થઈ ગયું રે........" કહીને રાધાએ જમીન ઉપર બંને હાથ પછાડયા અને બંગડીઓ તૂટી. એક બે બંગડીના કાચ એના કોમળ કાંડામાં ઘુસ્યા. લોહીની ટીસીઓ ફૂટી.

"હું લૂંટાઈ ગઈ રે........" તેની આંખોમાંથી પાણી પડતું હતું. સમાજના વડીલો સામે એ લાજ કાઢીને રડતી હતી પણ છતાં મને એ અનુભવાતું હતું. એના મોઢામાં લાળ હતી આંખમાં આંસુ અને એના શબ્દો પણ અસ્પષ્ટ હતા.

એકાએક જ મને ખ્યાલ આવ્યો કે હું તો મરી ગયો છું તો પછી આ બધું મને કેમ દેખાય છે ? મેં આસપાસ નજર કરી. મારી બાજુમાં બે ચાર મારા મિત્રો ઉદાસ ચહેરે ઉભા હતા.

"એ ભરતીયા....." મેં એકને બુમ પાડી પણ ભરતે કઈ સાંભળ્યું નહિ.

"અરે એ સમીર......" મેં સમીરને ખભો પડકી હલાવ્યો પણ એ હલ્યા નહિ. એણે મારા સામે પણ ન જોયું. બાજુમાં દીવાલ હતી એના ઉપર લાત મારીને મેં ત્રાડ પાડી પણ હું દીવાલ આરપાર નીકળી ગયો.

હે ? તો શું એ વાત સાચી હશે ? શુ મર્યા પછી મારી આત્મા બાર દિવસ અહીં રહેશે ? હું દીવાલ આરપાર પાછો આવ્યો. રાધા વધુને વધુ રડતી હતી. એના પપ્પા કરસન આવ્યા અને એને છાની રાખવા માથે હાથ મુક્યો અને રાધા ઉછળી, "તું મારો બાપ નથી......"

"બેટા જે કિસ્મતમાં હતું એ થયું રડમા મારી દીકરી મારી ચકું......." ફરી મારા સસરાએ એના માથે હાથ મુક્યો.

"પપ્પા તમે જો મને આ બધું કરવા ન કહ્યું હોત તો એ જીવતા હોત. તમે કીધું કે તારા પતિને આખો દિવસ ટોક ટોક કર તો એ પૈસા કમવામાં ધ્યાન આપશે. નહિતર રાધા તમારા છોકરાઓનું શુ થશે ? બસ આમ કહીને તમે મને મનમાં પૈસાનું ભુસુ ભરાવ્યું." એ ડુસકા લેતી લેતી બોલી, "છોકરા તો આવતા હશે ત્યારે આવોત પણ આ ગયા લ્યો......." કહીને ફરી એણીએ પોક મૂકી, "અરે હું બરબાદ થઈ ગઈ..... હું તો એમને ખાલી કમાય ને થોડું ભેગું થાય એ માટે કહેતી હતી ને એમણે મને પારકી ગણી રે........"

એકાએક રાધાએ મારી બોડીની છાતી ઉપર હાથ કુટવા મંડ્યા, " અરે તમે ઉભા થાઓ....... હવે કદી તમને કઈ નહિ બોલું......" બધાએ એને ઘસડીને આઘી કરી ખસી ગયેલું કપડું ફરી બોડી ઉપર ઓઢાડ્યું.

પણ છતાંય મારી છાતી ઉપર જાણે રાધા હજુ હાથ કૂટતી હતી. અને મારી આંખ એકાએક જ ખુલી ગઈ.

સામે સાડીનો છેડો કેડમાં ખોસીને રાધા ઉભી હતી. એની બંગડીઓ તરફ મેં જોયું એ સાજી હતી. એની આંખોમાં જરાય રડી હોય એવું લાગ્યું નહિ.

"ઉઠો હવે ક્યારના ઘોરયા છો ? આ નવ વાગ્યા કોઈ ધંધો કરવો છે કે કાયમ બસ ભાડે જ રહેવાનું છે ? તમારે તો કઈ નહિ હું મળી ગઈ મુરખી હતી તે છેતરાઈને પરણી પણ છોકરાઓને કોણ છોકરી દેશે ?"

એ લવારો કરતી હતી અને મેં એનો હાથ પકડીને એને ખેંચી. એ મારા ઉપર પડી અને મેં એને ચૂમી લીધી.

ત્યાં જ એકાએક બેડ નીચે મુકેલી ઈંટો ખસી અને બેડ નમ્યો. અમે બંને પડ્યા. ધડામ કરતો હું નીચે ને રાધા ઉપર.

"અરે અરે તમને વાગ્યું તો નથી ને ?" ઉભી થઈને એણીએ મને ઉભો કર્યો, "માથામાં કશું નથી થયું ને ?"

ને બસ મેં એને ગળે લગાવી લીધી.....! મનમાં વિચારતો રહ્યો શુ સાચે એક સપનું માણસનું જીવન બદલી શકે ? એનો જવાબ મારી છાતી ઉપર માથું રાખીને દુનિયાની બધી જ વાતો ભૂલીને મને ભેટેલી રાધાના નિર્દોષ ચહેરા ઉપર સ્પષ્ટ દેખાતો હતો.

@ વિકી ત્રિવેદી