Biji Avastha books and stories free download online pdf in Gujarati

બીજી અવસ્થા

બીજી અવસ્થા

એ વખતે મને નોકરીમાં અઢી વર્ષ થયાં હતાં. વિજ્ઞાનનો એક જીવ અલગ ક્ષેત્રમાં આવી ચડ્યો ત્યારથી અહીંની ઉથલ-પાથલોથી પરેશાન થતો હતો. (કહેવાતાં) બુધ્ધીશાળી લોકો એવું માને છે કે ગજકેસરીનો યોગ હોય એને આવી નોકરી મળે. બસ, એવાજ કંઇક ગજકેસરીઓના માહોલમાં કામ કરતાં કરતાં નોકરીની પ્રથમ બદલી થઇ. જુની જગ્યાને અલવિદા કહ્યું અને નવી જગ્યાએ હાજર થયો. સાવ નવાપણાં અને થોડા અતડાપણા વચ્ચે જીંદગીની ગાડી રાબેતા મુજબ ચાલી નિકળી.

નવા વાતાવરણમાં પક્ષીઓનું, કે જીવમાત્રનું, જીવનચક્ર નિહાળવાનો મોકો મળી ગયો. નાના હતાં ત્યારે ચકલી કે અન્ય પક્ષીઓને માળો બનાવતાં અને ઇંડા મુકતાં જોયેલાં પરંતુ એનું સક્રિય અવલોકન કરવાની તક ભાગ્યેજ મળી હતી. અનાયાસે નવી શાખામાં એ તક મળી. ડીસેમ્બરનો સમય હતો. હું જ્યાં બેસતો હતો એની બરાબર સામેના ટેબલની અભેરાઇએ કબુતરે માળો બનાવ્યો. અભેરાઇ પર જુની ફાઇલો બાંધેલા કપડાંના બે જુનાં પોટલાં પડ્યાં હતાં. તેની વચ્ચેજ માળો, સ્વીટ માળો બનાવેલો. તેમાં કબુતરીએ ઇંડા મુક્યાં. હવે દિન-પ્રતિદિન એને સેવવાની પ્રક્રિયાના ભાગરૂપે કબુતરી માળામાંજ રહેવા લાગી. આખો દિવસ કબુતરી માળામાં રહે અને કબૂતર એના માટે ખોરાક લાવે, એને ખવડાવે અને સાચવે. સાંજના સમયે કબુતરીને જરા 'રિફ્રેશ' થવું હોય તો થોડા સમય માટે કબૂતર એનું સ્થાન લેતો. બીજા દિવસે ફરીથી પાછી એજ ઘટમાળ. સમય વીતતો રહ્યો. ઇંડું સેવાતું રહ્યું અને આખરે એક શુભ સવારે માળામાં કંઇક હલચલ નજરે પડી. શાખાના બધા સભ્યો કુતુહલતાંથી એ ઇંડું તુટવાનો અવાજ સાંભળતાં રહ્યાં. આંતરિક બળને સહયોગી બનવા બહારથી કબુતરી પણ બાહ્ય બળ લગાડવાં લાગી. તે પણ ચાંચો મારીને ઇંડું તોડવામાં મદદ કરી રહી હતી. આખરે ઇંડું તુટ્યું અને આ ફાની દુનિયામાં એક નવા જીવનું અવતરણ થયું.

નવુંસવું તાજું જન્મેલું બચ્ચું કોમળ અને વહાલું તો હોય જ છે પરંતુ તે સિવાય તે સદભાગી કે દુર્ભાગી પણ હોય છે. જીવનને લગતાં અનેક રહસ્યો અને તે રહસ્યોને લગતાં અનેક અનુત્તર પ્રશ્નો સહિત નવો જીવ હંમેશા કંઇક નવું લઇને આવતો હોય છે. તમે એને ‘ભાગ્ય’ કહી શકો છો. બચ્ચું જન્મતાંની સાથેજ સારા ભાગ્ય લઇને આવ્યું હોવાનું લાગ્યું. ખુબજ પ્રેમાળ માતા-પિતા મળ્યાં હતાં એને. કબૂતર-કબુતરી બંને એનું ખુબ ધ્યાન રાખતાં. રોજ એના માટે ઘણાં મોટાં જથ્થામાં ખોરાક આવતો. શાકાહાર-માંસાહારના ખ્યાલો તો મનુષ્યનાં બનાવેલાં છે. કુદરતનાં ખોળે તો જેને જે અનુકૂળ આવે એ ખાય છે. એ તાજાં બચ્ચાં માટે કબુતરો તાજા તાજા જીવડાં લાવવાં લાગ્યાં. આમેય દાણાં લાવવા અને એનું પેટમાં વિઘટન થઇ પછી પ્રોટીનમાં રૂપાંતર થવું એ કરતાં તો સીધુંજ પ્રોટીન ખવડાવવું શું ખોટું, એવુ કદાચ કબુતરો વિચારતાં હોય. અહીં કબુતરોની વર્તણૂંક જોતાં મને સાહજિક જ થતું કે શું કબુતરો પણ માણસની જેમ વિચારતાં હશે? કબુતરો પણ પોતાના બાળ બચ્ચાં માટે એટલીજ લાગણી ધરાવતાં હશે? આવો નિ:સ્વાર્થભાવ, પ્રેમ અને લાગણી આવતાં ક્યાંથી હશે? આમ તો કબુતરનું દિલ અને દિમાગ બંને માણસના દિલ અને દિમાગ કરતાં ઘણાં નાનાં હોય છે તો માણસનાં જ હદનો પ્રેમ, હૂંફ અને લાગણી ક્યાંથી આવતાં હશે?

બચ્ચું દિવસે ન વધે એટલું રાત્રે વધવાં લાગ્યું. ખુબજ ઝડપથી બચ્ચું ખાસ્સું મોટું થતું જતું હતું. આમેય સમયને જતાં ક્યાં વાર લાગે છે? જોતજોતામાં બચ્ચાંની પાંખો મોટી થઇ ગઇ અને આખરે એ દિવસ પણ આવી ગયો જેના માટે એ સર્જાયું હતું. ગગન વિહારી બનવાં માટે.. કબુતર-કબુતરી અને બીજાં બે કબુતર, જે બચ્ચાંના કાકા-મામા કે અન્ય સંબંધી હોઇ શકે છે, બચ્ચાંને ઉડતાં શિખવાડવા આવ્યાં. ખુબ પ્રયત્ન કર્યો. બચ્ચાંએ પોતે પણ બહું મહેનત કરી. પણ વ્યર્થ.. કંઇ વાંધો નહીં.. બીજા દિવસે ફરીથી ટ્રેઇનીંગ શરૂ થઇ. આજે પણ બચ્ચાંએ ઉડવા માટે ખુબ મહેનત કરી. આજે પણ એ ન ઉડી શક્યું. આકાશને આંબવું એ કંઇ બચ્ચાંઓના ખેલ છે? ત્રીજા દિવસે ફરીથી એનું એજ.. જોકે બચ્ચું પ્રયત્ન ખુબજ કરતું પણ સફળતા મળતી નહોતી. એક વાત એ બરાબર સમજી ગયું હશે કે આ સ્વાર્થી દુનિયામાં પ્રયત્નની કોઇ કિંમત નથી. માત્ર સફળતાનીજ કિંમત છે. અને કદાચ બીજા દિવસે સફળતાના દ્ર્ઢ નિશ્ચય સાથે એ આજે સુઇ ગયું હોય તોય કોને ખબર!!

મારે માટે આ બચ્ચાંના પ્રયત્નો એ રોજીંદા અવલોકનનો વિષય બની ગયેલો. ઓફીસનાં કામકાજની સાથે સાથે બચ્ચાંના અસ્ખલિત પ્રયત્નો અને એનાં પરના મારા અવલોકનનો નાતો જબરો જોડાયેલો. પછીનાં દિવસે બચ્ચું ખૂબ જોરમાં પાંખો ફફડાવવા લાગ્યું જાણે આજે તો ઉડીનેજ રહેશે એમ લાગ્યું. શાખાના અન્ય સભ્યોને બચ્ચાંની ચિંતા થઇ પરંતુ હું કોઇ ફિલસૂફની અદાથી એમ કહ્યે રાખતો હતો કે એ એનું કર્મ છે અને એ એણે કરવું જ પડશે. ચિંતિત મા-બાપ આખો દિવસ એની બાજુમાં જ બેસી રહ્યાં. બાળકો જીંદગીમાં સારી જગ્યાએ સેટ ના થાય ત્યારે મા-બાપ કંઇક આવુંજ અનુભવતાં હશે એવી કોમેન્ટ પણ આ કબુતરોને જોઇને આવી ગઇ. પાંખોના અતિશય ફફડાટને પણ બે દિવસ થઇ ગયાં. બચ્ચું ઉડવા પ્રયત્ન કરતું પણ ઉડી શકતું નહિ. માત્ર પાંખો ફફડાવતું એજ અભેરાઇ પર બેસી રહેતું અને પાંખો અતિશય અવાજ સાથે દિવાલ પર અથડાતી. હું તો પ્રયત્ન અને સફળતાનું ગણિત ધ્યાને રાખી કઠોર પરિશ્રમની હિમાયત કરતો રહ્યો અને બચ્ચાંની પાંખોનો અતિશય ફફડાટ સંભળાતો રહ્યો.

આટઆટલાં પ્રયત્ન તથા અતિશય પ્રેમાળ મા-બાપનાં માર્ગદર્શન છતાં હજી બચ્ચું ઉડતું ન થયું એટલે શાખાનાં સભ્યોને વહેમ પડ્યો. એટલમાંજ મારી નજર અભેરાઇની પાછળની દિવાલ પર પડી. કોઇનાં લોહીનાં છાંટા ઉડ્યાં હોય એમ ઘેરાં ગુલાબી રંગનાં ટપકાં દેખાયાં. હું હજી કંઇ સમજી ન શક્યો પરંતુ શાખાનાં એક અનુભવી સભ્યને ખ્યાલ આવી ગયો કે કંઇક લોચો છે. એમના કહેવાથી મેં બાજુમાં ટેબલ મુકી અભેરાઇ પર ડોકીયું કર્યું. જોતાંજ હુ દંગ રહી ગયો. બિચારાં હતભાગી બચ્ચાંનો પગ ફાઇલનાં પોટલાનાં છુટાં પડેલા દોરામાં બરાબરનો ભરાયો હતો. અરે, કદાચ બે દિવસથી ભરાયો હશે!! છેલ્લાં બે દિવસનાં ન ઉડી શકવાનાં તરફડીયાં પગ ભરાવાને આભારી હતાં. એટલુંજ નહી, બે દિવસનાં પ્રયત્નોમાં એનો પગ કુદરતી જે દિશામાં વળતો હોય તેનાં કરતાં ઊંધી દિશામાં વળી ગયેલો. વળાંકની જગ્યાએથી હાડકું બહાર આવી ગયેલું અને એમાંથી સખત રક્તસ્ત્રાવ થયેલો. હું સ્તબ્ધ થઇ ગયો. બચ્ચાંના પાંખો ફફડાવવાનાં પ્રયત્નો મરણપથારીનાં પ્રયત્નો હતાં!! જીંદગીનાં છેલ્લાં પ્રયત્નો હતાં!! વળેલા પગમાંથી એક આંગળી તો સાવ છુટી જ પડી ગઇ હતી. જો પ્રેમ અને સાર-સંભાળમાં આ પક્ષીઓ માણસની તોલે આવતાં જ હોય તો એનો દર્દ પણ માણસની તોલે ન આવે? એ બચ્ચાનાં દર્દ વિશે વિચારીને મને કમકમા ઉપજ્યાં. હવે, તાત્કાલીક સારવાર અમારા લેવલેથી આપવાનો કોઇ મતલબ ન હતો. ઘા ઊંડો અને રક્તસ્ત્રાવ વધારે હતાં. એનાં પગમાં ભરાયેલાં દોરા અતિશય ગુંચવાઇ ગયાં હતાં. સૌપ્રથમ તો ચપ્પાંથી એ દોરા એક પછી એક કાપ્યાં. હવે એનો પગ ‘મુક્ત’ થયો છે એમ કહેવા લાયક ‘મુક્તતાં’ એનાં પગમાં રહીજ ન હતી. તેમ છતાં બે દિવસે એ બંધન છુટ્યું ખરૂં. મેં એ કબુતરને અભેરાઇ પરથી હળવેક રહીને નીચે ઉતાર્યું. એનાં માતા-પિતા બિચારાં દુ:ખી મને આ સમગ્ર ઘટના બારી પર બેઠાં બેઠાં જોઇ રહ્યાં હતાં. બચ્ચાંને પ્રીન્ટરની કાર્ટ્રીજના એક નાનાં ખોખામાં મુકી દવાખાને લઇ જવાનું નક્કી થયું. જીવન અને મૃત્યુ બાબતે હજી નાસમજ એવું બચ્ચું ખોખામાં જતાં જતાં પણ તરફડીયા મારતું હતું. હવે કદાચ એને અહીંથી આ દર્દ સાથે જ જવાનું છે એ સમજાઇ ગયું હતું. શરીરનાં અને મનનાં એમ બેવડાં દર્દ સાથે એણે પોતાનાં જનેતા અને જનક સામે નજર નાખી. એ લોકો પણ બિચારાં લાચાર દૃષ્ટીએ એને જોઇ રહ્યાં. બંને પક્ષ કદાચ સમજી ગયાં હતાં કે આ આખરી મુલાકાત હતી. બંને પક્ષ કદાચ એકબીજાના આંસુ જોઇ શકતાં હતાં, બસ એમની લાગણીઓ આ પામર મનુષ્યની નજરથીજ પરે હતી. છેલ્લી વેધક દૃષ્ટી માતા-પિતા તરફ ફેંકી એ નાનકડું પંખી એક નાનાં ખોખામાં પુરાઇ ગયું, હવે ફરીથી એમને આ ભવમાં મળવાનું નહી થાય એની કષ્ટદાયક પીડા સાથે..

એ ખોખા સહિત હું એને પશુ-પક્ષીઓની હોસ્પિટલ લઇ ગયો. ત્યાં એનાં જેવાં બીજા ઘણાં ઘાયલ પક્ષીઓ મોજુદ હતાં. મુંગા પક્ષીઓની સારવાર કરતાં આ ડોક્ટરો તેમજ આવી સંસ્થાઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે. જે બિચારા એમનું દર્દ વ્યક્ત નથી કરી શકતાં એમનો ઇલાજ કરવો એ ખરેખર પુણ્યનું કામ છે. ત્યાં મોજુદ ડોક્ટરે બચ્ચાંને તપાસ્યું. ઇજા ઘણી મોટી હતી. એટલે બચ્ચું બચશે કે નહિ એ એના પર થનારાં એકાદ ઓપરેશન બાદજ ખ્યાલ આવે એમ હતો. ડોક્ટરનાં સુરક્ષિત હાથોમાં એને સોંપી હું પાછો ફર્યો. બચ્ચું છેલ્લે છેલ્લે મારી સામે જોઇ રહ્યું હતું અને જાણે મને કહી રહ્યું હતું કે કોઇને ગમે તેટલાં સાચવો પણ વિધાતાના લેખ ફરતાં નથી, અને હા, હવેથી બીજાં કોઇ બચ્ચાંને ઉતાવળે જ એમ ન કહેતાં કે આનાં ભાગ્ય સારાં છે..

બચ્ચું બચી જશે તો પણ અહીંથી એનાં મા-બાપને મળવું નામુમકિન હતું. જો બચ્ચું બચી જાય તો પણ એક નવી જીંદગી, એક નવી અવસ્થા, ‘બીજી અવસ્થા’ એણે શરૂ કરવાની હતી. એક અનાથ તરીકેની અવસ્થા. અતિશય પ્રેમાળ માતા-પિતાને કાળની એક ક્રુર થપાટમાં અચાનક ગુમાવ્યાની અવસ્થા. હું એની સાથે નજરો મિલાવ્યાં સિવાય જ ત્યાંથી નિકળી ગયો. ઓફીસે પાછો ફર્યો ત્યારે બીજા પક્ષની વ્યથા નજરે પડી. આ તરફ એનાં મા-બાપ બચ્ચાંના વિરહમાં તડપતાં હતાં. દિવસ દરમિયાન આ કબુતરોએ અહીંથીં તહીં કેટલાંય આંટાફેરા કર્યાં પરંતુ હવે તેમનો બાળ ગોપાલ નહીજ મળે એવી ખાત્રી સાથે એ બંને કબુતર શૂન્યમનસ્ક ભાવે મારી સામે જોઇ રહ્યાં. પરંતુ હું તેમની સામે નજરો મિલાવી શક્યો નહીં.