PARAM SATYE books and stories free download online pdf in Gujarati

પરમ સત્યે..

આઠમી ગલ્લી એટલે ભલભલાને ત્યાંથી પસાર થતાં પરસેવો છૂટી જાય.મુંબઈની બદનામ ગુલ્લી.મુંબઈનો નામચીન ગુંડો લંબુ ઉર્ફે મનીષભાઈ ઉર્ફે મનીયો અહીં રહે.એની દુશ્મની મુસ્તાક જોડે.મુસ્તાકનો નો ધંધો ચાંદીની દાણચોરી નો.એ રહે છે ચોર બજાર પણ ક્યાં હોય તે કોઈને ના ખબર..જ્યારથી મનીષે ચાંદીની દાણચોરીમાં ઝંપલાવ્યું છે ત્યારથી આ બંને ગુંડાઓ સામસામે આવી ગયાં છે.પોલીસ ખાતું ખુશ છે. બંને ગેંગનાં ગુનેગારો આપસમાં લડીને ખતમ થઇ રહ્યાં છે. એવી અફવા ઊડે છે કે બંને જણને સ્થાનિક રાજકીય પક્ષોનો સપોર્ટ છે.

એક સીધો સાદો છોકરો મનીષ કેવી રીતે બની ગયો મનીયો તે પણ એક ચર્ચાનો વિષય હતો.ખાસ કરીને એનાં મિત્રો માટે,એનાં કુટુંબીજનો માટે.પ્રાથમિક શાળા સુધી તો કોઈ એને ઓળખતું નહીં.શાળા દરમ્યાન સત્યનાં પ્રયોગો જેવાં પુસ્તકો વાંચી ગાંધીવાદનીઅસર તેનાં મન પર પડી હતી.પરિણામે જરા,સરખો અન્યાય એ સહન કરી શકતો નહીં.આધુનિક કુટેવો જેવી કે સિગારેટ પીવી,પાન,તમાકુ કે નશીલા પદાર્થોનું સેવન કરવું,છોકરીઓ સાથે મજામસ્તી વગેરેથી દૂર રહેતો. પરિણામે તેનું મિત્ર વર્તુળ પણ નામ પુરતું હતું. એ જ્યાં રહેતો હતો તેની બાજુની રૂમમાં ત્યાંનો માથાભારે શખ્સ બાલુ કન્નાએ શરાબનો ગેરકાયદેસર ધંધો ચાલુ કર્યો. આજુબાજુવાળા લોકો પણ ત્રસ્ત હતાં.પોલીસવાળા સાદા ડ્રેસમાં આવી હપ્તા લઈ જતાં હતાં. એટલે સૌ કોઈ ફરિયાદ કરતાં ગભરાય.આખરે સત્યવાદી મનીષે પોલીસમાં કાગળ લખી ફરિયાદ કરી. પણ કશું વળ્યું નહી.મહિના પછી ગયો પોલીસચોકીમાં. ફરજ પર ના હાજર પોલીસને મનીષે ગેરકાયદેસર ચાલતી બાલુના શરાબના ધંધા વિરુધ્ધ ફરિયાદ કરી.

“ ઠીક હૈ. હમ જાંચ કરેંગે.તુમ જા શકતે હો.”

પંદર દિવસ વીત્યાં પણ બાલુનો ધંધો રોકટોક વગર ચાલતો હતો. ફરી પાછો મનીષ પોલીસચોકીએ ગયો. જેની પાસે ફરિયાદ નોંધાવી હતી તે સાહેબ બેઠો હતો. ક્યાંય સુધી પેલા સાહેબના ટેબલ પાસે ઊભો રહ્યો.પણ તેની સામે જોયું નહીં.આખરે કંટાળીને મનીષ બોલ્યો,

“ સાહેબ, હું મનીષ. તમને ગેરકાયદેસર શરાબના ધંધાની ફરિયાદ નોંધાવી હતી તેનું શું થયું?”

“ ઓહ, તારું નામ મનીષ?”

“ હા સાહેબ.”

“ તારી ચાલીમાં કેટલાં જણ રહે છે?”

“ તીસ રૂમ છે.”

“ આ લોકોને કોઈ તકલીફ નથી થતી?”

“ મને ખબર નથી.”

“ તો તને એકલાને તકલીફ છે?”

“ બીજાની ખબર નથી. પણ મને છે.”

“ શું તકલીફ છે? તમને કોઈને સતાવે છે?”

“ ના.”

“ તો તને શું વાંધો છે?”

“ આ ધંધો ગેરકાનૂની છે એનો વાંધો છે.”

“મનીષ, એક વાત સાંભળી લે.ફરીથી અહીં ન આવતો.કદાચ હોસ્પિટલના પગથિયાં ચઢવા પડશે. થોડા હમે ભી ખાને દો.સમજા ક્યા?” કહી તેને જોતો રહ્યો.

“ ઠીક હૈ સાહેબ. અબ મૈં મેરા કામ કરકે રહુંગા.”

ગુસ્સા થી લાલચોળ મનીષ એનાં વિસ્તારમાં પ્રવેશે કે બે ત્રણ છોકરાઓ તેને ઘેરી વળ્યાં.ધમકી આપી કે હવે બાલુમામા વિરુધ્ધ પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી છે તો કહી ધોલધપાટ કરી જતાં રહ્યાં.મનીષને ધોળે દિવસે તારાં દેખાયા. કોઈ અનોખા ઝનૂનથી સ્કૂટરની હેમ્લેટ પહેરી સો નંબર પર પોલીસ ને ફરિયાદ કરી કે ગણેશવાડી ગોકુળ બિલ્ડીંગમાં તોફાન થયું છે. હાથમાં હોકીની સ્ટીક લઈ અર્ધ ખૂલ્લાં બારણાને પગથી ધક્કો મારી ખોલ્યું.સૌ પ્રથમ લાઈટની મેન લાઈન બંધ કરી બાલુના માણસો પર હોકી સ્ટોકનો પ્રહાર કર્યો. ત્યાં જે લોકો હતાં તેઓ દોડાદોડી કરવા લાગ્યાં.પોલીસવાન આવી.મનીષ સામે ધાંધલ મચાવવાનો ગૂનો નોંધી અદાલતમાં રજૂ કર્યો.જામીન ભરવાની ના પાડતાં સાત દિવસની જેલ થઈ.

જેલમાં યુસુફની ઓળખ થઈ. અને એ ઓળખે મનીષાની જિંદગી બદલી નાખી.મનીષ જેલમાંથી છૂટીને ઘરે આવ્યો. તેને આશ્ચર્ય થયું.ચાલીનાં રહેવાસીઓએ સ્વાગત કર્યું.આખરે વાત સમજાણી કે બાલુ શરાબનો ધંધો બંધ કરી ભાગી ગયો હતો.આ,કામ યુસુફ દ્રારા થયું હતું જે અંધારી દુનિયાનો નામચીન ગુંડો હતો.

ભારત આઝાદ તો થયું.પણ આ લાભ સામાન્ય,માણસોને ન મળતા વગદાર લોકોને મળવા લાગ્યો.સત્યની મશાલ પકડીને દોડતા લોકો અંધકારની ચાદર પર દોડતાં રહ્યાં.જમાનાની ઠોકરો ન પચાવી શકતાંમનીષે સત્યવાદીનાં વાઘા

ફગાવી દીધાં અને જેલમાં ઓળખાણ થયેલાં યુસુફનો સંપર્ક સાધી એની ગેંગમાં જોડાઈ ગયો!.આમ મનીષનો પગ એવાં કુંડાળામાં પડી ગયો કે જ્યાંથી ફરવું એનાં માટે મુશ્કેલ બની ગયું.ઈમાનદારીનું ફળ એને મળ્યું.યુસુફની લથડીયા મારતી તબિયત ,તે દુબઈના રણમાં અલોપ થઈ ગયો અને મનીષે યુસુફનો કારોબાર સંભાળી લઈ પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું.

સરકારની ઉદાર નીતીએ સોનાની તથા ચાંદીની દાણચોરીનાં ધંધાને જમીનદોસ્ત કરી નાખ્યો.આ સાથે કેટલાંય દાણચોર ખોવાઈ ગયાં.એમાં મુસ્તાક પણ આવી ગયો.જાતજાતની અફવા સાથે તેનું નામ ભૂતકાળની વાત બની ગઈ.આ દરમિયાન મુંબઈમાં બિલ્ડીંગ બાંધવાનો ધંધો જોરશોરથી ચાલવા લાગ્યો. આ માટે બિલ્ડરોની લોબીઓને માથાભારે માણસોની જરૂર પડવા લાગી.નાનીમોટી જગા ખાલી કરાવવા મનીષ નાના નાના બિલ્ડરો ને મદદ કરવા લાગ્યો. આ માટે મનીષને સારી એવી રકમ મળવા લાગી.અને અંધારી આલમમાં મનીષ મોટાભાઈ તરીકે ઓળખાવા લાગ્યો.

બિલ્ડરો, અંધારીઆલમના ભાઈઓ, વચ્ચે એક ત્રીજો વર્ગ અસ્તિત્વમાં આવ્યો. અને આ વર્ગ એટલે નાનાંમોટાં રાજકીય પક્ષો , પોતાનું અસ્તિત્વ ટકાવવા જાતિવાદને પ્રોત્સાહન આપવા લાગ્યા.શહેરમાં નાનામોટા છમકલાં થવા લાગ્યાં.પરિણામે પોલીસ ખાતાની કરડી નજર મનીષ પર પડી, કારણ આ બધાં તોફાનોમાં તેનું નામ ચમકવા લાગ્યું હતું.નાનીમોટી ગેંગનાં કેટલાંય સભ્યો એનકાઉન્ટરમાં ખતમ થવા લાગ્યાં. મનીષને ખબર પડી કે ડીપાર્ટમેન્ટ તેને પતાવવામાં લાગી ગઈ છે.તેથી તે સતત જગા બદલતો રહેતો છૂપાવા માટે.આ ભાગાભાગીમા મનીષને ધોળે દિવસે તારા દેખાવા લાગ્યાં.

આ દરમિયાન મુંબઈમાં રાજકીય વાતાવરણમાં ગરમી આવી ગઈ.બાવરી મસ્જિદનાં તૂટવા પછી ધાર્મિક વાતાવરણ ડહોળાઈ ગયું.તે સાથે સામાજિક તેમજ રાજકીય કાર્યકરો, સંસ્થાઓ આગામી ચૂંટણીમાં પોતાની ખીચડી પકવવામાં સ્વાર્થી માર્ગે દોડવા લાગ્યાં. અચાનક એક ન સમજાય તેવી ઘટનાઓએ દાટ વાળી દીધો.મુંબઈનાં બોંબ બ્લાસ્ટથી આખો દેશ સ્તબ્ધ થઈ ગયો.આ સાથે અંધારી આલમ પણ હિન્દુ, મુસલિમ નાં ફાંટામાં વહેંચાઈ ગઈ. સરકારી મશીનરીનો ઉપયોગ સખત હાથે થવા લાગ્યો.અને એક કોમી તોફાનો વચ્ચે સૌ કોઈ અધ્ધર શ્વાસે જીવવા લાગ્યાં.એથી ય વિશેષ તો મનીષ. કારણ તેની પુત્રી અંબિકા પરણવાને લાયક થઈ ગઈ હતી.અને એ જિદ લઈને બેઠી હતી કે તેનાં લગ્ન મુંબઈમાં ભવ્ય રીતે થાય.અંબિકા કોમ્પ્યુટર એન્જીનીયરીંગ હતી. તે જેને ચાહતી હતી તે છોકરો મુંબઈનાં ભૂતપૂર્વ પ્રધાનનો છોકરો હતો.

એક બાજુ મા વગરની દીકરી ના લગ્ન, બીજી બાજુ મનીષનાં વિરોધીઓનો ગેમ પ્લાન કોઈ પણ હિસાબે મનીષનું વર્ચસ્વ તોડવું અને ત્રીજી બાજુ પોલીસનાં રેડારમા મનીષની ગતિવિધિઓનો રેકોર્ડ.

આ બધી મુસીબતોથી છૂટવા મનીષ જાતજાતનાં પ્રયત્નો કરી રહ્યો હતો.

મુંબઈથી દૂર બીજા કોઈ સ્ટેટમાં મીટીંગ યોજાઈ.કાયદા નિષ્ણાતો હતા.મનીષભાઈને સૌએ એક વાત સમજાવી કે પોલીસ ખાતું તેમનું એનકાઉન્ટર ગમે ત્યારે કરી નાખશે.માટે પોલીસ ખાતાને શરણે થવામાં તેમના જીવનની સલામતી છે.વકીલોની ફોજ કોર્ટ

માં જામીન અપાવવા પ્રયત્ન કરશે.જામીન મળે કે ના મળે જેલમાં તેઓ સુરક્ષિત રહેશે.અને પોતે પણ એક રાજકીય પક્ષની સ્થાપના કરે.કદાચ સહાનુભૂતિ તથા ડર બતાવી ચૂંટણી જીતી શકાય.

લાંબા વિચાર પછી એક મોટો પ્લાન બનાવ્યો.વાજતેગાજતે તે પોલીસ ખાતાને શરણે થયો.મીડિયામાં છવાઈ ગયો.પોલીસ પોતાનું એનકાઉન્ટર કરવાં માંગે છે નો રડતી આંખે વિડિયો પ્રસિધ્ધ કરાવ્યો. સરકારી તંત્રે વિવિધ કલમો લગાવી .કોર્ટે રિમાન્ડમાં મોકલી દીધો.કેસ ચાલ્યો.પાંચ વર્ષની જેલ થઈ.

આ દરમિયાન મનીષે પોતાની દીકરી નો લગ્નોત્સવ ધામધૂમથી ઉજવ્યો.પોતે જેલમાં હતો, તેનો અફસોસ રહ્યો.પણ દીકરી ની ઈચ્છા પૂર્ણ થઈ તેનો આનંદ પણ હતો.અને જેલમાં બેઠાં બેઠાં વિચારવા લાગ્યો કે જેલમાંથી છૂટ્યા પછી એક રાજકીય પાર્ટીની સ્થાપના કરવી જરૂરી છે. ગાંધીજીના માર્ગે જીવવા માટે આ એક સારો વિકલ્પ છે.સૌને જોઈએ છે પોતાના સ્વપ્નો સાકાર કરી શકે તેવી વ્યક્તિ. કારણ સૌને વગર કારણે પ્રસાદ જોઈએ છે!

સમાપ્ત

પ્રફુલ્લ આર શાહ.